WPL: મહિલા અને પુરુષ ક્રિકેટરોને મળનારા પૈસામાં જમીન-આસમાનનો તફાવત કેમ છે

ઇમેજ સ્રોત, @wplt20
- લેેખક, જાહ્નવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
29 વર્ષનાં સજના સજીવન મુંબઈ ઇન્ડિયન્સ માટે રમવા માટે 2024ની 23 ફેબ્રુઆરીએ મેદાનમાં ઊતર્યાં ત્યારે તેમની ટીમે જીતવા માટે એક બોલમાં પાંચ રન કરવાના હતા. સજનાએ તેની ડૅબ્યૂ મૅચના એકમાત્ર બૉલમાં સિક્સર ફટકારી હતી અને વિમૅન્સ પ્રિમિયર લીગ(WPL)ની બીજી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની વિજયી શરૂઆત કરાવી હતી.
કેરળના વાયનાડ જિલ્લાના એક સામાન્ય ગામમાં સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલાં સજનાનું જીવન એ પછી બદલાઈ ગયું. સજનાના પિતા રિક્ષા ચલાવતા હતા, જ્યારે તેમનાં માતા સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કામ કરતાં હતાં.
સજનાએ તાજેતરમાં મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "WPLએ મને જે પ્લૅટફૉર્મ આપ્યું તેના કારણે મને ભારતીય ટીમમાં રમવાની તક મળી."
WPLએ સજના જેવી દેશનાં દૂરનાં રાજ્યો અને દૂરના વિસ્તારોમાં રહેતી મહિલા ક્રિકેટરોને નવી આશા આપી છે.
આ ટુર્નામેન્ટની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે અને એ ભારતમાં યુવા મહિલા ક્રિકેટરો માટે એક ઉત્સવ સાબિત થશે.

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ઝુલન ગોસ્વામીના કહેવા મુજબ, આ ટુર્નામેન્ટને મળતું વિશાળ ટીવી કવરેજ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે યુવા છોકરીઓને ક્રિકેટ અપનાવવાની પ્રેરણા આપે છે.
ઝુલન કહે છે, "આ લીગ બધી મહિલાઓ માટે નવા દરવાજા ખોલી રહી છે."
WPL ફ્રૅન્ચાઇઝ લીગ ફૉર્મેટમાં રમાય છે. એ ફૉર્મેટ ઇન્ડિયન પ્રિમિયર લીગ અથવા તો IPL જેવું જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, WPLમાં મહિલા ખેલાડીઓને જે કમાણી થાય છે તે IPLમાં પુરુષ ખેલાડીઓને થતી કમાણી કરતાં ઘણી ઓછી છે.
નિષ્ણાતો અને ખેલાડીઓ માને છે કે WPL પણ IPL જેવી જ કૉમર્શિયલ સફળતા પ્રાપ્ત કરશે તો જ આ અંતર દૂર થશે.
મહિલા ક્રિકેટમાં પૈસા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૈસાની દૃષ્ટિએ આટલો મોટો તફાવત હોવા છતાં WPL મહિલા ક્રિકેટમાં સૌથી વધુ નફાકારક અને ખર્ચની દૃષ્ટિએ અસરકારક ટુર્નામેન્ટ બની ગઈ છે.
WPLના મહિલા ક્રિકેટ પરના જોરદાર પ્રભાવની વાત ઇંગ્લૅન્ડનાં ભૂતપૂર્વ કૅપ્ટન અને મુંબઈ ઇન્ડિયન્સનાં કોચ શાર્લોટ ઍડવર્ડ્સ કરે છે.
તેઓ કહે છે, "આ સ્પર્ધાએ ગેમ ખરેખર બદલી નાખી છે. ટુર્નામેન્ટની ગુણવત્તામાં પણ સુધારો થઈ રહ્યો છે, જે જોઈને ગર્વ થાય છે, પરંતુ બધા ખેલાડીઓ જે ટુર્નામેન્ટમાં રમવા ઇચ્છે છે તે WPL છે."
આ આકર્ષણનું એક કારણ WPLમાં ખેલાડીઓને મળતી મોટી રકમ અને ઇનામ છે, જે અન્ય દેશો કરતાં વધારે છે.
નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં ક્રિકેટ રમવાનું સ્વપ્ન જોતી અનેક મહિલા ખેલાડીઓના જીવનને બદલવાની તાકાત WPLમાં છે.
મુંબઈનાં 22 વર્ષીય ક્રિકેટર સિમરન શેખ એવાં જ ખેલાડીઓ પૈકીના એક છે.
સિમરન તેમનાં પાંચ ભાઈ—બહેનો સાથે મુંબઈના ધારાવી વિસ્તારમાં રહે છે. તેમના પિતા ઝાહિદ અલી ઇલેક્ટ્રિશિયન છે અને રોજ ભાગ્યે જ 500-1000 રૂપિયા કમાય છે. તેમની કમાણી પર આખો પરિવાર નિર્ભર છે.
ડિસેમ્બર-2024માં WPLની હરાજી દરમિયાન સિમરન ચર્ચામાં આવ્યાં હતાં. ફ્રૅન્ચાઇઝી ગુજરાત જાયન્ટ્સે સિમરન માટે રૂ. 1.9 કરોડની બોલી લગાવી હતી.
આ વર્ષની WPLની હરાજીમાં તે સૌથી મોટી બોલી હતી. સિમરનની પૃષ્ઠભૂમિ જોતાં આ આંકડો ખરેખર મોટો લાગે છે.
અલબત, આ જ આંકડો પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેના મહેનતાણાના સંદર્ભમાં મોટા અંતરને પણ દર્શાવે છે.
IPL અને WPL વચ્ચેનો તફાવત

ઇમેજ સ્રોત, Getty Images
IPL માટેની હરાજી WPLની હરાજીના લગભગ એક મહિના પહેલાં થઈ હતી, જેમાં વિકેટકીપર-બૅટ્સમૅન ઋષભ પંત માટે રેકૉર્ડ બોલી લગાવવામાં આવી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ માટે 27 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આમ ઋષભ IPLના ઇતિહાસના સૌથી મોંંઘા ખેલાડી બન્યા હતા.
વિરાટ કોહલી જેવા કેટલાક સ્ટાર પ્લેયર્સને તેમની ટીમોએ વર્ષોથી જાળવી રાખ્યા છે. આ પૈકીના કેટલાક ખેલાડીઓ માટે ઋષભ કરતાં પણ વધારે બોલી લાગવાનો અંદાજ છે.
તેની સરખામણીએ રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરે 2023માં WPLની પ્રથમ હરાજીમાં અત્યાર સુધીની સૌથી મોંઘી મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના માટે 3.4 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
તેનો અર્થ એ થાય કે સ્મૃતિ મંધાના માટેની બોલી ઋષભ પંત કરતાં લગભગ આઠગણી ઓછી છે.
મહિલા અને પુરુષ ખેલાડીઓને ચૂકવવામાં આવતા નાણામાંની આ અસમાનતા માત્ર WPL પૂરતી મર્યાદિત નથી.
હકીકતમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી પુરુષ તથા મહિલા ટીમોને સમાન મૅચ ફી ચૂકવવાનો સ્તુત્ય નિર્ણય 2022માં કર્યો હતો.
જોકે, વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ સંસ્થા તરીકે જાણીતા BCCIના ભારતનું પ્રતિનિધિત્વ કરતા પુરુષ અને મહિલા ખેલાડીઓ સાથે વાર્ષિક કરારોમાં હજુ પણ મોટો ફરક જોવા મળે છે.
પુરુષ ખેલાડીઓ માટેના વર્તમાન મહત્તમ વાર્ષિક કરારની રકમ રૂ. સાત કરોડ છે, જ્યાર મહિલાઓ માટે તે માત્ર રૂ. 50 લાખ છે.
મહિલા અને પુરુષ ખેલાડીઓની મળતી રકમમાંની આ અસમાનતા ફક્ત ભારતીય ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી.
ઇંગ્લૅન્ડમાં રમાતી 100 બૉલની ક્રિકેટ ફૉર્મેટ ટુર્નામેન્ટ 'ધ હન્ડ્રેડ'માં પણ આવી જ અસમાનતા જોવા મળે છે. ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે સમાન પગાર માટે પ્રયાસ કરવાનું વચન ભલે આપ્યું હોય, પરંતુ આ વર્ષે તે અંતર વધુ વધવાની શક્યતા છે.
આ વિસંગતતાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પૂર્વ કૅપ્ટન મિતાલી રાજના કહેવા મુજબ, WPL અને IPL વચ્ચે આ પ્રકારની સરખામણી હાલ શક્ય નથી.
"WPLની માત્ર બે સિઝન થઈ છે, જ્યારે IPL 18 વર્ષ જૂની છે. તેથી બન્ને ટુર્નામેન્ટની સરખામણી શક્ય નથી."
થોડો સમય જવા દો, પછી ચિત્રમાં સુધારો થશે, એવું મિતાલી જણાવે છે.
જાહેરાત ક્ષેત્રના નિષ્ણાતો પણ એક બાબત તરફ ધ્યાન દોરે છે. કંપનીઓ કોઈ ખેલાડી સાથે જાહેરાતના કરાર કરે છે અથવા તેમને સ્પોન્સરશિપ આપે છે ત્યારે તેમને તેમાંથી કંઈક લાભ કે વળતર મેળવવાની અપેક્ષા હોય છે.
પુરુષ ક્રિકેટની સરખામણીએ મહિલા ક્રિકેટમાં હજુ પણ ઓછા પ્રેક્ષકો હોવાને કારણે WPL અને સમગ્ર મહિલા ક્રિકેટમાં ઓછા પ્રમાણમાં નાણા આવે છે.
મિતાલી કહે છે, "વધુ છોકરીઓ ટીવી પર રમતી જોવા મળશે તેમ તેમ વધુ પ્રાયોજકો આગળ આવશે."
2008માં IPL શરૂ થઈ ત્યારે ટુર્નામેન્ટના દર્શકોની સંખ્યા એટલે કે ટીવી પર મૅચ નિહાળતા દર્શકોની સંખ્યા 1.02 કરોડ હતી, જે 2024માં વધીને 62 કરોડ થઈ ગઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
WPLની 2023ની પહેલી સિઝનમાં દર્શકોની સંખ્યા 50 લાખથી વધીને 2024માં 1.03 કરોડ થઈ હતી.
ટુર્નામેન્ટમાં ટીમો અને મૅચોની ઓછી સંખ્યા પણ WPLની ઓછી દર્શક-સંખ્યાનું કારણ હોઈ શકે છે.
IPLની 2024ની સિઝનમાં 10 ટીમો 13 શહેરોમાં 74 મૅચો રમી હતી, જ્યારે આ વર્ષે WPLમાં પાંચ ટીમો ચાર શહેરોમાં 22 મૅચ રમશે.
ભારતીય ટીમનાં ભૂતપૂર્વ કૅપ્ટન ડાયના એડલજી આ જ મુદ્દા તરફ ધ્યાન દોરે છે.
BCCIએ ખેલાડીઓ માટે સમાન પગારની જાહેરાત કરી ત્યારે ડાયનાએ કહ્યું હતું, "બહુ સારું થયું, પરંતુ આપણને સમાન પગાર કરતાં સમાન તકોની વધારે જરૂર છે. મહિલા ક્રિકેટરો માટે વધુ મૅચ અને શ્રેણીઓનું આયોજન થવું જોઈએ."
ડાયના 1970 અને 80ના દાયકામાં રમતાં હતાં તેની સરખામણીએ આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.
એ સમયે મહિલાઓની મૅચો ટીવી પર દર્શાવવામાં આવતી ન હતી અને ભંડોળ એકત્ર કરવું તે મોટો પડકાર હતો.
જોકે, છેલ્લા બે દાયકામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને પરિવર્તનની તે ગતિને WPL ઝડપી બનાવી છે.
તેથી વર્તમાન ભારતીય કૅપ્ટન હરમનપ્રીતકોર WPL માટે સકારાત્મક છે.
હરમનપ્રીત કહે છે, "લોકો હવે અમારી રમત જોઈ રહ્યા છે. તેઓ અમને ઓળખવા લાગ્યા છે. હું ગઈકાલે જ મારા પ્રવાસમાં કેટલાક ચાહકોને મળી ત્યારે તેઓ જાણતા હતા કે હું હવે WPLમાં રમવાની છું. આ પરિવર્તન જોઈને ખૂબ જ સારું લાગ્યું. તે અમને વધુ સારું પ્રદર્શન કરવા માટે પણ પ્રેરિત કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












