રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવાથી કૉંગ્રેસને ફાયદો થશે કે નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
આ મહિને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સમારોહમાં સામેલ થવા માટે અંદાજે 7 હજારથી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 3000થી વધુ વીવીઆઈપી લોકો સામેલ છે.
વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે રામમંદિરના ઉદ્ઘાટન માટે તમામ રાજકીય પક્ષોના મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીથી લઈ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી સુધીના અગ્રણી નેતાઓને આ સમારોહનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સીતારામ યેચુરીએ કહ્યું છે કે તેઓ આ સમારોહમાં ભાગ નહીં લે. જ્યારે કૉંગ્રેસ સહિત ‘ઇન્ડિયા’ ગઠબંધનના અન્ય દળોએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ સમારોહમાં જશે કે નહીં જાય.
શું કૉંગ્રેસ મથામણમાં ફસાઈ ગઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક દિવસો પહેલાં આવેલા મીડિયા અહેવાલોમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધી આ સમારોહમાં ભાગ લેશે.
પરંતુ ગત શુક્રવારે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સમારોહમાં સામેલ થશે કે નહીં તેનો નિર્ણય યોગ્ય સમયે લેવાશે.
અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફે’ બુધવારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસ પણ આ સમારોહમાં સામેલ થશે તેની પ્રબળ સંભાવનાઓ છે.
પક્ષના એક વરિષ્ઠ નેતાએ આ અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમની લડાઈ ભાજપ સામે વૈચારિક અને રાજકીય છે અને પક્ષ રામમંદિરના વિરોધમાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ નેતાએ અખબારને એમ પણ કહ્યું હતું કે, “અમે આરએસએસ-ભાજપથી વધુ ધાર્મિક છીએ અને તેઓ ધર્મનો ઉપયોગ માત્ર રાજકીય ફાયદા માટે જ કરે છે. અમે બિલકુલ સાંપ્રદાયિક નથી અને તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. અમારે રામમંદિરનો બહિષ્કાર કેમ કરવો જોઈએ?”
22 જાન્યુઆરીએ થનારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. તેઓ બપોરે સવા બાર વાગ્યે ગર્ભગૃહમાં અનુષ્ઠાન શરૂ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઑગસ્ટ, 2020ના દિવસે અયોધ્યામાં રામમંદિરની આધારશિલા મૂકી હતી.
રામમંદિર આંદોલનમાં ભાજપ હંમેશાંથી આગળ રહ્યો છે અને વિશ્લેષકો અયોધ્યામાં બની રહેલા રામમંદિરનો શ્રેય ભાજપ અને આરએસએસને જ આપે છે.
કેમ નિર્ણય નથી લઈ રહી કૉંગ્રેસ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ બધી પરિસ્થિતિઓ વચ્ચે એ સવાલ ઊઠી રહ્યો છે કે કૉંગ્રેસ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા બાબતે કોઈ નિર્ણય કેમ નથી લઈ રહી?
આ સવાલ પર વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી પણ આશ્ચર્ય વ્યક્ત કરે છે અને કહે છે કે 90ના દાયકામાં કૉંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં કાયદાકીય રીતે અથવા વાતચીતને આધારે રામમંદિરના નિર્માણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. એટલે કૉંગ્રેસે તો આ સમારોહમાં જવું જોઈએ.
તેઓ કહે છે, "1992માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ રામમંદિરનો મુદ્દો ચૂંટણીમાં ક્યારેય નિર્ણાયક રહ્યો નથી પરંતુ આ વખતે મંદિરના નિર્માણનો શ્રેય પીએમ મોદીને આપવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરી પછી લોકોની નજરમાં મંદિર જેટલું જ મહત્ત્વપૂર્ણ નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ રહેશે. આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ મુદ્દા લઈને જ લોકો પાસે જશે."
"આ કારણથી જ કૉંગ્રેસને લાગે છે કે તેણે ભાજપના કાર્યક્રમમાં શા માટે જવું જોઈએ. કારણ કે તેનો સીધો ફાયદો ભાજપને જ થશે. પરંતુ ત્યાં નહીં જવાથી ભાજપ એ કૉંગ્રેસની છબીને હિંદુ વિરોધી તરીકે રજૂ કરશે. આ કારણોસર કૉંગ્રેસ મૂંઝવણમાં મૂકાયેલી છે."
ટેલિગ્રાફે તેના અહેવાલમાં કૉંગ્રેસના નેતાને ટાંકીને કહ્યું છે કે કૉંગ્રેસનેતૃત્ત્વ મૂંઝાયેલું છે તેવા સમાચાર ભાજપને ફાયદો પહોંચાડવા માટે મીડિયા દ્વારા રચાયેલું કાવતરું છે.
કૉંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ ટેલિગ્રાફ અખબારને કહ્યું, "અમે દરેક જગ્યાએ મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારામાં જઈએ છીએ તો રામમંદિરના ઉદ્ઘાટનમાં શા માટે ન જવું જોઈએ? સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલા નેશનલ ટ્રસ્ટે અમને આમંત્રિત કર્યા છે."
મુસ્લિમોનું દબાણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના જ સહયોગી પક્ષ એવા ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયૂએમએલ)એ કૉંગ્રેસના સમારોહમાં જવાની વાતનો વિરોધ કર્યો છે.
કેરળમાં કૉંગ્રેસના નેતા અને કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય શશી થરૂરે આ કાર્યને ભાજપનો રાજકીય સમારોહ ગણાવ્યો છે.
તેમણે 28 ડિસેમ્બરે ટ્વીટ કર્યું હતું કે, “હું માનું છું કે જે લોકોને મંદિરના અભિષેક માટે આમંત્રિત કરવામાં આવ્યા છે તેઓ તેમની મરજી મુજબ જવું કે નહીં તેની પસંદગી કરવા માટે સ્વતંત્ર હશે. હું આશા રાખું છું કે જેઓ નહીં જાય તેઓને હિંદુ વિરોધી કહેવામાં નહીં આવે. જે જશે તેના પર ભાજપના હાથમાં રમવાનો આરોપ નહીં લગાડવામાં આવે.”
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિનોદ શર્મા કહે છે કે મુસ્લિમ સમુદાયને રાજકારણીઓના આ કાર્યક્રમમાં હાજરી આપવા સામે કોઈ વાંધો નથી.
વિનોદ શર્મા કહે છે, "આ મુસ્લિમ સમુદાયે રામમંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકાર્યો છે. એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે કે રાજકીય પક્ષોના નેતાઓ ત્યાં જશે તો મુસ્લિમો ગુસ્સે થશે. પરંતુ તેનાથી મુસ્લિમોને કોઈ ફરક નથી પડતો. કૉંગ્રેસ ત્યાં જઈને તેના મુસ્લિમ મતો નહીં ગુમાવે.”
નીરજા ચૌધરી કહે છે કે કેરળ કૉંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે એવા કેટલાંક રાજ્યોમાંથી એક છે જ્યાં કૉંગ્રેસ મજબૂત છે અને તે તેના સહયોગી આઈયૂએમએલને નારાજ કરવા માંગતી નથી.
તેઓ કહે છે, "90 ટકા હિંદુઓ મંદિરના નિર્માણથી ખુશ છે અને આ સત્ય છે. રાષ્ટ્રીય પક્ષ (કૉંગ્રેસ) તેને કેવી રીતે અવગણી શકે? ભાજપે રામનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો છે. કૉંગ્રેસ રામના મુદ્દાને કેવી રીતે હૅન્ડલ કરશે તે તેમની સામે પડકાર છે."
વીપી સિંહ અને પીવી નરસિંમ્હા રાવ પણ એવું કહી ચૂક્યા છે કે, 'આપણે ભાજપ સામે તો લડી લઈશું પણ રામ સામે કેવી રીતે લડીશું. કૉંગ્રેસ સામે એક વિચિત્ર પરિસ્થિતિ કાયમથી રહી છે અને તેની પાસે આ મુદ્દાનો સામનો કરવા કોઈ કાઉન્ટર નેરેટિવ નથી."
"જો કૉંગ્રેસ આ સમારોહમાં નહીં જાય, તો ભાજપ એ બતાવવાનો પ્રયત્ન કરશે કે તેઓ (કૉંગ્રેસ) હિંદુ હિતની ચિંતા કરતા નથી. આઈયૂએમએલ પહેલેથી જ ચેતવણી આપી ચૂકી છે તેથી ભાજપ એવું બતાવવાનો પ્રયત્ન કરશે કે તેઓ 'મુસ્લિમ પક્ષ'ના ડરથી ગયા નહીં."
કૉંગ્રેસને સમારોહમાં જવાથી ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2019માં રામમંદિર પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ નિવેદન જાહેર કરીને આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
વિનોદ શર્મા કહે છે કે, “પૂર્વ સચિવ માધવ ગોડબોલેએ લખ્યું હતું કે આ મુદ્દો ‘રામાયણનું મહાભારત’ છે જેની ચર્ચા બંધ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ફેંસલાએ આ મુદ્દાને સમાપ્ત કરી દીધો છે.”
કૉંગ્રેસના સમારોહમાં જવાથી લાભ થશે કે નુકસાન? આ સવાલ પર વિનોદ શર્મા કહે છે, “જો કૉંગ્રેસ નહીં જાય તો ભાજપ દરેક જગ્યાએ જશે અને એ વાતનો પ્રચાર કરશે કે કૉંગ્રેસે ભગવાન રામનું અપમાન કર્યું અને તેઓ શરૂઆતથી જ ભગવાન રામના વિરોધી છે. જૂના મુદ્દાઓને ઊખાડવાનો પ્રયત્ન કરવામાં આવશે પરંતુ તથ્ય એ છે કે રાજીવ ગાંધીની સરકારના સમયે જ મંદિરના દરવાજા ખુલ્યા હતા.”
વર્ષ 1996માં એક જિલ્લા કોર્ટના ચુકાદા પછી બાબરી મસ્જિદનાં તાળાં ખોલી નાખવામાં આવ્યાં હતાં અને રામલલાની મૂર્તિ રાખવામાં આવી હતી.
રાજકીય સોદેબાજી

ઇમેજ સ્રોત, Getty Images
એવું માનવામાં આવે છે કે રાજીવ ગાંધીની સરકારે (તે સમયે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પણ હતી) બાબરી મસ્જિદનાં તાળાં એટલા માટે ખોલી દીધાં હતાં કારણ કે તેમણે છૂટાછેડા લેનાર મુસ્લિમ મહિલા શાહબાનોના કેસ અંગે સુપ્રીમ કોર્ટ આપેલા નિર્ણયને બદલી નાખ્યો હતો. આ સમગ્ર મામલે કૉંગ્રેસે રાજકીય સોદો કર્યો હોવાનું કહેવાય છે.
શાહબાનો ઇન્દોરનાં મુસ્લિમ મહિલા હતાં. સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના કેસમાં તેમના પતિને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રાજીવ ગાંધીએ સંસદ દ્વારા કોર્ટના આ નિર્ણયને પલટી નાખ્યો હતો. રાજીવ ગાંધી પર શાહબાનો કેસમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આરોપ હતો.
વિનોદ શર્મા કહે છે કે, “કૉંગ્રેસની એક સર્વસમાવેશક વિચારધારા રહી છે જેમાં તમામ પ્રકારના લોકો છે, તેથી આવા કાર્યક્રમમાં જવું એ તેની વિચારધારાની વિરુદ્ધ નથી.”
"કૉંગ્રેસે એ જ સ્વરૂપ પાછું હાંસલ કરવું પડશે જેમાં તે લઘુમતીઓના હિતોની ચિંતા કરે છે, પરંતુ તેણે એવું કોઈ કામ કરવું ન જોઈએ જે તેને બહુમતી વિરોધી બનાવે."
2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણય સમયે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે દરેક નાગરિકે કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને સામાજિક સમરસતા જાળવવી જોઈએ.
જોકે, એ પણ હકીકત છે કે બાબરી મસ્જિદનું તાળું ખોલવામાં આવ્યું ત્યારથી લઈને રામની મૂર્તિ મૂકવા અને બાબરી મસ્જિદના ધ્વંસ સુધી કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી.












