ઈશિતા કિશોર : ત્રીજા પ્રયાસે યુપીએસસી ટૉપ કરનાર 27 વર્ષની યુવતીની સફળતાની કહાણી

ઈશિતા કિશોર

ઇમેજ સ્રોત, KIRTI DUBEY/BBC

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

દર વર્ષે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આવે છે અને તેની સાથે સંઘર્ષ, સમર્પણ અને પ્રતિભાના નવા કિસ્સા જાણવા મળે છે.

પરિણામ આવતાં જ સેંકડો લોકોની જિંદગી એક ક્ષણમાં બદલાઈ જાય છે. દર વર્ષે આ પરીક્ષામાં ટૉપ કરનાર લોકો અને તેમની કહાણીઓ સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને છે.

ઈશિતા કિશોર સિવિલ સર્વિસ વર્ષ 2022નાં ટૉપર છે. અહીં અમે તમને ઈશિતા કિશોર વિશેની કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યાં છીએ.

બીબીસી ગુજરાતી

ઈશિતાએ ત્રીજીવારમાં કર્યુ ટૉપ

ઈશિતા કિશોર

સિવિલ સર્વિસ પરીક્ષા માટે 27 વર્ષનાં ઈશિતા કિશોરનો આ ત્રીજો પ્રયાસ હતો. અગાઉના બંને પ્રયાસોમાં તેઓ પ્રિલિમ્સ પરીક્ષામાં પણ ક્વૉલિફાઈ કરી શક્યાં નહોતાં અને ત્રીજી વારમાં તેમણે ટૉપ કર્યું છે.

ઈશિતાએ દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઑનર્સ કર્યું છે, પરંતુ સિવિલ સર્વિસની પરીક્ષામાં તેમનો વિષય પૉલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ હતો.

આ વિષય પસંદ કેમ કર્યો તે અંગે તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, “ગ્રૅજ્યુએશનમાં મારો વિષય પૉલિટિકલ સાયન્સ હતો, તેથી મને તેના વિશે થોડી ઘણી ખબર હતી. મને લાગતું હતું કે પૉલિટિકલ સાયન્સ એક એવો વિષય છે, જેમાં હું પોતાને શ્રેષ્ઠ રીતે ઍક્સ્પ્રેસ કરી શકું છું અને ઇન્ટરનેશનલ રિલેશન્સ સમકાલીન વિષય છે, તેથી મને લાગ્યું કે આ વિષય મારા માટે અર્થશાસ્ત્ર કરતાં વધુ સારો રહેશે. મેં મારી મજબૂત બાજુનો ખૂબ જ સમજીવિચારીને ઉપયોગ કરવાનું નક્કી કર્યું.”

બીબીસી ગુજરાતી

સિવિલ સર્વિસમાં જવાનું કેમ વિચાર્યું?

ઈશિતાએ ગ્રૅજ્યુએશન બાદ બે વર્ષ સુધી અર્ન્સ્ટ ઍન્ડ યંગ કંપનીમાં રિસ્ક ઍનાલિસ્ટ કરીતે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે નોકરી છોડીને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય કર્યો હતો.

આ નિર્ણય લેવા પાછળનાં કારણો જણાવતાં ઈશિતાએ બીબીસીને કહ્યું હતું કે, “મને હંમેશાંથી ખબર હતી કે મારે નોકરી કરવી છે, પરંતુ મારે નક્કી કરવાનું હતું કે કયા પ્રકારની નોકરી કરવી છે. મારી પાસે ઘણા વિકલ્પો હતા, જેમ કે એમબીએ, માસ્ટર્સ કે સિવિલ સર્વિસમાં જોડાઉં. ત્યારબાદ મેં સિવિલ સર્વિસ વિશે વિચાર્યું કારણ કે અહીં તમને દેશ માટે કંઈક કરવાની તક મળે છે. હું ઍરફૉર્સ બૅકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવું છું, તેથી મને હંમેશાં એવો અહેસાસ રહ્યો છે કે મારે દેશ માટે કંઈક કરવું છે અને તેના માટે સિવિલ સર્વિસ યોગ્ય પ્લૅટફૉર્મ છે. આ નિર્ણય મેં અચાનક નથી લીધો, પરંતુ વિચારીને લીધો છે.”

દરેક સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરનારને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તેઓ કેટલા કલાક અભ્યાસ કરે છે.

આ અંગે ઈશિતાએ કહ્યું હતું કે, તેઓ અઠવાડિયામાં 42થી 45 કલાક અભ્યાસ કરતાં હતાં. એટલે કે તેઓ રોજ આઠથી નવ કલાક અભ્યાસ કરતાં હતાં.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા લોકો સોશિયલ મીડિયાથી દૂર રહે છે, પરંતુ ઈશિતા સોશિયલ મીડિયાની જરુરિયાત વિશે વાત કરે છે. ઈશિતાનું સોશિયલ મીડિયા પર ઍકાઉન્ટ છે.

તેઓ કહે છે કે, “હું તેનો ઉપયોગ મારા મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે કરું છું. હું આ સફરમાં અલગ પડવા માગતી નહોતી અને આજે મારા બધા મિત્રો મારી સાથે છે અને મારા માટે ખુશ છે. જીવનમાં સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે.”

ટૉપર ઈશિતા કિશોર

ઇમેજ સ્રોત, KIRTI DUBEY/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈશિતાને સ્પૉર્ટ્સનો શોખ છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે ફૂટબૉલ રમ્યાં છે. તેમણે વર્ષ 2012માં ફૂટબૉલ ટુર્નામેન્ટ 'સુબ્રતો કપ' રમી હતી અને તેઓ તેમની ટીમનાં કપ્તાન હતાં.

તેઓ કહે છે કે, “મેં ઘણી રમતો રમી છે અને હજુ પણ રમુ છું.”

ઈશિતા તેમનાં માતા અને નાની પાસેથી બિહારનું પ્રખ્યાત મધુબની પેઇન્ટિંગ શીખ્યાં છે અને તેઓ મધુબની પેઇન્ટિંગ બનાવે છે.

સિવિલ સર્વિસના ઇન્ટરવ્યૂમાં મૂશ્કેલ અને જટિલ પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષામાં ટૉપર્સનું રૅન્કિંગ મુખ્ય પરીક્ષાના માર્ક્સ અને ઇન્ટરવ્યૂના માર્ક્સના આધારે નક્કી કરવામાં આવે છે.

ઈશિતાએ કહ્યું હતું કે, તેમને ઇન્ટરવ્યૂમાં ચીન સાથેના સંબંધોને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં ચાલી રહેલા વિવાદનો સામનો કેવી રીતે કરવો, તેમના મતે આનાથી વધુ સારું નિષ્કર્ષ શું હોઈ શકે છે.

ઈશિતા જણાવે છે કે, “આ બધામાં એક સવાલ જે મને ખૂબ રસપ્રદ લાગ્યો અને તે એ છે કે હું રમતની સમજને ઍડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે ઉપયોગ શકું છું? આ સંપૂર્ણપણે એક નવો સવાલ હતો.”

જે વિદ્યાર્થીઓએ વર્ષોની મહેનત બાદ સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે, તેમના માટે મંગળવારનો દિવસ ખુશીથી ભરેલો હતો.

જે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચીને તેમનું સપનું પૂરું ન કરી શક્યા તેમની માટે ઈશિતાએ એક સંદેશો આપ્યો છે કે, “હું પણ તમારી જગ્યાએ રહી ચૂકી છું, બે વાર મારી પણ પ્રિલિમ્સ ક્લિયર થઈ ન હતી, ત્યારે હું ખૂબ જ નિરાશ થઈ હતી. પરંતુ તમારી ભૂલ સમજો અને ફરીવાર પ્રયાસ કરો અને જો તમને એવું લાગે છે કે કંઈક નવું કરવું જોઈએ, તો તે પણ ટ્રાય કરો.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી