You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બે વર્ષથી સતત સફેદ ઈંડું આપતી મરઘીએ 'વાદળી ઈંડું' આપ્યું, આ રહસ્યને શોધવા ડૉક્ટરો પણ કામે લાગ્યા
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બૅંગ્લુરુથી, બીબીસી માટે
જેવી રીતે પરિવારના લોકો બાળકના જન્મ માટે મીટ માંડીને બેઠા હોય છે, બરાબર એ જ રીતે કર્ણાટકના એક ગામમાં પશુચિકિત્સકની ટીમ એક મરઘી ઈંડું આપે એની રાહ જોઈ રહી છે.
આ વાત સાંભળવામાં અજીબ લાગે છે કે પશુચિકિત્સક મરઘી ઈંડું આપે એની રાહ જોઈ રહ્યા છે. જોકે આ મરઘી પણ અસામાન્ય છે.
આ મરઘીના માલિકનો દાવો છે કે તેમની મરઘીએ 'વાદળી ઈંડું' આપ્યું છે. તમે ઠીક વાંચ્યું, વાદળી ઈંડું.
કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા સૈયદ નૂરે બીબીસીને જણાવ્યું કે, "બે વર્ષ તેમણે નાનકડા મરઘીના બચ્ચા સ્વરૂપે તેને ખરીદ્યું હતું. શનિવારે તેણે સફેદ ઈંડું આપ્યું. આવું એ બે વર્ષથી દરરોજ કરતી આવી રહી છે. સોમવારે, તેણે વાદળી ઈંડું આપ્યું."
શું કોઈ નસલનું પક્ષી વાદળી ઈંડું આપે ખરું?
સાધારણ અસીલ નસલ (એશિયન નસલ)ની મરઘી સતત દસ દિવસ સુધી ઈંડાં મૂકે છે. એ બાદ લગભગ 15 દિવસ સુધી એ ઈંડાં નથી દેતી.
પરંતુ નૂર દાવો કરે છે કે તેમની મરઘીએ "ગત બે વર્ષમાં દરરોજ ઈંડું મૂક્યું છે."
આ અસામાન્ય રંગના ઈંડાની જાણકારી વિસ્તારમાં ફેલાવા લાગી, જે બાદ ઘણા લોકો ઘણા લોકો આને જોવા માટે દાવણગેરે જિલ્લાના ચન્નાગિરિ તાલુકાના નેલ્લોર ગામમાં સૈયદ નૂરના ઘરે પહોંચવા લાગ્યા.
મોહમ્મદ નદીમ ફિરોઝ કર્ણાટક વેટરિનરી, એનિમલ ઍન્ડ ફિશરીઝ યુનિવર્સિટીમાં મરઘાપાલન વિજ્ઞાનના પૂર્વ પ્રોફેસર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ વાત પર વિશ્વાસ કરવો એ થોડું મુશ્કેલ છે."
તેમનું આ વાત કહેવાનું મુખ્ય કારણ એ છે કે ઈંડાનો રંગ ન તો સામાન્ય સફેદ છે ન ભૂરો. એ કાળોય નથી, જે મધ્ય પ્રદેશનાં જંગલોમાં મળી આવતી કડકનાથ નસલની મરઘી આપે છે.
પ્રોફેસર નદીમ ફિરોઝ જણાવે છે કે મરઘીના ચાર પ્રકાર હોય છે. એશિયન નસલ (જેમ કે ભારતમાં લોકપ્રિય અસીલ નસલની મરઘી), અંગ્રેજી નસલ (જે કૉર્નિશ કહેવાય છે), મધ્યપૂર્વમાં મળી આવતી નસલ (જેને લેયર્સ કહેવાય છે, આ મરઘીઓ સફેદ ઈંડાં આપે છે) અને અમેરિકન નસલ.
દાવણગેરે જિલ્લાના ચન્નાગિરિ તાલુકામાં પશુપાલન અને પશુચિકિત્સા વિજ્ઞાન વિભાગમાં સહાયક નિદેશક ડૉક્ટર અશોકકુમાર જીબી કહે છે કે, "મેના જેવાં લગભગ દસથી 15 પક્ષી એવાં છે જે વાદળી રંગનું ઈંડું મૂકે છે."
તેઓ કહે છે કે, "પરંતુ આ વાદળી ઈંડું એ દુર્લભ મામલો છે, ભારતમાં આ વાત અસામાન્ય છે."
ડૉક્ટરો કરી રહ્યા છે તપાસ
ડૉક્ટર અશોક જણાવે છે કે, "આ નસલની મરઘીઓ વર્ષમાં 100થી 126 ઈંડાં મૂકે છે. આ મરઘીઓ સતત દસ દિવસ સુધી રોજ એક ઈંડું આપે છે અને આગામી 15 દિવસ ઈંડાં નથી મૂકતી. એ બાદ સતત 15 દિવસ સુધી દરરોજ એક ઈંડું આપે છે."
"અમે આ મરઘીની નિરીક્ષણ કરી રહ્યા છીએ અને વિભાગના અધિકારીઓને એક રિપોર્ટ મોકલશું. શરીરમાં રહેલા લીવર એટલે કે યકૃતથી એક બાઇલ પિગમેન્ટ (એક પ્રકારનું પિત્ત) નીકળે છે, જેને બિલિવર્ડિન કહે છે. બની શકે કે એ વધુ પ્રમાણમાં નીકળ્યું હોય અને આવીને ઈંડાંના છોતરા પર જામી ગયું હોય."
"આની પુષ્ટિ માટે અમારે વારંવાર તપાસ કરવાની રહેશે અને એ જરૂરી છે કે આ મરઘી અમારી સામે ઈંડું મૂકે. તો જ અમે કોઈ વાતની પુષ્ટિ કરી શકીશું અને આનું લોહી અને છોતરાને તપાસ માટે મોકલી શકીએ. અમારે એ વાત જાણવી પડશે કે ઈંડાના છોતરાનો રંગ વાદળી કેમ અને કેવી રીતે થયો."
ડૉક્ટર અશોકે કહ્યું, "અમે સંબંધિત ડૉક્ટરને કહ્યું છે કે આ મરઘીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે, પરંતુ અમે ત્યારે જ તપાસ કરી શકીશું જ્યારે એ વાદળી રંગનું ઈંડું આપશે."
ઈંડાનો રંગ વાદળી કેમ થયો, જ્યાં સુધી આ સવાલનો જવાબ ન મળી જાય ત્યાં સુધી સૈયદ નૂરે એ "વાદળી ઈંડા"ને ફ્રીઝમાં રાખ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન