You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના 'સિલિકૉન વૅલી'માં અંગ્રેજી ભાષા સામે આંદોલન કેમ શરૂ થયું?
- લેેખક, નિખિલા હેન્રી
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
નવા વર્ષની પૂર્વ સંધ્યા પર દક્ષિણ ભારતના શહેર બૅંગલુરુ (જેને ઘણી વાર વૈશ્વિક આઈટી અગ્રણીઓનું ઘર હોવાથી ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે)માં કેટલાક પ્રદર્શનકારીઓએ અંગ્રેજીમાં લખેલાં બોર્ડમાં તોડફોડ કરી હતી.
વિરોધકર્તાઓની માગણી છે કે શહેરની સ્થાનિક ભાષા કન્નડમાં બોર્ડ લખવામાં આવે.
કર્ણાટક રક્ષણા વેદિકે (કેઆરવી)નો આ વિરોધ સરકાર પર એ કાયદાને અમલમાં મૂકવા પર ભાર આપે છે, જે અંતર્ગત શહેરમાં દરેક ડિસ્પ્લે બોર્ડ પર 60 ટકા સંદેશ કન્નડ ભાષામાં હોવા અનિવાર્ય છે.
કેઆરવીને ભારતના મુખ્ય રાજકીય પક્ષો તરફથી થોડો ટેકો મળ્યો, જેણે હિંસાની નિંદા કરતા કહ્યું કે કન્નડ ભાષાના બોર્ડની માગ કરવામાં કોઈ નુકસાન નથી.
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ એક સ્થાનિક ન્યૂઝ ચેનલને કહ્યું, "અંગ્રેજી સિવાય કન્નડમાં લખવામાં શું વાંધો છે? આ ઇંગ્લૅન્ડ નથી."
કન્નડ ભાષા પર ભાર
આમાં કંઈ આશ્ચર્યજનક નથી, કારણ કે ભારત 300થી વધુ ભાષાનું ઘર છે. ભાષાકીય ઓળખનો દાવો સામાન્ય છે.
દાખલા તરીકે, કર્ણાટકના પડોશી રાજ્ય તામિલનાડુમાં તમિળ ભાષા સમર્થકોએ 1930ના દાયકાથી "તામિલનાડુ તમિળો માટે છે" નારો આપ્યો છે.
1947માં ભારતને આઝાદી મળ્યા પછી દેશમાં ભાષાને આધારે એક જ ભાષા બોલતા પ્રદેશોને જોડીને અનેક રાજ્યોની રચના કરાઈ હતી. કર્ણાટક પણ 1956માં રચાયેલું એક એવું જ રાજ્ય હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેઆરવી દાયકાથી દાવો કરી રહ્યું છે કે કન્નડ અને તેને બોલનારા લોકોને આ મહાનગરીય શહેરમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. આ શહેરમાં દેશ અને દુનિયાના લોકો કામ કરે છે અને રહે છે.
એક રિપોર્ટ અનુસાર, બૅંગલુરુમાં દસમાંથી ચાર લોકો મૂળભૂત રીતે શહેરની બહારના છે. જોકે શહેરની વસ્તીનો બે તૃતીયાંશ ભાગ કર્ણાટકના લોકોનો છે.
પ્રવાસીઓના ધસારાને કારણે કેટલાક સ્થાનિકોને લાગે છે કે તેઓ ટૂંક સમયમાં શહેરમાં લઘુમતી બની જશે.
કેઆરવીની "કન્નડ ફર્સ્ટ"વાળી માગ ભાષાકીય રાષ્ટ્રવાદમાંથી ઉદભવે છે. આ ભાવના દશકોથી ઘડાઈ રહી છે.
સાંસ્કૃતિક ઇતિહાસકાર જાનકી નાયર એક સંશોધનપત્રમાં કહે છે કે, કન્નડ બોલનારાઓએ સૌપ્રથમ 1920ના દાયકામાં અલગ રાજ્યની માગ કરી હતી.
કન્નડ રાષ્ટ્રવાદ
શ્રીમતી નાયરનું કહેવું છે કે, શરૂઆતમાં કન્નડ રાષ્ટ્રવાદીઓ અંગ્રેજી સહિત અન્ય ભાષાઓ પ્રત્યે ઉદાર હતા.
તેઓ લખે છે એક કન્નડ રાષ્ટ્રવાદીએ તો ત્યાં સુધી કહ્યું કે, "અંગ્રેજી આપણી સાંસ્કૃતિક અને રાજકીય ભાષા છે. સંસ્કૃત આપણી આધ્યાત્મિક અને શાસ્ત્રીય ભાષા છે અને કન્નડ આપણી મૂળ અને બોલચાલની ભાષા છે."
કન્નડ વિદ્વાન મુઝફ્ફર અસદીએ બીબીસીને જણાવ્યું હતું કે, "શરૂઆતમાં આ ભાષાકીય આંદોલન ક્યારેય સશક્ત નહોતું, કારણ કે તે મુખ્યત્વે કન્નડ ભાષા અને સાહિત્યના વિકાસ માટે કહેવાયું હતું. જોકે હાલના પ્રદર્શને આંદોલન પર કબજો કરી લીધો છે."
વિદ્વાનોનું કહેવું છે કે ઉગ્ર વિરોધ 1980ના દાયકામાં શરૂ થયો હતો અને અંગ્રેજી સામે વિરોધ કરતાં પહેલાં કન્નડ રાષ્ટ્રવાદીઓએ અન્ય ભારતીય ભાષાઓ- સંસ્કૃત, તમિળ, ઉર્દૂ અને હિન્દીનો વિરોધ કર્યો હતો.
1982ના ગોકાક આંદોલનથી પ્રથમ વિરોધ થયો હતો, જેમાં સંસ્કૃતને બદલે કન્નડને શાળાઓમાં એકમાત્ર પ્રથમ ભાષા બનાવવાની માગ કરાઈ હતી.
કન્નડ ફિલ્મ ઉદ્યોગે આ વિરોધપ્રદર્શનને ટેકો આપ્યો હતો. સુપરસ્ટાર રાજકુમારે ચળવળનું નેતૃત્વ કર્યું હતું.
પછી 1991માં તામિલનાડુ વિરુદ્ધ વિરોધપ્રદર્શનો થયાં હતાં, જેણે બૅંગલુરુ અને મૈસૂર શહેરને ઝપેટમાં લીધાં હતાં.
આ વિવાદ બંને રાજ્યોમાંથી પસાર થતી કાવેરી નદીમાં પાણીની વહેંચણીને લઈને હતો. તમિળ ભાષીઓ કે કન્નડ ભાષીઓ બંનેમાંથી એક પણ ઇચ્છતા નહોતા કે અન્ય રાજ્યો પાસે પાણીનો મોટો હિસ્સો હોય.
ભારતીય ભાષાઓનો વિરોધ
બાદમાં જ્યારે 1996માં દૂરદર્શને ઉર્દૂ ભાષામાં પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારે મોટો વિરોધ ફાટી નીકળ્યો. એક દાયકા પછી 2017માં કેઆરવીની આગેવાની હેઠળ કન્નડ રાષ્ટ્રવાદીઓએ હિન્દીનો વિરોધ કર્યો.
દેખાવકારોએ બૅંગલુરુ મેટ્રો લાઇન પરનાં સાઇન બોર્ડ અને સાર્વજનિક જાહેરાતોમાંથી હિન્દીને દૂર કરવાની માગ કરી હતી.
"નમ્મા મેટ્રો, હિન્દી બેડા," એટલે કે ‘આપણી મેટ્રોમાં હિન્દી નહીં’ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડમાં રહ્યું હતું.
1990ના દાયકામાં ભારતના આઇટી ઉદ્યોગમાં તેજ આવી અને અંગ્રેજી બોલતા કામદારોની માગ વધી તો કન્નડ રાષ્ટ્રવાદીઓએ અંગ્રેજી સામે વિરોધ કરવાનું શરૂ કર્યું.
અનેક કન્નડ ભાષીઓની ચિંતા હતી કે અન્ય રાજ્યોના અંગ્રેજી ભાષીઓ તેમની નોકરીઓ છીનવી રહ્યા છે.
કેઆરવીએ 1980ના દાયકાની સરોજિની મહિષી સમિતિની ભલામણ મુજબ "ભૂમિપુત્રો" માટે ક્વૉટા અથવા હકારાત્મક પગલાંના અમલીકરણની માગ કરવાનું શરૂ કર્યું.
કેઆરવીના પદાધિકારીઓ કહે છે કે તેઓ અન્યની અપેક્ષા પ્રાદેશિક ભાષાઓને ટેકો આપે છે, કારણ કે ભારતના સંઘવાદમાં પ્રાદેશિક સ્વાયત્તતા સમાહિત છે.
તેમનું કહેવું છે કે અંગ્રેજીમાં લખેલાં સાઇન બોર્ડ તેના આડે આવે છે. તેઓ ઉમેરે છે કે તેઓ બહુરાષ્ટ્રીય કંપનીઓની વિરુદ્ધ નથી, જ્યાં કામ માટે અંગ્રેજી મહત્ત્વપૂર્ણ છે.
કેઆરવીના સંગઠન સચિવ અરુણ જવગલ આઇટી ક્ષેત્રમાં કામ કરે છે. તેમનું કહેવું છે કે, "અમે માત્ર એવું વિચારીએ છીએ કે કન્નડ અને કન્નડ ભાષીઓને પ્રાથમિકતા મળવી જોઈએ."
કન્નડ ભાષીઓનો એક વર્ગ કેઆરવીની માગનું સમર્થન કરે છે. જવગલનો દાવો છે કે તેમના સંગઠનને બૅંગલુરુ સહિત રાજ્યમાં ઘણું સમર્થન છે.
બ્રાન્ડ બૅંલગુરુનું શું થશે?
તાજેતરનો વિરોધ અને અંગ્રેજીથી કન્નડમાં ફેરફાર 'બ્રાન્ડ બૅંગલુરુ'ની વૈશ્વિક છબીને અસર કરી શકે છે?
આ સવાલ પર રાજ્યમાં વેપારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફેડરેશન ઑફ કર્ણાટક ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (એફકેસીસીઆઈ)નું કહેવું છેકે એવું નહીં થાય.
એફકેસીસીઆઈના પ્રમુખ રમેશચંદ્ર કહે છે, "આ બૅંગલુરુમાં કામ કરતા મહેનતુ લોકો છે જેણે 'બ્રાન્ડ બૅંગલુરુ'નું નિર્માણ કર્યું છે અને સાઇન બોર્ડ બદલાશે તો પણ તેઓ સારું કામ કરવાનું ચાલુ રાખશે."
તેમણે કહ્યું કે મેં વેપારી સંસ્થાઓને કાયદાનું પાલન કરવા અને સાઇન બોર્ડમાં મહત્તમ કન્નડનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
સાઇન બોર્ડ બદલવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી છે. કેઆરવીના નેતાઓનું કહેવું છે કે જો યુરોપિયન દેશોમાં તેમની સ્થાનિક ભાષાઓમાં બિલબોર્ડ હોઈ શકે, તો કર્ણાટક પણ એવું કરી શકે છે. કર્ણાટકની વસ્તી છ કરોડથી વધુ છે, જેનો મોટા ભાગનો હિસ્સો કન્નડ ભાષીઓનો છે.