ગુજરાન ચલાવવા કચરો ઉપાડતી વિદ્યાર્થિનીની ધો.12માં ઝળહળતી સફળતાની કહાણી

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"આજે મારી બહેનના સસરાએ મને રિઝલ્ટ મોકલ્યું. મારે ધોરણ-12માં 71 ટકા આવ્યા છે. હું મારા પરિવારને મદદરૂપ થવા માટે કચરો ઉપાડવાનું કામ કરું છું. મારા પિતા કોરોનાની મહામારીમાં બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. અમે વાડજ રામદેવપીર ટેકરા ખાતે રહેતાં હતાં, પણ અમારું છાપરું તૂટી ગયું છે. હાલ અમે બીજા છાપરાંમાં ભાડે રહીએ છીએ. હું બી.કૉમ. કરી પછી સિવિલ સર્વિસની તૈયારી કરવા માગું છું."
આ શબ્દો અંજલિ વાઘેલાના છે.
બુધવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 (સામાન્ય પ્રવાહ) પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું.
આ પરીક્ષામાં સફળ થયેલા અનેક વિદ્યાર્થીઓમાં એવા વિદ્યાર્થીઓ પણ છે, જેમણે માત્ર અભ્યાસ માટે જ નહીં, પણ જિંદગી જીવવા માટે પણ અલગ સ્તરનો સંઘર્ષ કરવો પડ્યો છે.
જીવનમાં અણધારી રીતે આવી પડેલી પરિસ્થિતિઓના પડકાર ઝીલીને ધોરણ 12માં સફળતા મેળવીને પોતાની ભાવિ કારકિર્દીનો એક મહત્ત્વપૂર્ણ પડાવ પાર કરનારા વિદ્યાર્થીઓની પ્રેરણાદાયી કહાણીઓ.

અંજલિની આંખમાં છે સિવિલ સર્વિસમાં જોડાવાનું સપનું

ઇમેજ સ્રોત, Laxmi Patel / BBC
અંજલિ કરતાં સારું પરિણામ લાવનારા પણ વિદ્યાર્થીઓ ચોક્કસ હશે જ. પરંતુ તેમાંથી ભાગ્યેજ કોઈને ધોરણ 12માં 71 ટકા લાવવા અંજલિ જેવી મહેનત કરવી પડી હશે. ભાગ્યે જ આ દીકરી કરતાં કોઈએ આત્મવિશ્વાસ અને ધીરજ ડગી જાય તેવી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે.
અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા રામદેવપીર ટેકરા ખાતે રહેતી અંજલિએ ધોરણ એકથી આઠ સુધીનો અભ્યાસ અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની શાળામાં પૂર્ણ કર્યો હતો, અને ધોરણ આઠથી 12 નવા વાડજની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
અંજલિના પિતા એક ખાનગી હૉસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા અને કોરોનાકાળમાં મૃત પેશન્ટને સ્મશાન સુધી પહોંચાડતા હતા, પણ તેઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા અને મૃત્યુ પામ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતાને ગુમાવ્યા બાદ ગુજરાન ચલાવવા માટે અંજલિએ પણ તેમનાં માતા સાથે નવા વાડજની સોસાયટીઓમાંથી સવારે કચરો ઉપાડવાનું કામ કરવાનું શરૂ કર્યું હતું.
અંજલિ ધોરણ 12માં હતાં તે દરમિયાન જ તેમનો આખો પરિવાર વર્ષોથી નવા વાડજના રામદેવપીર ટેકરા ખાતે જ્યાં વસવાટ કરતો હતો, તે છાપરું રામદેવપીર ટેકરા રિડેવલપમૅન્ટમાં તેમનું તૂટી ગયું હતું. એ સમયે પરિવારે નવું મકાન ભાડે મેળવવા પણ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.
જો અંજલિએ પડકારજનક પરિસ્થિતિઓ સામે મક્કમ મનથી હાર ના માની, તો રાજકોટનાં ક્રિષ્ના બારડે પણ અકસ્માતમાં બન્ને પગ લકવાગ્રસ્ત થઈ ગયા બાદ શરીરની એ મર્યાદાને મજબૂત ઇચ્છાશક્તિથી અવગણીને ધોરણ 12ના પરિણામમાં 91.66 ટકા સાથે કામયાબીનો ડંકો વગાડ્યો છે.

ક્રિષ્નાની કામયાબી બની છે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી

ઇમેજ સ્રોત, Bipin Tankariya / BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્રિષ્નાના પિતા કલ્યાણભાઈ બારડ ખેડૂત છે. જોકે ક્રિષ્નાને બાળપણથી જ રમતગમતનો શોખ હતો અને તેમણે માર્શલ આર્ટ્સ – જૂડોની રમતમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લઈને દસ જેટલા મેડલ જીત્યા છે.
બીબીસીના રાજકોટના સહયોગી બિપિન ટંકારિયાસાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે હતું કે ક્રિષ્ના બે વર્ષ પહેલાં વાપીમાં યોજાયેલી જૂડોની એક સ્પર્ધામાં ભાગ લઈને પરત આવી રહ્યાં હતાં ત્યારે તેમનો બગોદરા પાસે અકસ્માત થયો. તેમાં ઘાયલ થયેલાં ક્રિષ્નાના બન્ને પગ અકસ્માતને કારણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા.
ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, "અકસ્માતમાં મારા પગ લકવાગ્રસ્ત થઈ ગયા પછી મેં અભ્યાસમાંથી એક વર્ષ માટે ડ્રોપ લીધો હતો અને પછી ફરી આ વર્ષે પરીક્ષા આપી હતી. હું રોજ ચાર કલાક ફિઝિયૉથૅરપીમાં કસરત કરવા જતી હતી અને આઠથી નવ કલાક ભણવા પાછળ આપતી હતી. જેના કારણે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે.”
તેમણે વધુમાં કહ્યું, “મને GPSCની પરીક્ષા પાસ કરી સરકારી અધિકારી બનવાની ઇચ્છા છે, એના માટે હું આગળ મહેનત કરીશ અને મારા જેવા વિદ્યાર્થીઓને હિંમત આપી તેમને પ્રેરણારૂપ બની તેમને મદદરૂપ થવા કામ કરીશ."

મીતાંશુની મહેનતે 92 ટકા સાથે કર્યો સીએ બનવાનો માર્ગ મોકળો

ઇમેજ સ્રોત, Laxmi Patel / BBC
આ અંજલિ અને ક્રિષ્ના જેવું એક ઉમદા ઉદાહરણ બન્યા છે, અમદાવાદના સારંગપુર વિસ્તારમાં રહેતા મીતાંશુ કાયસ્થ. આજે જાહેર થયેલા પરિણામમાં મીતાંશુએ કૉમર્સના વિષયો સાથે 92 ટકા મેળવ્યા છે.
મીતાંશુએ કહ્યું, "મારા પપ્પા અલ્પેશભાઈ રિક્ષા ચલાવે છે અને મમ્મી દીપિકાબેન દોરા કાપવાનું કામ કરે છે. મારાં મમ્મી-પપ્પાએ મને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. મારો સૌથી પ્રિય વિષય ઍકાઉન્ટન્સી અને આંકડાશાસ્ત્ર હતા. મને ઍકાઉન્ટન્સીમાં 91 માર્કસ અને આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 માર્કસ આવ્યા છે. હું શાળા અને ટ્યુશનને બાદ કરતાં ચાર કલાક અભ્યાસ કરતો હતો."
મીતાંશુએ વધુમાં જણાવ્યું હતું કે, "હાલ ભણતર ખૂબ જ મોંઘું થઈ ગયું છે. મારાં મમ્મી-પપ્પાએ રાતદિવસ મહેનત કરી મને ભણાવ્યો છે, હું આગળ સીએ (ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ) બનવા માગું છું. હું મારાં માતાપિતાને સારી જિંદગી આપવા મહેનત કરીશ. વધુ સફળ થઈશ. મને ખબર છે કે મારે સફળ થવા માટે વધુ મહેનત કરવી પડશે તે હું કરવા તૈયાર છું."

કાકાની મહેનત બની ઋત્વિકની સફળતાનો પાયો

ઇમેજ સ્રોત, Laxmi Patel / BBC
અમદાવાદના વાસણામાં રહેતા ઋત્વિક મિસ્ત્રીએ ધોરણ 12 કૉમર્સમાં 93 ટકા મેળવ્યા છે. તેણે વાસણા વિસ્તારની ગણેશ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. ઋત્વિક મિસ્ત્રીએ આ પરિણામ અંગે જણાવ્યું હતું કે, " છેલ્લાં પાંચ વર્ષથી મારા પિતાને જીભનું કૅન્સર થયેલું છે, તેઓ કમ્પ્યૂટર ઑપરેટર હતા પરંતુ કૅન્સરના કારણે તેઓ કામ કરી શકતા નથી. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા કાકા ડ્રાઇવર છે, તેઓ પ્રાઇવેટ ગાડી ચલાવે છે. અત્યારે અમારા પરિવારનું ગુજરાન મારા કાકા ચલાવી રહ્યા છે.”
ઋત્વિકે વધુમાં કહ્યું, “મારા કાકા અમારા માટે ખૂબ જ મજૂરી કરે છે. અમારી નબળી આર્થિક સ્થિતિને ધ્યાને લઈને મારી શાળાએ અમારી મદદ કરી હતી. અમારી સ્કૂલે મને ભણવામાં મદદ કરી અને મારી 50 ટકા ફી માફ કરી હતી. મારા ટ્યુશન ક્લાસના સાહેબે પણ મારી ઓછી ફી લઈને મને અભ્યાસમાં મદદ કરી હતી. તેમણે મને ખૂબ જ સપોર્ટ પણ કર્યો છે. હું આગળ એમ.એસસી (આઈટી) કરવા માગું છું."
તેણે વધુમાં જણાવ્યું હતુ કે, "મારા પરિવારના લોકોએ મને ભણાવવા માટે ખૂબ જ ભોગ આપ્યો છે. તેઓ ક્યારે બહાર જતા નથી. તેઓ ક્યારે પોતાના માટે કોઈ વસ્તુ પણ ખરીદતા નથી. તેઓ મને નવાં કપડાં અપાવે છે પણ તેઓ નથી ખરીદતા. મારા પિતા કોઈ કામ નથી કરી શકતા, પરંતુ મને ખૂબ જ માનસિક સપોર્ટ કરતા હતા. મારાં મમ્મી અને દાદી મારા માટે જાગતાં હતાં. મારી સફળતા પાછળ મારા સમગ્ર પરિવારે કરેલી મહેનત છે."

મોસાળમાં રહેતા ઋષિલ હવે એમબીએ થવાનું સપનું પૂરું કરશે
ઋત્વિકનાં માતા અને દાદી તેમની સાથે રાતે જાગતાં હતાં, પરંતુ દરેકને પરીક્ષાની આવી તૈયારીઓમાં માતાનો સાથ મળવો નસીબમાં નથી હોતો.
અમદાવાદના દરિયાપુરમાં રહેતા ઋષિલ દવેએ 11 વર્ષ પહેલાં વર્ષ 2012માં જ તેમનાં માતાને ગુમાવી દીધાં હતાં.
ધોરણ 12માં 86.8 ટકા મેળવનાર ઋષિલ કહે છે, "વર્ષ 2012માં મારી મમ્મીને બ્રેઇન હેમરેજ થઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ મારા પિતા પણ મારું ધ્યાન રાખતા ન હતા. મારી માતાના મૃત્યુ બાદ મેં મારા પિતા પણ ગુમાવ્યા હતા."
તેમણે વધુમાં કહ્યું, "મારી મમ્મીના મૃત્યુ બાદ હું મારાં નાના-નાની મને તેમના ઘરે લઈ આવ્યાં હતાં. હું મારાં નાના-નાનીના ઘરે આવીને ભણ્યો છું. મારાં નાના-નાની અને મામાએ મને ક્યારેય માતાપિતાની કમીનો અહેસાસ થવા દીધો નથી. હું આગળ એમ.બી.એ. કરવા માગું છું."














