You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુનિફોર્મ સિવિલ કોડ : ઉત્તરાખંડમાં લિવ-ઇનમાં રહેતા લોકો પર કેવી અસર થશે?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
હિમાલયની ગોદમાં આવેલા મનોહર રાજ્ય ઉત્તરાખંડમાં જીવનસાથી સાથે રહેવા માટે સત્તાવાળાઓને જાણ કરવાની રહેશે અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધી નવા કાયદાનું પાલન કરવાનું રહેશે.
રાજ્યની વિસ્તૃત સમાન નાગરિક સંહિતા(યુસીસી)માંની આ ચાવીરૂપ જોગવાઈએ સમગ્ર કાયદા કરતાં વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે. યુસીસી ધર્મ, લિંગ, જાતિ કે લૈંગિક અભિગમને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો માટેનો એકીકૃત કાયદો છે. આ સર્વસામાન્ય કાયદો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીનાં મૂળ ચૂંટણી વચનો પૈકીનો એક છે. ઉત્તરાખંડમાં પણ ભાજપનું શાસન છે.
ભારતના મોટા ભાગના પ્રદેશોમાં અવિવાહિત યુગલોનું સાથે રહેવું હજુ પણ સ્વીકાર્ય ગણાતું નથી. આ પ્રકારના સંબંધને સામાન્ય રીતે ‘લિવ-ઇન’ કહેવામાં આવે છે.
પ્રસ્તાવિત કાયદા મુજબ, પુરુષ અને સ્ત્રીએ રજિસ્ટ્રારને લિવ-ઇન રિલેશનશિપ સ્ટેટમેન્ટ સુપરત કરવાનું રહેશે. રજિસ્ટ્રાર તેની તપાસ 30 દિવસમાં કરશે. એ તપાસ દરમિયાન જરૂર હશે તો બંને પાર્ટનરોને ‘વધારાની માહિતી કે પુરાવા આપવાનું’ કહેવામાં આવશે. રજિસ્ટ્રાર લિવ-ઇન રિલેશનશિપ સ્ટેટમેન્ટ સ્થાનિક પોલીસને ફોરવર્ડ કરશે અને બંને પાર્ટનર 21 વર્ષથી ઓછી વયના છે કે કેમ, તે સૂચિત કરશે.
અધિકારીને પ્રાપ્ત માહિતીથી ખાતરી થશે તો તે રિલેશનશિપને રજિસ્ટર કરશે અને સર્ટિફિકેટ જાહેર કરશે. અન્યથા પાર્ટનરોને તેની પરવાનગી કેમ નહીં મળે, તેનાં કારણો જણાવશે. બેમાંથી એક પાર્ટનર વિવાહિત હશે, સગીર હશે અથવા સંબંધ માટે બળજબરી કે છેતરપિંડીથી સહમતી મેળવવામાં આવી હશે તો અધિકારી રજિસ્ટ્રેશનનો ઇનકાર કરી શકશે.
લિવ-ઇન પાર્ટનર અધિકારીને એક નિવેદન આપીને તથા તેના પાર્ટનરને એક કૉપી આપીને સંબંધ સમાપ્ત કરી શકશે. આ સંબંધની સમાપ્તિની માહિતી પોલીસને પણ આપવામાં આવશે.
કાયદા નિષ્ણાતોએ કરી ટીકા
પાર્ટનર લિવ-ઇન રિલેશનશિપ સ્ટેટમેન્ટ સુપરત નહીં કરે તો રજિસ્ટ્રાર ‘ફરિયાદ અથવા માહિતી’ને આધારે તે સ્ટેટમેન્ટ 30 દિવસમાં સુપરત કરવાની નોટિસ આપી શકશે.
સત્તાવાળાઓને જાણ કર્યા વિના એક મહિનાથી વધારે સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાથી સજા થઈ શકે છે. તેમાં ત્રણ મહિના સુધીના કારાવાસ, રૂ. 10,000 સુધીનો દંડ અથવા બંને સજાનો સમાવેશ થાય છે. ‘ખોટું નિવેદન’ આપવા બદલ કે સંબંધ વિશેની માહિતી છુપાવવા બદલ ત્રણ મહિનાના કારાવાસ તથા રૂ. 25 હજાર સુધીનો દંડ કે બંને સજા થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રસ્તાવિત કાયદાની કાયદા નિષ્ણાતોએ ટીકા કરી છે.
સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ રેબેકા જૉને કહ્યું હતું, “થોડાં વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પ્રાઇવસી એક મૂળભૂત અધિકાર છે. પુખ્તો દ્વારા પારસ્પરિક સહમતીથી એકમેકની સાથે સ્થાપિત કરવામાં આવતા અંતરંગ સંબંધ પર નિયંત્રણનો રાજ્યને અધિકાર નથી અને આ જોગવાઈને બદતર બનાવતી બાબત એ છે કે રિલેશનશિપને રજિસ્ટર્ડ ન કરાવવાથી યુગલે દંડાત્મક પરિણામ ભોગવવું પડી શકે છે. આ એક ભયાનક જોગવાઈ છે અને તેને ખતમ કરવી જોઈએ.”
ભારતમાં લિવ-ઇન સંબંધો સામાન્ય નહીં
સાચું કહીએ તો ભારતનાં મોટાં શહેરોમાં અપરિણીત યુગલોમાં આ એકદમ નવી વાત નથી, કારણ કે યુવાનો અને યુવતીઓ રોજગાર માટે સ્થળાંતર કરે છે તથા પરંપરાગત લગ્ન કરવાનું ટાળતાં રહે છે. (2018ના 1,60,000થી વધુ ઘરોને આવરી લેતા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 93 ટકા ભારતીયોએ એરેન્જ્ડ મૅરેજ કર્યાં હતાં, જ્યારે માત્ર ત્રણ ટકાએ લવ મૅરેજ કર્યાં હતાં) જોકે, યાદૃચ્છિક સર્વે મિશ્ર ચિત્ર રજૂ કરે છે.
મેં 2018માં ઇનશોર્ટ્સ ઇન્ટરનેટ મારફતે એક લાખ 40 હજાર લોકોનો સર્વે કર્યો હતો. જેમાંથી 80 ટકાની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હતી.
સર્વેમાં 80 ટકાથી વધુ લોકોનું માનવું હતું કે ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને અસમાન્ય મનાય છે. જ્યારે 47 ટકા લોકો સ્ત્રી-પુરુષની પસંદગીથી થતાં લગ્નને પ્રાધાન્ય આપે છે.
લાયન્સગેટ પ્લે દ્વારા 1,000 ભારતીયોને આવરી લેતા 2023ના એક અન્ય સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે બેમાંથી એક ભારતીય જીવનસાથીને વધુ સારી રીતે સમજવા માટે તેની સાથે રહેવાને મહત્ત્વપૂર્ણ માને છે.
પાછલાં અમુક વર્ષોમાં ભારતીય કોર્ટોએ પણ લિવ-ઇન રિલેશનશિપ અંગે નાપસંદગી વ્યક્ત કરી ટિપ્પણીઓ કરી છે.
દિલ્હીની એક અદાલતે 2012માં લિવ-ઇન રિલેશનશિપને અનૈતિક ઠેરવ્યા હતા, તેને માત્ર ‘શહેરી ઘેલછા’ ગણાવી હતી અને તેને 'પશ્ચિમી સંસ્કૃતિની કુખ્યાત પેદાશ' તરીકે ફગાવી દીધી હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટ તેની સમર્થક બની રહી છે. એક અભિનેત્રી પરના જાહેર શિષ્ટાચારના ઉલ્લંઘનના આરોપ સંબંધી કેસમાં અદાલતે 2010માં યુગલોના સાથે રહેવાના અધિકારને સમર્થન આપ્યું હતું. લિવ-ઇન રિલેશનશિપ દેશમાં સામાજિક રીતે અસ્વીકાર્ય હોવા છતાં આવો સંબંધ ‘અપરાધ કે પાપ’ નથી એવો ચુકાદો આપતાં અદાલતે 2013માં સંસદને લિવ-ઇન રિલેશનશિપમાં મહિલાઓ તથા બાળકોની સલામતી માટે કાયદો ઘડવા વિનંતી કરી હતી. (ઉત્તરાખંડના વિવાદાસ્પદ પ્રસ્તાવિત કાયદામાં ત્યક્તા મહિલા તેના લિવ-ઇન પાર્ટનર પાસેથી ભરણપોષણની માગણી કરી શકે છે અને આ સંબંધથી જન્મેલા બાળકને કાયદેસરનું ગણવામાં આવશે.)
ઘણાને ડર છે કે ઉત્તરાખંડનો કાયદો ઘણા આવાં યુગલોને દૂર કરી શકે છે. મકાનમાલિકો “અનરજિસ્ટર્ડ” યુગલોને ઘર ભાડે આપવામાં ખચકાટ અનુભવી શકે છે.
ઘણા એવું પણ કહે છે કે જે દેશમાં 2011 પછી વસતીગણતરી જ કરવામાં આવી નથી, એ દેશમાં લિવ-ઇન યુગલોની ગણતરી અને રજિસ્ટ્રેશનનો વિચાર અજબ લાગે છે.