સંધિવા થવાનું કારણ શું છે અને તે સારવારથી મટી શકે કે નહીં?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

આર્થરાઈટિસના ઘણા પ્રકારો છે અને તેમાંનો સૌથી સામાન્ય પ્રકાર રુમેટૉઇડ આર્થરાઈટિસ, જેને સંધિવા કે સાદી ભાષામાં સાંધાનો વા કહેવાય છે અને તે એક લાંબા ગાળાની સ્થિતિ છે.

સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે લોકો સંધિવાની ફરિયાદ કરતા હોય છે.

આ રોગમાં હાડકાં અને સાંધાને નુકસાન થાય છે.

સંધિવામાં સાંધામાં દુખાવો, સોજો અને જડતા આવી શકે છે. આ સ્થિતિ સામાન્ય રીતે હાથ, પગ અને કાંડાને અસર કરે છે.

જો ધ્યાન ન રાખવામાં આવે તો સંધિવા એવો રોગ છે જે સમયાંતરે ઊથલો પણ મારી શકે છે અને વકરી પણ શકે છે.

આ અહેવાલમાં ડૉક્ટરો સાથે વાત કરીને એ જાણવાની કોશિશ કરાઈ છે કે આ સંધિવા શું છે અને તે કોને થઈ શકે છે. તેનાં લક્ષણો શું છે અને તેની સારવાર શું છે?

સંધિવા એ ઑટોઈમ્યુન ડિસીઝ છે. આનો અર્થ એ છે કે સામાન્ય રીતે ચેપ સામે લડતી તમારી રોગપ્રતિકારક શક્તિ આ કિસ્સામાં ભૂલથી એવા કોષો પર હુમલો કરી દે છે જે તમારા સાંધાને યથાવત્ રાખે છે, આ હુમલાના કારણે સાંધાનો સોજો, સાંધા અકડાઈ જવા અને ભારે કળતરની સ્થિતિ ઊભી કરે છે.

સમય જતાં આ સ્થિતિ સાંધા, કોમલાસ્થિ અને નજીકનાં હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ આ કોષો પર કેમ હુમલો કરી બેસે છે તેનાં કારણો સ્પષ્ટ નથી.

સંધિવાગ્રસ્ત વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી તેમના સાંધાના અસ્તરમાં ઍન્ટિબૉડીઝ મોકલે છે, જ્યાં તેઓ સાંધાની આસપાસના ટિશ્યૂઓ પર હુમલો કરે છે.

આનાથી તમારા સાંધાની ફરતે કોષોના આવરણમાં સોજો આવે છે અને દુખાવો થાય છે. તે રસાયણો મુક્ત કરે છે જે હાડકાં, કોમલાસ્થિ (હાડકાં વચ્ચે ખેંચાઈને જોડાયેલા ટિશ્યૂ), રજ્જૂ (હાડકાંને સ્નાયુ સાથે જોડતા ટિશ્યૂ), લિગામૅન્ટ (હાડકાં અને કોમલાસ્થિને જોડતા ટિશ્યૂ)ને નુકસાન કરે છે.

જો સંધિવાની સારવાર ન કરવામાં આવે તો આ રસાયણો ધીમેધીમે સાંધાનાં આકાર અને સ્થિતિમાં વિકૃતિ લાવે છે અને આખરે સાંધાનું ખવાણ થઈ શકે છે.

આ જોખમ વધી જાય છે જો:

  • તમે મહિલા હો
  • તમારા પરિવારમાં કોઈને રુમેટૉઇડ આર્થરાઈટિસ થયો હોય
  • કે તમે ધૂમ્રપાન કરતા હો

પુરુષની સરખામણીએ મહિલાઓમાં સંધિવા થવાની સંભાવના ત્રણ ગણી વધારે છે.

સંધિવાના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે.

  • થાક લાગવો અને ઊર્જાનો અભાવ
  • શરીર ગરમ રહેવું
  • પરસેવો વળવો
  • ઓછી ભૂખ લાગવી અને વજન ઘટી જવું
  • આંખો સૂકી રહેવી
  • ફેફસાંને અસર કરે તો છાતીમાં પણ દુ:ખાવો

જો તમને લાગે કે તમને રુમેટૉઇડ આર્થરાઇટિસનાં લક્ષણો છે તો આગળનાં નિદાન અને સારવાર માટે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

સંધિવાનું ઝડપથી નિદાન કરવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પ્રારંભિક સારવાર તેને વધુ ખરાબ થતા અટકાવી શકે છે અને સાંધાને નુકસાન થવાનું જોખમ ઘટાડી શકે છે.

અમદાવાદના જાણીતા ઑર્થોપેડિક સર્જન ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "જીવનશૈલી બદલાઈ એ કારણે આપણા દેશ અને ગુજરાતમાં સંધિવા વધ્યો છે. પહેલાં પશ્ચિમના દેશોમાં વધુ જોવા મળતો હતો. હાઈજીન સુધરે એ કારણે આવા ઑટૉઇમ્યુન ડિસીઝ વધી જાય."

તેઓ કહે છે, "આમ તો સંધિવા ન થાય એ માટે કોઈ આગોતરી તકેદારીઓ કામ નથી આવતી, કેમ કે આ ઓટોઇમ્યૂન ડિસીઝ છે અને તેનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી. સંધિવા મેદસ્વી લોકોમાં વધુ જોવા મળે એવું એક અવલોકન છે. તેમ છતાં હાઇ પ્રોટીન, હાઈફાઈબર સાથેનો સંતુલિત આહાર લેવાથી ફાયદો થાય છે."

બ્રિટન સરકારની નેશનલ હૅલ્થ સર્વિસ અનુસાર, એવો સમય પણ આવતો હોય છે જેમાં સંધિવા વકરે છે, જેને ફ્લેર-અપ્સ અથવા ફ્લેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સંધિવા ઊથલા મારે છે.

સંધિવાના ઊથલા મારવાના સમયની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ યોગ્ય સારવાર સાથે ઊથલાની સંખ્યા ઘટાડી શકાય છે અને સાંધાને લાંબા ગાળાના નુકસાનને ઘટાડી અથવા અટકાવી શકાય છે.

રુમેટૉઇડ આર્થરાઈટિસ ધરાવતા કેટલાક દર્દીઓમાં સાંધા ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં તકલીફ ઊભી થઈ શકે છે, જેમ કે થાક લાગવો અને વજનમાં ઘટાડો થવો.

સંધિવા મટી શકે તેવો કોઈ ઉપચાર નથી. પરંતુ વહેલું નિદાન અને યોગ્ય સારવાર આ સ્થિતિ ધરાવતા ઘણા લોકોને સંધિવાના ઊથલા મારવાનો સમય મહિનાઓ અથવા તો વર્ષ સુધી ખેંચી શકે છે.

સારવારથી સંધિવાગ્રસ્ત વ્યક્તિને સુચારુ જીવન જીવવામાં અને રોજગાર યાપન કરવામાં મદદ મળી શકે છે.

ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર કહે છે, "અત્યારે સંધિવાની સારી સારવાર ઉપલબ્ધ થઈ છે. વહેલી સારવાર લેવામાં આવે તો સાવ સાજા થઈ જવાય છે. તેના માટે દોઢથી પાંચ વર્ષ સુધી સારવાર લેવી પડી શકે છે."

"સારવાર માટે લેફ્રોનામાઇટ, મિથોટ્રેક્ઝેટ, એચસીક્યુએચ જેવી દવાઓ આપવામાં આવે છે. ઓટો ઈમ્યૂન સિસ્ટમને સુધારવાનું કામ કરે છે."

સંધિવાના મુખ્ય સારવાર વિકલ્પો છે:

  • લક્ષણોને દૂર કરવા અને સ્થિતિની પ્રગતિને ધીમી કરવા માટે લાંબા સમય સુધી દવા લેવી
  • તમને હરતાંફરતાં રાખવા અને રોજિંદી પ્રવૃત્તિઓમાં તમારી કોઈ પણ સમસ્યાઓનું સંચાલન કરવામાં મદદ માટે ફિઝિયોથૅરપી અને ઓક્યુપેશનલ થૅરપી જેવી સહાયક સારવાર લેવી
  • સમસ્યાઓ બેવડાય કે વકરે તો તેને સુધારવા માટે જરૂરી સર્જરી કરાવવી
  • તમને થતી પીડા, જડતા અથવા સાંધાને થતા નુકસાનના આધારે દૈનિક કાર્યો કરવા મુશ્કેલ બની શકે છે અથવા તે કાર્યો કરવામાં તમને વધુ સમય લાગી શકે છે. તમારે રોજિંદાં કાર્યોમાં અનુકૂલન સાધવું પડે.

સંધિવાથી અન્ય કેટલીક વિપરીત પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે અને તે વધારાનાં લક્ષણોનું કારણ બની શકે છે અને કેટલીક વાર જીવન માટે જોખમી પણ બની શકે છે. શું થઈ શકે?

  • કાર્પલ ટનલ સિન્ડ્રોમ. આ સિન્ડ્રોમમાં તમારા કાંડાની નસો પર દબાણ આવે છે. તેનાથી તમારા હાથ અને આંગળીઓમાં કળતર, નિષ્ક્રિયતા અને પીડા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. મોટે ભાગે તેની જાતે સારવાર કરી શકો છો, પરંતુ તેને વધુ સારું થવામાં મહિનાઓ લાગી શકે છે.
  • ફેફસાં, હૃદય અને આંખ જેવા શરીરના અન્ય ભાગોમાં બળતરા થાય છે.
  • હાર્ટ ઍટેક અને સ્ટ્રૉકનું જોખમ વધે છે.
  • સંધિવાને કાબૂમાં રાખીને આ જટિલતાઓને ઘટાડવામાં મદદ મળી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.