માધબી પુરી બુચ પર એક પછી એક આરોપો અને ઊઠી રહેલા સવાલો જેના જવાબ હજુ સુધી મળ્યા નથી

માધબી પુરી બુચ, સેબી, અદાણી, હિન્ડનબર્ગ, કથિત નાણાકીય ગેરરીતિ, લાભ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બુચ
    • લેેખક, નિખિલ ઇનામદાર અને અર્ચના શુક્લ
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ટૉપ ફંડ મૅનેજર્સે બીબીસીને કહ્યું છે કે ભારતના શૅરબજાર નિયંત્રક સેબી પર પોતાના પ્રમુખ સામે મોટેપાયે થઈ રહેલા આરોપો પછી વિશ્વસનીયતાનો ખતરો ઊભો થયો છે.

સિક્યૉરિટી અને ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા(સેબી)નાં ચૅરપર્સન માધબી પુરી બુચ સામે કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ જેવા અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, તેમણે તેમાંથી અનેક આરોપોને ફગાવ્યા છે પરંતુ જાહેરમાં તેના વિશે કંઈ કહ્યું નથી.

આ બધું એવા સમયે બન્યું છે કે જ્યારે ભારતના શૅરબજારમાં તેજીનો માહોલ ચાલી રહ્યો છે અને આ વર્ષે તે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બજાર સાબિત થયું છે.

વિદેશી રોકાણકારોએ અંદાજે 6 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે અને બીજા અનેક કરોડો એવા રોકાણકારો આવ્યા છે કે જેઓ ઓછા અનુભવી છે. આ નવા રોકાણકારોએ ઝડપથી નવાં ખાતાં ખોલીને મ્યુચ્યુઅલ ફંડ્સ અને આઈપીઓમાં રોકાણ શરૂ કર્યું છે.

માધબી પુરી બુચ પર શું આરોપો છે?

માધબી પુરી બુચ, સેબી, અદાણી, હિન્ડનબર્ગ, કથિત નાણાકીય ગેરરીતિ, લાભ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માધબી પુરી બુચ સામે અનેક આરોપો લાગ્યા છે

બુચ માટે મુશ્કેલી ત્યારે શરૂ થઈ કે જ્યારે અમેરિકાની શૉર્ટ-સૅલર કંપની હિંડનબર્ગ રિસર્ચે તેમનાં અને તેમના પતિ પર આરોપો લગાવ્યા.

રિસર્ચ કંપનીનો આરોપ છે કે તેમણે વિદેશીફંડમાં રોકાણ કર્યું હતું જેનો ઉપયોગ અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના કારણે સેબી અદાણી સામેના કેસમાં છેતરપિંડી અને માર્કેટ મૅનિપ્યુલેશનના આરોપોની તપાસમાંથી હાથ ખંખેરી રહી છે.

ત્યારપછી અનેક આરોપો સામે આવ્યા છે.

મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે બુચ પર એ કંપની પાસેથી ભાડાની આવક લેવાનો આરોપ લગાવ્યો છે જેની સામે તેઓ તપાસ કરી રહ્યાં છે. પાર્ટીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ આઈસીઆઇસીઆઇ બૅન્કમાંથી નાણાકીય લાભ લઈ રહ્યાં છે જેમાં તેમણે અગાઉ પણ કામ કર્યું હતું. તેમના પર આરોપ છે કે તેઓ નોકરી પછી પણ આર્થિક લાભ લઈ રહ્યાં છે.

આઈસીઆઈસીઆઈ ભારતની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા કંપની છે. કૉંગ્રેસનો આરોપ છે કે બૅન્ક છોડ્યા પછી પણ બુચે ઍમ્પ્લોયી સ્ટૉક ઑનરશિપ પ્લાન્સ (ESOPs) હેઠળ મોટી રકમ મેળવી હતી.

અગ્રણી મીડિયા કંપની ઝી ઍન્ટરટેઇનમેન્ટ ઍન્ટરપ્રાઇઝિસના માનદ અધ્યક્ષ સુભાષચંદ્રા ગોયલે બુચ પર તેમની કંપની અને સોની ઍન્ટરપ્રાઇઝિસ વચ્ચે થનારા મર્જરને મંજૂરી ન આપવાનો આરોપ મૂક્યો છે. એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે "હું નિશ્ચિતપણે માનું છું કે સેબીના અધ્યક્ષ ભ્રષ્ટ છે" અને તેમને "બદલો લેનારાં" તરીકે વર્ણવ્યા.

સુભાષચંદ્રા હાલમાં ભંડોળના દુરુપયોગના આરોપમાં સેબીની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. તેના કારણે તેમના પર લિસ્ટેડ કંપનીઓમાં મુખ્ય હોદ્દા પર રહેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સેબીની અંદરથી પણ ઉઠ્યો અવાજ

માધબી પુરી બુચ, સેબી, અદાણી, હિન્ડનબર્ગ, કથિત નાણાકીય ગેરરીતિ, લાભ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સેબીની કચેરી

આ બધા આરોપો છતાં પણ નકારાત્મક બાબત જો કોઈ હોય તો એ છે સેબીની અંદર જ સતત વધતો જતો અસંતોષ જે હવે સાર્વજનિક રીતે બહાર આવી ગયો છે.

પાંચ સપ્ટેમ્બરે ગુસ્સે થયેલા કર્મચારીઓએ સેબીની મુખ્ય ઑફિસની બહાર એક અસાધારણ વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમણે આ પ્રદર્શનમાં બુચનાં રાજીનામાની માંગ કરી હતી. એ પહેલાં અંદાજે 1000 કરતાં પણ વધુ કર્મચારીઓએ કથિત ‘નુકસાનકારક વર્ક કલ્ચર’ની ફરિયાદ કરતાં નાણાં મંત્રાલયને પત્ર લખ્યો હતો, જેના વિશે સ્થાનિક મીડિયામાં અહેવાલો પણ આવ્યા હતા.

આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે મીટિંગોમાં ‘વધુ પડતો દબાવ’ અને ‘ઉંચા અવાજે બોલવું, ગુસ્સો કરવો, આબરુ ન રહે તે રીતે વર્તન કરવું’ એ બધું સામાન્ય બની ગયું છે.

સેબીએ જાહેરમાં આ દાવાઓને નકારતાં કહ્યું હતું કે, “જુનિયર અધિકારીઓને કદાચ બાહ્યતત્ત્વોએ અવળે માર્ગે દોર્યાં છે.”

જોકે, ગુરુવારે જ વિરોધપ્રદર્શન કરનારા આ કર્મચારીઓએ આ નિવેદનને તત્કાળ પાછું ખેંચી લેવાની માગ કરી હતી.

કયા સવાલો છે યથાવત

માધબી પુરી બુચ, સેબી, અદાણી, હિન્ડનબર્ગ, કથિત નાણાકીય ગેરરીતિ, લાભ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસે પણ કર્યું હતું વિરોધપ્રદર્શન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક સ્વતંત્ર બિઝનેસ વિશ્લેષક હેમિંદ્રા હજારી કહે છે, “આ બહુ અજીબ છે. કાલ સુધી આરોપો બહારથી લાગી રહ્યા હતા હવે અંદરની સમસ્યાઓ બહાર આવી છે. કંઇક તો ખોટું છે.”

બુચે પોતાનો મજબૂતી સાથે બચાવ કર્યો છે. હિંડનબર્ગ કેસમાં લગાવાયેલા કોઈ પણ પ્રકારના કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટના દાવાને તેમણે ફગાવી દીધા છે.

ત્યાં આઈસીઆઈસીઆઈ બૅન્કથી પગાર કે ઈએસઓપીઝ લેવાના દાવાને ફગાવતા તેમણે કહ્યું કે બૅન્ક છોડ્યા બાદ માત્ર નિવૃત્તિના લાભ લીધા હતા.

સેબી ચીફે અત્યારસુધી પ્રદર્શનકારી કર્મચારીઓ કે સુભાષચંદ્રાના નિવેદન પર જાહેરમાં કંઈ જ કહ્યું નથી.

સેબીનો પક્ષ જાણવા બીબીસીએ જ્યારે તેમનો સંપર્ક કર્યો તો તેમના તરફથી કોઈ ટિપ્પણી પ્રાપ્ત થઈ શકી નથી.

ભારતના ચર્ચિત મૅનેજમેન્ટ સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ- અમદાવાદથી ભણેલાં બુચ ઘણા પ્રકારે અનોખાં છે. તેઓ સેબીનું નેતૃત્વ કરનારાં પ્રથમ મહિલા તથા સૌથી યુવા ચૅરપર્સન છે. તેઓ પહેલા એવાં પ્રમુખ છે જેઓ પ્રાઇવેટ કૉર્પોરેટ પૃષ્ઠભૂમિમાંથી આવ્યાં હોય.

વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમને સેબીમાં સુધાર લાવવાનો શ્રેય આપવામાં આવે છે જેમાં કડક ઇન્સાઇડર ટ્રેડિંગ નિયમો તથા ઑડિટિંગ ફ્રેમવર્ક લાગુ કરવાનો સમાવેશ થાય છે. પરંતુ તેમના પર જ તેમની પોતાની નાણાકીય બાબતોમાં પારદર્શિતાને નજરઅંદાજ કરવાનો આરોપ લાગ્યો છે.

વિશેષજ્ઞો સવાલ ઉઠાવે છે કે શું સેબી ઉચ્ચ અધિકારીઓ પાસે એ જ માનક પર કામ કરાવે છે જેની તે સરકારી કંપનીઓ પાસે આશા રાખે છે.

આર્થિક મામલાનાં વરિષ્ઠ પત્રકાર સુચેતા દલાલ 'મનીલાઇફ પત્રિકા'માં એક લેખમાં લખે છે, “આ મુદ્દાની જડમાં નિયામક સંસ્થાઓ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓની સંપત્તિ સાથે જોડાયેલી જાણકારી છે. કારણકે તેમની પાસે અપ્રકાશિત સંવેદનશીલ જાણકારી હોય છે. તેમના ઑર્ડર તથા ચુકાદાઓ શૅરબજાર પર અસર કરી શકે છે. તેથી કડક પાલન અને ડિસ્ક્લૉઝર નિયમોની જરૂર હોય છે.”

દલાલ લખે છે કે નિયામક સંસ્થાઓના પ્રમુખો માટે વિકસિત દેશોમાં કાયદાઓ કડક છે. ઉદાહરણ તરીકે તેઓ એવી કંપનીમાં રોકાણ કરી શકતા નથી જેમાં રોકાણ કરવાથી કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ પેદા થઈ શકે.

તેઓ કહે છે કે આઈસીઆઈસીઆઈ બૅન્કના નિવેદનમાં સ્ટૉક ઑપ્શનની નીતિ મામલે કેટલીક ખામીઓ છે જેને કારણે આ મુદ્દો ઉકેલાવાને બદલે ગૂંચવાઈ ગયો છે.

શેરબજારનું શું છે ભવિષ્ય

માધબી પુરી બુચ, સેબી, અદાણી, હિન્ડનબર્ગ, કથિત નાણાકીય ગેરરીતિ, લાભ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

સેબી જેવી સંસ્થાના નિયામકોની સામાન્ય રીતે રાજનૈતિક કે ખાનગી ક્ષેત્રોમાંથી નિયુક્તિ થાય છે. સેબી એક બૉર્ડની માફક કામ કરે છે, જેમાં નાણાવિભાગ, કેન્દ્રીય બૅન્ક તથા કેન્દ્ર સરકારના નામિત સભ્યો હોય છે.

ઇનગવર્ન રિસર્ચના શ્રીરામ સુબ્રમણ્યન કહે છે કે 'બુચ મામલો' માત્ર સેબી માટે જ નહીં પરંતુ તેમાં ભારતીય નિયામકો જેવા કે ઇન્સ્યોરન્સ વૉચડૉગ કે કૉમ્પિટિશન કમિશન માટે પણ એક પદાર્થ-પાઠ છે. જેથી તેઓ વધુ મજબૂત ડિસ્ક્લોઝર પ્રક્રિયા અપનાવે.

સુબ્રમણ્યન કહે છે, “આ વધુ પારદર્શિતા લાવશે.”

જોકે હાલ રોકાણકારો વિતેલા મહિનાઓની ઘટનાથી વિચલિત દેખાતા નથી.

એક રોકાણકારે કહ્યું, “ગ્લોબલ રોકાણકાર એમ પણ ભારતમાં રોકાણ કરવા સમયે એર રિસ્ક પ્રીમિયમ આપે છે. તેથી તેઓ તેને નજરઅંદાજ જ કરશે.”

હજારી કહે છે કે જો આ વિવાદ મોટો થશે તો હાલત ખરાબ થઈ શકે છે.

તેમનું આકલન છે, “જો અનુપાલન સાથે જોડાયેલી આંતરિક ચેતવણી બહાર આવશે તો સંસ્થાગત રોકાણ આપણા બજારની બહાર થઈ શકે છે. અને આવું કંઇક થયું તો ધીરે-ધીરે રોકાણકારો પણ બજારની બહાર જતા રહેશે.”

સેબીની અંદર અને બહાર વધતા દબાણ વચ્ચે માધબી પુરી બુચનો સામનો હવે પોતે પદ છોડશે કે નહીં એ સવાલ સાથે થઈ રહ્યો છે.

ભારતના પૂર્વ નાણાસચિવ સુભાષ ગર્ગે પત્રકાર બરખા દત્તને જણાવ્યુ કે ‘કેટલાંક સપ્તાહો પહેલાં તેમની સ્થિતિ અસ્થિર હતી પરંતુ હવે તેમના માટે પરિસ્થિતિ બગડી રહી છે.’

માધબી પુરી બુચનું રાજીનામું આપવું અથવા તો સરકાર દ્વારા તેમને પદ પરથી હઠાવવું એ અપરાધની સ્વિકૃતિ જેવું થશે. અને તે માધબી પુરી બુચ ન ઇચ્છે છે, ન સરકાર.

શૅરબજારના ત્રણ જાણકારોએ બીબીસીને જણાવ્યું કે આખા વિવાદનો નિચોડ એ આવશે કે સરકાર તેમને ઍક્સ્ટેન્શન નહીં આપે. તેમનો કાર્યકાળ જાન્યુઆરી, 2025માં સમાપ્ત થાય છે.

હજારી જણાવે છે, “મારા માટે હેરાન કરનારી બાબત એ છે કે સરકાર આ મામલે ચૂપ છે. હવે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. જ્યારે શૅરબજારના નિયામક પર ગંભીર આરોપ લાગે છે તો સરકાર કે ન્યાયપાલિકા જ કોઈ ભરોસાપાત્ર તપાસ કરાવી શકે છે.”

લોકોએ પણ કહ્યું કે સેબીએ બૉર્ડથી આગળ આવીને જાહેરમાં આરોપોનો જવાબ આપવો જોઈએ.

પોતાનું નામ ન બતાવવાની શરતે શૅરબજારમાં રોકાણ કરનારી એક કંપનીના અધિકારીએ જણાવ્યું કે વિદેશી રોકાણકાર એ જોશે કે સરકાર આ મામલે કેવું વલણ અખત્યાર કરે છે અને તેની સામે કેવી કાર્યવાહી કરે છે.

તેઓ કહે છે કે ભવિષ્યમાં રોકાણકારોનો મત આ જ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને પ્રભાવિત થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.