'પતિ બે મહિના પહેલાં ગુજરી ગયા, હવે મકાન પણ ગયું' - ઇસનપુરમાં જેમનાં મકાનો તોડી પડાયાં એ મહિલાઓની કફોડી સ્થિતિ

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદના ઇસનપુરમાં લગભગ 925થી વધુ મકાનો (સરકારી અંદાજ પ્રમાણે) તોડી પાડવામાં આવ્યાં છે, જેમાં મુખ્યત્વે રોજ કમાઈને ગુજરાન ચલાવનારા લોકો રહેતા હતા.
અનેક સ્થાનિકોનો દાવો છે કે તેઓ અહીં છેલ્લાં 50 વર્ષથી રહેતા હતા.
અહીં દલિતો, વિચરતી–ભટકતી જનજાતિઓ, ભરવાડ, ઠાકોર સહિત અનેક સમાજના લોકો રહેતા હતા, જેઓ હાલમાં બેઘર બની ગયા છે.
બીબીસી ગુજરાતીએ ઇસનપુર તળાવ વિસ્તારમાં રામવાડી જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે ઘણા લોકો મળ્યા હતા કે જેઓ બિલકુલ 'નિરાધાર' થઈ ગયા છે.
90 વર્ષનાં શાંતિબા, 60 વર્ષનાં કમુબહેન ઠાકોર, ત્રણ બાળકોને સંભાળનારાં 40 વર્ષનાં ભાનુબહેન બથવાર સહિત બેઘર બનેલા લોકો પૈકી મહિલાઓએ સૌથી વધારે સહન કરવું પડ્યું છે.
અમે એવાં અનેક મહિલાઓ સાથે વાત કરી હતી જેમણે મહામહેનતે પોતાનું ઘર બનાવ્યું હતું અને હવે તેમની પાસે રસ્તા પર રાત પસાર કરવાનો જ વિકલ્પ છે.
'જતી ઉંમરે છત મળી જાય તોય ઘણું'

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
લગભગ 60 વર્ષનાં કમુબહેન ઠાકોર ઇસનપુરના રામવાડીમાં નાનકડા ઝૂંપડામાં એકલાં રહેતાં હતાં.
વર્ષો પહેલાં તેઓ પોતાના પતિ સાથે અહીં રહેવાં આવ્યાં હતાં. તે સમયે પતિ-પત્ની બંને ભંગારની લારી ચલાવતાં અને અમદાવાદ શહેરમાં ભંગાર લેવાં જતાં. એ સમયગાળામાં ઇસનપુર અમદાવાદનો ભાગ પણ ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પતિના મૃત્યુ બાદ તેઓ સંપૂર્ણપણે એકલાં રહી ગયાં છે અને તેમને કોઈ સંતાન નથી. સંબંધીઓ સાથે સતત સંપર્ક પણ નથી.
રામવાડીના પોતાના ઘરમાં તેઓ એકલાં રહેતાં હતાં અને ગુજરાન માટે આસપાસનાં મકાનોમાં ઘરકામ કરતાં હતાં, જેમાં મહિને લગભગ પાંચ હજાર રૂપિયા કમાતાં.
જ્યારે વસાહતોને તોડી પાડવામાં આવી ત્યારે તેઓ માત્ર એક ખાટલો, ગોદડાં, થોડાં કપડાં અને ભગવાનનો ફોટો લઈને બહાર નીકળી ગયાં. વર્ષોની મહેનતે બનાવેલું તેમનું ઝૂંપડાં જેવું કાચુંપાકું મકાન હવે કાટમાળમાં બદલાઈ ગયું છે.
બીબીસી ગુજરાતીએ તેમની મુલાકાત લીધી ત્યારે તેઓ પોતાના મકાનના કાટમાળ પાસે ભગવાનનો ફોટો શોધી રહ્યાં હતાં. હાલમાં તેઓ ફૂટપાથ પર એક ખાટલો પાથરીને રહે છે, પરંતુ રોજ પોતાના ઘરના કાટમાળ પાસે આવીને ઊભાં રહે છે. અને પૂછે છે...
"હવે હું ક્યાં જાઉં તે ખબર નથી. હું રોડ પર પડી છું, પણ ક્યાં સુધી રહી શકીશ કે નહીં એની ખબર નથી. મારી પાસે કોઈ સહારો નથી. મને કંઈ થઈ જાય તો દવાખાને લઇ જનાર પણ કોઈ નથી."
કમુબહેનને આશા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ભરાવેલા ફૉર્મ મુજબ તેમને ટૂંક સમયમાં નવું ઘર મળશે.
તેઓ કહે છે, "મારી જતી ઉંમરે બસ રહેવા માટે છત મળી જાય તો બહુ છે. મારે સરકાર પાસેથી બીજું કંઈ નથી જોઈતું."
'પતિને ગુજરી ગયે બે મહિના થયા, હવે મકાન પણ ગયું'

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
40 વર્ષીય ભાનુબહેન અને તેમના પતિ મુકેશભાઈ બથવારનાં લગ્નને 25 વર્ષ થયાં હતાં. ત્રણ છોકરાઓની ઉંમર 14 વર્ષ, 10 વર્ષ અને 4 વર્ષની છે.
સપ્ટેમ્બરમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી પ્રથમ નોટિસ આવી ત્યારે મુકેશભાઈની તબિયત બગડી અને હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું મોત થઈ ગયું.
હવે ઘર ચલાવવાની જવાબદારી ભાનુબહેન પર આવી ગઈ છે.
જ્યારે બીબીસી ગુજરાતીએ તેમની મુલાકાત લીધી ત્યારે તેઓ તેમનાં ત્રણેય બાળકો સાથે તૂટી ગયેલાં મકાનની ઈંટો અને લોખંડ વીણી રહ્યાં હતાં. આથી, તેને તેને વેચીને બે દિવસનો ખર્ચ કાઢી શકાય.
મકાન તૂટી ગયા પછી 36 કલાક થવા આવ્યા હતા પરંતુ ચારેય લોકોએ કંઈ ખાધું નહોતું.
ભાનુબહેન કહે છે, "કોઈ ખાવાનું આપવા આવ્યું હતું, પણ અમે અંદર કામ કરતાં હતાં એટલે નહોતું મળ્યું. મેં આજ સુધી ક્યારેય કામ કર્યું નથી. પતિને ગુજરી ગયે બે મહિના જ થયા, અને હવે મકાન પણ નથી. હું આ ત્રણ બાળકોને લઈને ક્યાં જાઉં?"
તેમનો થોડો સામાન બહેનના ઘરે છે અને થોડો રસ્તા પર. તેઓ વર્ષોથી અહીં રહે છે, પરંતુ હવે તેમનું કોઈ સરનામું નથી. તેઓ સિલાઈનું કામ કરી શકે છે, પરંતુ ઘર નથી તો કામ ક્યાં કરે? કામે જાય તો બાળકોનું ધ્યાન કોણ રાખે? આવાં અનેક સવાલો તેમને સતાવી રહ્યાં છે.
'એકલી છું, મકાન બનાવવા 3 લાખ ઉછીના લીધા હતા'

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC
30 વર્ષનાં ચંદ્રિકાબહેન ઠાકોર ઇસનપુરની આ વસાહતમાં એકલાં રહેતાં હતાં. તેમનાં લગ્ન થયાં નથી, તેમનાં માતાપિતાનું મૃત્યુ થઈ ગયું છે, અને તેઓ એકલાં જ પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. આ તોડફોડમાં તેમનું મકાન તોડી પાડવામાં આવ્યું છે.
આ મકાન બનાવવા માટે તેમણે આસપાસના લોકો તેમજ સંબંધીઓ પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉછીના લીધાં હતાં, જેની ચુકવણી તેઓ લોકોનાં ઘરકામ કરીને ધીરે-ધીરે કરી રહ્યાં હતાં.
ચંદ્રિકાબહેન કહે છે, "મને વિચાર આવ્યો હતો કે ભાડું ભરવા કરતાં પોતાનું મકાન લઈ લઉં તો સારું. જે પૈસા ભાડામાં આપવાના હોય છે, તેની જગ્યાએ હું આ ઉછીના પૈસા ચૂકવતી રહીશ. માટે મેં આ નાનકડું મકાન થોડાં વર્ષો પહેલાં લીધું હતું. હવે મકાન પણ નથી રહ્યું અને મારે પૈસા પણ ચૂકવવા પડશે. મારી પાસે હાલમાં તો ખાવાના પણ પૈસા નથી."
ચંદ્રિકાબહેન છેલ્લી બે રાતથી એક તૂટેલા ખાટલા પર તેમની તમામ ઘરવખરી ભરેલી કાળા રંગની બૅગ સાથે અને બે ગોદડાં લઈને રસ્તા પર રહે છે. બસ, આ જ તેમની જીવનભરની કમાણી છે. તેમની પાસે બીજું કાંઈ જ નથી.
ચંદ્રિકાબહેનનું એક જ સપનું હતું કે પોતાનું નાનકડું ઘર બની જાય. એ બન્યું પણ, અને તરત જ તેને તોડી પાડવામાં આવ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું શું કહેવું છે?
ઇસનપુરની આ વસાહતોમાં થયેલા ડિમોલિશન અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રિધ્ધેશ રાવલ સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે જેથી તળાવનો વિકાસ થઈ શકે."
તેમણે એમ પણ કહ્યું હતું કે જેમનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે, તેમને વહેલી તકે આ જ વિસ્તારમાં વૈકલ્પિક મકાનો આપવામાં આવશે, જેથી તેમના ધંધા–રોજગાર પર કોઈ અસર ન પડે.
આ વિસ્તારના આગેવાન મિલન સોલંકીએ જણાવ્યું હતું કે, "તેમણે સુપ્રીમ કોર્ટમાં આ અંગે પિટિશન દાખલ કરી હતી, પરંતુ તે બોર્ડ પર આવે તે પહેલાં જ તોડફોડ શરૂ થઈ ગઈ હતી."
તેઓ કહે છે, "અહીં લોકો વર્ષોથી વસવાટ કરે છે, અમારાં મકાનો તોડતાં પહેલાં અમને મકાનો આપવાં જોઈતાં હતાં. હવે લોકો ક્યાં જશે? ભાડું ક્યાંથી ભરશે? કેવી રીતે રહેશે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












