અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ઇનિંગની વિશ્વ પર શું અસર થશે ?

અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બીજી વખત રાષ્ટ્રપતિપદના શપથ લેશે

નવેમ્બરમાં યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં ફરીવાર પ્રવેશ કરશે.

યુએસ રાષ્ટ્રપતિ તરીકે તેમની બીજી ઇનીંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની વિદેશનીતિને ફરીથી આકાર આપશે. આ વિદેશનીતિના કેન્દ્રમાં તેઓ "અમેરિકા ફર્સ્ટ"ને રાખવા માંગે છે. આ નવી વિદેશનીતિ અમેરિકાની સરહદની બહાર રહેતા લાખો લોકોના જીવન પર પણ અસર કરશે.

વર્ષ 2017થી 2021 સુધી યુએસ રાષ્ટ્રપતિ રહેલા ટ્રમ્પ કેટલાક મહત્ત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે કેવું વલણ રાખી શકે તેના પર એક નજર કરીએ.

યુક્રેન

અમેરિકા, ટ્રમ્પ, રશિયા, યુક્રેન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બંધ કરાવવામાં ટ્રમ્પની કેવી ભૂમિકા રહેશે તેના પર વિશ્વની નજર રહેશે

ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે વારંવાર કહ્યું હતું કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને "એક દિવસમાં" જ સમાપ્ત કરી દેશે. પરંતુ તે અંગેની કોઇ વિગત તેઓ આપતા નથી.

વર્ષ 2022માં રશિયાના આક્રમણ પછી યુક્રેનને અપાતી અબજો ડૉલરની યુએસ લશ્કરી સહાય અંગે તેઓ લાંબા સમયથી ટીકા કરી રહ્યા છે. આનાથી યુક્રેનના સમર્થકોમાં ચિંતા ફેલાઈ ગઈ કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરશે.

યુક્રેન અને રશિયા માટે ટ્રમ્પના ખાસ દૂત તરીકે નામાંકિત કીથ કેલોગે જાન્યુઆરીની શરૂઆતમાં ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે તેમનું ધ્યેય 100 દિવસની અંદર આનો ઉકેલ લાવવાનું છે. કેલોગે ગયા એપ્રિલમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે યુક્રેનને ફક્ત ત્યારે જ વધુ યુએસ સહાય મળશે જો તે મૉસ્કો સાથે શાંતિ વાટાઘાટોમાં ભાગ લેવા સંમત થશે.

ટ્રમ્પે કહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમને મળવા માંગે છે અને તેમની ટીમ મિટિંગ ગોઠવી રહી છે.

નેટો

ટ્રમ્પ, અમેરિકા, રશિયા, યુરોપ, રાષ્ટ્રપતિ, ભારત, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, નેટો સંગઠન પ્રત્યે ટ્રમ્પનો અણગમો જગજાહેર છે

નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન(નેટો) જે યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સ સહિત 32 દેશોનું બનેલું લશ્કરી જોડાણ છે. ટ્રમ્પને આ સંગઠન પરત્વે અણગમો છે.

રાષ્ટ્રપતિ તરીકેના પહેલા સમયગાળા દરમિયાન તેમણે ધમકી આપી હતી કે જો અન્ય સભ્યો સંરક્ષણ પર કુલ સ્થાનિક ઉત્પાદન(GDP)ના 2% ખર્ચ કરવાનાં તેમનાં લક્ષ્યો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો યુએસ નેટોમાંથી ખસી જશે.

તેમણે એવું પણ સૂચવ્યું હતું કે જો હુમલો થાય તો યુએસ એવા સભ્યોનો બચાવ કરશે નહીં જે તેનો હિસ્સો પૂરો ચૂકવતા નથી.

જાન્યુઆરી 2025 ની શરૂઆતમાં તેમણે નેટોના યુરોપિયન સભ્યોને તેમની રાષ્ટ્રીય આવકના 5% સુધી ખર્ચ કરવાની હાકલ કરી છે.

ટ્રમ્પની ચૂંટણીપ્રચારની વેબસાઇટ પ્રમાણે, તેઓ નેટોનાં હેતુ અને મિશનનું મૂળભૂત રીતે પુનર્મૂલ્યાંકન કરવાની મનસા રાખે છે.

તેઓ યુએસને નેટોમાંથી પરત ખેંચી લેશે કે નહીં તે અંગેના અભિપ્રાયો વિભાજીત છે.

વિશ્લેષકો કહે છે કે એવા પણ રસ્તાઓ છે કે જેનાથી તેઓ ગઠબંધનમાંથી બહાર નીકળ્યા વિના નેટોને નબળું પાડી શકે છે. ઉદાહરણ તરીકે યુરોપમાં યુએસ સૈનિકોની સંખ્યા ઘટાડીને તેઓ આમ કરી શકે.

મધ્ય પૂર્વ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગાઝા યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની સહમતી અમલમાં મુકાશે તે પછી ટ્રમ્પ રાષ્ટ્રપતિપદ સંભાળશે. તેમના સલાહકારોએ જઇ રહેલા રાષ્ટ્રપતિ બાઇડનની ટીમ અને કતાર અને ઇજિપ્તીયન વાટાઘાટકારો સાથે વાતચીત કરી હતી. હવે આ બંને આવતા અને જતા રાષ્ટ્રપતિ આ સમજૂતીનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પરંતુ આ સમજૂતીના અમલીકરણમાં આગળ ઘણા પડકારો રહેલા છે. ખાસ કરીને અંતિમ તબક્કાઓને સફળતાપૂર્વક પાર પાડવામાં જેમાં બાઇડનના શબ્દોમાં "યુદ્ધનો કાયમી અંત" પણ શામેલ છે.

પોતાના પહેલા કાર્યકાળમાં ટ્રમ્પે ઇઝરાયલ તરફી નીતિઓ અપનાવી હતી જેમાં જેરુસલેમને ઇઝરાયલની રાજધાની જાહેર કરીને તેલ અવીવથી યુએસ દૂતાવાસને ત્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો. તેમના વહીવટી તંત્રે ઈરાન પ્રત્યે પણ કડક વલણ અપનાવ્યું હતું. જેમાં પરમાણુ કરારમાંથી બહાર નીકળવું અને પ્રતિબંધો વધારવા અને ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરવી સામેલ છે.

ટીકાકારોનું માનવું છે કે ટ્રમ્પની નીતિઓનો આ પ્રદેશ પર નકારાત્મક પ્રભાવ પડ્યો અને તેણે પેલેસ્ટેનિયનોને બધાથી અલગ કરી દીધા. આ માટે તેમણે ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સુદાન અને મોરોક્કો વચ્ચે રાજદ્વારી સંબંધોને સામાન્ય બનાવતા ઐતિહાસિક અબ્રાહમ કરારો કરાવવામાં આગેવાની લીધી.

ભવિષ્યમાં સ્વતંત્ર પેલેસ્ટાઇનનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના જ આ કરારો પર સંમતિ સાધવામાં આવી હતી. અગાઉ આવા કરાર માટે પેલેસ્ટાઇનની સ્વંતંત્રતા આરબ દેશોની પૂર્વશરત રહેતી.

ગાઝા યુદ્ધવિરામની જાહેરાત થયા પછી ટ્રમ્પે કહ્યું કે તેઓ આ પ્રદેશમાં શક્તિ દ્વારા શાંતિને પ્રોત્સાહન આપશે. અને અબ્રાહમ કરારોને વધુ સુદ્ઢ બનાવશે. આનો અર્થ એ થાય કે સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે સમજૂતી કરાવવી.

ચીન

ટ્રમ્પ, અમેરિકા,ચીન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીન પ્રત્યે અમેરિકાના અભિગમની વૈશ્વિક સુરક્ષા અને વેપાર પર મોટી અસરો થશે

ચીન પ્રત્યે અમેરિકાના અભિગમની વૈશ્વિક સુરક્ષા અને વેપાર પર મોટી અસરો થશે.

પહેલા કાર્યકાળમાં ટ્રમ્પે ચીન સાથે કટુતા સાથેનું ટ્રેડવૉર શરૂ કર્યું હતું. આ વખતે તેમણે અમેરિકામાં ચીની આયાત પર 60% સુધીના ટેરિફનું સૂચન કર્યું છે.

રાજ્ય સચિવ માટે તેમના પસંદ કરેલા માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વૉલ્ટ્ઝ બંને ચીન પ્રત્યે કટ્ટર વલણ ધરાવે છે. તેઓ બેઇજિંગને સ્પષ્ટપણે એક મોટો ખતરો માને છે.

તાઇવાન પણ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. અમેરિકાએ એક દેશ તરીકે તેના માટે લશ્કરી સહાય યથાવત્ રાખશે. જ્યારે ચીન તેને પોતાનો એક વિખુટો પડેલો એક પ્રાંત તરીકે જુએ છે કે જે તેમના અનુસાર આખરે બેઇજિંગના નિયંત્રણ હેઠળ આવશે.

જો ચીન તાઇવાન પર આક્રમણ કરશે તો અમેરિકા કેવી પ્રતિક્રિયા આપશે તે અગે યુએસ ઐતિહાસિક રીતે જાણીજોઇને અસ્પષ્ટ વલણ રાખે છે. જોકે બાઇડન આ મામલે અત્યારસુધીના કોઈપણ યુએસ નેતામાં સૌથી સ્પષ્ટ રહ્યા છે. તેઓએ કહ્યું છે કે જો આમ થશે તો અમેરિકા તાઇવાનનો બચાવ કરશે.

ચૂંટણીપ્રચાર દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે તેમને તાઇવાનની નાકાબંધી અટકાવવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. કારણ કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ મારો આદર કરે છે. અને તેઓ જાણે છે કે હું ક્રેઝી છું". અને જો આમ થશે તો તેઓ ચીની આયાત પર લૂલી થઇ જાય તેવા કર નાંખશે.

જળવાયુ પરિવર્તન

ટ્રમ્પ, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુએસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જળવાયુ પરિવર્તનની પ્રક્રિયા પરત્વે શંકાશીલ છે

યુએસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જળવાયુ પરિવર્તનની પ્રક્રિયા પરત્વે શંકાશીલ છે. તેમણે ગ્રીન ઍનર્જીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને "કૌભાંડ" તરીકે ગણાવ્યા છે.

તેઓ 2015 ના પેરિસ આબોહવા પરિવર્તન કરારમાંથી ફરી એકવાર અમેરિકાને પાછું ખેંચી લે તેવી શક્યતા છે. તેમનું પહેલા કાર્યકાળનું આ પગલું તેમના પુરોગામી જો બાઇડને વર્ષ 2021 માં પલટી દીધું હતું.

આ ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ તેલ માટે "ડ્રિલ, બેબી, ડ્રિલ"નું સુત્ર આપી સસ્તી ઊર્જાનું વચન આપ્યું છે.

ચૂંટણી પહેલાં ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ પર્યાવરણવાદીઓ દ્વારા થતા "વ્યર્થ કેસો" બંધ કરશે, પવનચક્કીથી ઉત્પન્ન ઊર્જા માટે સબસિડી સમાપ્ત કરશે, તેલ, ગૅસ અને કોલસા ઉત્પાદકો પર કર ઘટાડશે. અને બાઇડન દ્વારા લાવવામાં આવેલા(વ્હીકલ ઍમીસન) વાહન ઉત્સર્જન નિયમોને પાછા ખેંચી લેશે.

આબોહવાના નિષ્ણાતો ટ્રમ્પનાં આ પ્રકારનાં પગલાંને વૈશ્વિક આબોહવા કાર્યવાહી માટે મોટો ઝાટકો માને છે. તેઓ એમ પણ કહે છે કે રિન્યૂએબલ ઍનર્જી તરફ પ્રયાણ કરતી યુએસ અને વૈશ્વિક અર્થતંત્ર એમ બંનેમાં આ પરિવર્તનની કોઇ શક્યતા નહીં રહે.

ઇમિગ્રેશન

મી. ટ્રમ્પે યુએસમાં અનધિકૃત રીતે રહેતા લાખો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનું વચન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે તેઓ વ્હાઇટ હાઉસમાં તેમના પહેલા દિવસે જ "યુએસ ઇતિહાસની સૌથી મોટી સામૂહિક દેશનિકાલની કામગીરી" શરૂ કરશે.

યુએસમાં અંદાજે એક કરોડ દસ લાખ(11 મિલિયન) લોકો કોઇપણ પ્રકારના દસ્તાવેજો વગર રહે છે. જેમાંના ઘણા તો વર્ષોથી અહીં રહીને કામ કરે છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આ "ગુનેગારો"ને દેશનિકાલ આપીને કામકાજની શરૂઆત કરશે. પરંતુ આ અંગે પણ વઘુ વિગતો તેમણે આપી નથી.

ટ્રમ્પ યુએસમાં જન્મેલા કોઈપણ વ્યક્તિ આપોઆપ ત્યાંનો(જન્મજાત નાગરિક) નાગરિક બની જાય છે તેવા કાયદામાં પણ સુધાર લાવવા માગે છે.

તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ઇમિગ્રેશન પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ સરહદ સુરક્ષા કડક બનાવશે. આ ઉપરાંત તેઓ ચોક્કસ દેશોના લોકો પર તેમણે મૂકેલા પ્રતિબંધોને ફરીથી લાગુ કરશે. જેમાં મુસ્લિમ રાષ્ટ્રો બહુમતિમાં છે.

જોકે ઇમિગ્રેશન નિષ્ણાતો દલીલ કરે છે કે ટ્રમ્પની આ યોજનાઓને નોંધપાત્ર કાનૂની, લોજિસ્ટિકલ, નાણાકીય અને રાજકીય પડકારોનો સામનો કરવો પડશે.

ગ્રીનલૅન્ડ અને પનામા નહેર

ટ્રમ્પે ગ્રીનલૅન્ડ ખરીદવા અને પનામા કૅનાલ પર નિયંત્રણની વાત છેડી ખળભળાટ મચાવ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ગ્રીનલૅન્ડ ખરીદવા અને પનામા કૅનાલ પર નિયંત્રણની વાત છેડી ખળભળાટ મચાવ્યો છે

યુએસના ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ ગ્રીનલૅન્ડ ખરીદવા અને પનામા કૅનાલ પર નિયંત્રણની વાત છેડી ખળભળાટ મચાવ્યો છે.

જાન્યુઆરીની શરૂઆતમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ તેમનાં આ લક્ષ્યો માટે લશ્કરી અથવા આર્થિક બળનો ઉપયોગ નહીં કરે? તો તેમણે જવાબ આપ્યો: "ના, હું આ બેમાંથી એક પણ ખાતરી ના આપી શકું."

નજીવી વસ્તી ધરાવતો આ ડૅનિશ પ્રદેશ મોટી અમેરિકન અવકાશ સુવિધાઓનું કેન્દ્ર છે. ત્યાં દુર્લભ ખનિજોના મોટા ભંડારો છે. જેનો ઉપયોગ બૅટરી અને હાઇ-ટૅક ઉપકરણોના ઉત્પાદનમાં ખૂબ મહત્ત્વનો છે.

ડૅનમાર્ક અને ગ્રીનલૅન્ડના બંનેના વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે આ પ્રદેશ કંઇ વેચાણ માટે નથી.

ડિસેમ્બરમાં ટ્રમ્પે કહ્યું હતું કે પનામા નહેર અન્યાયી ફી વસૂલ કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે જો લૂંટ બંધ નહીં થાય તો તેઓ આ નહેરને યુએસના નિયંત્રણમાં પરત લેવાની માંગ કરશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ ચીનને લઇને પણ ચિંતિત છે. જે આ નહેરનો વારંવાર ઉપયોગ કરે છે અને પનામામાં મોટાં આર્થિક રોકાણો પણ ધરાવે છે. પનામાએ કહ્યું કે નહેર પરનું તેનું સાર્વભૌમત્વ બિન-વાટાઘાટોપાત્ર છે અને જળમાર્ગમાં ચીનની કોઈ દખલગીરી નથી.

અમેરિકા આ બંને પ્રદેશોમાંથી કોઈના પર પણ કબજો મેળવી લે તેવી ખૂબ જ ઓછી શક્યતા છે. પરંતુ ટ્રમ્પનાં નિવેદનો સૂચવે છે કે તેમના "અમેરિકા ફર્સ્ટ" વિઝન માટે યુએસ તેની સરહદોની બહાર દુનિયાભરમાં શક્તિપ્રર્દશન કરવા માંગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.