ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ પર ફરી શું બોલ્યા ટ્રમ્પ? – ન્યૂઝ અપડેટ

બોર્ડ ઑફ પીસની બેઠકને સંબોધન કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images

ઇમેજ કૅપ્શન, બોર્ડ ઑફ પીસની બેઠકને સંબોધન કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ
વાંચવાનો સમય: 9 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરી દાવો કર્યો છે કે તેમણે 'ભારત-પાકિસ્તાનના યુદ્ધને રોકાવ્યું હતું.'

ટ્રમ્પનો દાવો છે કે તેમણે બંને દેશોને કહ્યું હતું કે જો આવી લડાઈ કરશો તો હું બંને પર 200 ટકા ટૅક્સ લગાવી દઈશ. જ્યારે પૈસાની વાત આવી તો બંને અટકી ગયા.

ડોનાલ્ડ ટ્રમ્પે 'બોર્ડ ઑફ પીસ'ની બેઠકની મેજબાની કરતાં 'ભારત-પાકિસ્તાન' વચ્ચે ગયા વર્ષે થયેલાં યુદ્ધનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું, "પાકિસ્તાનના વડા પ્રધાને અમારા ચીફ ઑફ સ્ટાફની સામે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકાવીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2.5 કરોડ લોકોની જાન બચાવી."

ટ્રમ્પે કહ્યું, "મેં બંનેને (ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ) ફોન કર્યો, મને બંને વિશે થોડી ખબર હતી. વડા પ્રધાન મોદીને હું સારી રીતે જાણતો હતો. મેં તેમને ફોન કર્યો અને કહ્યું, જો તમે લોકો આ મામલો ઉકેલતા ન ઉકેલશો તો હું બંને સાથે કોઈ ટ્રેડ ડીલ નહીં કરું. મેં કહ્યું, બંને દેશ લડશે તો હું બંને પર 200 ટકા ટૅક્સ લગાવી દઈશ."

"બંને લડવા માંગતા હતા. પરંતુ જ્યારે પૈસાની વાત આવી, તો પૈસા જેવું કંઈ નથી. જ્યારે પૈસા ગુમાવવાની નોબત આવી, તો તેમણે કહ્યું, અમે લડવા નથી માંગતા."

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાના પ્રશ્ન પર પીએમ મોદીને શું કહ્યું?

એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રોં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાના પ્રશ્ન પર પીએમ મોદીને શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રોં

દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં 'બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવા'નો પ્રશ્ન પણ ઉઠ્યો.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રોંએ કહ્યું, "ફ્રાન્સમાં અમે બાળકો અને 15 વર્ષના કિશોર-કિશોરીઓ માટે સોશિયલ મીડિયા નેટવર્ક પર રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ."

મૅક્રોંએ કહ્યું, "આ સફરમાં ઘણા યુરોપીય દેશો અમારા સાથે છે, જેમ કે ગ્રીસ અને સ્પેન."

ત્યારબાદ તેમણે પીએમ મોદી તરફ જોઈને કહ્યું, "મને ખબર છે વડા પ્રધાન જી, તમે પણ આ જૂથમાં સામેલ થશો. આ ખૂબ સારી ખબર છે કે ભારત પણ બાળકો અને કિશોરોની સુરક્ષા માટે આવી પહેલનો હિસ્સો બનશે."

મૅક્રોએ મંચ પરથી કહ્યું, "અમારા જી-7નાં કામોમાંથી એક મહત્ત્વનું કામ બાળકોને એઆઈ અને ડિજિટલ મીડિયા ના ખોટા ઉપયોગથી બચાવવાનું રહેશે. કોઈ કારણ નથી કે અમારાં બાળકો ઑનલાઇન એવી વસ્તુઓમાંથી પસાર થાય જે અસલ દુનિયામાં કાનૂની રીતે વર્જિત છે."

તેમણે અપીલ કરી, "અમારા પ્લૅટફૉર્મ, સરકારો અને નિયમ બનાવનારાઓ મળીને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ને સુરક્ષિત જગ્યા બનાવે."

મૅક્રોના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર લોકો પૂછવા લાગ્યા છે કે શું ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત થઈ શકે છે?

અમેરિકાથી મળી રહેલી ધમકીઓ વચ્ચે ઈરાને રશિયા સાથે કર્યો નૌસૈન્ય અભ્યાસ

રશિયા અને ઈરાને સંયુક્ત નૌસૈનિક અભ્યાસ કર્યો

ઇમેજ સ્રોત, Iranian Army/Handout/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા અને ઈરાને સંયુક્ત નૌસૈન્ય અભ્યાસ કર્યો

રશિયા અને ઈરાને ગુરુવારે ઓમાન સાગર અને ઉત્તર હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌસૈન્ય અભ્યાસ કર્યો. સંયુક્ત અભ્યાસના પ્રવક્તા રિયર ઍડમિરલ હસન મગસૂદલૂએ જણાવ્યું કે આ અભ્યાસનો હેતુ સુરક્ષા વધારવાનો અને સમુદ્રી સહકારને મજબૂત કરવાનો હતો.

આ અભ્યાસ એવા સમયે થયો છે, જ્યારે ઈરાનને સતત અમેરિકા તરફથી હુમલાની ધમકીઓ મળી રહી છે. અમેરિકા એ ઈરાનની પાસે યુદ્ધપોત પણ તહેનાત કર્યાં છે. જોકે, બંને દેશોની 'અપ્રત્યક્ષ' વાતચીત પણ ચાલુ છે.

રશિયાએ ગુરુવારે કહ્યું કે ઈરાનની આસપાસ તણાવ પહેલાથી વધારે વધી ગયો છે, કારણ કે અમેરિકા એ પોતાનાં સૈન્ય સંસાધનો મધ્ય પૂર્વમાં મોકલ્યાં છે. રશિયાએ ઈરાન અને બાકી પક્ષોને સંયમ અને સાવચેતી રાખવાની અપીલ કરી.

ઉલ્લેખનીય છે કે રશિયાનો ઈરાન સાથે વ્યૂહાત્મક ભાગીદારીનો કરાર છે, પરંતુ તેમાં પરસ્પર સંરક્ષણનું પ્રાવધાન નથી.

રશિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ, આ અઠવાડિયે એક રશિયન નૌસેન્ય જહાજે ઈરાની નૌસેનાની સાથે ગલ્ફ ઑફ ઓમાનમાં યુદ્ધાભ્યાસ કર્યો.

કૉંગ્રેસે ભાજપ પર વિડિયો ડિલીટ કરવાનો આરોપ લગાવ્યો

સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે 6 સપ્તાહમાં કૉંગ્રેસના એઆઈથી બનેલા 9 વીડિયો ડિલીટ કરવામાં આવ્યા

ઇમેજ સ્રોત, x/INCIndia

ઇમેજ કૅપ્શન, સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે 6 સપ્તાહમાં કૉંગ્રેસના એઆઈથી બનેલા 9 વીડિયો ડિલીટ કરવામાં આવ્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર તેમના દ્વારા બનાવાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) વિડિયો ડિલીટ કરાવી રહી છે. કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરતાં કહ્યું કે આ IT નિયમો 2021નો ઘોર દુરુપયોગ છે.

હકીકતમાં, કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવેલા AI વિડિયો પોસ્ટ કર્યા હતા. આ વિડિયો દ્વારા કૉંગ્રેસે પીએમ મોદીને પૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તક સાથે જોડાયેલા વિવાદ, ભારત-અમેરિકા ટ્રેડ-ડીલ અને ઍપસ્ટીન ફાઇલ્સ જેવા મુદ્દાઓ પર ઘેર્યા હતા.

સુપ્રિયા શ્રીનેતે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોથી AIને લઈને મોટી ચર્ચા થઈ રહી છે. તમારા સમક્ષ કેટલાંક તથ્યો મૂકી દઉં, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે."

તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 6 અઠવાડિયામાં કૉંગ્રેસના AIથી બનેલા 9 વિડિયો ડિલીટ કરાવવામાં આવ્યા છે.

"હું સ્પષ્ટ કરી દઉં કે આ બધા વિડિયો કાયદા હેઠળ બનાવવામાં આવ્યા હતા, જેમાં AI ડિસ્ક્લેમર હતાં. જે બતાવે છે કે અમે કોઈને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો નથી. પરંતુ ભાજપ અને પોતે વડા પ્રધાન મોદી સત્યથી એટલા ડરે છે કે તેઓ સત્યના 'નાટ્ય રૂપાંતરણ'થી પણ ગભરાય છે."

શ્રીનેતે આરોપ લગાવ્યો કે વિડિયો ડિલીટ કરવાનો આદેશ ભાજપ શાસિત રાજ્યોની પોલીસ તરફથી આવી રહ્યો છે, જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહાર જેવાં રાજ્ય સામેલ છે. આ પણ શક્ય છે કે 'AI વિડિયો ડિલીટ કરવાનો આદેશ સીધો IT મંત્રી અશ્વિની વૈષ્ણવના મંત્રાલયમાંથી આવ્યો હોય'.

તેમણે કહ્યું, "આમાંથી મોટાભાગના વિડિયો ડિલીટ અને બ્લૉક કરવાનો આદેશ IT અધિનિયમ, 2000 ની કલમ 69(A) અને કલમ 79(3)(B) નો હવાલો આપે છે. વિડિયો ડિલીટ કરાવવું IT નિયમો 2021 નો ઘોર દુરુપયોગ છે, જે રાજકીય વિરોધીઓ સામે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે."

પાકિસ્તાન: કરાચીમાં ગૅસ ગળતર બાદ થયો વિસ્ફોટ, 16 લોકોનાં મોત

પાકિસ્તાન: કરાચીમાં ગૅસ ગળતર બાદ થયો વિસ્ફોટ, 16 લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Rescue 1122

કરાચીના સોલ્જર બજાર વિસ્તારમાં ગૅસ ગળતર બાદ વિસ્ફોટ થયો અને તેના કારણે એક ઇમારતનો એક ભાગ પડી ગયો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થઈ ગયાં છે. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. મૃતકો અને ઘાયલોમાં બાળકો પણ સામેલ છે.

સોલ્જર બજાર પોલીસના જણાવ્યા પ્રમાણે, "આ અકસ્માત એક ખાનગી સ્કૂલ પાસે એક રહેણાક વિસ્તારમાં થયો. જાણકારી મળતાની સાથે જ પોલીસ અને રૅસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગલી સાંકડી હતી તેથી રૅસ્ક્યૂ ટીમને રાહત અને બચાવ કામગીરી કરતા ઘણી મુશ્કેલીઓ પડી.

સિંધના મુખ્ય મંત્રીના પ્રવક્તા અબ્દુલ રાશિદ ચન્નાએ નિવેદન જારી કરીને કહ્યું કે "મુખ્ય મંત્રીએ સોલ્જર બજારની ગૅસ ગળતરની ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સંબંધિત એજન્સીઓને તરત જ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના નિર્દેશ આપ્યા છે."

પીએમ નરેન્દ્ર મોદીએ એઆઈ સમિટમાં રજૂ કરેલું 'માનવ વિઝન' શું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, એઆઈ સમિટ

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ચાલી રહેલી એઆઇ ઇમ્પૅક્ટને સંબોધિત હતી અને તેમાં એમએએનએવી (માનવ વિઝન) રજૂ કર્યું હતું, તથા તેનો અર્થ પણ સમજાવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે: 'એમ' એટલે મૉલ ઍન્ડ ઍથિકલ સિસ્ટમ્સ, 'એ' એટલે ઍકાઉન્ટેબલ ગવર્નન્સ મતલબ કે પારદર્શક અને સશક્ત નિયમ, 'એન' એટલે નૅશનલ સૉવરિનિટી જેનો ડેટા એના ઉપર તેનો અધિકાર, 'એ' એટલે ઍક્સેસેબલ તથા ઇન્ક્લુયઝિવ, જેના ઉપર કોઈની મૉનૉપોલી ન હોય અને તે મલ્ટીપ્લાયર બને. 'વી' એટલે વૅલિડ અને લૅજિટિમેટ. એઆઈ લૉફૂલ અને વૅરિફાયેબલ હોવું જોઈએ.

વડા પ્રધાને કહ્યું, "ભારતનું આ માનવ વિઝન 21મા સદીમાં એઆઈ આધારિત વિશ્વમાં માનવતા અને કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ કડી બનશે."

પીએમ મોદીએ કહ્યું હતું કે એઆઈને કારણે માનવીય ક્ષમતા વધી રહી છે, જેને તેમણે 'ટ્રાન્સફૉર્મેટિવ પાવર' ગણાવી હતી.

મોદીએ કહ્યું, "એઆઇ દ્વારા મશીન વધુ ઇન્ટેલિજન્સ બની રહ્યા છે તથા માનવક્ષમતામાં અનેકગણી વૃદ્ધિ થઈ રહી છે. માત્ર એક ફરક છે કે આ વખતે સ્પીડ ખૂબ જ અભૂતપૂર્વ છે તથા તે ખૂબ જ મોટાપાયે છે."

"અગાઉ ટેકનૉલૉજીની અસર દેખાતા દાયકાઓ લાગી જતા. આજે મશીન લર્નિંગથી લર્નિંગ મશીન સુધી સફર ખૂબ જ ઝડપી છે. તે ખૂબ જ ઊંડી અને વ્યાપક છે."

તેમણે કહ્યું, "આજે મુખ્ય પ્રશ્ન એ નથી કે ભવિષ્યમાં એઆઇ શું કરી શકશે ? પ્રશ્ન એ છે કે આજે આપણે એઆઇ સાથે શું કરીએ છીએ."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "અગાઉ પણ માનવજાત સામે આ પ્રકારના સવાલ આવ્યા છે. જેનું ઉદાહરણ અણુશક્તિ છે. આપણે તેનો વિનાશ અને પ્રદાન પણ જોયા છે. એઆઇ પણ ધરમૂળથી પરિવર્તન લાવી શકે એવી શક્તિ છે."

એઆઇ સમિટ દરમિયાન માઇક્રૉસૉફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સના સ્થાને ગૅટ્સ ફાઉન્ડેશનના પદાધિકારી અંકૂર વોરા સમિટને સંબોધિત કરશે. ગૅટ્સ ફાઉન્ડેશને કહ્યું હતું કે "કાળજીપૂર્વક વિચાર કર્યા બાદ પ્રાથમિકતાઓને ધ્યાને લેતા બિલ ગૅટ્સ ભાષણ નહીં આપે, એમ જણાવવામાં આવ્યું હતું."

વિપક્ષ કૉંગ્રેસનો આરોપ છે કે સરકાર ઍપ્સ્ટીન ફાઇલ્સમાં નામ આવવા છતાં બિલ ગૅટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવી રહી છે. જોકે, બિલ ગૅટ્સના પ્રવક્તા ઍપ્સ્ટીન ફાઇલ સંબંધિત આરોપોને 'સંપૂર્ણપણે તર્કવિહિન અને સદંતર ખોટા' ગણાવી ચૂક્યા છે.

આ પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોએ કહ્યું હતું કે ભારતે જે કર્યું છે એ વિશ્વમાં અજોડ છે. આ માટે તેમણે યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) તથા 50 કરોડ ડિજિટલ આઇડીનું ઉદાહરણ ટાંક્યું હતું.

સમિટમાં ભાગ લેવા પહોંચેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ધ સિલ્વાએ કહ્યું હતું કે 'હું બંને દેશ વચ્ચે વેપાર, વ્યૂહાત્મક, તકનીકી, ઊર્જા અને કૃષિ સહિતના ક્ષેત્રે બંને દેશો વચ્ચેના સંબંધને સુદ્રઢ બનાવવા માટે ભારત આવ્યો છું.'

ટી20 વર્લ્ડકપ 2028 માટે આ 12 ટીમોનું સ્થાન પાક્કું, બાંગ્લાદેશનું શું થશે?

ટી20 વર્લ્ડકપ 2028માં કઈ કઈ ટીમો ભાગ લેશે, ટી20 વર્લ્ડકપ સુપર-8 ટીમો, ન્યૂઝી લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં ટીમો, બાંગ્લાદેશની ટીમ ટી20 વર્લ્ડકપ રમશે,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આગામી ટી20 વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝી લૅન્ડમાં રમાશે

ભારત અને શ્રીલંકા ખાતે ટી20 વર્લ્ડકપ 2026નું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ માટે સુપર-8 સ્ટેજને માટેની ટીમો અને મૅચો નક્કી થઈ ગયા છે.

જેના પગલે આઇસીસીએ (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) આગામી ટી20 વર્લ્ડકપ માટે ક્વૉલિફાય કરનારી ટીમોનાં નામોની જાહેરાત કરી દીધી છે.

આગામી ટી20 વર્લ્ડકપ ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં રમાશે. વર્ષ 2026ના વર્લ્ડકપનો બહિષ્કાર કરનારા બાંગ્લાદેશને પણ આગામી ટ્રૉફી માટે સ્થાન આપવામાં આવ્યું છે.

આઇસીસીના જણાવ્યા પ્રમાણે, ટી20 વર્લ્ડકપ 2026 દરમિયાન ગ્રૂપ સ્ટેજને પાર કરીને સુપર-8માં સ્થાન મેળવનારી ટીમોને સીધું જ ટી20 વર્લ્ડકપ માટે સ્થાન મળી ગયું છે.

આ યાદીમાં ભારત, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઝિમ્બાબ્વે અને પાકિસ્તાનની ટીમો સામેલ છે. ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડ યજમાન દેશ હોવાથી તેમને પણ ટુર્નામેન્ટમાં સીધી ઍન્ટ્રી મળી ગઈ છે.

બાકી રહેલી ત્રણ ટીમોને ટી20 રેન્કિંગના આધારે સ્થાન આપવામાં આવશે. આઇસીસીના જણાવ્યા પ્રમાણે, તા. નવમી માર્ચની આ રેન્કિંગ જાહેર કરવામાં આવશે.

જોકે, આઇસીસીએ એમ પણ જણાવ્યું હતું કે હાલમાં રેન્કિંગને અસર કરી શકે તેવી કોઈ ઇન્ટરનૅશનલ મૅચ આયોજિત નથી થઈ રહી. ત્યારે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન તથા આયર્લૅન્ડને સ્થાન મળવાનું નક્કી છે.

ઉલ્લેખનીય છે કે આગામી ટી20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લેશે. બાકી રહેલી આઠ ટીમોની જાહેરાત રિજનલ ક્વૉલિફિકેશન દ્વારા થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રીને હઠાવવા રોહિત પવારની માંગ

અજિત પવાર વિમાન અકસ્માત તપાસ, વીએસઆર એવિએશન, રોહિત પવારના આરોપ, સીબીઆઈ તપાસની માગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (એસપી) નેતા રોહિત પવારે માગ કરી છે કે જ્યાર સુધી અજિત પવારના વિમાન અકસ્માતની તપાસ થઈ રહી છે, ત્યાર સુધી નાગરિક ઉડ્ડયન મંત્રીએ પોતાના પદ ઉપરથી હઠી જવું જોઈએ.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, રોહિત પવારે કહ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન વીએસઆર ઍવિએશનની માલિકીનું હતું. જેના માલિકના દીકરાનાં લગ્ન તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે યોજાયા હતા. જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રી પણ સામેલ થયા હતા.

આવામાં હિતોના ટકરાવને કારણે તપાસની દિશા તટસ્થ નહીં રહી શકે. જો દુર્ઘટનાની પારદર્શક તપાસ થાય, તો જ કોઈ નિષ્કર્ષ નીકળી શકે એમ છે.

ઉલ્લેખનીય છે કે એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ દુર્ઘટનાની સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસની માંગણી કરી ચૂક્યા છે.

બીજી બાજુ, મહારાષ્ટ્રમાં ભાજપ-એનસીપી-શિવસેનાની યુતિ સરકાર છે. આ સરકારે સીઆઇડી તપાસના આદેશ આપ્યા છે.

બાંગ્લાદેશ : પીએમ તારિક રહમાને પહેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહ્યું?

બાંગ્લાદેશ નવી સરકાર, તારિક રહમાન, રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહ્યું, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, BTV

ઇમેજ કૅપ્શન, તારિક રહમાનના રાષ્ટ્રજોગ સંબોધનનું બીટીવી ઉપર પ્રસારણ કરવામાં આવ્યું હતું

બાંગ્લાદેશમાં નવી સરકારના ગઠન પછી વડા પ્રધાન તારિક રહમાને બુધવારે પહેલી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. બાંગ્લાદેશની સરકારી ટેલિવિઝન ચેનલ બીટીવી ઉપર રાત્રે પોણ દસ વાગ્યે તેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

બીબીસીની બાંગ્લા સેવાના જણાવ્યા પ્રમાણે, તારિક રહમાને વેપારીઓને સંદેશ આપ્યો હતો કે રમજાનના મહિના દરમિયાન સામાન્ય લોકો માટે વસ્તુઓના ભાવ વ્યાજબી રાખે. આ સિવાય તેમણે દેશમાં કાયદો-વ્યવસ્થામાં સુધાર અને ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ ઉપર પણ ભાર મૂક્યો હતો.

નવા ચૂંટાયેલા વડા પ્રધાન તારિક રહમાને કહ્યું, "નવી સરકારે અસ્થિર અર્થવ્યવસ્થા, નબળું વહીવટીતંત્ર, ફાસીવાદી યુગના ભ્રષ્ટાચાર અને કુશાસનને કારણે કથળતી જતી કાયદોવ્યવસ્થા વચ્ચે પોતાની સફર શરૂ કરી છે. અમારી મુખ્ય પ્રાથમિકતા કાયદો અને વ્યવ્સથામાં સુધાર તથા ભ્રષ્ટાચાર ઉપર કડક નિયંત્રણ લાદીને લોકોના મનમાં શાંતિ અને સુરક્ષાની ભાવનાને બહાલ કરવાની છે."

તારિક રહમાને બાંગ્લાદેશમાંથી તમામ ગૅંગોને ખતમ કરી નાખવા ઉપર પણ ભાર આપ્યો હતો.

તેમણે કહ્યું, "અમે દેશ, સરકાર તથા જનતાના અધિકારોને સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા સાથે દેશ ચલાવવાની જવાબદારી લીધી છે."

તારિક રહમાને કહ્યું, "બીએનપી સરકાર તમામ ક્ષેત્રોમાંથી અરાજકતા તથા અનિયમિતતા માટે જવાબદાર તમામ ગિરોહને ખતમ કરવા માટે દ્રઢ રીતે સંકલ્પબદ્ધ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન