બારડોલી : પ્રભુ વસાવા vs સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે જંગ, ભાજપ કેટલો મજબૂત, કૉંગ્રેસની કેવી સ્થિતિ?

ઇમેજ સ્રોત, RISHI BANERJI
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ ગુજરાતની બારડોલી લોકસભા બેઠકમાં આ વખતે કૉંગ્રેસ ચમત્કારની આશા સેવી રહી છે જ્યારે ભાજપ આ બેઠક ઉપર હેટ્રિક મારવા માટે પ્રયાસ કરી રહ્યો છે.
બેઠકની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અહીંના જુદા-જુદા વિસ્તારોમાં મુદ્દાઓ પણ અલગ અલગ છે. સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું બારડોલી એ એસટી અનામત બેઠક છે.
આદિવાસી વિસ્તારો, ગામડાં અને ઔદ્યોગિક વિસ્તારોની સમસ્યાઓ અલગ અલગ છે. જોકે, તમામ વિસ્તારોમાં યુવાનો માટે રોજગારી અને ઉચ્ચ શિક્ષણ એક મુદ્દો છે.
બારડોલી બેઠકમાં રાજકીય પાર્ટીઓ મતદારોના મુદ્દાઓ ઉઠાવી રહી છે પણ ચૂંટણીનો માહોલ જોવા મળી નથી રહ્યો.
બીબીસીએ બારડોલી લોકસભા બેઠકના મતદારોમાં કેવો માહોલ છે એ જાણવા માટે અહીં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોનો મત જાણ્યો હતો.
શિક્ષણનો મુદ્દો મોટો

ઇમેજ સ્રોત, NIRAV KANSARA
બારડોલી અને વ્યારામાં લટાર મારતી વખતે સારા રસ્તાઓ, આધુનિક સરકારી ઇમારતો અને અન્ય વ્યવસ્થા નજરે પડે છે. પરંતુ યુવાનો કહે છે કે શિક્ષણ ક્ષેત્રે કામ થયું છે પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે હજુ દૂર જવું પડે છે.
વ્યારાની કૉલેજમાં બીબીએનો અભ્યાસ કરતા અરવિંદ ગામિત કહે છે કે, "પોસ્ટ ગ્રૅજ્યુએટ કે ઉચ્ચ શિક્ષણ માટે અહીં કોઈ વ્યવસ્થા નથી. અહીંના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે બારડોલી અથવા સુરત જવું પડે છે. જો અહીં ઉચ્ચ અભ્યાસની સગવડ મળે તો વિદ્યાર્થીઓને દૂર સુધી જવું નહીં પડે. જે પણ સભ્ય ચૂંટાય તેમને આ દિશામાં કામ કરવું જોઈએ."
તો નાના વેપારીઓ અને દૈનિક રોજીરોટી મેળવતા લોકોની માગ છે કે નવી સરકાર આ વિસ્તારમાં રોકાણને વેગ આપે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાજીપુરા ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા નિશ્ચિત પટેલ કહે છે કે, "અહીં કોઈ ઉદ્યોગ નથી અને વિશાળ જમીન હોવા છતાં અહીં કોઈ રોકાણ આવ્યું નથી. શિક્ષણ અને આરોગ્યની પણ સ્થિતિ જોઈએ એવી સારી નથી. અમારી માગ છે કે લોકોની સુખાકારી માટેનાં કામ થવાં જોઈએ."
આ લોકસભા બેઠકમાં ખેડૂતોનો પણ એક બહુ મોટો વર્ગ છે. તેમની માગ છે કે પાકની પૂરતી કિંમત મળે તેવા પ્રયાસો થવા જોઈએ.
વાલોડ તાલુકાના ખેડૂત નવીન વસાવા પોતાની ખેતપેદાશ વેચવા અહીં સુધી આવે છે.
તેઓ કહે છે કે, "અમારા પાકની કિંમત અમને મળતી નથી. પાકનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ખેતીમાં અમારો ખર્ચ પણ નીકળતો નથી. જો પશુપાલનનો ધંધો નહીં કરું તો હું ઘર નહીં ચલાવી શકું એવી સ્થિતિ છે."
કૉંગ્રેસ મૂળના બે ઉમેદવારો વચ્ચે જંગ

ઇમેજ સ્રોત, RISHI BANERJI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બારડોલીની બેઠકમાં ભાજપે ફરીવાર સાંસદ પ્રભુ વસાવાને ટિકિટ આપી છે. પ્રભુ વસાવા મૂળ કૉંગ્રેસના છે અને વર્ષો સુધી કૉંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા. વસાવા માંડવીના ધારાસભ્ય હતા ત્યારે રાજીનામું આપી દીધું હતું અને બાદમાં ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમણે બારડોલી બેઠકથી ટિકિટ આપી હતી. ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી અને હવે ત્રીજી વખત મેદાને છે. તેઓ વસાવા સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને તાપી જિલ્લામાં તેઓ એક પીઢ રાજકારણી તરીકેની છાપ ધરાવે છે.
કૉંગ્રેસ પાર્ટીએ આ બેઠક પર સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યો છે. સિવિલ ઍન્જિનિયર અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કરનાર સિદ્ધાર્થ ચૌધરી તાપી અને સુરત જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મોટું નામ ગણાય છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અમરસિંહ બી. ચૌધરીના પુત્ર છે.
તેઓ સુમૂલ ડેરી સાથે પણ સંકળાયલા છે. હાલમાં તેઓ તાપી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છે. આ અગાઉ તેમણે વ્યારા તાલુકા પંચાયતના પ્રમખ તરીકે પણ કામગીરી કરી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી નીરવ કંસારા કહે છે કે,"એક રીતે જોવા જઈએ તો બંને મુખ્ય પક્ષોના ઉમેદવારો કૉંગ્રેસના છે એવું કહી શકાય. પ્રભુ વસાવા માજી સાંસદ તુષાર ચૌધરીની નજીકની વ્યક્તિ હતા. તેઓ તુષાર ચૌધરી સામે પણ ચૂંટણી લડ્યા છે. બારડોલી લોકસભા બેઠકમાં વસાવા, ગામિત અને ચૌધરી સમાજના મતો સૌથી વધુ છે એટલે સ્વાભાવિક છે કે જાતિનું ગણિત મહત્ત્વનું બની જાય છે."
પાણીનો વિકટ પ્રશ્ન

ઇમેજ સ્રોત, NIRAV KANSARA
બારડોલી લોકસભા બેઠકમાં મખ્યત્વે ગ્રામીણ વિસ્તારો વધારે છે અને એટલા માટે અહીં મુદ્દાઓ અને પ્રશ્નોની કોઈ કમી નથી. મુખ્યત્વે ખેતી પર નભતા અહીંના લોકોને કેટલીક સુવિધાઓ મળી છે તો કેટલીક નથી મળી.
બારડોલી લોકસભા બેઠક વિસ્તારમાંની પાંચ વિધાનસભા બેઠકો સુરત જિલ્લામાં છે અને બે બેઠકો તાપી જિલ્લામાં છે. જો મુદ્દાની વાત કરીએ તો સિંચાઈ એ પાંચ વિધાનસભાના મતદારો માટે સૌથી મોટો મુદ્દો છે. તેમાં પણ સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને વ્યારામાં આ સમસ્યા સૌથી વિકટ છે.
રાજકીય વિશ્લેષક રોમિલ સુતરિયા કહે છે કે, "ઉકાઈ ડૅમ તાપી જિલ્લામાં છે પરંતુ તેનો લાભ સ્થાનિક પ્રજાને થતો નથી. આજે પણ તાપી જિલાના 50 ટકાથી પણ વધારે વિસ્તારમાં સિંચાઈની કોઈ સુવિધા નથી. નાના અને સીમાંત ખેડૂતો એકથી વધારે પાક લઈ શકતા નથી અને તેમણે કામ માટે બહાર જવું પડે છે."
તેઓ વધમાં જણાવે છે કે પાણી માટેની જે સમસ્યા છે તે મહુવા અને માંગરોળ વિધાનસભા વિસ્તારની પણ છે. ઉકાઈ અને કાકરાપારના કમાન્ડ એરિયા સિવાયના વિસ્તારમાં સિંચાઈ એક મોટો મુદ્દો છે.
પાણી ઉપરાંત રોજગારી એ બીજો સૌથી મદ્દો છે. બારડોલીના લોકોનું કહેવું છે કે આ લોકસભા બેઠકમાં કામરેજ અને બારડોલી વિસ્તારમાં રોકાણ આવ્યું છે પરંતુ અન્ય વિસ્તારોમાં આમ થયું નથી. મોટું રોકાણ અથવા મોટી કંપનીઓ હજી પણ સુરત નજીકના વિસ્તારોમાં હોવાથી મોટી સંખ્યામાં યુવાનોને અપડાઉન કરવું પડે છે.
સહકારી ક્ષેત્રે આગેવાન જયેશ પટેલ બીબીસી ગજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "છેલ્લાં 10 વર્ષમાં નોંધપાત્ર કહી શકાય એવો એક પણ પ્રોજેક્ટ બારડોલી લોકસભા વિસ્તારમાં આવ્યો નથી. ગામના યુવાનોને શિક્ષણ પૂર્ણ કાર્ય બાદ નોકરી માટે સુરત અથવા બીજાં શહેરોમાં જવું પડે છે. આ વિસ્તારના લોકોની જીવાદોરી સમાન ખાંડ ઉદ્યોગ પણ સંકટમાં છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે."
જમીન સંપાદન પણ એક એવો મુદ્દો છે જે અહીંના લોકો માટે બહુ અગત્યનો છે. વેદાન્તા, ઇસ્ટર્ન ઍક્સપ્રેસ વે, હાઈ લેવલ કેનાલ, સાપતારા – કેવડિયા, લેપર્ડ પાર્ક અને જંગલ – જમીનના મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે અને લોકોએ આંદોલનો પણ કર્યાં છે.
નિઝરના પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત કહે છે કે સોનગઢ, ઉચ્છલ અને નિઝર જેવા વિસ્તારોમાં વિકાસ હજી આવ્યો નથી. શાળાઓ ખરાબ હાલતામાં છે અને આરોગ્યની સ્થિતિ પણ એટલી સારી નથી. અહીંના ગામડાંમાં જોઈએ એવી સુવિધાઓ નથી અને એટલા માટે લોકો પલાયન પણ કરી રહ્યા છે.
શેરડી અને શુગર મિલો જીવાદોરી સમાન

ઇમેજ સ્રોત, Getty Images
18 શુગર મિલો આવેલી હોવાથી દક્ષિણ ગુજરાતને 'ગુજરાતના શુગર બાઉલ' તરીકે પણ ઓળખાય છે.
અહીંના લાખો ખેડૂતો માટે શેરડી એ પાક નથી પરંતુ જીવાદોરી છે અને આ વાત શુગરમિલો માટે પણ લાગુ પડે છે. પરંતુ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે હવે અહીંની ખેતી એ શેરડી અને શુગર મિલો ઉપર પર આધારિત થઈ ગઈ છે, જેના કારણે ગ્રામ્ય સ્તરે નવી કોઈ રોજગારી ઉત્પન્ન નથી થઈ રહી.
રાજકીય વિશ્લેષક રોમિલ સુતરિયા કહે છે કે, "વ્યારા શુગર 1982માં શરૂ થઈ હતી પરંતુ તે સતત આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આ શુગર મિલ અહીંના 24,000 ખેડૂતો માટે જીવાદોરી સમાન છે પણ તે ફરીથી શરૂ થાય તે માટે પ્રયાસ કરવા આવે તો અહીંના લોકોના જીવનમાં ઘણો ફેર પડશે."
તેઓ વધુમાં કહે છે કે સહકારી શુગર મિલોની આર્થિક સ્થિતિ એક મોટો પ્રશ્ન છે પણ ચૂંટણીમાં તેની ઓછી ચર્ચા થઈ રહી છે.
બારડોલી નજીકના કલમકૂઈ ગામના ખેડૂત ગુલાબ ચૌધરી કહે છે કે, "શેરડીની ખેતી કરવી હવે પેહલાં જેવી રહી નથી અને અમને હવે પડતર કિંમત પણ મળતી નથી. શુગર મિલો ભાવ નથી આપતી જેના કારણે આ ખેતીમાં ખેડૂતને કોઈ લાભ નથી."
ભાજપ પાંચ લાખની લીડ મેળવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બારડોલી લોકસભા બેઠક પર બે લાખ 15 હજાર અને 447 મતોથી જીત મેળવી હતી. નિષ્ણતોના મતે ભાજપે આ બેઠક પાંચ લાખની લીડથી જીતવાનું લક્ષ્ય તો રાખ્યું છે પરંતુ આ એટલ્રું સહેલું પણ નથી.
આ લોકસભા બેઠકમાં આવની ચાર વિધાનસભા બેઠકો માંડવી, મહુવા, વ્યારા અને નિઝરમાં કૉંગ્રેસનું માળખું હજી પણ મજબૂત છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન થયું હતું તેમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું પરફૉર્મેન્સ જોઈએ એટલું પણ ખરાબ નહોતું. ચારેય બેઠકમાં સરેરાશ 30 ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા અને આપને સરેરાશ 23 ટકા મત મળ્યા હતા.
રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે કે, "વિધાનસભાની ચૂંટણીમાં જો ચારેય બેઠકમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતાનો સરવાળો કરીએ તો ભાજપથી વધુ મત થઈ જાય છે. લોકસભાની ચૂંટણીમાં જો બંને પાર્ટીઓ સાથે રહીને પ્રચાર કરે અને યોગ્ય રણનીતિ ઘડે તો સારો એવો ફાયદો થઈ શકે છે."
"ભાજપની સ્થિતિ કામરેજ, બારડોલી અને માંગરોળ બેઠક પર ઘણી મજબૂત છે. પાર્ટીને પાંચ લાખની લીડ મેળવવા માટે બાકીની ચાર બેઠકોમાં ઘણી મહેનત કરવી પડશે. અહીં કૉંગ્રેસનું માળખું પણ મજબૂત છે. માત્ર કામરેજ અને બારડોલીમાં લીડ વધારવાથી નહીં ચાલે અન્ય બેઠકોમાં પણ પ્રયાસ કરવા પડશે."
આ લોકસભા બેઠકમાં આદિવાસી મતદારો બહુ મહત્ત્વના છે અને એટલા માટે રાજકીય પક્ષો આદિવાસીઓને સ્પર્શતા મુદ્દાઓ વિશે પણ ચૂંટણીપ્રચાર દરમિયાન વાત કરી રહ્યા છે.
શું પ્રભુ વસવા પાંચ લાખની લીડ મેળવી શકશે?
વરિષ્ઠ પત્રકાર હરેન્દ્રસિંહ બારડ કહે છે કે "નરેન્દ્ર મોદીના ચહેરા અને કેન્દ્ર સરકારનાં કામ જોઈને લોકો ભાજપને મત આપી શકે છે. સ્થાનિક સ્તરે એવાં કામો થયાં નથી કે મત મળે. ભાજપ પાંચ લાખની લીડ વિશે હાલ કોઈ દાવો ન કરી શકાય પણ પાર્ટીએ મહેનત કરવી પડશે."
બીબીસી સાથેની વાતચીતમાં બારડોલીમાં ભાજપ નેતા અલ્પેશ પટેલ કહે છે કે, "2019ની લોકસભા ચૂંટણીમાં પ્રભુભાઈ બે લાખ કરતા વધુ મતથી જીત્યા હતા ત્યારે જીલ્લા અને તાલુકા પંચાયતમાં અમારી એટલી હાજરી નહોતી."
"આજે જિલ્લા, તાલુકા પંચાયતમાં અને ગ્રામ્ય પંચાયતોમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. લોકસભા બેઠકમાં આવતી સાતેય વિધાનસભાના ધારાસભ્યો ભાજપના છે અને એટલે અમને આશા છે કે પાંચ લાખ કરતા વધારે લીડથી જીત મેળવીશું."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તાપી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામીત કહે છે કે, "અમે કૉંગ્રેસ પાર્ટીના મૅનિફેસ્ટોના આધારે પ્રચાર કરી રહ્યા છીએ આ વખતે પાર્ટીએ એક નવા ચહેરાને તક આપી છે અને પક્ષમાં કોઈ જૂથબંધી નથી."
"અમારા બૂથ લેવલના કાર્યકરો ગામે ગામ જઈને પ્રચાર કરી રહ્યા છે. આ વખતે અમે સાતેય વિધાનસભા બેઠકોમાં પોતાના મતની ટકાવારી વધે તે માટેના પ્રયાસ કરી રહ્યા છીએ."
તે વધુમાં જણાવે છે કે "હાલના ધારાસભ્યે છેલ્લાં દસ વર્ષમાં લોકોના માટે કોઈ કામ કર્યાં નથી. અમને આશા છે કે આ વખતે અમે આ બેઠક ઉપર સારા એવા લીડથી જીત મેળવીશું."
બારડોલી બેઠકનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, NIRAV KANSARA
આદિવાસી બહુલ બારડોલી બેઠક એસટી અનામત છે અને 2009ના નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. તે પહેલાં આ બેઠક માંડવીના નામે ઓળખાતી હતી. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.
અહીં 1962માં પહેલીવાર ચૂંટણી યોજાઈ. ત્યારથી લઈને 1998 સુધી કૉંગ્રેસનો વિજય થયો છે. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી અહીંથી 1971માં કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા.
જોકે, જનતા પાર્ટીમાંથી 1980માં તેઓ કૉંગ્રેસના છિતુભાઈ ગામીત સામે હારી ગયા. છિતુભાઈ ગામીત આ બેઠક પરથી સતત સાત વાર ચૂંટાઈને આ બેઠકને કૉંગ્રેસનો ગઢ બનાવી દીધો હતો. 1999માં ભાજપના માનસિંહ પટેલે આ રેકૉર્ડ તોડ્યો.
કૉંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ 2004માં માનસિંહને માત આપી હતી. 2009માં પણ તેમની જીત થઈ હતી. 2014 અને 2019 બન્ને ટર્મ ભાજપના પ્રભુ વસાવા સામે તેમની હાર થઈ. અહીં 15 વાર લોકસભાની ચૂંટણી યોજાઈ છે. જેમાંથી 11 વાર કૉંગ્રેસ, એક વાર કૉંગ્રેસ આઈ અને ત્રણ વાર ભાજપની જીત થઈ છે.












