ખ્યાતિકાંડ: જરૂર ના હોવા છતાં હૃદયરોગની સારવાર મામલે બધા આરોપીને જામીન કેવી રીતે મળ્યા, કેસ ક્યાં પહોંચ્યા?

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં એક વર્ષ પહેલાં સામે આવેલા ખ્યાતિ કાંડના બધા જ આરોપીઓ જામીન પર છૂટી ચૂક્યા છે અને હજુ કેસમાં અદાલતમાં ટ્રાયલ શરૂ થઈ શકી નથી.
તો બીજી તરફ ખ્યાતિકાંડના પીડિતોના પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
11 નવેમ્બર 2024ના રોજ ખ્યાતિ હૉસ્પિટલમાં કથિત રીતે ઍન્જિયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન બે લોકોનાં મોત થયાં હતાં.
બોરીસણા ગામના મહેશ બારોટ અને 75 વર્ષના નાગજી સેનમાનાં ખ્યાતિ હૉસ્પિટલમાં સર્જરી બાદ મૃત્યુ થયાં હતાં.
મૃતકોના પરિવારજનોએ હૉસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને આખી વાત ચર્ચામાં આવી હતી.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ મામલે કમિટીની રચના કરી હતી. કમિટીના સભ્યોએ રજૂ કરેલા રિપોર્ટમાં હૉસ્પિટલ અને ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી.
ખ્યાતિ હૉસ્પિટલમાં માલિક, સંચાલકો તેમજ સર્જરી કરનાર ડૉક્ટર સહિત ત્રણ લોકો સામે એટલે કે પાંચ આરોપીઓ સામે ફરિયાદો નોંધવામાં આવી હતી. ત્યાર બાદ કેસની તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં. આ કેસમાં પોલીસે કુલ 9 આરોપીઓની અલગ અલગ સમયે ધરપકડ કરી હતી.
આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં આરોપીઓના ક્યારે અને કેવી રીતે જામીન મંજૂર થયા ?

ઇમેજ સ્રોત, POLICE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં પકડાયેલા નવ આરપીઓમાંથી આઠ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.
જ્યારે આરોપી ખ્યાતિ હૉસ્પિટલના ચૅરમૅન કાર્તિક પટેલના ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 11 ડિસેમ્બરના રોજ આરોપી કાર્તિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.
કાર્તિક પટેલને જામીન મળતા આ કેસના તમામ આરોપીઓ હાલ જામીન પર બહાર છે.
આ પહેલાં 8 ડિસેમ્બરના રોજ દર્દીઓનાં ઑપરેશન કરનાર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ.પ્રંશાત વજીરાણીના ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
જોકે આ પહેલાં પ્રશાંત વજીરાણીને ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ કેસની તપાસની પ્રગતિને આધારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
જોકે 5 ડિસેમ્બરના રોજ અન્ય એક આરોપી મિલિન્દ પટેલના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજૂર કર્યા હતા.
અગાઉ મે 2025માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસના ત્રણ આરોપીઓ રાજશ્રી કોઠારી, ડૉ.સંજય પટોળિયા અને રાહુલ જૈનના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓના સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર થતા તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ ત્રણેય પહેલા હતા જેમને આ કેસમાં જામીન મળ્યા હતા.
ત્યાર બાદ જુલાઈ 2025માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસના અન્ય આરોપીઓ ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
ખ્યાતિ હૉસ્પિટલ કેસના 6 આરોપીઓના અલગ અલગ ફોરમ પર રિપ્રેઝન્ટ કરનાર વકીલ અજ એચ મુરઝાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં બધા જ 9 આરોપીઓને અલગ અલગ સમયે જામીન મળ્યા છે. 9 માંથી 8 અરજદારને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અને એક આરોપીને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "આ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ નોંધવામાં આવી છે. હાલ કેસ ચાર્જિસ ફ્રેમિંગ સ્ટેજ પર છે."
ડૉ. વજિરાણીના જામીનનાં કારણો વિશે વાત કરતાં અજ મુરઝાની જણાવે છે કે આ કેસમાં 120 સાક્ષીઓ છે. જેથી કેસમાં લાંબો ટ્રાયલ ચાલી શકે તેમ છે.
કાર્તિક પટેલના જામીન અંગે સુપ્રીમ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ કેસમાં અન્ય ઘણા સહ-આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. "પક્ષોના વિદ્વાન વકીલને સાંભળ્યા પછી, અમને જાણવા મળ્યું છે કે આ કેસમાં સહ-આરોપી ડૉ. રાહુલ જૈન (CEO), રાજશ્રી પ્રદીપ કોઠારી, ડૉ. સંજય પાટોળિયા, ચિરાગ રાજપૂત, પ્રતીક ભટ્ટ અને શ્રી પંકિલ પટેલને જામીન આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના ઑર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે, "મિલિંદ પટેલ અને ડૉ. પ્રશાંત વજીરાણીના કિસ્સામાં, આ કોર્ટ દ્વારા જામીન નકાર્યા પછી પણ, હાઇકોર્ટે, ત્યારબાદના આ કેસમાં થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને, તેમની જામીન અરજીઓ મંજૂર કરી હતી. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, હાલના આરોપીને કસ્ટડીમાં રાખવાનું કોઈ કારણ નથી. તેથી, અમે અરજદારને જામીન પર મુક્ત કરવાનું યોગ્ય માનીએ છીએ."
કેસના ટ્રાયલ અંગે વકીલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટનાને નવેમ્બર મહિનામાં એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.
પોલીસે આ કેસની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. પરંતુ ચાર્જફ્રેમ ન થવાને કારણે કેસની ટ્રાયલ શરૂ થઈ શકી ન હતી.
આ કેસના ચાર આરોપીઓએ આ કેસમાંથી પોતાને ડિસ્ચાર્જ કરવા માટે અલગ અલગ અરજી કરી હતી.
કાર્તિક પટેલ અને રાહુલ જૈનની આ કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટેની અરજી શનિવારે કોર્ટે ફગાવી છે. હવે આ કેસમાં ટ્રાયલ શરૂ થવાનો રસ્તો ખૂલી ગયો છે.
ટ્રાયલમાં વિલંબ થવા અંગે ખ્યાતિ હૉસ્પિટલ કેસના સ્પેશિયલ પ્રોસિક્યુટર વિજય બારોટે જણાવ્યું હતું કે "આ કેસમાં ચાર આરોપી રાજશ્રી કોઠારી, સંજય પટોળિયા, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને કારણે ચાર્જફ્રેમમાં થઈ શક્યો ન હતો. જેથી ટ્રાયલમાં વિલંબ થયો હતો."
વિજય બારોટે વધુમાં જણાવ્યું કે, "કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં 30 ડિસેમ્બરે ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. ત્યાર બાદ ટ્રાયલ શરૂ થશે."
ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં પીડિત પરિવારોએ શું કહ્યું?
ખ્યાતિ હૉસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના મહેશ બારોટ અને નાનજી સેનમા એમ બે લોકોનાં મોત થયાં હતાં. બોરીસણા ગામના 19 લોકોની ખ્યાતિ હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.
નાનજીભાઈ સેનમાના દીકરા પ્રવીણ સેનમાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "અમારા ધ્યાનમાં નથી કે આ કેસના બધા આરોપી જામીન પર છૂટી ગયા છે. આ મોટા લોકો છે. પૈસાના જોરે કંઈ પણ કરી શકે છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે તો ગરીબ લોકો છીએ. હવે એ જોવાનું કે કોર્ટમાં કેસ ચાલે અને ચુકાદો આવે ત્યારે ખબર પડે કે અમને ન્યાય મળે છે કે નહીં."
બોરીસણા ગામના જગદીશભાઈ સાધુ જેમના પિતાની ખ્યાતિ હૉસ્પિટલ ખાતે ઍન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. જગદીશ સાધુએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મારા પિતાની સર્જરી કરવામાં આવી છે. હવે તેમને આજીવન દવા ખાવી પડશે. તેમને શરીરમાં અલગ અલગ પ્રકારની એલર્જી પણ થઈ ગઈ છે."
કેસ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે "અમે ગરીબ લોકો છીએ. અમારું કોઈ સાંભળતુ નથી."
ખ્યાતિકાંડમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
11 નવેમ્બર, 2024ના રોજ ખ્યાતિ હૉસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન કડી તાલુકાના બે લોકોનાં મોત થયાં હતાં. આ દર્દીઓની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવી રહી હતી.
બે દર્દીઓનાં મોત બાદ પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલાની તપાસ માટે સરકારે સાત નિષ્ણાતોની કમિટી બનાવી હતી.
નિષ્ણોતોની કમિટીએ દર્દીઓના ઍન્જિયોગ્રાફીનો હૉસ્પિટલે તૈયાર કરેલા રિપોર્ટ, દર્દીઓના ઍન્જિયોગ્રાફીના રિપાર્ટની સીડી, દર્દીઓના ઈસીજીના રિપોર્ટ તેમજ દર્દીઓના ઇકોકાર્ડીઓગ્રાફીના રિપોર્ટની તપાસ કરી હતી. તપાસ કમિટીને રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી હતી.
જેને આધારે ખ્યાતિ હૉસ્પિટલના માલિક, સંચાલકો તેમજ સર્જરી કરનાર ડૉક્ટર સહિત પાંચ લોકો સામે ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં બે મૃતકોના પરિવારની તેમજ સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસમાં અન્ય આરોપીઓ સામે આવ્યા હતા. આ કેસમાં કુલ 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
ખ્યાતિ હૉસ્પિટલ કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નવેમ્બર મહિનામાં આ કેસમાં હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત ચાર આરોપીઓની ખેડા જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરી હતી. જેમાં પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલ હતા જેઓ ચિરાગ રાજપૂત માટે માર્કેટિંગનું કામ કરતા હતા. તેમજ મિલિન્દ પટેલ કમિશન પર કામ કરતા હતા.
આ કેસમાં હૉસ્પિટલના સીએ રાહુલ જૈનની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી હતી.
તેમજ ડિસેમ્બર 2024માં ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી હૉસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ડૉ. સંજય પટોળિયાની અમદાવાદ ગોતાથી ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓ હૉસ્પિટલમાં ભાગીદાર હતા.
ખ્યાતિ હૉસ્પિટલના ચૅરમૅન કાર્તિક પટેલની 66 દિવસ બાદ 18 જાન્યુઆરીના રોજ અમદાવાદ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












