You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરેલી : પ્રાથમિક શાળામાં ભણતાં 20-25 બાળકોના હાથ પર કાપાનાં નિશાન મળી આવ્યાં, શું છે મામલો?
(અહેવાલના કેટલાક ભાગો વિચલિત કરી શકે છે)
અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજ્યાસરની પ્રાથમિક શાળામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ ઘટનામાં શાળામાં ભણતા ધોરણ એકથી આઠના આશરે 20-25 વિદ્યાર્થીઓ હાથ પર બ્લેડના સંખ્યાબંધ મારેલી અવસ્થામાં મળી આવ્યા હતા.
આટલી મોટી સંખ્યામાં બાળકોના હાથે ઈજા થઈ હોવાનું સામે આવતાં શાળાના તંત્ર, શિક્ષણવિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ હતી.
એક તરફ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં બાળકોએ એકમેક સાથે શરત લગાવીને જાતે પોતાના હાથ પર કાપા માર્યા હોવાની વાત કરાઈ હતી. તો બીજી બાજુ કેટલાક વાલીઓએ શાળાના સમય દરમિયાન ઘટના બની હોવાને કારણે જવાબદારી શાળાની હોવાનું કહ્યું હતું.
આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીની ટીમે પ્રયાસ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ધારી એએસપી જયવીર ગઢવીએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આ ઘટનામાં બાળકોએ જાતે જ પોતાના હાથ પર કાપા માર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખબર પડી છે. તેઓ આવું શરતના ભાગરૂપે કરી રહ્યાં હતાં. શરત પ્રમાણે જે પોતાના હાથ પર બ્લેડથી કાપો મારે એણે દસ રૂપિયા ન આપવા અને જે આવું ન કરી શકે એણે સામેનાને દસ રૂપિયાની રકમ ચૂકવવાની રહેતી."
તેમણે આ અંગે અત્યાર સુધી થયેલી કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું હતું : "શાળાના પ્રિન્સિપાલને ગત 18 માર્ચે આ ઘટનાની જાણ થઈ હતી. તે બાદ 21 માર્ચે તેમણે વાલીઓની મિટિંગ બોલાવી હતી, જેમાં તાલુકા કેળવણી નિરીક્ષક હાજર રહ્યા હતા. વાલીઓને આ વાતની જાણ કરાઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ મિટિંગમાં બાળકોએ પણ ભવિષ્યમાં ફરી આવું કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી."
તેમણે એવું પણ જણાવ્યું હતું કે હજુ સુધી બાળકોએ મોબાઇલ ફોન, વીડિયો ગેઇમના કન્ટેન્ટમાંથી પ્રેરિત થઈને આવું કર્યું હોવાનું ખબર પડી નથી.
એએસપી ગઢવી આગળ જણાવે છે કે, "આ ઘટનામાં 20-25 બાળકોના હાથ પર નાની નાની ઈજા થઈ છે."
તેઓ બાળકો પોતાના હાથમાં કઈ રીતે કાપા મારતાં એ અંગે તપાસમાં ખબર પડેલી વિગતો આપતાં કહે છે કે, "આ ઘટનામાં બાળકો કોઈક રીતે પોતાના પેન્સિલ છોલવા માટેના સંચાની બ્લેડ કાઢી લઈને પોતાના હાથ પર કાપા મારતાં હતાં. આ માર્કેટમાં મળતી ધારદાર બ્લેડથી મરાયેલા કાપાનાં નિશાન નથી."
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર આ ઘટનામાં મોટા વિદ્યાર્થીઓએ નાના વિદ્યાર્થીઓને આવું કરવા માટે ઉશ્કેર્યાં હતાં. આ ઘટનામાં શરત મારીને પોતાના હાથ પર કાપા મારવામાં વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થિનીઓ પણ સામેલ છે.
વાલીઓની ફરિયાદ, 'શિક્ષકોની જવાબદારી'
આ ઘટનામાં સામેલ વિદ્યાર્થીના એક વાલી રસિકભાઈ રાઠોડ આ અંગે વાત કરતાં કહે છે કે, "અમને અને અમારી આસપાસ રહેતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને પોતાનાં બાળકોના હાથ પર એક જ પ્રકારના કાપાનાં નિશાન થોડા દિવસ પહેલાં દેખાઈ આવ્યાં હતાં. જે બાદ અમે અહીં શિક્ષકને રજૂઆત કરી હતી."
તેઓ કહે છે કે તેમની રજૂઆત બાદ શિક્ષકે મીટિંગનું આયોજન કર્યું હતું. મીટિંગમાં શાળાના શિક્ષક દ્વારા પોતે તમામ જવાબદારીમાંથી મુક્ત થઈ જવા માટે તેમની પાસેથી કોરા કાગળ પર સહી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર અમુક વાલીઓએ સહી કરી પણ હતી.
"આ ઘટનામાં 20-25 બાળકોના હાથ પર કાપા છે. હાલ બાળકોના હાથ પર કાપા કેમ છે એ અંગે બાળકો બીકના કારણે કંઈ કહેતાં નથી. પરંતુ અમુક બાળકો રમત રમતમાં આવું થયું હોવાનું કહે છે."
તેઓ કહે છે કે આ સમગ્ર ઘટના શાળાના સમય દરમિયાન બની હોવાને કારણે ઘટનાની જવાબદારી શાળા અને શિક્ષકની રહેવી જોઈએ.
વધુ એક વાલી શૈલેશ સતાસિયાએ કહ્યું કે, "આ સમગ્ર બનાવ 19થી 23 માર્ચ દરમિયાન બન્યો હતો. અમને ખબર પડતાં જ અમે આ ઘટના અંગે સક્ષમ સત્તાધીશોને જાણ કરી હતી.
તેમણે શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકતાં હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, "અમે વાલીઓએ જ્યારે શિક્ષકો આ ઘટના માટે જવાબદાર હોવાની વાત કરી તો તેમણે પોતાની આ ઘટનામાં કોઈ જવાબદારી ન હોવાનું કહ્યું હતું. "
'બેદરકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું'
જિલ્લા શિક્ષણાધિકારી કિશોર મિયાણી જણાવે છે કે, "અમે આ ઘટનામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે મળીને ચર્ચા કરીશું અને આ ઘટનાનાં સાચાં કારણો જાણવાનો પ્રયાસ કરીશું."
"જો અમારી તપાસમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. ઘટના કયા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આ બધું કરવા માટે કેવી રીતે પ્રેરાયા એના પર ફોકસ કરીને તપાસ કરીશું."
વાલીઓએ શિક્ષકો દ્વારા આ વાત દબાવવામાં આવી હોવાના જવાબમાં તેઓ કહે છે કે, "અત્યાર સુધી આવી કોઈ ગંભીર ઈજા થઈ હોવાનું ધ્યાને આવ્યું નથી. આ ઘટનામાં શિક્ષકોએ અને તાલુકા કેળવણી અધિકારીએ એક વખત કાઉન્સેલિંગ પણ કરેલું હોવાથી આમાં આ ઘટના છુપાવવાનો કોઈ ઍંગલ સામે આવ્યો નથી."
"અમે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે આ ઘટનામાં વિદ્યાર્થીઓને કયા માધ્યમથી પ્રેરણા મળી છે. આ પ્રકારની ઘટના ફરી ન બને એ માટેના અમે પૂરેપૂરા પ્રયત્નો કરીશું."
મુંજ્યાસરના ઉપસરપંચ નારણ વઘાસિયાએ આ મામલે કહ્યું હતું કે, "અમને કેટલાક વાલીઓએ અરજી કરી હતી. જેમાં બાળકોના હાથ પર કાપાનાં નિશાન હોવાની ફરિયાદ હતી. શાળાના શિક્ષકો આ સમગ્ર ઘટનામાં બાળકોએ જાતે જ હાથ પર શરતના ભાગરૂપે રમતમાં પોતાના હાથ પર કાપા માર્યા હોવાનું કહી રહ્યા છે."
"અમારા સુધી આ વાત પહોંચતાં અમે તાલુકા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિત પોલીસ ઇન્સ્પેક્ટરને આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત કરી છે. આમાં કોઈ વ્યક્તિ આરોપી હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ."
તેમના જણાવ્યાનુસાર આ ઘટનામાં પાંચથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન