પાકિસ્તાનનું અર્થતંત્ર બેહાલ, પણ શેરબજારમાં તેજીની ધમાલ, કોણ કરી રહ્યું છે રોકાણ?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તનવીર મલિક
    • પદ, પત્રકાર, પાકિસ્તાન

પાકિસ્તાનના શેર બજારમાં અત્યારે ઐતિહાસિક તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. શેર બજારમાં અનેક સપ્તાહથી સતત તેજીને કારણે ઇન્ડેક્સ લગભગ દરરોજ એક નવું સ્તર પાર કરી રહ્યો છે.

ગત કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સ્ટોક માર્કેટનો ઇન્ડેક્સ એક દિવસમાં 65,066 પૉઇન્ટ્સના સ્તરે પહોંચ્યો હતો અને પાકિસ્તાનના ઇતિહાસના સૌથી ઊંચા સ્તર 66,223 પર બંધ થયો હતો.

સ્ટોક માર્કેટમાં તેજીનું વલણ ઑક્ટોબરના મધ્યથી શરૂ થયું હતું. એ સમયે ઇન્ડેક્સ 50,000 પૉઇન્ટના સ્તરે હતો, પરંતુ બે મહિનાથી ઓછા સમયમાં ઇન્ડેક્સમાં 16,000 પૉઇન્ટ્સનો વિક્રમસર્જક વધારો થયો છે.

ઑક્ટોબરના મધ્યથી અત્યાર સુધી સ્ટોક માર્કેટમાં ચાલી રહેલી તેજીને માર્કેટ વિશ્લેષકો પાકિસ્તાનના આર્થિક સૂચકાંકોમાં થયેલા કેટલાક સુધારા સાથે જોડી રહ્યા છે.

ખાસ કરીને પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) વચ્ચે થયેલા સ્ટાફ લેવલ કરારનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. એ કરાર હેઠળ પાકિસ્તાનને 70,000 કરોડ ડૉલરનો હપ્તો મળવાનો છે, જે પાકિસ્તાનના વિદેશી ફાઇનાન્સિંગ ક્ષેત્ર માટે બહુ જરૂરી ગણવામાં આવી રહી છે.

સ્ટોક માર્કેટની ઐતિહાસિક તેજી માટે બીજાં કારણો પણ આપવામાં આવી રહ્યાં છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર મુશ્કેલીઓ અને સંકટોનો સામનો કરી રહ્યું છે ત્યારે શેર બજારમાં તેજીનો દોર ચાલી રહ્યો છે.

દેશનું ઉદ્યોગ જગત મુશ્કેલીથી ઘેરાયેલું છે. બીજી તરફ સામાન્ય પાકિસ્તાનીઓ મોંઘવારીને લીધે સમસ્યાગ્રસ્ત છે. આ સપ્તાહે ગૅસ અને વીજળીના ભાવમાં વધારો થવાથી મુશ્કેલીમાં ઔર વધારો થયો છે.

પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ખાવાપીવાની સામગ્રીની કિંમત અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે છે.

હવે સવાલ એ છે કે સ્ટોક માર્કેટમાંની તેજી પાકિસ્તાની અર્થતંત્રની દશા દર્શાવી રહી છે અને તેનાથી સામાન્ય પાકિસ્તાનીઓને પણ કોઈ ફાયદો થયો છે કે થવાનો છે?

ચાલુ રહેશે તેજી?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટોક માર્કેટ ઇન્ડેક્સમાં વર્તમાન સપ્તાહમાં 4,532 પૉઇન્ટ્સનો વધારો થયો છે, જે એક રેકર્ડ છે. અલબત, આ વધારો આર્થિક કારણોને આભારી છે કે અટકળો પર આધારિત કારોબાર વડે કરવામાં આવ્યો છે?

બીબીસીએ આ સંદર્ભે નાણાકીય બાબતોના નિષ્ણાત સના તૌફિક સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે માર્કેટમાં વર્તમાન તેજીનાં કારણોને જોઈએ તો સમજાશે કે આ તેજી પરપોટા જેવી નથી કે જલદી ફૂટી જશે. આ તેજી ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.

તેમના કહેવા મુજબ, તેનું એક કારણ એ છે કે માર્કેટ આ તેજીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું. ખરાબ આર્થિક સ્થિતિનો માર્કેટ પર નકારાત્મક પ્રભાવ પડ્યો હતો અને શેરોની કિંમતમાં મોટો ઘટાડો થયો હતો.

'75,000 પૉઇન્ટ્સ સુધી જઈ શકે સૂચકાંક'

માર્કેટમાં જોવા મળતી તેજીના કેટલાંક કારણ છે અને અર્થતંત્રમાં થનારી રિકવરી બાબતે સ્ટોક માર્કેટે પ્રતિભાવ આપ્યો છે, એ વાત સાથે આર્થિક નિષ્ણાત અને બૅન્ક ઑફ પંજાબના વડા અર્થશાસ્ત્રી સાયમ અલી સહમતિ વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આઈએમએફ અને પાકિસ્તાન વચ્ચે સ્ટાફ લેવલ કરારે માર્કેટને સપોર્ટ કર્યો છે. પાકિસ્તાનના કેટલાક આર્થિક સૂચકાંકોમાં સુધારાને કારણે આ તેજી આવી છે એ વાત પણ સાચી છે.

નાણાકીય બાબતોના નિષ્ણાત સમીઉલ્લાહ તારિકના જણાવ્યા મુજબ, શેર બજાર વધુ ઉપર જઈ શકે છે અને આગામી મહિનાઓમાં ઇન્ડેક્સ 70થી 75,000 પૉઇન્ટ્સ સુધી જઈ શકે છે.

તેજીનું કારણ શું?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનના કેટલાક આર્થિક સૂચકાંકોમાં તાજેતરના સપ્તાહમાં થોડો સુધારો થયો છે. ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો અને વિનિમય દરમાં થોડો સુધારો થયો છે, પરંતુ પાકિસ્તાનના ઔદ્યોગિક વિકાસનું ચક્ર હજુ પણ મંદીનો શિકાર છે અને સામાન્ય માણસ મોંઘવારીને લીધે પરેશાન છે.

શેર બજારની સ્થિતિને લીધે દેશનાં અર્થતંત્ર સંબંધે શું ખબર પડે, એવા સવાલના જવાબમાં સના તૌફિકે જણાવ્યું હતું કે સ્ટોક માર્કેટ મૂળભૂત રીતે એવો સંકેત આપી રહ્યું છે કે અર્થતંત્ર સુધારાના માર્ગ પર છે અને ભવિષ્યમાં આર્થિક મોરચે હકારાત્મક સ્થિતિ સર્જાશે.

તેમના કહેવા મુજબ, અર્થવ્યવસ્થામાં થોડો સુધારો તો જરૂર થયો છે. તેમાં સૌથી મહત્ત્વનું ઍક્સ્ચેન્જ રેટની મજબૂતી અને દેશના વિદેશી ફાઇનાન્સિંગ ક્ષેત્રમાં થોડો સુધારો છે. દેશની ચાલુ ખાતાની ખાધ ઘટી છે.

તેમણે ઉમેર્યું હતું કે આર્થિક સ્થિતિ સુધારા પર હોવાનો સંકેત માર્કેટ આપી રહ્યું છે, પરંતુ અત્યારે મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે એ વાત પણ સાચી છે. પાકિસ્તાનીઓને મોંઘવારી સૌથી વધુ પરેશાન કરી રહી છે.

સાયમ અલીએ જણાવ્યું હતું કે અર્થતંત્ર સંપૂર્ણપણે પૂર્વવત્ થયું નથી, પરંતુ તેમાં થોડો સુધારો જરૂર થયો છે, કારણ કે ગત બે વર્ષથી જે આર્થિક સંકટ ચાલી રહ્યું છે, તેની વ્યાપકતા ઘટી છે અને માર્કેટે તેનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

તેજીથી સામાન્ય માણસને શું લાભ?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં હાલ ફૂગાવાનો દર 30 ટકા છે. વીજળી તથા ગૅસનાં બિલ, પેટ્રોલ તથા ડીઝલના ભાવ તેમજ ખાવાપીવાની ચીજોમાં મોંઘાવારીથી સામાન્ય પાકિસ્તાની પરેશાન છે.

સાયમ અલીના જણાવ્યા મુજબ, માર્કેટમાં તેજીથી સામાન્ય માણસને પ્રત્યક્ષ રીતે કોઈ લાભ થતો નથી, પરંતુ કંપનીઓને સારી કમાણી થઈ રહી છે અને કંપનીઓ બોનસ શેર્સ તથા ડિવિડન્ડના સ્વરૂપમાં એ કમાણી વિતરીત કરતી હોય તો જે લોકોએ જે-તે કંપનીના શેર્સ ખરીદ્યા છે તેને ફાયદો થાય છે.

તેમણે કહ્યું હતું, “કંપનીઓને સારી કમાણી થતી હોય તો ભવિષ્યમાં રોકાણ કરીને તે પોતાનું ઉત્પાદન વધારી શકે છે, જેનાથી અર્થતંત્રમાં થોડો સુધારો આવી શકે અને પરોક્ષ રીતે સામાન્ય માનવીને લાભ થઈ શકે છે.”

જોકે, શેર બજારમાં હાલ જે તેજી છે તેનાથી એકેય સામાન્ય માણસને કોઈ લાભ નથી, એવી સ્પષ્ટતા સાયમ અલીએ કરી હતી.

સના તૌફિકે જણાવ્યુ હતું કે સ્ટોક માર્કેટમાં રોકાણકારોની સંખ્યા હાલ લગભગ અઢી લાખ છે, જે 22 કરોડની કુલ વસતી ધરાવતા દેશમાં કશું ન કહેવાય.

આનો અર્થ એ છે કે પાકિસ્તાની શેર બજારમાં તેજીની સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર કોઈ સીધી અસર થવાની નથી, પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ટોક માર્કેટ સારું પ્રદર્શન કરીને આર્થિક સુધારાનો સંકેત આપતું હોય તો ભવિષ્યમાં મોંઘવારીમાં ઘટાડાની શક્યતા સર્જાઈ શકે છે.

કયાં ક્ષેત્રોને કારણે તેજી?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાની સ્ટોક માર્કેટમાં તેજીને લીધે વિવિધ ક્ષેત્રોની કંપનીઓના શેરોની કિંમતમાં વધારો થયો છે.

તેમાં કેટલાંક ક્ષેત્રોનું પ્રદર્શન સારું રહ્યું છે, જેને લીધે સ્ટોક માર્કેટ અત્યારે ઐતિહાસિક ઊંચાઈ પર છે.

આ બાબતે વાત કરતાં સના તૌફિકે જણાવ્યું હતું કે અત્યારે બૅન્ક શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. તેનું કારણ બૅન્કોને થનારી વધુ કમાણી છે, જે દેશમાં વ્યાજના ઊંચા દરને કારણે છે.

તેમણે ઉમેર્યું હતું કે આ રીતે ઑઇલ અને ગૅસ સેક્ટરની કંપનીઓના શેરોના ભાવ પણ ઘણા વધ્યા છે. તેમાં વિદેશી રોકાણના સમાચાર આવ્યા છે. ઑઇલના ઊંચા ભાવને લીધે આ ક્ષેત્રની કંપનીઓ તથા રિફાઈનરીઓના શેર હાલ સૌથી ઊંચા સ્તરે છે.

વર્તમાન સપ્તાહમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓના શેરોની કિંમતમાં થયેલી વૃદ્ધિ પર નજર કરીએ તો બૅન્ક શેરોની કિંમતમાં માત્ર એક સપ્તાહમાં 1704 ટકાનો વધારો થયો છે.

ઑઇલ અને ગૅસ કંપનીઓના શેરોના ભાવ લગભગ 1,000 ટકા વધ્યા છે. ખાતર અને તેલ કંપનીઓના શેરોના દામમાં પણ ઘણી વૃદ્ધિ નોંધાઈ છે.

વિદેશી નાણાંનું રોકાણ પણ થઈ રહ્યું છે?

hdjlkj

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટોક માર્કેટની ઐતિહાસિક તેજીમાં સ્થાનિક રોકાણકારોમાં ખરીદીનું વલણ જોવા મળી રહ્યું છે ત્યારે હવે તેમની સાથે વિદેશી રોકાણકારો પણ ઘણા સક્રિય જોવા મળી રહ્યા છે.

સના તૌફિકે જણાવ્યું હતું કે અત્યારે સ્ટોક માર્કેટમાં સ્થાનિક અને વિદેશી બન્ને રોકાણકારો છે. આ વર્ષે 20થી 30 કરોડ ડૉલરના વિદેશી મૂડી રોકાણની સંભાવના છે.

પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં વિદેશી મૂડી રોકાણના આંકડા અનુસાર, નવેમ્બરમાં માર્કેટમાં સાડા ત્રણ કરોડ ડૉલરનું મૂડી રોકાણ થયું હતું, જે પાછલાં છ વર્ષમાં સૌથી વધારે છે.

ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ સ્ટોક માર્કેટમાં એક કરોડ, દસ લાખ ડૉલરથી વધુનું મૂડી રોકાણ કર્યું હતું.