BBC Exclusive - રવીશ કુમાર : કલ્પના કરો કે હું લોકસભામાં છું અને એમની (મોદીની) સામે છું

    • લેેખક, મુકેશ શર્મા
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી ઇન્ડિયા
  • એનડીટીવીમાં કામ કરતી વખતે રવીશ કુમારને કેટલાક ખરાબ અનુભવ પણ થયા હતા
  • એનડીટીવીના મૅનેજમૅન્ટ કે ડૉક્ટર રૉયે રવીશ કુમારના કામમાં ક્યારેય દખલગીરી કરી ન હતી
  • રવીશ કુમાર પર એવો આક્ષેપ છે કે તેઓ મોદી સરકારની કાયમ ટીકા કરતા રહ્યા છે
  • રવીશ પોતાને એનડીટીવી કરતાં પણ મોટી બ્રાન્ડ માને છે?
  • અદાણી દ્વારા ટેક ઓવર પછી કામની આઝાદી નહીં મળે એવું કેમ લાગ્યું?

વિખ્યાત પત્રકાર અને એનડીટીવીના પૂર્વ ઍન્કર રવીશ કુમારે જણાવ્યું છે કે, “એનડીટીવીમાંથી રાજીનામું આપવાનો તેમનો ફેંસલો યોગ્ય સમયે લેવામાં આવેલો યોગ્ય નિર્ણય છે. તેમને આ વાતનો કોઈ અફસોસ નથી.”

બીબીસી સાથેની મુલાકાતમાં રવીશ કુમારે અદાણી-અંબાણી, (પ્રણવ અને રાધિકા) રૉય દંપતી અને મોદી સરકારથી માંડીને તેમના રાજકારણમાં પ્રવેશવાની શક્યતા બાબતે વિગતવાર વાત કરી હતી.

રવીશ કુમારે જણાવ્યું હતું કે, “એનડીટીવીને ખરીદવાનો નિર્ણય એક સામાન્ય વ્યાપારી નિર્ણય ન હતો.”

તેમણે એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે તેમને નિશાન બનાવવા માટે એનડીટીવીને ખરીદવામાં આવ્યું હતું.

તેમણે એ સ્વીકાર્યું હતું કે વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટલીક વાતો ગુસ્સામાં જરૂર કહી હતી, પરંતુ ખોટી વાત કરી ન હતી.

રવીશ કુમારે એનડીટીવીમાંથી રાજીનામું આપ્યા બાદ સૌથી પહેલા પત્રકાર અજિત અંજુમને ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એ પછી કરણ થાપરને આપ્યો હતો.

રવીશ પોતાને એનડીટીવીથી પણ મોટી બ્રાન્ડ માને છે?

બન્ને સાથેના ઇન્ટરવ્યૂ બાદ ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે શું રવીશ કુમાર ખુદને એનડીટીવીથી પણ મોટી બ્રાન્ડ માનવા લાગ્યા છે?

બીબીસીએ પણ રવીશને આ સવાલ પૂછ્યો હતો.

તેના જવાબમાં રવીશે કહ્યું હતું કે, “કરણ થાપરે મને પૂછ્યું ત્યારે મેં ગુસ્સામાં કહી દીધું હતું કે હા, મને નિશાન બનાવવા માટે એનડીટીવી ખરીદવામાં આવ્યું છે. મેં ખોટી વાત નથી કરી પરંતુ આ અહંકારની વાત નથી. એક ઇન્ટરવ્યૂમાં હું રોષે ભરાઈને વાત કરતો હોઉં તો તેના આધારે તમે એવું નક્કી ન કરી શકો કે તે અહંકારની વાત છે. હું શું સમજી રહ્યો છું તે મહત્ત્વનું નથી.”

તેમણે ઉમેર્યું હતું કે, “એ કંપનીને ખરીદવાના બીજાં મહત્ત્વના કારણ હશે, પરંતુ હજુ સુધી કોઈ એવું તથ્ય બહાર નથી આવ્યું કે જેમાં ડૉક્ટર રૉય પોતે માર્કેટમાં કહેવા ગયા હોય કે હું મારી કંપની વેચી રહ્યો છું. ડૉક્ટર રૉય તેમની કહાણી કહેશે. હું મારી કથા કહીશ.”

“તેમને કઈ રીતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)માં બેસાડવામાં આવ્યા, કઈ રીતે તેમના સામે કેસ બનાવવામાં આવ્યો, પરંતુ 10 વર્ષમાં કશું જ બહાર આવ્યું નથી. પછી એ માણસ ચેનલ ખરીદવા આવ્યો, જે સરકારની બહુ નજીક હોવાનું માનવામાં આવે છે. એ ફોટોગ્રાફ પણ છે, જેમાં એક પ્લેનમાં અદાણી અને વડા પ્રધાન બનનારા મોદી બેઠા છે. આ પ્રકારની ધારણા માટે એ ફોટોગ્રાફ પૂરતો છે,” એમ રવીશે ઉમેર્યું હતું.

રવીશે રાજીનામું ખરેખર શા માટે આપ્યું?

આ સવાલના જવાબમાં રવીશે ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ અખબારના 25 નવેમ્બરના અંકમાં પ્રકાશિત ગૌતમ અદાણીની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.

તે મુલાકાતમાં અદાણીએ કહ્યું હતું કે, “તમે સરકારની ટીકા જરૂર કરી શકો પરંતુ સરકાર સારું કામ કરતી હોય તો તેને વખાણવાની હિંમત પણ હોવી જોઈએ.”

રવીશે કહ્યું હતું કે, “મેં વિચાર્યું હતું કે મારા માટે તે સંપાદકીય નિર્દેશ છે. જેઓ આવું સમજ્યા ન હતા તેઓ આજે પણ ત્યાં કામ કરે છે. મેં ધાર્યું હતું કે મારા તરફનો ઈશારો પણ છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “દેશ આટલો નિર્બળ ક્યારેય નહીં હોય એવું વચ્ચે લાગતું હતું. આ ઉદ્યોગપતિ એટલા ડરપોક નહીં હોય કે એક પત્રકારને સહન ન કરી શકે, ઉદ્યોગપતિ જ ડરપોક નીકળ્યા. મારા દરવાજા બંધ છે. યુટ્યૂબ જેવું કોઈ માધ્યમ ન હોત તો મારા માટે આ વ્યવસાયમાંથી 10 રૂપિયા કમાવાનું પણ શક્ય નહોતું.”

રવીશ કુમારે રૉય દંપતીનો બચાવ જ નહોતો કર્યો, તેમનાં ભરપૂર વખાણ પણ કર્યાં

‘એનડીટીવીના મૅનેજમૅન્ટે કામમાં ક્યારેય દખલ કરી નથી’

રવીશ કુમારના જણાવ્યા અનુસાર વિગતવાર માહિતી નથી, પરંતુ એટલું પાક્કું છે કે પ્રણય રૉયે કરજ ચૂકવવાના અને પોતાની ચેનલને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા.

તેમના કહેવા મુજબ, અનુવાદ અને પત્રોની તારવણીનું કામ કરતા જે માણસે તેમની કંપનીમાં આટલી પ્રગતિ કરી તે એક તક મળતાંની સાથે જ રૂપિયા ગણવા લાગ્યો એ વાતે ડૉકટર રૉયને માઠું ન લાગે એટલા માટે તેમણે એનડીટીવીમાંનો પોતાનો હિસ્સો વેંચ્યો ન હતો.

રવીશ કુમારે કહ્યું હતું કે, “હું તેમની પીડા સમજી શકું છું કે, આજે તેઓ કેટલી એકલતા અનુભવતા હશે.”

રવીશના કહેવા મુજબ, એનડીટીવીના મૅનેજમૅન્ટ કે ડૉક્ટર રૉયે તેમના કામમાં ક્યારેય દખલગીરી કરી ન હતી. શું કરવું જોઈએ અને કઈ સ્ટોરી ન કરવી જોઈએ એવું તેમણે ક્યારેય કહ્યું નથી.

રવીશે જણાવ્યું હતું કે, તેઓ એડિટોરિયલ મિટિંગમાં પણ સામેલ થતા ન હતા. અલબત, પોતાના પ્રાઇમ ટાઈમ શો માટે માત્ર એનડીટીવીના સાથીઓ જોડે જ નહીં, બહારના અનેક લોકો સાથે પણ પ્રોગ્રામ બાબતે વિચાર-વિમર્શ કરતા હતા.

તેમણે જણાવ્યું હતું કે, એક વખત સ્ક્રીનને બ્લેક કરવાનો નિર્ણય પણ તેમનો જ હતો. બીજા દિવસે કોઈએ એ બાબતે સવાલ પણ કર્યો ન હતો. બીજા પ્રોગ્રામ કરનારા લોકો પણ પૂછવા લાગ્યા હતા કે તેઓ પણ આવું કરી શકે કે કેમ.

રવીશ કુમારે કહ્યું હતું કે એનડીટીવીમાં કામ કરતી વખતે તેમને કેટલાક ખરાબ અનુભવ પણ થયા હતા, પરંતુ એ બાબતે તેઓ કોઈને વાત કેમ કરી શક્યા નહીં એ વિચારીને તેઓ ચિંતિત પણ થાય છે.

તેમણે ચોખવટ કરી હતી કે, તેઓ કોઈ એવી વાત જાહેરમાં ક્યારેય નહીં કહે, કારણ કે આગામી સમયમાં ‘કોઈ પ્રણવ રૉય કોઈ પત્રકારમાં રવીશ કુમારની સંભાવના જોઈ શકે છે.’

તેમણે કહ્યું હતું કે, “હું એવી કોઈ વાત નહીં કહું, જેથી એમને એવું લાગે કે પત્રોની તારવણી કરતા એક માણસને મેં આ સ્તરે પહોંચાડીને ભૂલ કરી છે.”

ટેક ઓવર પછી કામની આઝાદી નહીં મળે એવું કેમ લાગ્યું?

આ બાબતે રવીશ કુમારે કહ્યું હતું કે, “વાત માત્ર આઝાદીની ન હતી. જે માણસ આવી રહ્યો છે તેની ઓળખ શું છે, બજારમાં તેની શાખ કેવી છે. એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ (જેમણે આ દેશને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી આપી તે) પ્રણવ રૉય તો હોઈ ન શકે. એ કંપનીમાં પ્રણવ રૉયની જગ્યા લઈ રહ્યા છે એ લોકો કોણ છે. તેમના પત્રકારત્વનાં ભાષણ સાંભળવા હું જાઉં?”

તેમના જણાવ્યા મુજબ, રાજીનામાનું કોઈ નિશ્ચિત કારણ નથી હોતું. તેના નૈતિક સંજોગો અલગ-અલગ હોય છે.

ગૌતમ અદાણીના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતાં રવીશ કુમારે કહ્યું હતું કે, “સરકારનાં વખાણ કરવા માટે હિંમત હોવી જોઈએ એ વાત હાસ્યાસ્પદ છે. 99 ટકા મીડિયા આ જ કરી રહ્યું છે. એવું લાગે છે કે ઘણા લોકો સરકારની ટીકા કરી રહ્યા છે, વખાણ તો કોઈ કરતું જ નથી. તેથી સરકારનાં વખાણ કરવા માટે તમે એનડીટીવી ખરીદી રહ્યા છો.”

રવીશ કુમાર પર એવો આક્ષેપ છે કે તેઓ મોદી સરકારની કાયમ ટીકા કરતા રહ્યા છે અને આવું કરીને તેઓ સંતુલિત પત્રકારત્વના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.

આ સવાલના જવાબમાં રવીશ કુમારે કહ્યું હતું કે, “મારી તમામ ટીકા સંતુલિત છે. કેન્દ્ર સરકાર તો એક જ છે. તેની ટીકા કરવા માટે મારે દેશનાં 28 રાજ્યોમાં જઈને રિપોર્ટ કરવાનો? આ તો બહુ વધારે પડતું છે. એક પત્રકાર પાસેથી તમે એવી આશા રાખો છો કે તેણે એવી સ્ટોરી જ કરવી જોઈએ, જેમાં તે ખુદને સંતુલિત સાબિત કરી શકે.”

તેમણે ઉમેર્યું હતું કે, “જે રીતે મીડિયા, ગોદી મીડિયામાં પરિવર્તીત થઈ રહ્યું છે તેને જોતાં હું ટીવીમાં રહીને પણ આવું ન કહું તો કોણ કહે? બૅલેન્સ કરવા માટે આટલા મહત્ત્વના સમયમાં મારે ચૂપ રહેવાનું?”

સરકારને પત્રકારો દ્વારા વખાણની શું જરૂર?

તેમણે એમ પણ કહ્યું હતું કે, “ટીવી મારફત દેશના લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે, એવું હું જોઈ રહ્યો હતો ત્યારે જ મેં કહેલું કે આવા ટીવીને કઈ રીતે નિહાળી શકાય.”

તેમણે કવિતા વડે પોતાની વાત સમજાવતા કહ્યું હતું કે, “ઘણી સારી કવિતાઓમાં મૂક વિરોધ હોય છે, ઘણી સારી કવિતાઓમાં વિરોધ પ્રગટ સ્વરૂપે હોય છે. મારા વિરોધનો સ્વર સવાલનો સ્વર હતો, વિરોધનો સ્વર ન હતો.”

તેમણે જણાવ્યું હતું કે, “સરકાર પોતાની બાજુ રજૂ કરવા માટે હજારો કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચે છે. તેથી એક પત્રકાર હોવાને નાતે મારી જવાબદારી છે કે હું લોકોના પક્ષમાં પત્રકારત્વ કરું અને મેં પત્રકારત્વ જ કર્યું હતું, પરંતુ મને મોદીવિરોધી ગણાવવામાં આવ્યો.”

તેમણે સવાલ કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ તો રવીશ કુમારના શોમાં જવાનો ઇનકાર કરી ચૂક્યા છે, ત્યારે સરકાર રવીશ કુમારના મોઢે પોતાનાં વખાણ સાંભળવા તલપાપડ કેમ છે?

રવીશ રાજકારણમાં જોડાશે?

આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે, તેમના ઘણા દોસ્તો અને શુભેચ્છકો તેમને રાજકારણમાં જોડાવાનું કહી રહ્યા છે, પરંતુ કોઈ રાજકીય પક્ષે તેમને આમંત્રણ આપ્યું નથી.

તેમણે ઉમેર્યું હતું કે, “કલ્પના કરો કે હું લોકસભામાં છું, તેમની (મોદીની) સામે છું. લોકસભાને તો કોઈ ખરીદી ન શકે.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, “કામ એ જ કરવું જોઈએ, જેનાં સપનાં તમે નિહાળતા હો. હું આજે પણ ટીવીનાં સપનાં નિહાળું છું. જે દિવસે તે સપનાં બદલાશે, તે દિવસે હું પણ બદલાઈ જઈશ.”

એનડીટીવીમાં રવીશ કુમારનાં જૂના સાથી કર્મચારી બરખા દત્તે એક ટ્વીટ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, “મુકેશ અંબાણી 30 ટકા હિસ્સો ધરાવતા હતા ત્યારે એનડીટીવી આઝાદ હતું પરંતુ એ જ 30 ટકા હિસ્સો અદાણીએ ખરીદી લીધો એટલે એનડીટીવી ખતમ થઈ ગયું.”

આ સવાલના જવાબમાં તેમણે એક કિસ્સો સંભળાવ્યો હતો. રવીશ કુમારે જણાવ્યું હતું કે, બરખા દત્તને એક વખત એનડીટીવીની ઓફિસમાં ચક્કર આવ્યાં ત્યારે તેમણે ડૉકટર પ્રણવ રૉયને બરખા દત્તના પગનાં તળિયાં પર માલિશ કરતાં નિહાળ્યા હતા.

મુકેશ અંબાણીની 30 ટકા હિસ્સેદારી અને નવા માલિક અદાણી બનવા વચ્ચેનો ફરક સમજાવતાં રવીશ કુમારે કહ્યું હતું કે, “મુકેશ અંબાણીનો કોઈ સંપાદક ન્યૂઝ રૂમમાં આવ્યો ન હતો. તેમનો કોઈ માણસ મિટિંગ કરવા આવ્યો ન હતો. મુકેશ અંબાણીએ ક્યારેય એવું કહ્યું હતું કે, સરકારનાં વખાણ કરવા માટે હિંમત જોઈએ? તેમણે ક્યારેય એવું કહ્યું હતું કે તેઓ અલ-જઝીરા જેવી ગ્લોબલ બ્રાન્ડ બનાવશે?”

રવીશ કુમાર હવે શું કરશે?

આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “સંખ્યાબંધ લોકો તેમની મદદ કરવા આગળ આવ્યા છે અને લોકોના ટેકાને કારણે જ તેમની યુટ્યૂબ ચેનલ આટલી ઝડપથી લોકપ્રિય બની ગઈ છે.”

તેમણે કહ્યું હતું કે, “જે લોકો લોકતંત્રને મડદું બનાવવા ઈચ્છે છે. તેમને હું જણાવવા માગું છું કે હજુ તે જીવંત છે.”

રવીશ કુમારે જણાવ્યું હતું કે, હાલ તો તેઓ યુટ્યૂબ ચેનલ જ ચલાવશે. ગ્રાઉન્ડ રિપોર્ટ માટે જરૂરી સંસાધન હાલ તેમની પાસે નથી.

હાલ તેઓ ધીમે-ધીમે આગળ વધવા ઈચ્છે છે. તેમણે એક ભોજપુરી યુટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે.

રવીશ કુમારે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, તેમની માતૃભાષા હિન્દી નહીં, પણ ભોજપુરી છે. પોતાની ભાષા અને સંસ્કૃતિનો આદર કરવાનું મરાઠી સમાજ પાસેથી શિખ્યા હોવાનું પણ રવીશ કુમારે જણાવ્યું હતું.