વિરાટ કોહલીએ જ્યારે નરેન્દ્ર મોદીને કહ્યું 'અહંકાર આવે છે ત્યારે ખેલાડી રમતથી દૂર થઈ જાય છે'

વિરાટ કોહલી અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને નરેન્દ્ર મોદી

ભારતની ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ જીતી તેને લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે, પરંતુ ભારતીય ખેલાડીઓની રોજ આવતી તસવીરો અને વીડિયો હજુ પણ ચર્ચાનો વિષય છે.

આવો જ એક વીડિયો શુક્રવારે એટલે કે પાંચ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો હતો.

આ વીડિયો ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ચાર જુલાઈએ દિલ્હીમાં થયેલી મુલાકાતનો છે.

આ મુલાકાતના વીડિયોમાં કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓની મનની વાત અને અનુભવ ખબર પડે છે.

આ અહેવાલમાં અમે તમને ભારતીય ક્રિકેટરોના કેટલાક અનુભવો અને વાતો જણાવીશું. આ સાથે જ જાણો કે ચાર જુલાઈના રોજ મુંબઈમાં યોજાયેલી વિક્ટ્રી પરેડ દરમિયાન સમુદ્ર કિનારે જે માનવ મહેરામણ હતું ત્યાં શું થઈ રહ્યું હતું.

બીબીસી ગુજરાતી

રોહિતને પૂછ્યું – ઘાસ કેવું લાગ્યું?

ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત શર્મા

ટીમ ઇન્ડિયાએ જ્યારે ટી20 વર્લ્ડકપ જીત્યો ત્યારે રોહિત શર્માએ સ્ટેડિયમનું થોડુંક ઘાસ ઉખાડીને ચાખ્યું હતું.

વડા પ્રધાન મોદીએ રોહિત શર્માને કહ્યું કે હું પીચ પરથી ઘાસ ઉખાડીને ચાખ્યું તે ક્ષણ વિશે જાણવા માગુ છું.

રોહિત શર્માએ જવાબ આપ્યો, "અમને જ્યાં તે જીત મળી તે ક્ષણને મારે હંમેશા યાદ રાખવી હતી અને તે ઘાસ ચાખવું હતું કારણ કે તે પીચ પર રમીને અમે જીત્યા હતા."

રોહિતે કહ્યું, "અમે બધાએ આ ક્ષણ માટે ઘણી રાહ જોઈ હતી. કેટલીક વખત વર્લ્ડકપ અમારી ખૂબ જ નજીક હતો, પરંતુ અમે આગળ વધી ન શક્યા. જોકે, આ વખતે બધા લોકોની મદદથી અમે ટ્રોફી જીતવામાં સફળ રહ્યાં."

રોહિત બોલ્યા, "જે પણ થયું તે પીચ પર થયું એટલે મારાથી તે થઈ ગયું."

કોહલીએ કહ્યું કે અભિમાન આવી જાય તો.....

ભારતીય ક્રિકેટ ટીમ સાથે વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ક્રિકેટ ટીમ સાથે વડા પ્રધાન મોદી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રોહિત શર્મા ઉપરાંત ટીમ ઇન્ડિયાના બાકી ખેલાડીઓએ પણ પોતાનો અનુભવ શૅર કર્યો હતો.

વિરાટ કોહલીએ કહ્યું, "આ દિવસ હંમેશાં મારા મનમાં રહેશે. કારણ કે આ આખી ટુર્નામેન્ટમાં હું જે પ્રકારે યોગદાન કરવા ઇચ્છતો હતો તે પ્રકારનું યોગદાન આપી શક્યો ન હતો."

કોહલીએ કહ્યું, "મેં એક સમયે રાહુલ દ્રવિડ ભાઈને કહ્યું કે મેં પોતાની અને ટીમ સાથે ન્યાય નથી કર્યો. તેમણે મને કહ્યું કે મને (દ્રવિડને) આશા છે કે જ્યારે જરૂર પડશે ત્યારે તમે સારું પ્રદર્શન કરશો."

કોહલીએ ઉમેર્યું, "શરૂઆતમાં જ્યારે ત્રણ વિકેટો પડી ગઈ તો મને લાગ્યું કે મારે પરિસ્થિતિ પ્રમાણે રમવું પડશે. ત્યારબાદ મને સમજ આવ્યું કે જે વસ્તુ થવાની છે તે થઈને જ રહે છે."

તેમણે કહ્યું, "મને એ વાતનો સંતોષ છે કે હું આટલા મહત્ત્વપૂર્ણ મૅચમાં ટીમ માટે યોગદાન કરી શક્યો. જે રીતે આખો દિવસ પસાર થયો અને જે રીતે અમે જીત્યા હું તે ક્યારેય ભુલીશ નહીં."

કોહલીએ કહ્યું, "અભિમાન જ્યારે આવે છે ત્યારે રમત તમારાથી દૂર થઈ જાય છે. તે અભિમાનને જ છોડવાની જરૂર હતી. મૅચમાં સ્થિતિ એવી હતી કે મારી પાસે અભિમાનની કોઈ જગ્યા ન રહી અને અભિમાનને ટીમ માટે છોડવું પડ્યું. ત્યારબાદ મેં રમતને સન્માન આપ્યું ત્યારે રમતે પણ મને સન્માન આપ્યું."

"શું મેદાન પર ઇડલી ખાઈને જાઓ છો?"

જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડકપમાં પ્લેયર ઑફ ધી ટુર્નામેન્ટ રહ્યા.

ટુર્નામેન્ટમાં બુમરાહે કુલ 15 વિકેટો ઝડપી હતી. ટુર્નામેન્ટમાં એવા કેટલીક વખત બુમરાહે મૅચની દિશા બદલી નાખી હતી.

જસપ્રીત બુમરાહે કહ્યું, "હું ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ સમય પર બૉલિંગ કરું છું. પરિસ્થિતિ જ્યારે પણ મુશ્કેલ હોય છે ત્યારે મારે બૉલિંગ કરવી પડે છે. હું જ્યારે ટીમની મદદ કરું છું ત્યારે સારું લાગે છે. આ ટુર્નામેન્ટમાં ઘણી વખત એવી મુશ્કેલ સ્થિતિ આવી હતી જ્યારે મારે ટીમ માટે બૉલિંગ કરી હતી. હું ટીમની મદદ કરી શક્યો અને મૅચ જિતાડી શક્યો."

મુશ્કેલ ઓવરોમાં બૉલિંગના સવાલ પર બુમરાહે જણાવ્યું, "હું નકારાત્મક વિચાર રાખતો નથી. મેં જે પણ સારી બૉલિંગ કરી હોય તેના વિશે વિચારું છું."

તેમણે કહ્યું, "ખૂબ સારી ટુર્નામેન્ટ રહી. પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો. આનાથી વધારે સારો અનુભવ આજ સુધી થયો નથી."

વડા પ્રધાન મોદીએ જ્યારે પૂછ્યું કે શું મેદાન પર ઇડલી ખાઈને જાવ છો, તો બુમરાહે કહ્યું કે વેસ્ટઇન્ડિઝમાં ઇડલી મળતી નથી.

સૂર્યકુમાર યાદવે જબરદસ્ત કૅચ વિશે શું કહ્યું?

સૂર્યકુમાર યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવ

ટી20 ક્રિકેટ વર્લ્ડકપના ફાઇનલ મુકાબલાની અંતિમ ઓવરમાં સૂર્યકુમાર યાદવે શાનદાર કૅચ પક્ડયો હતો.

સૂર્યકુમારના આ કૅચને ભારતના ચેમ્પિયન બનવામાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ ગણવામાં આવે છે.

આ કૅચ વિશે સૂર્યકુમાર યાદવે કહ્યું, "મને અંદાજો ન હતો કે હું કૅચ પકડી શકીશ, પરંતુ મગજમાં એ વાત હતી કે બૉલને બાઉન્ડ્રીની અંદર ધકેલી દઈશ."

સૂર્યકુમારે કહ્યું, "એક વખત બૉલ હાથમાં આવ્યો તો મેં વિચાર્યું કે રોહિત ભાઈને આપી દઉં, પરંતુ તેઓ ખૂબ જ દૂર હતા. ત્યારબાદ મેં બૉલ અંદર ફેંક્યો અને ફરીથી બાઉન્ડ્રીની અંદર આવીને કૅચ કર્યો."

તેમણે જણાવ્યું કે આ પ્રકારના કૅચ પકડવા માટે તેમને ખૂબ જ અભ્યાસ કર્યો હતો.

હાર્દિક પંડ્યા અને ઋષભ પંત શું બોલ્યા?

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન બન્યા પછી હાર્દિક પંડ્યાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

જોકે, ટી20 વર્લ્ડકપના ફાઇનલ મુકાબલામાં છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાએ નાખી હતી.

આ ઓવરમાં હાર્દિકની બૉલિંગને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ લક્ષ્ય સુધી ન પહોંચી શકી.

હાર્દિક પંડ્યાએ કહ્યું, "છ મહિના ખૂબ જ ઉતાર-ચડાવ વાળા રહ્યાં. હું ગ્રાઉન્ડ પર ગયો તો પબ્લિકે મને ખૂબ ટ્રોલ કર્યો. હું હંમેશા માનતો હતો કે જવાબ આપીશ તો મારા પ્રદર્શન વડે આપીશ."

આ દરમિયાન ઋષભ પંતે પોતાના એક્સીડન્ટની વાત કરી.

પંતે કહ્યું, "તે દરમિયાન લોકો કહેતા હતાં કે હું ક્યારેય ક્રિકેટ રમીશ કે નહીં."

તેમણે કહ્યું, "હું છેલ્લા દોઢ-બે વર્ષથી એ જ વિચારી રહ્યો હતો કે મેદાન પર વાપસી કર્યા પછી હું જે પહેલાં કરી રહ્યો હતો તેનાથી વધારે સારું કરવાનો પ્રયત્ન કરીશ."

વડા પ્રધાન મોદી સાથેની વાતચીત દરમિયાન યુજવેન્દ્ર ચહલની સાથે પણ મજાક કરી અને રાહુલ દ્રવિડે પણ પોતાની વાત મૂકી હતી.

મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટ્રી પરેડ

મુંબઈમાં વિક્ટ્રી માર્ચ

ઇમેજ સ્રોત, Getty Images

ચાર જૂલાઈના રોજ મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટ્રી પરેડ જોવા માટે મરીન ડ્રાઇવ પર લાખો લોકો એકઠા થયા હતા.

બીબીસી સંવાદદાતા જાહ્વવી મુળે પણ ત્યાં હાજર હતાં. તેમનો આ અહેવાલ વાંચો.

મરીન ડ્રાઇવ પર મેં આટલી ભીડ ક્યારેય જોઈ નથી. મેં મેરાથોન દરમિયાન પણ આ પ્રકારની ભીડ જોઈ નથી.

કિલાચંદ ચોક પર અફરાતફરી થઈ હતી. વાનખેડે સ્ટેડિયમ પાસે પણ આ જ સ્થિતિ હતી. પોલીસ પણ આ માનવ મહેરામણને નિયંત્રિત કરવા માટે સંધર્ષ કરી રહી હતી.

સ્ટેડિયમના ગેટ પર બપોરે બે વાગ્યાથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા.

મને કહેવામાં આવ્યું કે સાંજે ચાર વાગ્યે સ્ટેડિયમમાં લોકોની એન્ટ્રી શરૂ થઈ અને અડધી કલાકમાં જ આખું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. ઑફિસમાં કામ કરનાર લોકો પણ તે દિવસે ઑફિસથી બે-ત્રણ વાગે નીકળી ગયા.

બીજી તરફ હજી પણ તૈયારીઓ ચાલી રહી હતી. બેનર લગાડવામાં આવી રહ્યાં હતાં અને વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી રહી હતી.

અમે સાંજે સાડા ચાર વાગ્યે લાઇવ અને ચાહકો સાથે વાતચીત પૂરી કરીને નરીમન પૉઇન્ટથી નીકળી પડ્યા ત્યારે રસ્તાનો એક ભાગ કારો માટે બંધ હતો.

માનવ મહેરામણને જોતા અમે કાર છોડીને ચાલવાનું શરૂ કર્યું. અમારી સલામતી તાલીમ અને મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરીના અનુભવે અમને મદદ કરી.

અમે જ્યારે કિલાચંદ ચોક પહોંચ્યા ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ હતી.

અમે ભીડથી દૂર જવાનો નિર્ણય કર્યો અને ચર્ચગેટ સ્ટેશન તરફ આગળ વધ્યા અને અંતે પ્રેસ ક્લબ પહોંચ્યા. ક્લબ સ્ટેડિયમથી લગભગ એકથી દોઢ કિલોમીટર દૂર હતા અને અમે ત્યાંથી જ વાનખેડેમાં લોકોનો અવાજ સાંભળી શકતા હતા.

પોલીસ અને રેલવે અધિકારીઓએ ચર્ચગેટ સ્ટેશન પર લોકોને પાછા ફરવા માટેની જાહેરાત શરૂ કરી દીધી હતી.

કેટલાક લોકો પોલીસની વાત માનીને પાછા ચાલ્યા ગયા. જોકે, કેટલાક લોકો ટ્રેનમાં આવી રહ્યા હતા, તેમને ખબર ન હતી કે ભીડ કેટલી વધી ગઈ છે.

અમને મોડી રાતે જાણકારી મળી કે 10-12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને શહેરના કેટલીક હૉસ્પિટલમાં ભરતી કર્યા હતા.

તે માત્ર એટલા માટે દુર્ઘટનામાં પરિણમી નથી કારણ કે મુંબઈવાસીઓ મોટી ભીડથી ટેવાયેલા છે અને અહીંની પોલીસ તેમને સંભાળવામાં ખૂબ જ અનુભવી છે.

ભીડે એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો તે દૃશ્ય પણ ઉલ્લેખનીય હતું.

શું ખરેખર ત્યાં જવું જરૂરી હતું? ખાસ કરીને ઉત્તર ભારતના હાથરસમાં નાસભાગની ઘટના પછી. કોઈને આશ્ચર્ય થાય છે કે ત્યાં આટલા બધા લોકો શા માટે એકઠા થયા?

શરૂઆતમાં, ઘણા લોકો ત્યાં આવ્યા કારણ કે તેઓ વિચારતા હતા કે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે, જે મફત છે. તેથી કેટલાક લોકો માટે ત્યાં જવું જીવનભરની તક હતી.

મરીન ડ્રાઇવ પર પહોંચ્યા ત્યાં સુધી મોટાભાગના લોકોને ખ્યાલ ન હતો કે કેટલી ભીડ છે. તેઓએ વિચાર્યું કે હવે આપણે અહીં છીએ, ચાલો અહીં જ રહીએ અને ટીમની રાહ જોઈએ.

ગુરુવાર એક યાદગાર દિવસ હતો.