You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોણ છે અને હુમલા માટે શું કારણ આપ્યું?
આમ આદમી પાર્ટી (આપ)ના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં શુક્રવારે એક જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું અને તેના કારણે હોબાળો મચી ગયો હતો.
પગરખું ફેંકનારને તરત જ પકડી લેવામાં આવ્યો હતો અને ત્યાં મંચ પર હાજર લોકો પણ નીચે દોડી આવ્યા હતા.
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિનું નામ છત્રપાલસિંહ જાડેજા છે, જેઓ જામનગરમાં કૉંગ્રેસના કાર્યકર હોવાનો દાવો કરે છે.
આખી ઘટના શું બની છે?
પાંચમી ડિસેમ્બર, શુક્રવારે જામનગરમાં ટાઉનહૉલ ખાતે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કૉંગ્રેસના કાઉન્સિલરો ફેમિદાબેન જુનેજા, અસલમ ખીલજી, ઍડ્વોકેટ જેનાબેન ખાફી અને તેમના કેટલાક ટેકેદારો આપમાં જોડાયા હતા.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમને આવકાર્યા અને જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ નજીક દોડી આવી અને ગોપાલ ઇટાલિયાને તાકીને જૂતું ફેંક્યું.
જોકે, જૂતું ગોપાલ ઇટાલિયાને વાગ્યું ન હતું અને હાજર પોલીસ અને બીજા લોકોએ તરત તે વ્યક્તિને પકડી લીધી અને અમુકે માર પણ માર્યો.
હુમલો કરનાર વ્યક્તિની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ હતી. પોલીસ તેને પકડીને સરકારી હૉસ્પિટલે લઈ ગઈ હતી.
ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે આંગળી ચિંધી
આ ઘટના પછી થોડી જ વારમાં ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને કહ્યું કે તેઓ હુમલો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું છે કે, "હું તે વ્યક્તિને દિલથી માફ કરું છું અને તે વ્યક્તિ અને તેમના પરિવારને ઈશ્વર સુખી રાખે એવી પ્રાર્થના કરું છું."
હુમલા પછી તરત મીડિયાને સંબોધતા ઇટાલિયાએ કહ્યું હતું કે, "આજે અમે 'ગુજરાત જોડો' કાર્યક્રમ હેઠળ મોટી જનસભા યોજી હતી. હું મંચ પરથી મારી વાત કરતો હતો ત્યારે મેં જોયું કે મોટી સંખ્યામાં પોલીસવાળા અચાનક મંચ તરફ આગળ આવવા લાગ્યા. "
"હું પણ પોલીસમાં રહ્યો છું હું આ મુવમેન્ટ વિશે વિચારવા લાગ્યો. તેવામાં ભીડમાંથી અચાનક એક વ્યક્તિએ ઊભા થઈને મારા પર ચપ્પલ ફેંક્યું અને મારવાની કોશિશ કરી. "
"તરત જ પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ. તે સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસ તેને લઈ આવી હતી અને જૂતું માર્યા પછી તેને જનતાથી બચાવીને ત્યાંથી ભાગવા લાગ્યા."
હુમલાખોરે પણ વીડિયો બહાર પાડ્યો
છત્રપાલસિંહની ફેસબૂક પ્રોફાઈલ પ્રમાણે તેઓ વીમાનું કામ કરે છે અને જામનગરમાં એક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીનો હોદ્દો પણ સંભાળે છે. તેઓ જામનગર શહેર કૉંગ્રેસના સંગઠન મંત્રી છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર છત્રપાલસિંહ જાડેજાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં તેને 'ભૂતપૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું તેનો તેમણે બદલો વાળ્યો' હોવાનું કહેતા સાંભળી શકાય છે.
તેઓ વીડિયોમાં કહે છે કે "આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં તેમના પર જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. તેમણે ઘણા સમય અગાઉ પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું. આજે મને મોકો મળવાથી, થોડો સમાજપ્રેમી હોવાથી આ કાર્ય કર્યું છે."
બીબીસી આ વીડિયોની સ્વતંત્ર રીતે ખરાઈ કરતું નથી. છત્રપાલસિંહનો સંપર્ક થઈ શક્યો નથી.
આપ અને કૉંગ્રેસનો પ્રતિભાવ
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયા પછી આપના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું કે "ગુજરાતમાં આપની વધતી લોકપ્રિયતાથી ભાજપ અને કૉંગ્રેસ હચમચી ગયાં છે."
તેમણે લખ્યું કે, "અમે ભાજપની નિષ્ફળતાઓ સામે સતત સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ કૉંગ્રેસને કેમ પીડા થાય છે? કૉંગ્રેસના એક કાર્યકરે જામનગરમાં જાહેર સભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું છે. તે દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ સંયુક્ત રીતે આપ સામે લડી રહ્યાં છે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે પ્રતિક્રિયા આપતા મીડિયાને કહ્યું કે "આ ઘટનામાં કૉંગ્રેસની કોઈ ભૂમિકા નથી."
તેમણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાની ટીકા કરી અને કહ્યું કે અલગ રીતે પણ વિરોધ કરી શકાય છે.
ઇટાલિયા અને વિવાદ
ધારદાર ભાષણો માટે જાણીતા ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં વિવાદોમાં સપડાયેલા રહ્યા છે.
તેઓ રાજકારણમાં પ્રવેશ્યા નહોતા ત્યારે તેમણે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને કરેલા ફોનનું રેકૉર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું.
વર્ષ 2017માં ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર કથિત ભ્રષ્ટાચારના આરોપો માટે તેમણે જૂતું ફેંક્યું હતું, જેનાથી મોટો વિવાદ થયો હતો.
તેઓ ઘણી વખત હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તથા ભાજપ ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને 'માજી બુટલેગર' તરીકે સંબોધતા રહ્યા છે.
અગાઉ બીબીસી સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી હતી, જેમાં હીરા ઘસવાનું કામ પણ સામેલ હતું.
ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે નોકરી કરી હતી અને અમદાવાદના માધુપુરા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ તેમણે રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં પણ ક્લાર્ક તરીકે નોકરી કરી હતી.
નોકરી દરમિયાન જ તેઓ 'પાટીદાર અનામત આંદોલન'માં સક્રિય થઈ ગયા હતા અને પછી તેમણે આ નોકરી પણ છોડી દીધી હતી. તેમણે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે 'સક્રિય' ભૂમિકા ભજવી હતી.
જુલાઈ, 2020માં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. જૂન 2025માં તેઓ જૂનાગઢ જિલ્લામાં વીસાવદરની બેઠક પર ઘારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન