રાજકોટ મહાનગરપાલિકાને નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે 22 કરોડનો દંડ કેમ ફટકાર્યો?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાને નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ જૂના કચરાનું પ્રોસેસિંગ કરીને તેનો નિકાલ કરવામાં 'નિષ્ફળ' રહેવા બદલ 22 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે.
એનજીટીનું કહેવું છે કે રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લાં કેટલાંય વર્ષોમાં એકત્રિત કરાયેલા કચરાનું પ્રોસેસિંગ ન કરીને 'પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.'
નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રાજકોટ મહાનગરપાલિકાને પર્યાવરણને થયેલા આ નુકસાનનું વળતર ચૂકવવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. આ રકમ તેણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જમા કરાવવાનો હુકમ કર્યો છે.
જોકે, આ ચુકાદો આવ્યાને 15 દિવસ થઈ ગયા છતાં મહાનગરપાલિકાએ વળતરની કોઈ રકમ જમા કરાવી નથી એવું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું છે.
રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા શહેરમાં રહેતા લોકોનાં ઘરેથી કચરો એકત્રિત કરીને શહેરની ભાગોળે આવેલી નાકરાવાડી વેસ્ટ ડિસ્પૉઝલ સાઇટ (કચરા નિકાલનું સ્થળ) પર લઈ જાય છે. પર્યાવરણના જતન માટે મહાનગરપાલિકા આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા બંધાયેલી છે.
આ માટે મહાનગરપાલિકા વર્ષે લાખ્ખો રૂપિયા ખર્ચે છે પરંતુ છતાં જાણકારોના મત પ્રમાણે મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી સ્વચ્છતા હરીફાઈમાં દર વર્ષે થાપ ખાવી પડે છે.
રાજકોટ મહાનગરપાલિકાની પોલ કઈ રીતે ખૂલી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
રાજકોટ શહેરના એક વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાએ 11મી જાન્યુઆરી, 2022ના રોજ નૅશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની દિલ્હીમાં આવેલી પ્રિન્સિપલ ખંડપીઠને એક ઈ-મેઇલ કર્યો હતો.
શૈલેન્દ્રસિંહે ઈ-મેઇલમાં ફરિયાદ કરી કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરીને નાકરાવાડી વેસ્ટ ડિસ્પૉઝલ સાઇટ ખાતે લાવવામાં આવેલો લાખ્ખો ટન ઘન કચરો ખુલ્લામાં પડ્યો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા એમ પણ લખ્યું કે આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ ન થવાને કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આ વિશે વધુમાં લખ્યું, "વર્ષોથી ખુલ્લામાં પડી રહેલા કચરા પર વરસાદ પડતા તેમાંથી નીકળતાં ગંદા પાણીને કારણે આજુબાજુનાં નદી-નાળા તથા કુવાનાં પાણી પ્રદૂષિત થઈ ગયાં છે. પરિણામે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડી છે."
શૈલેન્દ્રસિંહની ફરિયાદને આઘારે એનજીટીની મુખ્ય ખંડપીઠે 9મી ડિસેમ્બર, 2022ના રોજ કાર્યવાહી શરૂ કરી.
13મી માર્ચ, 2023ના રોજ આ ખંડપીઠે હુકમ કર્યો કે રાજકોટના કલેક્ટર તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવે.
આ ટીમ નાકરાવાડી વેસ્ટ ડિસ્પૉઝલ સાઇટની મુલાકાત લે અને તેના પર એક અહેવાલ તૈયાર કરે તેમ આ હુકમમાં જણાવવામાં આવ્યું હતું.
આ કેસને મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલી એનજીડીની પશ્ચિમ ખંડપીઠને મોકલી આપવામાં આવ્યો. સાથે આદેશ કરવામાં આવ્યો કે રાજકોટ કલેક્ટર અને જીપીસીબીની સંયુક્ત ટીમ આ અહેવાલ પુણેની ખંડપીઠને બે મહિનામાં મોકલી આપે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
એનજીટીના આદેશ પ્રમાણે રાજકોટ કલેક્ટરે, રાજકોટ-2ના પ્રાંત અધિકારી અને જીપીસીબીના રાજકોટ પ્રાંતના અધિકારીની એક ટીમ બનાવી.
આ ટીમે 29મી એપ્રિલ, 2023ના રોજ નાકરાવાડી વેસ્ટ ડિસ્પૉઝલ સાઇટની મુલાકાત લીધી. તેનો અહેવાલ તેમણે પુણેની એનજીટી ખંડપીઠને મોકલી આપ્યો.
હવે શૈલેન્દ્રસિંહ જાડેજાએ આ અહેવાલને લઈને એક સોગંદનામું કર્યું.
આ સોગંદનામામાં તેમણે આરોપ લગાવ્યો કે "આ ટીમના અહેવાલમાં મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો નથી. નાકરાવાડી ખાતે ઘન કચરાને પ્રોસેક કરવાનો પ્લાન્ટ છેક વર્ષ 2013થી બંધ છે."
"જેનો સ્વીકાર ખુદ રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2013માં થયેલા એક કેસ સંદર્ભે રજૂ કરવામાં આવેલા એક સોગંદનામામાં થયો છે."
શૈલેન્દ્રસિંહે 'રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઍક્ટ'નો ઉપયોગ કરીને મહાનગરપાલિકા અને જીપીસીબી પાસેથી માહિતી મેળવી. આ માહિતી મેળવીને તેમણે પુણા ખાતેની એનજીટીની ખંડપીઠને મોકલી અને રજૂઆત કરી કે 'નાકરાવાડી ખાતે જૂના કચરાના ઢગલાઓ પડ્યા છે અને તે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.'
આરટીઆઈથી કેવી રીતે મદદ મળી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
શૈલેન્દ્રસિંહે આરટીઆઈ હેઠળ અરજી કરીને રાજકોટ શહેરમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતો ઘન કચરો, જીપીસીબી દ્વારા સમયાંતરે નાકરાવાડી સાઇટ પર થતી મુલાકાતના અહેવાલ, ઘન કચરાના નિકાલના નિયમો, જીપીસીબી દ્વારા મહાનગરપાલિકાને ફટકારવામાં આવેલી વિવિધ નોટિસોની વિગતો મેળવી.
આ વિગતો શૈલેન્દ્રસિંહે એનજીટીને પુરાવા તરીકે આપી.
શૈલેન્દ્રસિંહની દલીલોને ગ્રાહ્ય રાખીને પુણેની ખંડપીઠે 27મી જૂન, 2025ના રોજ તેનો ચુકાદો આપતા રાજકોટ મહાનગરપાલિકાને પહેલા 22 લાખ અને 50 હજારનો દંડ ફટકાર્યો.
જોકે, એનજીટી દ્વારા ચુકાદો આપવામાં આવ્યો ત્યારે વળતરની રકમની ગણતરી કરવામાં ક્ષતિ રહી ગઈ હોવાનો દાવો શૈલેન્દ્રસિંહ કરે છે. તેથી શૈલેન્દ્રસિંહે આ ચુકાદા સામે ફરી અરજી કરી.
એનજીટીએ તેના આધારે સુધારેલા ચુકાદામાં રાજકોટ મહાનગરપાલિકાને 22 કરોડ અને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. એનજીટીએ આ વળતરની રકમ જીપીસીબીમાં જમા કરાવવા અને તેનો ઉપયોગ નાકરાવાડીમાં કચરાના નિકાલ માટે અને પર્યાવરણના સુધારા માટે વાપરવા જણાવ્યું હતું.
રાજકોટનો કેટલો કચરો નાકરાવાડીમાં એકત્ર થયો છે?

ઇમેજ સ્રોત, Special arrangement/BBC
એનજીટીના ચુકાદા અનુસાર 31મી ડિસેમ્બર, 2024ના રોજ નાકરાવાડી ખાતે 24 લાખ મેટ્રિક ટન જેટલો જૂનો કચરો પડ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાએ એનજીટીને સોગંદનામા દ્વારા જણાવ્યું કે જુના કચરાના નિકાલ માટે ખાનગી સંસ્થાઓને કામ સોંપવા તેણે ટેન્ડરો બહાર પડ્યાં છે.
પરંતુ એનજીટીએ તેના ચુકાદામાં કહ્યું, "સવાલવાળી સાઇટ પર 31/12/2024ની સ્થિતિએ 24,00,000 મેટ્રિક ટન જેટલો જૂનો કચરો એકઠો થયો હતો. ટેન્ડરો બહાર પાડવાં છતાં પ્રતિવાદી-2, રાજકોટ મહાનગરપાલિકા 31/12/2024ની સ્થિતિએ 7,50,000 મેટ્રિક ટન એકઠા થયેલા જુના કચરાનો નિકાલ કરી શક્યું નથી."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શૈલેન્દ્રસિંહે કહ્યું, "એક તરફ સ્વચ્છતાની મોટી મોટી વાતો થાય છે અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થાય છે. બીજી તરફ, એકઠા થયેલા કચરાનો નિકાલ ન થવાથી પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને લોકોના જીવ અને પર્યાવરણ જોખમમાં મુકાઈ રહ્યાં છે. આ કેવી સ્વચ્છતાની વાત છે?"
એટલો બધો કચરો કઈ રીતે એકત્ર થયો?

ઇમેજ સ્રોત, Special arrangement/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શૈલેન્દ્રસિંહે આરટીઆઈ દ્વારા મેળવેલ માહિતી અનુસાર રાજકોટ શહેરમાં વર્ષ 2014માં દૈનિક ધોરણે 375 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થતો હતો.
2015માં કોઠારીયા અને વાવડી ગામોને રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવી લેવાતાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતા કચરાનો આંક 534 મેટ્રિક ટન થયો.
વર્ષ 2018માં આ આંકડો 600 મેટ્રિક ટનને વટાવી ગયો.
વર્ષ 2020માં માધાપર, મનહરપુર, મુંજકા અને મોટામવા ગામોને પણ રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવી લેવાતાં કચરાનાં ઉત્પાદનમાં ફરી એકવાર મોટો ઉછાળો આવ્યો અને 2021માં તે 700 મેટ્રિક ટનથી પણ વધી ગયો.
2022માં આ આંકડો 747 મેટ્રિક ટન હતો. આમ આઠેક વર્ષમાં રાજકોટ શહેરમાં ઉત્પન્ન થતો કચરો લગભગ બમણો થઇ ગયો.
'હંજર બાયૉટેક ઍનર્જી પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની રાજકોટ મહાનગરપાલિકા સાથે કૉન્ટ્રેક્ટ કરી નાકરાવાડી સાઈટ પર 2006-07થી કચરામાંથી જૈવિક ખાતર, કોલસો અને રિસાઇકલ પ્લાસ્ટિક બનાવવાનાં સામાનનું ઉત્પાદન કરતી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આર્થિક સંકડામણને કારણે આ કંપનીએ ડિસેમ્બર 2013માં તેનો પ્લાન્ટ બંધ કરી દીધો. ત્યાર બાદ રાજકોટ મહાનગરપાલિકાએ 'સ્ત્રોત ઍનર્જી' નામની કંપનીને આ કામ સોંપ્યું. પરંતુ તે પણ વધારે કામ કરી શકી નહિ. પરિણામે 2013 પછી ત્રણ વર્ષ સુધી કચરા પર કોઈ પ્રક્રિયા ન થતા નાકરાવાડી સાઇટ ખાતે કચરાના ગંજ ખડકાયા.

ઇમેજ સ્રોત, Special arrangement/BBC
2017માં 'ઍબેલોન ક્લીન ઍનર્જી લિમિટેડ' નામની કંપનીએ રસ દાખવ્યો અને 'ગુડવૉટ્સ WTE રાજકોટ પ્રાઇવેટ લિમિટેડ' નામની એક અલગ કંપની સ્થાપી.
રાજકોટ મહાનગરપાલિકાએ ગુડવૉટ્સને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો કૉન્ટ્રેક્ટ આપ્યો. ત્યાર બાદ ગુટવૉટ્સે કચરામાંથી જૈવિક ખાતર અને કચરામાંથી બનાવેલાં ઈંધણનું ઉત્પાદન ચાલુ કર્યું.
ગુડવૉટ્સનું આયોજન આ ઈંધણથી પાણીની વરાળ બનાવી તે વરાળથી ટર્બાઇન ચલાવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું હતું. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આજ દિન સુધી આ કંપની નાકરાવાડીમાં તેના પ્રસ્તાવિત પાવર પ્લાન્ટનું કામ પૂરું કરી શકી નથી.
શૈલેન્દ્રસિંહ આક્ષેપ કરે છે કે આ સ્થિતિ માટે ગુડવૉટ્સ કંપની પણ જવાબદાર છે.
તેઓ કહે છે, "આરટીઆઈ દ્વારા મેળવેલ રેકૉર્ડ્સ દર્શાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા સાથે થયેલા કરાર અનુસાર ગુડવૉટ્સ તેનો વેસ્ટ-ટુ-ઍનર્જી પ્લાન્ટ 2020 સુધીમાં કાર્યરત કરવા અને દૈનિક ધોરણે 500 મેટ્રિક ટન તાજો કચરો અને 100 મેટ્રિક ટન એકઠો થયેલ જૂનો કચરો પ્રોસેસ કરવા બંધાયેલી હતી."
"કોરોનાને કારણે મહાનગરપાલિકાએ આ આ મુદત જૂન 2023 અને પછી માર્ચ 2024 સુધી વધારી. તેમ છતાં ગુડવૉટ્સ આજદિન સુધી તેનો વેસ્ટ-ટુ-ઍનર્જી પ્લાન્ટ ચાલુ કરી શકી નથી. પરિણામે નાકરાવાડી ખાતે કચરાના ગંજ ઊંચા ને ઊંચા જઈ રહ્યા છે. છેવટે મહાનગરપાલિકાને આ કામગીરી બીજા કૉન્ટ્રેક્ટરોને સોંપવાની ફરજ પડી અને તેના માટે મહિને 72 લાખ કરતાં પણ વધારે ખર્ચ થાય છે. આરડીએફને મૅનેજ કરવાની જવાદારી પણ મહાનગરપાલિકાને શિરે આવી પડી છે. તેથી, વળતર ચુકવવાની ખરી જવાબદારી મહાનગરપાલિકાની નહિ પરંતુ ગુડવૉટ્સની છે."
એનજીટીએ વળતરની રકમ કઈ રીતે નક્કી કરી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
વર્ષ 2023માં અન્ય એક કેસનો ચુકાદો આપતા એનજીટીની મુખ્ય ખંડપીઠે કહ્યું હતું કે પ્રદુષણ કરનારે ઘન કચરાના કેસમાં પ્રતિ ટન 300 રૂપિયા વળતર ચૂકવવું પડશે.
આ કેસનો સંદર્ભ ટાંકી પુણે ખાતેની એનજીટીની ખંડપીઠે હુકમ કર્યો કે 'રાજકોટ મહાનગરપાલિકાએ એકઠા થયેલા સાડા સાત લાખ મેટ્રિક ટન જૂના કચરા દ્વારા ફેલાઈ રહેલાં પ્રદુષણ માટે પ્રતિ ટન 300 રૂપિયા લેખે વળતર ચૂકવવું પડશે.'
ન્યાયમૂર્તિ દિનેશકુમારસિંહ અને એનજીટીમાં નિષ્ણાત તરીકે સેવા આપતા ડૉ. વિજય કુલકર્ણીની ખંડપીઠે હુકમ કર્યો કે વળતરની રકમ 22 કરોડ 50 લાખ થાય છે.
એનજીટીએ આ વળતરની રકમ જમા કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને 30 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ 19 સપ્ટેમ્બરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જીપીસીબીના સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ યુનિટનાં હેડ અંજના પટેલે કહ્યું કે રાજકોટ મહાનગરપાલિકાએ વળતરની રકમ હજુ સુધી ચૂકવી નથી.
આ વિષયે રાજકોટ મહાનગરપાલિકાનો પક્ષ જાણવા બીબીસી ગુજરાતીએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કરેલા ફોન અને ટેક્સ્ટ મૅસેજનો જવાબ મળ્યો ન હતો.
જવાબ મળતા તેને આ અહેવાલમાં ઉમેરવામાં આવશે.
નાકરાવાડી ખાતે પ્રદૂષણ બદલ વળતરનો આ બીજો કિસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
નોંધીનીય છે કે આ અગાઉ પણ નાકરાવાડી ખાતે પ્રદૂષણના મુદ્દે ફરિયાદો થઇ છે.
વર્ષ 2013માં 'પર્યાવરણ બચાવો સમિતિ', શૈલેન્દ્રસિંહ વગેરેએ એનજીટીમાં ફરિયાદ કરી હતી કે નાકરાવાડી ખાતે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ ન થતા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને તેના કારણે આજુબાજુના લોકોના આરોગ્ય પર વિપરીત અસર થઇ રહી છે.
ફરિયાદને ગ્રાહ્ય રાખી એનજીટીની પુણેની ખંડપીઠે નાકરાવાડી કચરા નિકાલ સ્થળની નજીક રહેતા અને પ્રદૂષણની ખરાબ અસરોનો ભોગ બનેલા લોકોને વીસ-વીસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
એનજીટીએ તે વખતે વળતર ચુકવવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના તે વખતના કૉન્ટ્રેક્ટર 'હંજર બાયૉટેક ઍનર્જી પ્રાઇવેટ લિમિટેડ'ના શિરે નાખી હતી.
એનજીટીના આ હુકમ સામે બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સ્ટે મેળવ્યો હતો. જો કે મે, 2024માં સુપ્રીમ કોર્ટે આ સ્ટે ઉઠાવી લીધો હતો અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
શૈલેન્દ્રસિંહ કહે છે કે પીડિત લોકોમાંથી માત્ર થોડાકને જ વળતર મળ્યું છે.
આ વિશે પણ અમે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને પૂછ્યું હતું પરંતુ તેમનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. જ્યારે તેમના તરફથી કોઈ જવાબ આપવામાં આવશે ત્યારે અહીં આ અહેવાલમાં ઉમેરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












