You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : ઍક્ઝિટ પોલ ક્યારે સાચા પડ્યા, ક્યારે ખોટા?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં મતદાન પૂરું થયા બાદ ઍક્ઝિટ પોલના આંકડા જાહેર કરાઈ રહ્યા છે.
બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં કે પછી સ્વતંત્ર રીતે પોતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું. ભૂતકાળમાં એક કરતાં વધુ વખત બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર બનાવટી સરવે ફરતા થયા છે.
મોટાભાગના ઍક્ઝિટ પોલના અનુમાન પ્રમાણે ફરી ગુજરાતમાં ભાજપને બહુમતી મળી રહી છે.
'ન્યૂઝ ઍક્સ'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 117થી 140 બેઠકો મળી શકે છે. જ્યારે કૉંગ્રેસ-એનસીપીને 34-51 બેઠકો મળી શકે છે. તો આપને આ ઍક્ઝિટ પોલમાં 6-13 બેઠકો અપાઈ છે.
'ટીવી 9 ગુજરાતી'ના ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 125થી 130 બેઠકો મળી શકે એમ છે, જ્યારે આ ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસ-એનસીપીને 40-50 બેઠકો અપાઈ છે અને આપને 3-5 બેઠકો અપાઈ છે.
'રિપબ્લિક ટીવી' અને 'P-Marq'ના અનુમાન મુજબ, ભાજપને 128થી 148, કૉંગ્રેસને 30થી 42, આપને બેથી 10 તથા અન્યોને શૂન્યથી ત્રણ બેઠક મળી શકે છે. ભાજપને 48.2 ટકા, કૉંગ્રેસને 32.6 ટકા, આપને 15.4 ટકા, તથા અન્યોને 3.8 ટકા મત મળે તેવી શક્યતા છે.
મીડિયા હાઉસનું અનુમાન છેકે આપને 2.8 તથા અન્યોને 9.5 ટકા મત મળતા જણાય છે. આપને શૂન્યથી એક તથા અન્યોને એકથી ચાર બેઠક મળી શકે છે.
ઇન્ડિયા ન્યૂઝ - જન કી બાતના અનુમાન પ્રમાણે, ભાજપને 44થી 49 ટકા સાથે 117થી 140 બેઠક મળી શકે છે. 182 બેઠકવાળી વિધાનસભામાં બહુમત માટે 92 બેઠક જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે કૉંગ્રેસને 28થી 32 ટકા સાથે 51થી 34, આપને 19થી 12 ટકા મત સાથે 13થી 6 તથા અન્યોને બે બેઠક મળી શકે છે.
ભારતના કોઈ પણ ચૂંટણી હોય ત્યારે મતદાન બાદ ઍક્ઝિટ પોલ જાહેર થતા હોય અને તેમાં અનુમાન મૂકવામાં આવે છે કે કોને કેટલી સીટ મળશે.
આ અનુમાન ક્યારેક સાચાં હોય છે અને ક્યારેક સાવ ખોટાં પણ સાબિત થતાં હોય છે. ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીઓ અને પરિણામો પર નજર કરીએ તો આ વાત વધુ સ્પષ્ટ થતી જોઈ શકાય છે.
2004માં અનુમાન ખોટાં પડ્યાં
ઍક્ઝિટ પોલમાં ઘણી વાર એવું પણ થતું હોય છે કે જે સર્વે અને ધારણા બાંધવામાં આવી હોય એનાથી ઊલટું પરિણામ આવતું હોય છે.
2004ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ઍક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની પાર્ટીઓને બહુમતી મળશે એવું દર્શાવાયું હતું.
તમામ સર્વેની આગાહીઓ એનડીએ માટે અનુકૂળ જણાતી હતી.
એનડીટીવી-એસી નીલ્સન ઍક્ઝિટ પોલમાં એનડીએને 230-250 અને કૉંગ્રેસને 190-205 બેઠકોની આગાહી કરવામાં આવી હતી, જ્યારે અન્યને 100-120 બેઠકો મળવાની ધારણા હતી.
આજતક ORG-MARG ઍક્ઝિટ પોલે પણ એનડીએને 248 અને કૉંગ્રેસને 190 બેઠકો આપી હતી, જ્યારે અન્ય માટે 105 બેઠકોની ધારણા બાંધી હતી.
સ્ટારન્યૂઝ સી-વોટર સર્વેમાં એનડીએ માટે 263-275, કૉંગ્રેસ માટે 174-186 અને અન્ય માટે 86-98ની આગાહી કરાઈ હતી.
ટૂંકમાં ઍક્ઝિટ પોલમાં સરેરાશ એનડીએને 252 બેઠકો આપી હતી, જ્યારે વાસ્તવમાં એનડીએને 181 બેઠકો મળી હતી.
તો ભાજપને માત્ર 138 બેઠકો મળી હતી અને કૉંગ્રેસને 145 બેઠકો મળી હતી.
તો 2009માં પણ ઍક્ઝિટ પોલમાં એનડીએને 187 અને યુપીએને 196 બેઠકો મળવાની ધારણા હતી, પણ વાસ્તવિક પરિણામો અનુક્રમે 159 અને 262 રહ્યાં હતાં.
ઉત્તર પ્રદેશની ચૂંટણીના ઍૅક્ઝિટ પોલ
અગાઉ થયેલી 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે પણ ઍક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનશે તેવી ધારણા બંધાઈ હતી.
અને પરિણામો તારણોની આસપાસ આવ્યાં હતાં.
ઉત્તર પ્રદેશની 403 સીટ માટે અનેક ઍક્ઝિટ પોલમાં ભાજપને ફરીથી બહુમતીનું અનુમાન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયા ટુડે ઍક્સિસના ઍક્ઝિટ પોલ અનુસાર ભાજપને ઉત્તર પ્રદેશમાં 288થી 326 સીટનું અનુમાન કરવામાં આવ્યું હતું, જ્યારે સમાજવાદી પાર્ટી માટે 71થી 101 સીટનું અનુમાન હતું. તો કૉંગ્રેસને એકથી ત્રણ સીટ મળી શકે તેવું અનુમાન હતું.
ટાઇમ્સ નાઉ-વેટો (VETO) અનુસાર પણ ભાજપને 225, સમાજવાદી પાર્ટી ગઠબંધનને 151, બીએસપીને 14, કૉંગ્રેસને નવ અને અન્ય પાર્ટીઓને ચાર સીટનું અનુમાન હતું.
જ્યારે પરિણામ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી પક્ષોના ગઠબંધનને 273 બેઠકો મળી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીને 125, કૉંગ્રેસને બે, બહુજન સમાજ પાર્ટીને એક અને અન્ય પક્ષોને બે બેઠકો મળી હતી.
ભાજપને વર્ષ 2017ની ચૂંટણીની સરખામણી આ ચૂંટણીમાં 49 બેઠકોનું નુકસાન થયું હતું. જ્યારે સમાજવાદી પાર્ટીને 73 બેઠકોનો લાભ થયો હતો.
સામે પક્ષે કૉંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને અનુક્રમે પાંચ અને 18 બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું હતું.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ ડૉટ કૉમના અહેવાલ પ્રમાણે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી વખતે પણ ઍક્ઝિટ પોલનાં અનુમાન ખોટાં ઠર્યાં હતાં.
ભારતના રાજકીય પરિદૃશ્યમાં મોટા ઊલટફેરવાળી આ ચૂંટણી વખતે પણ ઘણી એજન્સીઓ અને સંસ્થાઓ દ્વારા કરાયેલાં અનુમાન ખોટાં ઠર્યાં હતાં.
અહેવાલ પ્રમાણે ભાજપના વડપણવાળી નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ)ને 272 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. પરંતુ ભાજપ સહિત એનડીએને આ ચૂંટણીમાં 336 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી.
એટલે કે અનુમાન કરતા ભાજપ સહિત એનડીએને વધારે સીટો મળી હતી.
પાછલાં 30 વર્ષોમાં પ્રથમ વખત કોઈ પાર્ટી કે પાર્ટીઓના સંગઠનને નીચલા ગૃહમાં 'સ્પષ્ટ બહુમતી' મળી હતી. જે બાદ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ મળ્યું હતું.
પંજાબમાં ધારણા પ્રમાણે પરિણામ આવ્યાં
ગત પંજાબ વિધાનસભાની વાત કરીએ તો પંજાબમાં વિધાનસભાની કુલ 117 સીટ છે અને બહુમતી માટે 59 સીટ જરૂરી છે.
અનેક ઍક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળે તેવી ધારણા બાંધવામાં આવી હતી.
ઇન્ડિયા ટુડે ઍક્સિસ અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળે તેવી વાત કરાઈ હતી.
ઍક્ઝિટ પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને કુલ 117 સીટોમાંથી 76થી 90 સીટ, કૉંગ્રેસને 19થી 31 સીટનું અનુમાન હતું. તો અકાલી દળને સાતથી અગિયાર સીટનું અનુમાન હતું.
તો પરિણામ પણ ધારણા પ્રમાણેનાં રહ્યાં હતાં.
આમ આદમી પાર્ટીએ કુલ 117 વિધાનસભાની બેઠકોમાંથી 92 બેઠકો મેળવી સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. જ્યારે તત્કાલીન સત્તાપક્ષ કૉંગ્રેસ માત્ર 18 બેઠકો જ મેળવી શકી હતી.
બીજી તરફ શિરોમણિ અકાલી દળ અને સહયોગી પક્ષને ચાર બેઠકો મળી હતી. તેમજ અન્યને ત્રણ બેઠકો મળી હતી.
નોંધનીય છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીને 20 બેઠકો મળી હતી અને કૉંગ્રેસે 77 બેઠકો મેળવીને સરકાર રચી હતી. શિરોમણિ અકાલી દળ અને ભાજપના ગઠબંધને કુલ 19 બેઠકો મળી હતી અને બે બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી.
વર્ષ 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી
વર્ષ 2013માં દિલ્હીમાં પ્રથમ વખત સત્તાની ધુરા સંભાળનાર અરવિંદ કેજરીવાલની સરકારે રાજીનામું આપ્યા બાદ વર્ષ 2015માં દિલ્હીમાં ફરી ચૂંટણી યોજાઈ હતી.
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી આ ચૂંટણીમાં પણ મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને વધુ માર્જિન સાથે નહીં પરંતુ સ્પષ્ટ બહુમતી મળશે તેવું અનુમાન વ્યક્ત કરાયું હતું.
જોકે આપને ચૂંટણી પરિણામ બાદ 70માંથી 67 બેઠકો મળી હતી. ભાજપને ત્રણ બેઠકો મળી હતી જ્યારે કૉંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી નહોતી શકી.