ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ માટે સહમત, અમેરિકા સહિત કોણે શું કહ્યું?

પહલગામ ઉગ્રવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભો થયેલો તણાવ અચાનક જ સંઘર્ષવિરામમાં પરિણામ્યો છે.

આ વાતની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. એ પછી પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને ભારતના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી હતી.

ટ્રમ્પ તથા તેમની સરકારના પદાધિકારીઓના કહેવા પ્રમાણે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે અમેરિકાએ મધ્યસ્થતા કરી હતી.

ભારતનું કહેવું છે કે સંઘર્ષવિરામ માટે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે સંપર્ક સાધ્યો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે પોતાના સાર્વભૌમત્વ અને સૈન્ય વિસ્તારની સુરક્ષા કરી છે.

ભારતના મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે આ મામલે સંસદનું સત્ર બોલાવીને સમગ્ર ઘટનાક્રમ વિશે તમામ વિરોધપક્ષોને વિશ્વાસમાં લેવાની માગ કરી છે.

અમેરિકાએ મધ્યસ્થી કરી હોવાનું કહ્યું

ભારતીય સમય મુજબ બપોરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, "યુએસએની મધ્યરાત્રિની મધ્યસ્થતાને પગલે ભારત અને પાકિસ્તાન પૂર્ણપણે અને તાત્કાલિક સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. મને તેની જાહેરાત કરતા ખુશી થાય છે. સામાન્ય વિવેક અને બુદ્ધિમતાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત અંગે ધ્યાન આપવા બદલ આભાર ! "

અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોએ બંને દેશો વચ્ચે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે કેવા પ્રયાસ કર્યા હતા તેના વિશે સોશિયલ મીડિયા પર લખ્યું.

અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોએ ઍક્સ પર લખ્યું, 'ગત 48 કલાક દરમિયાન મેં અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અસીમ મલિક અને ભારત-પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી.'

'મને એ વાતની જાહેરાત કરતા ખુશી થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક અસરથી સંઘર્ષવિરામ માટે સહમત થયા છે. તેઓ બંને દેશ વચ્ચે પ્રવર્તમાન મુદ્દાઓ પર તટસ્થ સ્થળે વાતચીત કરવા માટે સહમત થયા છે.'

'શાંતિ માટે વડા પ્રધાન મોદી, શરીફના શાણપણ, સાવધાની અને મુત્સદ્દીપણાની અમે પ્રશંસા કરીએ છીએ.'

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષવિરામ અંગે પહેલી પ્રતિક્રિયા આપી

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષવિરામ અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે.

શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે નેતૃત્વ લેવા અને સક્રિય ભૂમિકા ભજવવા બદલ અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનીએ છીએ."

"આ પરિણામ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ પાકિસ્તાન અમેરિકાની પ્રશંસા કરે છે, પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે અમે આનો (સંઘર્ષવિરામ) સ્વીકાર કર્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તથા માર્કો રૂબિયોએ પણ દક્ષિણ એશિયામાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે જે ભૂમિકા ભજવી, તેના માટે આભાર માનીએ છીએ."

શહબાઝ શરીફે લખ્યું, "પાકિસ્તાનનું માનવું છે કે આ એ મુદ્દે સમાધાનની દિશામાં આગળ વધવાની નવી શરૂઆત છે, જેના કારણે આ વિસ્તાર હંમેશાં ત્રસ્ત રહે છે અને તેના કારણે આ પ્રદેશની શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાના રસ્તામાં અવરોધ ઊભો થયો છે."

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ અને પૂર્ણ સંઘર્ષવિરામ અંગે સહમતિ સધાઈ હોવાની માહિતી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર આપી હતી.

ભારત અને પાકિસ્તાને શું કહ્યું?

શનિવારે સવારે ભારતીય વિદેશ મંત્રાલયે વિશેષ પત્રકારપરિષદ બોલાવી હતી, જેમાં શુક્રવારની રાત્રે પાકિસ્તાન દ્વારા ભારતના સરહદી રહેણાક વિસ્તારોમાં ડ્રૉન તથા મિસાઇલ હુમલા થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ સિવાય ભારતે કહ્યું હતું કે તેણે પાકિસ્તાનના ત્રણ ઍરબેઝ પર હુમલા કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું અને ભારતનાં સુરક્ષામથકો સલામત છે.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી અતાઉલ્લાહ તરારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "પાકિસ્તાન જવાબ આપવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે."

અતાઉલ્લાહ તરારે કહ્યું, "પાકિસ્તાને ઉશ્કેરણી નથી કરી અને પાકિસ્તાન જવાબ આપવાનો અધિકાર ધરાવે છે. આક્રમકતાનો જવાબ આપવાનો પૂરેપૂરો અધિકાર (અમારા) દેશની સેના પાસે છે."

આ અંગે વધુ એક સવાલ પૂછાતા અતાઉલ્લાહ તરારે કહ્યું હતું, "પાકિસ્તાને માત્ર સૈન્ય ઠેકાણાં ઉપર જ નિશાન સાધ્યું હતું."

જોકે સાંજે લગભગ પાંચ વાગ્યા 40 મિનિટ આસપાસ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી ઇસાક ડારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. પાકિસ્તાને પોતાના સાર્વભૌમત્વ અને વિસ્તારનું સમાધાન કર્યા વગર આ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા ઇચ્છી છે."

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંક્ષિપ્ત નિવેદન દ્વારા સંઘર્ષવિરામ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું : "પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે (ડીજીએમઓ) ભારતીય સમય પ્રમાણે બપોરે ત્રણ વાગ્યા 35 મિનિટે ભારતના ડીજીએમઓને કોલ કર્યો હતો."

"ભારતીય સમય મુજબ, સાંજે પાંચ વાગ્યાથી બંને દેશ જમીન, હવા તથા દરિયાઈ સૈન્યકાર્યવાહી બંધ કરી દેશે. ફાયરિંગ તથા મિલિટરી કાર્યવાહી બંધ કરી દેશે."

"બંને પક્ષોને સૂજ મુજબ નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું હતું. બંને દેશોના ડીજીએમઓ 12મી મેના બપોરે બાર વાગ્યે વાત કરશે."

પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતીય નૌકાદળના કમોડોર આર. રઘુ નાયરે કહ્યું, "સીઝફાયર અંગે જે સહમતિ સધાઈ છે, તેનું સેના પાલન કરશે, પરંતુ ભારતની સંપ્રભુતા જળવાઈ રહે તે માટે સશસ્ત્રબળો સતર્ક રહેશે."

પત્રકારપરિષદ દરમિયાન વાયુદળનાં વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે કહ્યું કે પાકિસ્તાને "ભ્રામક પ્રચાર અભિયાન" ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાને કહ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાની મસ્જિદોને ટાર્ગેટ કરવામાં આવી હતી, આ વાતને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે નકારી હતી.

વ્યોમિકાસિંહે કહ્યું હતું, "ભારતીય સશસ્ત્રબળો તમામ ધર્મનાં ધાર્મિકસ્થળોનું સન્માન કરે છે."

તેમણે કહ્યું, "ભારતીય સેનાએ એવાં સ્થળોને નિશાને લીધાં હતાં કે જ્યાં આતંકવાદી કૅમ્પ હતા તથા જેનો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થતો હતો. હું કહેવા ચાહીશ કે ભારતીય સશસ્ત્રબળોએ કોઈ ધાર્મિક સ્થળને ટાર્ગેટ નથી કર્યું."

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ઍક્સ પર લખ્યું, "આતંકવાદના તમામ સ્વરૂપ વિરુદ્ધ ભારત સતત કઠોર અને નહીં ઝૂકવાનું વલણ અપનાવ્યું છે. તે આમ કરવાનું ચાલુ રાખશે."

તેમના આ નિવેદનને માર્કો રૂબિયોએ રિટ્વિટ કર્યું હતું.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે લખ્યું, "વૉશિંગ્ટન ડીસીથી (અમેરિકાની રાજધાની) થયેલી અનપેક્ષિત જાહેરાતોને પગલે વડા પ્રધાન સર્વદળીય બેઠક બોલાવી અને તમામ પક્ષોને વિશ્વાસમાં લે. જેથી કરીને સંકટની આ ઘડીએ રાષ્ટ્રીયહિતોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, જેમાં ગત અઢાર દિવસ દરમિયાનની ઘટનાઓ અને વિશેષ કરીને પહલગામની આતંકવાદી હુમલાથી લઈને અત્યાર સુધીની સ્થિતિ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવે અને આગળની દિશા નક્કી કરવામાં આવે. જેથી કરીને દેશ એકજૂથ થઈને સામૂહિક સંકલ્પનું પ્રદર્શન કરી શકે."

ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલાને પગલે મોદી સરકાર દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી, જેમાં તમામ પક્ષોએ સરકાર જે કોઈ નિર્ણય લે તેમાં સાથે રહેવાની વાત કહી હતી.

પહલગામ હુમલો અને પછી શું થયું ?

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરની બેસરન ઘાટી ખાતે ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 25 ભારતીય અને એક નેપાળી સહિત 26 પર્યટકોનાં મોત થયાં હતાં.

મૃતકોમાં ત્રણ ગુજરાતી સહિત 25 પર્યટક ઉપરાંત એક સ્થાનિકનો સમાવેશ થતો હતો.

એ પછી બંને દેશો વચ્ચે લાઇન-ઑફ-કંટ્રોલ પર ગોળીબારના સમાચાર આવ્યા હતા.

ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને મોકૂફ કરી દીધી હતી, દિલ્હીસ્થિત રાજદ્વારી સ્ટાફ ઘટાડવાની, ઇસ્લામાબાદથી ભારતના વધારાના રાજદ્વારી સ્ટાફને પરત બોલાવવાની, વાઘા સરહદેથી વેપાર બંધ કરવાની જાહેરાત કરી હતી.

સામે પક્ષે પાકિસ્તાને 1972ના શિમલા કરારને મોકૂફ કરી દેવાની, ભારતીય હવાઈ જહાજો માટે પાકિસ્તાનની હવાઈ સીમા બંધ કરવી, ઇસ્લામાબાદ ખાતેથી ભારતીય રાજદ્વારી સ્ટાફને પરત મોકલવા જેવાં પગલાંની જાહેરાત કરી હતી.

એ પછી ભારતે પાકિસ્તાનના કોઈ પણ દરિયાઈ જહાજને ભારતીય બંદર ઉપર નહીં લાંગરવા માટે સૂચના આપી હતી.

બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે પત્રકારપરિષદ ભરીને જાહેરાત કરી હતી કે ભારતીય સેના તથા ભારતીય વાયુદળે સાથે મળીને 'ઑપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન