અમેરિકામાં ભણવા ગયેલાં યુવતી ભિક્ષુક જેવી હાલતમાં ફૂટપાથ પરથી કેવી રીતે મળ્યાં?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, અમરેન્દ્ર યરલાગડ્ડા, સદાનંદમ
- પદ, બીબીસી માટે

અમેરિકામાં ફૂટપાથ પર પડેલી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. હૈદરાબાદના બીઆરએસ પક્ષના નેતા ખાલેકર રહેમાને એ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.
એ વીડિયોમાં જોવા મળતી યુવતીનું કહેવું છે કે તેમનું નામ મિન્હાઝ ઝૈદી છે.
તેમની આંખો એવી લાગે છે કે જાણે તેમણે ઘણા દિવસોથી ભોજન લીધું નથી.
તેઓ ઊંઘ્યાં નથી, તેમના વાળ વિખેરાયેલા છે, તેઓ બહુ સુસ્ત દેખાય છે, બોલી શકતાં નથી અને પોતાનું નામ પણ સારી રીતે જણાવી શકતાં નથી. તેમણે કાળું જેકેટ પહેર્યું છે અને કાળો ધાબળો ઓઢ્યો છે.
વીડિયોમાં બીજી તરફથી વાત કરી રહેલી વ્યક્તિ તેમને સવાલો પૂછે છે, પણ તેઓ યોગ્ય રીતે જવાબ આપી શકતાં નથી. તેમની વાણી અસ્પષ્ટ છે.

કોણ છે આ યુવતી?

ઇમેજ સ્રોત, Getty Images
આ યુવતી હૈદરાબાદના મૌલાલી વિસ્તારની મૂળ રહેવાસી છે. તેમનું આખું નામ સૈયદા લુલુ મિન્હાઝ ઝૈદી છે. તેમનાં માતાનું નામ સૈયદા વહાજ ફાતિમા છે.
તેઓ નિવૃત શિક્ષિકા છે. તેમણે લગભગ 35 વર્ષ સુધી આઈઆઈસીટી કેમ્પસ સ્કૂલ, તરનાકામાં વિજ્ઞાન તથા અંગ્રેજીના શિક્ષક તરીકે સેવા આપી છે. સૈયદા વહાજ ફાતિમા હાલ ઘરમાં જ ટ્યુશન ક્લાસ ચલાવે છે.
મિન્હાઝ ઝૈદીએ 2017માં હૈદરાબાદની શાદાન કૉલેજમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ઑફ ટેકનૉલૉજીની ડિગ્રી મેળવી હતી. એ પછી તેમણે એ જ કૉલેજમાં કમ્પ્યુટર સાયન્સના કરાર આધારિત સહાયક પ્રોફેસર તરીકે બે વર્ષ સુધી કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, કોવિડ લૉકડાઉન દરમિયાન તેમણે નોકરી ગુમાવવી પડી હતી. એ પછી મિન્હાઝે આગળ અભ્યાસનો નિર્ણય કર્યો હતો.
બીબીસીએ મિન્હાઝનાં માતા ફાતિમા સાથે વાત કરી.
તેમના જણાવ્યા મુજબ, મિન્હાઝે વિચાર્યું હતું કે તેઓ માસ્ટર ઑફ સાયન્સ (એમએસ)નો અભ્યાસ કરશે તો તેમને સારી નોકરી મળી જશે. નોકરીમાં વધારે વેઇટેજ મળશે. તેથી તેમણે અનેક યુનિવર્સિટીઓમાં અરજી કરી હતી અને લૉકડાઉન દરમિયાન પ્રવેશ પરીક્ષાઓ આપી હતી.

અચાનક શું થયું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિન્હાઝને 2021માં અમેરિકાના ડેટ્રોઈટની ટ્રાઇન યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગમાં એમએસની સીટ મળી હતી. એ જ વર્ષે ઑગસ્ટમાં તેઓ એફ-વન વિઝા પર અમેરિકા ગયાં હતાં. અભ્યાસ માટેના એફ-વન વિઝાની મુદ્દત પાંચ વર્ષની હોય છે.
ફાતિમાએ બીબીસીને જણાવ્યું હતું કે મિન્હાઝે બાળપણથી જ સારી રીતે અભ્યાસ કર્યો હતો અને તે સારી નોકરી કરવા ઇચ્છતાં હતાં. બે મહિના પહેલાં સુધી અમેરિકામાં તેમની હાલત સારી હતી અને પછી અચાનક શું થયું તેની મને ખબર નથી.
દીકરી મિન્હાઝની દશા જોઈને માતા ફાતિમાને બહુ દુઃખ થાય છે. તેઓ કહે છે, “મિન્હાઝ સાથે છેલ્લે વાત કરી તેને બે મહિના થઈ ગયા. મેં બહુ પ્રયાસ કર્યા, પરંતુ શું થયું, એ ક્યાં ગઈ તે જાણવા મળ્યું નથી. હું બે મહિનાથી દૂતાવાસ સાથે વાત કરી રહી છું.”
ફાતિમા કહે છે, “મિન્હાઝનો બધો સામાન, સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો લઈ લેવામાં આવ્યાં છે. તેની પાસે ફોન પણ નથી. તેને શું થયું છે એની મને ખબર નથી. તેની તબિયત સારી નથી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે ભારતીય દૂતાવાસે મદદ કરવી જોઈએ. મિન્હાઝની બૅગમાં એક ઇન્સ્યુરન્સ કાર્ડ હોવું જોઈએ.”

અત્યાર સુધીમાં શું થયું?

ઇમેજ સ્રોત, UGC
ફાતિમાના જણાવ્યા મુજબ, બે મહિના પહેલાં સુધી મિન્હાઝ સારી રીતે વાતચીત કરતાં હતાં, પરંતુ હવે મિન્હાઝ એકદમ અલગ લાગે છે. અમેરિકામાં રહેતા તેલુગુ પ્રતિનિધિઓનું માનવું છે કે આર્થિક તંગીને કારણે મિન્હાઝ અભ્યાસ આગળ ધપાવી નહીં શક્યા હોય અને કદાચ ડિપ્રેશનનો ભોગ બન્યાં હશે.
બીબીસીએ આ પ્રકરણ સંબંધે શિકાગોસ્થિત સામાજિક કાર્યકર મોહમ્મદ મિન્હાઝ અખ્તર સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, “અમેરિકા આવતા વિદ્યાર્થીઓએ પોતાનો ખર્ચો કાઢવા માટે નાનાં-મોટાં કામ કરવાં પડે છે. ખર્ચ દરેક સેમેસ્ટરમાં સતત વધતો જાય છે. છોકરાઓ તો કોઈ પણ કામ કરી લે, પરંતુ છોકરીઓને પૈસા કમાવામાં બહુ મુશ્કેલી પડી રહી છે. છોકરીઓ અમુક કામ જ કરી શકે છે. તેથી છોકરીઓએ વધારે સંઘર્ષ કરવો પડે છે. અભ્યાસમાં આગળ વધી નહીં શકવાને લીધે મિન્હાઝ ડિપ્રેશનનો ભોગ બન્યાં હોય એવું લાગે છે.”
તેમણે ઉમેર્યું હતું, “મિન્હાઝ ઝૈદી ગત વર્ષે અમારી ઓફિસે આવ્યાં, ત્યારે જાણવા મળ્યું હતું કે તેઓ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેઓ તેમના એફ-વન વિઝાને કારણે અહીં કામ કરી શકતાં ન હતાં. આવી હાલત થશે અને તેઓ ડિપ્રેશનમાં ચાલ્યાં જશે, એવું મેં વિચાર્યું ન હતું. બે દિવસ પહેલાં તેઓ બહુ ખરાબ મૂડમાં હતાં. મિન્હાઝ સ્વસ્થ નથી.”

વિદેશ પ્રધાનને પત્ર

ઇમેજ સ્રોત, UGC
પોતાની દીકરી મિન્હાઝની હાલત વિશે માતા ફાતિમાએ વિદેશ પ્રધાન એસ. જયશંકરને પત્ર લખ્યો હતો.
પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરી ડિપ્રેશનને કારણે શિકાગોની સડક પર ભૂખથી મરી રહી છે. તેમણે દીકરી સાથે બે મહિનાથી વાત કરી નથી. હૈદરાબાદના બે યુવકોએ તેને ઓળખી કાઢી હતી અને દીકરીની હાલત વિશે તેમને જણાવ્યું હતું.
પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈએ મિન્હાઝનો સામાન ચોરી લીધો હોવાની ખબર પડી છે અને ગંભીર તણાવને લીધે મિન્હાઝ ડિપ્રેશનમાં ચાલ્યાં ગયાં છે.
પોતાની દીકરીના મામલામાં ભારતીય દૂતાવાસ તથા ભારતીય વાણિજ્ય દૂતાવાસ હસ્તક્ષેપ કરે એવી વિનંતી કરતાં તેમણે એસ. જયશંકરને મિન્હાઝને ભારત પાછી લાવવા દૂતાવાસ સાથે વાત કરવા જણાવ્યું છે.
તેમણે જણાવ્યું છે કે અમેરિકાસ્થિત સામાજિક કાર્યકર મોહમ્મદ અખ્તર મિન્હાઝને શોધવામાં મદદ કરશે.
ફાતિમાએ બીબીસીને કહ્યું હતું, “મિન્હાઝ ગૂમ થઈ ગઈ હોવા બાબતે હું બે મહિનાથી ભારતીય દૂતાવાસ સાથે વાત કરી રહી છું. તેમના તરફથી કોઈ સમાચાર મળતા નથી.”
ફાતિમાના જણાવ્યા મુજબ, મિન્હાઝને શોધી શકાતી નથી, કારણ કે તેમની પાસે તેમનો ફોન પણ નથી. મિન્હાઝની તરત જ યોગ્ય સારવાર કરવામાં આવે તથા તેને ભારત મોકલી આપવામાં આવે અને મિન્હાઝ આવી શકે તેમ ન હોય તો મને વિઝા આપીને અમેરિકા મોકલવામાં આવે, એવી વિનંતી પણ ફાતિમાએ કરી છે.














