અલીદિના વિસરામ : 19મી સદીમાં પૂર્વ આફ્રિકામાં 'હાથીદાંતના રાજા' તરીકે ઓળખાતા ગુજરાતી વેપારીની કહાણી

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાનાં પૂરક રહ્યાં છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.
ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયા, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત આ શ્રેણીનો અંતિમ લેખ છે.

"30મી જૂન, 1916. સાંજે લગભગ સાડા છ વાગ્યાનો સમય હતો. મૂળ કચ્છના કેરાના અલીદિના વિસરામે તેમના અંતિમ શ્વાસ લીધા."
"તેમની દફનવિધિ કરવામાં આવી ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ તેની ચરમસીમાએ હતું. પૂર્વ આફ્રિકાના પ્રદેશોના લગભગ તમામ દુકાનદારોએ આ દિવસે તેમનો ધંધો બંધ રાખ્યો હતો. યુગાન્ડાના કબાકા (રાજા) અને યુગાન્ડાના ગવર્નર તેમની દફનવિધિમાં હાજર હતા. હજારો લોકો શોકગ્રસ્ત હતા."
"દરેક લોકો ધીમેધીમે ભુલાઈ જાય છે..." અલીદિના વિસરામે તેમના મૃત્યુ પહેલાં યુગાન્ડાના રાજા સાથે કરેલી છેલ્લી મુલાકાતમાં આમ કહ્યું હતું.
ગુજરાતના વેપાર અને વહાણવટાના ઇતિહાસની વાત આવે ત્યારે અલીદિના વિસરામનું નામ અચૂક લેવાય છે.
પૂર્વ આફ્રિકાના દેશોમાં સૌથી પહેલાં સ્થાયી થનારા ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓમાં અલીદિના વિસરામનું નામ આવે છે. વેપારજગતના લોકો માટે પૂર્વ આફ્રિકામાં 'સેલિબ્રિટી' જેવું તેમનું સ્થાન હતું. આ અહેવાલમાં તેમની કહાણી...
મક્કમ મનોબળના માનવી
"તેઓ એકલા હતા, તેઓ ગરીબ હતા, જાણે કે કોઈ માટે કામના ન હતા. તેમની સ્થિતિ એવી જ અનિશ્ચિતતાભરી હતી જેવી એક ગરીબીમાં ઊછરી રહેલા 12-14 વર્ષના બાળકની હોય, પરંતુ જાણે કે દૃઢ મનોબળ તેમને કુદરતી રીતે મળેલું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'અલીદિના વિસરામ: ધી ટ્રેઇલ બ્લૅઝર' પુસ્તકમાં એમજી વિસરામ કંઈક આ રીતે તેમની વાત માંડે છે.
તેઓ લખે છે એ પ્રમાણે, "વર્ષ 1863માં 12 વર્ષની ઉંમરે અલીદિના વિસરામ એક વહાણમાં સવાર થઈને ઝાંઝીબાર પહોંચી જાય છે. તેઓ એક સ્થાપિત કંપનીના યુવા એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કરે છે. ત્યાર પછી તેઓ 1877માં બાગામોયો જાય છે અને એ સમયના મોટા ગુજરાતી વેપારી સેવા હાજી પારૂના આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. 1885ના સમયગાળામાં તેમણે નાસિર વીરજી સાથે પણ કામ કર્યું હતું."
ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તક 'ગ્લોબલાઇઝેશન બીફોર ઇટ્સ ટાઇમ'માં લખે છે કે "અનેક વેપારીઓ સાથે કરેલા કામમાંથી મેળવેલા અનુભવને આધારે તેમણે 1890ના દાયકામાં પોતાની કંપની શરૂ કરી અને મધ્યપૂર્વ આફ્રિકા, તાબોરા અને ઉજીજી (હાલનું તાન્ઝાનિયા)ના અંતરિયાળ વિસ્તારોમાં માલસામાન પહોંચાડવાનું કામ શરૂ કર્યું. તેમનો માલસામાન કિંમતી ગણાતો હતો અને તેના બદલામાં તેમને હાથીદાંત અને ચામડું મળતાં."
"તેઓ શિકારીઓને પૅકેજ્ડ ફૂડ પહોંચાડવાનો કૉન્ટ્રેક્ટ મેળવનારી પણ એકમાત્ર વ્યક્તિ હતી."
1897માં સેવા હાજી પારૂના નિધન પછી અલીદિનાએ તેમનો ધંધો સંભાળ્યો અને કારવા ટ્રેડ (માલસામાન લઈ જતા કાફલાઓનો ધંધો)માં ઝંપલાવ્યું અને તેને યુગાન્ડા, કૅન્યા, કૉંગોના કેટલાક પ્રદેશો અને દક્ષિણ સુદાન સુધી ફેલાવ્યો.
ડૉ. છાયા ગોસ્વામી લખે છે તેમ, તેઓ આફ્રિકામાં 'હાથીદાંતના રાજા' તરીકે જાણીતા થયા હતા. તેમણે આફ્રિકાથી ઝાંઝીબારનો તમામ સપ્લાય એકલે હાથે કોઈ બાહ્ય મદદ વગર ટકાવી રાખ્યો હતો.
'વેપાર નબળો પડ્યો તો દુકાનોને બૅન્કો બનાવી દીધી'
સેવા હાજી પારૂનો ધંધો સંભાળીને તેને અલગ-અલગ દેશોમાં વિસ્તાર્યા પછી અલીદિના વિસરામની પ્રગતિ જાણે કે કૂદકે ને ભૂસકે થવા લાગી.
ડૉ. છાયા ગોસ્વામી નોંધે છે, "તેમની પેઢીની શાખાઓ દાર-એસ-સલામ અને સદાનીમાં (હાલના તાન્ઝાનિયાના વિસ્તારો) તથા તે સમયે બૅલ્જિયન કૉંગો હેઠળના પ્રદેશો કલિમા અને ટિંડોમાં પણ હતી. 1893માં યુગાન્ડા રેલવે લાઇન નાખવામાં આવી એ પહેલાંથી જ યુગાન્ડાનાં કમ્પાલા, જિંજા અને કિસુમુમાં તેમણે દુકાનોની વણઝાર ઊભી કરી દીધી હતી."

એવું કહેવાય છે કે તેઓ અતિશય જોખમો લેતા હતા અને તેમની એવી વ્યક્તિમાં ગણના થતી કે જે તેમના સાથીદારો સાથે પણ અઢળક નફો શૅર કરતી હતી.
ડૉ. છાયા ગોસ્વામી લખે છે કે, "માત્ર કૉંગોમાં તેમણે એ જમાનામાં 1.30 લાખ ડૉલરનું રોકાણ કર્યું હતું અને તેમાંથી થયેલો નફો તેમના 17 એજન્ટોને આપ્યો હતો."
20મી સદીની શરૂઆતમાં કારવા ટ્રેડનો ધંધો અસ્તાચળે હતો કારણ કે યુગાન્ડા રેલવે લાઇન થકી અંતરિયાળ વિસ્તારોમાં પણ કનેક્ટિવિટી સ્થાપિત થઈ હતી.
ડૉ. ગોસ્વામી અનુસાર, "આ તકનો લાભ લઈને અલીદિનાએ મગજ દોડાવ્યું અને તેમની તમામ દુકાનોને બૅંન્ક શાખાઓમાં પરિવર્તિત કરી દીધી. તેમના ગ્રાહકોમાં મોટા સરકારી અધિકારીઓ, વેપારીઓ, એજન્ટો હતા એટલે તેમને તકલીફ ન પડી. અલીદિનાની કંપની ચેક ઇશ્યુ કરતી અને આ લોકો તેની સામે માલની ખરીદી કરતા. તેના કારણે વેપારીઓ મહિને, ત્રણ મહિને ચૂકવણી કરી શકતા. જેના કારણે તેમને વેપારમાં સરળતા રહેતી."
"હાંથીદાંતના વેપારથી શરૂ કરીને અલીદિનાએ એક સમયે તેમની પેઢીને મોટી વેપારી કંપનીમાં પરિવર્તિત કરી દીધી હતી. તેઓ તલ, વૅક્સ, મગફળી, કપાસ સહિતની અનેક વસ્તુઓનો વેપાર કરતા હતા."
"તેઓ 'બિઝનેસ મુગલ' તરીકે ઓળખાવા લાગ્યા જેમની ઇસ્ટ આફ્રિકાના દેશોમાં 30થી વધારે સ્થળોએ બ્રાન્ચ હતી અને જેમાં કૅન્યા, યુગાન્ડા, પૂર્વ કૉંગો અને દક્ષિણ સુદાન જેવા દેશો સામેલ હતા. તેમની મુખ્ય ઑફિસ બૉમ્બે, બાગામોયો અને મૉમ્બાસામાં હતી."
'આધુનિક ઈસ્ટ આફ્રિકાના સ્થાપક અલીદિના વિસરામ'

ઇમેજ સ્રોત, Khojawiki/Iqbal Dewji
એમજી વિસરામ તેમના પુસ્તકમાં લખે છે તેમ, "તેમની પાસે અનેક વહાણો અને નાનકડી સ્ટીમર પણ હતી જે લેક વિક્ટોરિયામાં ચાલતી હતી. મૉમ્બાસા અને યુગાન્ડા વચ્ચે તેમણે સુગઠિત ટ્રાન્સપૉર્ટ સર્વિસ પણ વિકસાવી હતી. તેમની પાસે સાત મોટાં શેરડીનાં ખેતર અને રબરના બગીચા હતાં."
"પૂર્વ આફ્રિકામાં તેમણે અનેક પ્રકારના પાકમાં પ્રયોગો કર્યા હતા અને કઠોળ, ફળો, ફૂલો, ચા અને કપાસનું વાવેતર પણ કર્યું હતું. તેમાંથી અનેક વસ્તુઓ પહેલાં ત્યાં ઊગતી નહોતી."
ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તકમાં લખે છે એ પ્રમાણે, "અલીદિના વિસરામે કિસુમુ (પૂર્વ કૅન્યા)માં તલની ફૅક્ટરી, મૉમ્બાસામાં સાબુની ફૅક્ટરી, યુગાન્ડા અને માઉન્ટ કેન્યામાં લાકડાનાં કારખાનાં પણ સ્થાપિત કર્યા હતા."
"તેમણે યુગાન્ડામાંથી કપાસની ખરીદી કરીને, ફૅક્ટરીમાં પ્રોસેસિંગ કરીને મૉમ્બાસા સુધી રેલવે લાઇન મારફતે તથા શિપ મારફતે બૉમ્બે પહોંચાડ્યું હતું. આવી અનેક વસ્તુઓ કરવામાં તેઓ પ્રથમ હતા. અનેક જોખમો લઈને તેમણે એવા સાહસો ખેડ્યાં હતાં જે પહેલાં કોઈએ નહોતાં ખેડ્યાં, આથી તેમને 'આધુનિક યુગાન્ડાના સ્થાપક' તરીકેની નામના મળી હતી.1880ના દાયકામાં યુગાન્ડામાં અઢળક વેપારીમથકો સ્થાપ્યાં હોવાથી તેમને યુગાન્ડાને ઊભું કર્યું હોવાની પણ ક્રૅડિટ અપાય છે."
"અલીદિનાએ ગુલામ-વિરોધી ચળવળને પણ ટેકો આપ્યો હતો. 1870ના દાયકામાં તેઓ ભારતીય સમુદાયના પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા બન્યા હતા."
લેખિકા ઝરીના પટેલે ગુજરાતી વેપારી અને કૅન્યાના નેતા અલીભાઈ મુલ્લા જીવણજીના જીવન વિશે લખેલા પુસ્તકમાં પણ અલીદિના વિસરામનો ઉલ્લેખ જોવા મળે છે.
આ પુસ્તક પ્રમાણે, "ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાં અલીભાઈ મુલ્લા જીવણજી સાથે અલીદિના વિસરામ પણ હતા. તેમણે ખભેખભો મિલાવીને અલીભાઈ મુલ્લા જીવણજીની રંગભેદની લડતમાં ટેકો આપ્યો હતો તથા ભારતીયોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો."
સેંકડો ભારતીયોને વેપારમાં મદદ કરી, 'સેલિબ્રિટી' બન્યા

ઇમેજ સ્રોત, Kenya News
ડૉ. છાયા ગોસ્વામી તેમના પુસ્તકમાં લખે છે, "તેમની પાસે 48 રિટેઇલ સ્ટોર હતા. પૂર્વ આફ્રિકાના ત્રણ 'તાજ વગરના રાજા'માંથી એક એટલે અલીદિના વિસરામ."
"કિસુમુ (હાલના કૅન્યાનું શહેર)માં પહેલું જમાતખાના બાંધવા માટે તેમણે અઢળક રૂપિયા આપ્યા હતા, જેનું ઉદ્ધાટન 1905માં થયું હતું. તેમની સેવા બદલ તેમને 'વારસ' નું સન્માન મળ્યું હતું."
ઑરિએન્ટલ નૈરોબી નોંધે છે, "નૈરોબીની સ્થાપના થઈ એ પહેલાંથી ખોજા સમુદાય પૂર્વ આફ્રિકામાં હતો અને તેનું કારણ મરચન્ટ પ્રિન્સ અલીદિના વિસરામ હતા."
ડૉ. ગોસ્વામી નોંધે છે, "અલીદિનાએ અનેક ઇસ્માઇલી વેપારીઓને કિસુમુ અને કૅન્યાના અન્ય વિસ્તારોમાં સ્થાયી થવા માટે મદદ કરી હતી. તેમણે ગુજરાતથી આવતા અનેક વેપારીઓને નાના પ્રોવિઝન સ્ટોર પણ ખોલી આપ્યા હતા. ઇસ્માઇલી સમુદાયના અનેક લોકો હોમા બે, મુમિઆસ, સિઓ પૉર્ટ (કૅન્યાનાં શહેરો) અને અન્ય નાનકડાં શહેરોમાં સ્થાયી થયા હતા. એવું કહેવાય છે કે કૅન્યા અને યુગાન્ડામાં જે ઇસ્માઇલીઓ સમૃદ્ધ બન્યા એમાંથી મોટા ભાગના અલીદિનાને આભારી હતા. ઘણા લોકો એક સામાન્ય કર્મચારી તરીકે આવ્યા હતા અને આગળ જતાં તેમણે પોતાનાં મોટાં સામ્રાજ્યો ઊભાં કર્યાં હતાં."
માધવાણી સમૂહના જનક અને ગુજરાતી વેપારી મૂળજી માધવાણીને પણ તેમના જીવનમાં અલીદિના વિસરામ પાસેથી જ પ્રેરણા મળી હતી. મૂળજી માધવાણી તેમને આદર્શ માનતા હતા.
મૂળજી માધવાણીના પુત્ર મનુભાઈ માધવાણી તેમના પુસ્તક 'ટાઇડ ઑફ ફૉર્ચ્યુન'માં લખે છે કે, "મૂળજીભાઈના શરૂઆતના દિવસોમાં અલીદિના વિસરામે તેમને ઘણું માર્ગદર્શન આપ્યું હતું. મૂળજીભાઈ લગભગ રોજ તેમને મળવા જતા હતા. તેમનું જાણે કે સેલિબ્રિટી સ્ટેટસ હતું. સૌ તેમને મળવા તલપાપડ હોય. અલીદિના વિસરામના મૃત્યુ પછી મૂળજી માધવાણીએ નક્કી કર્યું હતું કે તેઓ હંમેશાં અલીદિના વિસરામના સિદ્ધાંતોને જ અનુસરશે. ત્યાર પછી જ તેમણે પોતાના કર્મચારીઓને પોતાના પરિવાર તરીકે જોવાનું શરૂ કર્યું હતું અને આખી જિંદગી તેમનું પરિવારની જેમ ધ્યાન રાખ્યું હતું."
એમજી વિસરામ લખે છે, ""અલીદિના વિસરામે નામિરેમ્બ્રે કેથેડ્રલ તથા રેડક્રૉસ અને કમ્પાલાના ચર્ચ મિશનને પણ ફંડ આપ્યું હતું. તેમણે ભારતથી આવતા સેંકડો બિનઇસ્માઇલી લોકોને પણ આર્થિક મદદ કરી હતી, રોજગારી આપી હતી."
તેમના પુત્ર અબ્દુલ રસૂલ વિસરામે કૅન્યામાં તેમની યાદમાં અલીદિના વિસરામ હાઇસ્કૂલ બંધાવી હતી જે આજે પણ હયાત છે.
"મૉમ્બાસામાં 1903માં મૉમ્બાસા પબ્લિક લાઇબ્રેરી બનાવવામાં આવી હતી જે ન માત્ર સૌથી જૂની લાઇબ્રેરી ગણાતી હતી, પરંતુ તે જૂનામાં જૂનું 'ઇન્ટર-રેસિયલ કલ્ચરલ ઇન્સ્ટિટ્યૂશન' પણ ગણાતું હતું. શરૂઆતથી જ તે તમામ ધર્મ, વંશના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લાઇબ્રેરીની દેખરેખ વ્યવસ્થાપન બધું જ જફર દેવજી અને અલીદિના વિસરામ જ કરતા હતા. સોશિયલ સર્વિસ લીગ્ઝ ઑફ ઈસ્ટ આફ્રિકાને પણ આર્થિક રીતે અલીદિના વિસરામ મદદ કરતા હતા."
યુગાન્ડાના કમ્પાલામાં અલીદિના વિસરામે જ્યાં પહેલી દુકાન બનાવી હતી એ શેરીનું નામ અલીદિના વિસરામ સ્ટ્રીટ રાખવામાં આવ્યું હતું.
એમજી વિસરામ પ્રમાણે, "વર્ષ 1972માં જ્યારે જીન- બડેલ બોકાસ્સાએ પોતાને મધ્ય આફ્રિકન રિપબ્લિકના રાજા જાહેર કર્યા ત્યારે તેમણે યુગાન્ડાની મુલાકાત લીધી હતી. તેમના સન્માનમાં યુગાન્ડાના તાનાશાહ ઇદી અમીને અલીદિના વિસરામ સ્ટ્રીટનું નામ બદલીને બોકાસ્સા સ્ટ્રીટ કરી નાખ્યું હતું.
પ્રથમ વિશ્વયુદ્ધની વેપાર પર અસર અને વિસરામની વિદાય

ઇમેજ સ્રોત, Khojawiki/IqbalDewji
એમજી વિસરામ લખે છે, "પહેલા વિશ્વયુદ્ધને કારણે ઈસ્ટ આફ્રિકામાં ચાલતા વેપાર ધંધામાં ખૂબ નુકસાન અને સંઘર્ષ કરવો પડતો હતો. એ સમયગાળામાં ટાંગા અને મૉમ્બાસા, અરુષા અને નૈરોબી, કિસુમુ અને દક્ષિણપશ્ચિમના અંતરિયાળ વિસ્તારોનું બિઝનેસ-ટ્રાન્સપૉર્ટ નેટવર્ક જ પડી ભાંગ્યું હતું. યુદ્ધમાં બંને બાજુના લોકો વેપારીઓની દુકાન પર રેડ પાડતા હતા અને ભારતીય વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું હતું."
"વિશ્વયુદ્ધ દરમિયાન અલીદિનાનો અનેક પ્રદેશોમાં ફેલાયેલો આ વેપાર જ તેમના માટે જાણે કે ઘાતકી પુરવાર થયો. સમગ્ર સપ્લાય ચેઇન ભાંગી પડી, દુકાનો લૂંટી લેવાઈ, એજન્ટોએ દગો આપ્યો."
"અલીદિના વિસરામને તેના કારણે ધંધામાં ભારે નુકસાન ગયું હતું અને તેના કારણે તેમને વેપારને ફરીથી બેઠો કરવા માટે કૉંગોના અંતરિયાળ વિસ્તારો સુધી મુસાફરી કરવી પડતી હતી. એ જમાનામાં આ દેશોમાં મુસાફરી કરવી અતિશય કષ્ટપ્રદ હતી."
ડૉ. છાયા ગોસ્વામી લખે છે, "આવી જ એક મુસાફરી વખતે બૅલ્જિયન કૉંગોમાં તેમને તાવ ચડ્યો અને તેઓ તેમાંથી બહાર ન આવી શક્યા અને તેમનું મૃત્યુ થયું. જે વખતે તેમનું મૃત્યુ થયું એ વખતે તેમની સંપત્તિ 30 લાખની હતી."
તેમના પુત્ર અબ્દુલ રસૂલ અલીદિના વિસરામે તેમની પરંપરાને આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ 1923માં સામ્રાજ્ય પડી ભાંગ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












