એક અબજ ડૉલર કૉસ્મેટિક બ્રાન્ડની માલકણ આ ઉદ્યોગને 'સેક્સિસ્ટ' કેમ માને છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, એમીલિયા બટરલી
- પદ, બીબીસી 100 વુમન
જ્યારે હુડા કાટન જાહેર જગ્યાએ જાય છે ત્યારે તેમના ચાહકો તેમનું એ જ રીતે સ્વાગત કરે છે જે રીતે ટોચના સંગીતકારો અથવા હોલીવૂડ ફિલ્મ સ્ટાર્સનું સામાન્ય રીતે થતું હોય.
તેમની કૉસ્મેટિક્સ બ્રાન્ડ હુડા બ્યુટીની 10મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમણે પેરિસમાં ઍફિલ ટાવર પાસે એક બિલ્ડિંગ લીધી છે અને તેની અંદરની દરેક વસ્તુને ગુલાબી રંગની કરી દીધી છે.
મેકઅપ સ્ટેશનો તેમનાં ઉત્પાદનોથી ભરેલાં છે. ચારે બાજુ સુંદર ચમકતા નિયોન ચિહ્નો છે અને દરેક જગ્યાએ સુંદર લોકો છે.
જ્યારે તેઓ ક્યાંય જતાં હોય ત્યારે રસ્તા પર ઊભેલા તેમના ચાહકો બૂમો પાડવા લાગે છે. અંદર તેઓ જ્યારે દાદરા ચઢે છે એ સમયે આમંત્રિત ઇન્ફ્લુએન્સર્સ અને મેકઅપ પ્રોફેશનલ્સ તેમનું નામ પોકારે છે- "હુડા, હુડા, હુડા"
લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે લાઇન લગાવી રહ્યા છે. જ્યારે તે તેમને ભેટે છે ત્યારે કેટલાકની આંખોમાં ખુશીનાં આંસુ આવી છે. આ બધું ઘટતું હોય એ દરમિયાન કાટનનું સ્મિત અવિરત ચાલુ જ રહે છે.

મહિલાઓને વસ્તુ માનવી

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે બીબીસી 100 મહિલાઓની યાદીમાં કાટન પણ સામેલ છે. જેમાં વિશ્વભરની 100 પ્રેરણાદાયી અને પ્રભાવશાળી મહિલાઓનાં નામ છે.
હુડા કાટનનો $1 બિલિયન ડૉલર્સનો કૉસ્મેટિક્સ બિઝનેસ છે અને તેઓ 50 મિલિયન ફૉલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર સૌથી મોટી મેકઅપ બ્રાન્ડ છે.
પરંતુ તેઓ સૌંદર્ય પ્રસાધનોનાં ઉદ્યોગ અને સોશિયલ મીડિયા બંનેની તીવ્ર ટીકા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, “મને લાગે છે કે સૌંદર્ય પ્રસાધનનો ઉદ્યોગ સેક્સિસ્ટ છે. તે ઘણી વાર સ્ત્રીઓને વસ્તુઓ તરીકે જુએ છે. તે ખરેખર સ્ત્રીઓને માત્ર તેમના દેખાવ સુધી મર્યાદિત કરી શકે છે."
તેમનું કહેવું છે કે, એક મહિલા તરીકે જે "ગ્લેમરને પસંદ કરતી" મહિલા તરીકે તેઓ એ જાણે છે કે દેખાવના આધારે તેમના વિશે ધારણા બનાવવું કેટલું હતાશાનજક છે.
પરંતુ એ સ્વીકારે છે કે લોકો વિશે ખૂબ ઝડપથી ધારણા બનાવી લેવી તે એક સામૂહિક નિષ્ફળતા છે - અને આ વિશે તેમણે કંઈક કામ કરવાની જરૂર છે.
જ્યારે તેઓ પહેલી વાર બિઝનેસવુમન બન્યાં હતાં ત્યારે કહ્યું હતું કે, તેમને જાણવા મળ્યું કે ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો તેમને ગંભીરતાથી લેતાં નથી.
તેઓ આ વિશે કહે છે કે, "મેં ખૂબ જ સંઘર્ષ કર્યો. ઘણી વખત જ્યારે અમે મિટિંગમાં હોઈએ ત્યારે લોકો મને સંબોધવાને બદલે મારા પતિ સાથે વાત કરતા અને મને સંપૂર્ણપણે અવગણતાં."
તેમના પતિ કહેતા, "મારી સાથે નહીં, તેમની સાથે વાત કરો." તેઓ ઉમેરે છે કે ત્યારે પણ લોકો તેમના પતિ સાથે જ વાતો કરવાનું ચાલુ જ રાખતા.

કાળી ત્વચા

ઇમેજ સ્રોત, HUDA KATTAN
કાટન કૉસ્મેટિક્સ ઉદ્યોગમાં સમાવિષ્ટ અને મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે થતી ધીમી પ્રગતિથી નાખુશ છે.
તેઓ ટૅનેસીમાં ઊછર્યાં છે અને ખુદ ઇરાકના ઇમિગ્રન્ટ્સનાં પુત્રી છે. તેઓ ઉમેરે છે કે તેમને હંમેશાં કહેવામાં આવતું હતું કે તેઓ આકર્ષક નથી.
કાટન કહે છે કે, એ વાત તેમના માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે કે તેમનાં ઉત્પાદનોને ઘેરા રંગના શેડ્સમાં રજૂ કરે છે અને વિવિધ ત્વચાના વર્ણો સાથે મેળ ખાતા ફાઉન્ડેશન વેચે છે.
પરંતુ તેઓ એ વાત પણ સ્વીકારે છે કે સૌંદર્ય પ્રસાધનોનો ઉદ્યોગ કદાચ અમુક અંશે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે, પણ તેમના અનુસાર તે "કાચબાની ગતિ"વાળી પ્રગતિ છે.
"હું ઉત્પાદકો સાથે લૅબમાં રહી છું અને મેં તેમને કહ્યું કે મને ઘાટા ત્વચા ટોન સાથેનું ઉત્પાદન જોઈએ છે અને મેં જોયું કે તેઓ બરાબર એ જ કાળા રંગદ્રવ્ય મૂકે છે, પરંતુ લોકોની ત્વચા ઘણા વિવિધ રંગોનું મિશ્રણ છે."
"મને લાગે છે કે હજુ પણ સમજનો અભાવ છે અને તે ખરેખર ઉત્પાદકો અને કેટલીક બ્રાન્ડ્સ પર પણ આધાર રાખે છે."

'ડોપામાઇન હૅકિંગ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાટનની સફળતાનું એક મોટું કારણ તેમની સોશિયલ મીડિયા પર હાજરી છે. જ્યાં તેઓ મેકઅપ ટ્યુટોરિયલ્સ અને રિવ્યૂઝ શૅર કરે છે. આ સિવાય તેઓ દુબઈમાં તેમના ઘરે પરિવાર અને મિત્રો સાથે વિતાવેલી પળો પણ શૅર કરે છે.
તેમની સંગઠિત જીવનશૈલી એક સૌંદર્ય બ્લૉગર તરીકે તેમના શરૂઆતના દિવસોની સફળતાનું પરિણામ છે.
શરૂઆતમાં તેમને સોશિયલ મીડિયાનો ખૂબ જ શોખ હતો. તેઓ કહે છે, "મને લાગ્યું કે તે શ્રેષ્ઠ વસ્તુ છે. તે વિચારોનું લોકશાહીકરણ કરે છે. તે દરેકને પોતાનો અવાજ ઉઠાવવાની તક આપે છે. તે એક એવી જગ્યા હોવાનું માનવામાં આવે છે જ્યાં લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે."
"પણ હવે તે લોકોને તેમની આંખો હંમેશાં સ્ક્રીન પર ચોંટાડીને રાખવા મજબૂર કરતું ડોપામાઇન હૅકિંગ અને અલ્ગોરિધમની દુનિયા બની ગયું છે."
હવે તે સોશિયલ મીડિયાથી ખૂબ જ નિરાશ છે.
"શું હું હવે સોશિયલ મીડિયા સાથે સંમત છું? શું તે ભવિષ્ય માટે સારું છે? ના, મને એવું નથી લાગતું. મને હવે એવું નથી લાગતું."
તેમના મતે, એનું સૌથી મોટું કારણ એ છે કે તે મહિલાઓ પર સંપૂર્ણ બનવાનું દબાણ બનાવે છે.
કાટન કહે છે, “મને લાગે છે કે સમાજ હંમેશાં મહિલાઓ મુદ્દે કડક રહ્યો છે. પરંતુ હવે સોશિયલ મીડિયાના યુગમાં અપેક્ષાઓ વધારે છે. કેટલીક વાર મને અંગત રીતે એવું લાગે છે કે જ્યારે હું સોશિયલ મીડિયા પર જાઉં છું ત્યારે હું ક્યારેય નથી અનુભવી શકતી કે હું સંપૂર્ણ સુંદર છું. હું ક્યારેય પૂરતી સફળતા નથી મેળવતી શકતી."
તેઓ "100 ટકા" સ્વીકારે છે કે તે ખુદ આ સમસ્યાનો ભાગ છે પણ કહે છે કે તેઓ આનો શિકાર પણ છે.
"જો કોઈ વ્યક્તિ તેના દેખાવ માટે ઓળખાય છે, તો કેટલીક વાર તમે તમારી છબીમાં કેદ થઈ જાવ છો."
તેઓ કહે છે કે, લોકો અપેક્ષા રાખવા લાગે છે કે તમારા નખ સુઘડ હોવા જોઈએ, વાળ અને ત્વચાનો રંગ પરફેક્ટ હોવો જોઈએ. પણ આ ખરેખર આ સત્ય નથી.
"મને લાંબા સમયથી લાગ્યું કે હું મારા ઇન્સ્ટાગ્રામ હૅન્ડલની કેદી છું. મને સમજાયું કે હવે હું બહાર જાઉં છું, હું હુડા બ્યૂટી છું. ક્યારેક મને લાગે છે કે હું ખુદને કદરૂપી અનુભવું છું."

રાજકીય મંતવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર તેમની ભારે લોકપ્રિયતાને કારણે લોકો કાટન જે કહે છે તેના તરફ આકર્ષાય છે.
હુડા કહે છે, "જેમ જેમ મારો અવાજ પહોંચતો ગયો અને પ્લૅટફૉર્મ કરતાં મોટો થતો ગયો તેમ મને કંઈક કહેવાની જરૂર લાગવા લાગી."
"હું એવી વસ્તુઓથી પ્રેરિત છું જે મહિલાઓને અસર કરે છે અને મારા સમુદાયને અસર કરતી વસ્તુઓથી પણ."
જ્યારે આ ઇન્ટરવ્યૂ થયો ત્યારે 7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને તે પછી ગાઝા પર હુમલા શરૂ થયા.
ઇઝરાયલ પરના હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને બંધક બનાવાયા હતા.
હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્યારથી ગાઝામાં 4,500 બાળકો સહિત 14,000થી વધુ લોકો માર્યા ગયા છે.
જેમ જેમ સંઘર્ષ ઉગ્ર બન્યો તેમ કાટને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ પેલેસ્ટાઈનને સમર્થન આપવા માટે કર્યો. જેમાં હકારાત્મક ટિપ્પણીઓ અને ટીકા બંને થયાં.
તેમણે જુલાઈમાં બીબીસી 100 વીમેનને કહ્યું હતું, "હું કેટલીક રાજકીય બાબતો વિશે સ્પષ્ટપણે બોલું છું. હું મારી જાતને રાજકીય નિષ્ણાત નથી માનતી. પરંતુ જ્યારે હું કંઈક જોઉં છું અને તેના વિશે કંઈક જાણું છું તો ચોક્કસપણે તેને પોસ્ટ કરવા માગું છું.”
ઇઝરાયલ-ગાઝાની વર્તમાન પરિસ્થિતિ પહેલાં પણ કાટન મધ્ય પૂર્વના મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવી રહ્યાં હતાં, કારણ કે તેમનું માનવું છે કે આ પ્રદેશના રાજકીય મુદ્દાઓની ઓછી ચર્ચા થાય છે.
કાટન કહે છે, “જ્યારે હું વસ્તુઓ બનતી જોઉં છું ત્યારે હું એકદમ અસ્વસ્થ થઈ જાઉં છું. ક્યારેક મને આશ્ચર્ય થાય છે - શું મારી પાસે સાચી માહિતી છે? શું હું આ પોસ્ટ કરી શકું? પરંતુ હું હંમેશાં મારાથી બને તેટલું પોસ્ટ કરવા માગું છું.”

સોશિયલ મીડિયા: અસુરક્ષિત મંચ

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે પણ લોકો સંદેશા મોકલીને તેમને પૂછે છે - "તમારું જીવન આટલું સંપૂર્ણ કેવી રીતે છે?" તે પ્રામાણિકપણે જવાબ આપે છે કે એવું નથી.
કાટન કહે છે, “સોશિયલ મીડિયાને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર છે.
"જોકે આ માહોલ ઇન્સ્ટાગ્રામ પર સુરક્ષિત છે પણ આપણે એને સુરક્ષિત બનાવવું પડશે."
તેઓ ઉમેરે છે કે, તે ઘણી વાર સોશિયલ મીડિયા બંધ કરી દે છે. તેમનો સ્ક્રીન સમય મર્યાદિત કરે છે અને તેમની 12 વર્ષની પુત્રીને તેનાથી દૂર રાખે છે.
"કેટલીક વાર તે મારી જાણ બહાર સોશિયલ મીડિયા વાપરે છે. પરંતુ તે ક્યારે ઑનલાઇન હતી અને ક્યારે નહીં તે હું તેની બેચેનીથી સમજી લઉં છું."
પોતાના જીવનનો મોટો ભાગ સોશિયલ મીડિયા પર સાર્વજનિક રીતે વિતાવ્યો હોવા છતાં તેઓ કેટલીક બાબતો ખાનગી કે વ્યક્તિગત રાખે છે. જેમ કે તેમનો મુસ્લિમ ધર્મ.
BBC 100 Women દર વર્ષે વિશ્વભરની સૌથી પ્રેરણાદાયી અને પ્રભાવશાળી મહિલાઓની યાદી બહાર પાડે છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બીબીસી 100 મહિલાઓને ફૉલો કરો. વાતચીતમાં જોડાવા માટે #BBC100Women હૅશટૅગનો ઉપયોગ કરો.














