You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પના ટેરિફના અમલ પછી સોલાપુરના રૂપિયા 2,000 કરોડના કાપડ ઉદ્યોગ અને કામદારોનું શું થશે?
- લેેખક, ગણેશ પોલ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
"સોલાપુરમાં બધી કાપડ મિલો બંધ થઈ ગઈ છે. શહેરમાં હાલ ટુવાલ અને ચાદરનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે આ ઉદ્યોગમાં કાર્યરત ઓછામાં ઓછા 5,000 કામદારો આગામી એકથી બે મહિનામાં બેરોજગાર થવાની શક્યતા છે."
કામદાર નેતા અને સીપીઆઈ (એમ)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરસૈયા આદમ માસ્ટરે બીબીસી સાથે વાત કરતાં ઉપર મુજબ કહ્યું હતું.
મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ એગ્રીકલ્ચરના આંકડા અનુસાર, સોલાપુરના કાપડ ઉદ્યોગમાં લગભગ 40,000 કામદારો કાર્યરત્ છે અને તેમાં 40 ટકાથી વધુ મહિલાઓ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર જંગી 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી સોલાપુરના ટેરી ટુવાલ ઉદ્યોગ અને આ ક્ષેત્રમાં કાર્યરત્ હજારો કામદારો પર તેની અસર સંબંધે ચિંતા વધી રહી છે.
સ્થાનિક ઉદ્યોગસાહસિકોએ બીબીસીને જણાવ્યું હતું કે અમેરિકાની જાહેરાત પછી સોલાપુરથી ટેરી ટુવાલના ઘણા કન્ટેનર અટકાવવામાં આવ્યાં છે.
સોલાપુરમાં કાંસવ ટેક્સટાઇલ્સના માલિક તિલોકચંદ શાહ અમેરિકામાં ટેરી ટુવાલની નિકાસ કરે છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "મારી ફૅક્ટરી દર મહિને 50 ટન માલનું ઉત્પાદન કરે છે. તેમાંથી લગભગ 20 ટન માલની સીધી અમેરિકામાં નિકાસ થાય છે. અમને સામાન્ય રીતે ત્રિમાસિક ઑર્ડર શેડ્યૂલ મળે છે, પરંતુ ટેરિફને કારણે આ ત્રિમાસિક ગાળા માટેના બધા ઑર્ડર હાલ હોલ્ડ પર છે. અમે ઉત્પાદન કાર્ય ધીમું પાડ્યું છે અને વૈકલ્પિક માર્કેટ્સની શોધ સક્રિયપણે કરી રહ્યા છીએ. ભારતમાં પણ સ્થાનિક માર્કેટ બહુ મોટું છે અને તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અમારી યોજના છે."
રશિયાથી ભારતની ક્રૂડ ઑઇલ આયાતના જવાબમાં ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાં 25 ટકા ટેરિફ લાદ્યો હતો અને ત્યાર બાદ વધારાનો 25 ટકા ટેરિફ 27 ઑગસ્ટથી અમલમાં આવ્યો છે. આમ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આટલા ઊંચા ટેરિફને કારણે સોલાપુરના ટેરી ટુવાલે અમેરિકન માર્કેટમાં વિયેતનામ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી થતી ઓછી કિંમતની નિકાસ સામે સ્પર્ધાત્મક બની રહેવા સંઘર્ષ કરવો પડશે, એવી ચિંતા સર્જાઈ છે.
સોલાપુરના કાપડ ઉદ્યોગ પર ટેરિફની કેટલી મોટી અસર થશે?
દાખલા તરીકે, સોલાપુરથી અમેરિકામાં નિકાસ કરવામાં આવતા ટુવાલનો વિચાર કરીએ તો ટુવાલની કિંમત રૂ. 100 છે અને તેના પર 50 ટકા ટેરિફ તથા અન્ય કરને લીધે તેની અંતિમ કિંમત રૂ. 160 સુધીની થશે. તેનાથી વિપરીત અન્ય દેશોમાંથી અમેરિકામાં આયાત કરવામાં આવતા ટુવાલના ભાવ તુલનાત્મક રીતે સસ્તા હોય છે.
સોલાપુરની બેડશીટ અને ટેરી ટુવાલને ભારત સરકાર તરફથી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) દરજ્જો મળ્યો છે. ચોક્કસ ભૌગોલિક પ્રદેશના અને તે સ્થાન સાથે જોડાયેલી અનન્ય ગુણવત્તા તથા પ્રતિષ્ઠા માટે ખ્યાતિપ્રાપ્ત ઉત્પાદનોને જ આ દરજ્જો આપવામાં આવે છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવના અજય શ્રીવાસ્તવે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નીતિગત નિર્ણયને પગલે અમેરિકન ગ્રાહકો હવે મેક્સિકો, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો સાથે વ્યાપાર વિસ્તારી શકશે.
સોલાપુર તેના કાપડ ઉદ્યોગ માટે લાંબા સમયથી જાણીતું છે. એક સમયે મુંબઈ પછી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કાપડ મિલો હતી.
આ પ્રદેશના વાતાવરણ અને કામદારોની ઓછા ખર્ચે ઉપલબ્ધતાએ સોલાપુરમાં ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે.
જોકે, સમય જતાં સરકારી નીતિઓ અને વધુ પડતા શ્રમ પુરવઠાને કારણે આમાંના ઘણા ઉદ્યોગો નાદાર થઈ ગયા. સરકાર સંચાલિત કાપડ મિલોની નુકસાની વધી અને અંતે સોલાપુરના કાપડ ઉદ્યોગનાં વળતાં પાણી શરૂ થયાં હતાં.
એ પછીના વર્ષોમાં સેંકડો કાપડ મિલો બંધ થઈ ગઈ હતી. બાકી રહેલા એકમો હવે મુખ્યત્વે સોલાપુરી ચાદર અને ટુવાલનું ઉત્પાદન કરે છે.
આ ટુવાલ અને બેડશીટ્સનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 2,000 કરોડ હોવાનો અંદાજ છે.
તેમાંથી દર વર્ષે આશરે રૂ. 800થી રૂ. 1,000 કરોડના માલની નિકાસ થાય છે. એ પૈકીની આશરે 20થી 25 ટકા, અંદાજે રૂ. 200 કરોડની નિકાસ માત્ર અમેરિકામાં થાય છે. નવાં નિયંત્રણોને કારણે આ વેપાર પર અસર થવાની શક્યતા છે.
'મુશ્કેલ સમયમાં અમે સરકારની પડખે ઊભા છીએ'
સોલાપુર ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ રાજુ રાઠી અને સોલાપુર પાવર લૂમ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પેન્ટપ્પા ગદ્દામે બીબીસીને જણાવ્યું હતું કે વર્તમાન પડકારોના સમયમાં તેઓ કેન્દ્ર સરકારની સાથે મજબૂત રીતે ઊભા છે.
રાજુ રાઠીએ કહ્યું હતું, "ભારતમાં મોટા ભાગની રોજગારી માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોમાંથી આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને સધિયારો આપવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. અમેરિકાના નિર્ણય બાદ અમને આશા છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમારી ચિંતાનો ઉકેલ શોધી કાઢશે. આ કામચલાઉ કટોકટી દરમિયાન અમે કેન્દ્ર સરકારની સાથે છીએ."
રશિયા પાસેથી મોટા પાયે ઑઇલ ખરીદીને કારણે અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે. જોકે, ભારત તે દબાણ સામે ઝૂકશે નહીં, એવું ગ્રામીણ વિકાસમંત્રી અને સોલાપુર જિલ્લાના પાલક પ્રધાન જયકુમાર ગોરેએ જણાવ્યું હતું.
તેમણે બીબીસીને કહ્યું હતું, "અમેરિકાના ટેરિફની ભારતના અનેક ઉદ્યોગો પર અસર થઈ છે એ સાચી વાત છે, પરંતુ આ ટેરિફનો જવાબ અને અસરગ્રસ્તોને ટેકો કેવી રીતે આપવો તે બાબતે સરકાર વિચારણા કરી રહી છે. ટેરિફનો નિર્ણય તાજેતરનો છે અને એ સંદર્ભે ટૂંક સમયમાં નીતિની જાહેરાત થવાની શક્યતા છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સામના માટે ભારત સરકારે જરૂરી વ્યવસ્થા કરી છે."
ભારત હવે વિશ્વના ટોચનાં પાંચ અર્થતંત્રોમાં સામેલ છે અને તેનો આર્થિક વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. હવે પહેલાં જેવી પરિસ્થિતિ નથી. તેથી વધુ પડતી ચિંતા કરવાનું ખાસ કોઈ કારણ નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
દરમિયાન, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ સંદર્ભે તત્કાળ પગલાં લેવાની જરૂર છે, કારણ કે સોલાપુરની કુલ નિકાસના લગભગ 20 ટકા પર સીધી અસર થઈ રહી છે.
ટેરિફને લીધે થનારા નુકસાનને ઘટાડવા માટે સરકારે કાચા માલ પરની આયાત જકાતને અસ્થાયી રૂપે સ્થગિત કરવા જેવાં રાહતનાં કેટલાંક પગલાંની જાહેરાત કરી છે. એ ઉપરાંત ભારતીય માલ માટે વૈકલ્પિક બજારો સુનિશ્ચિત કરવા અન્ય દેશો સાથે વ્યાપાર વિસ્તારવાની ચર્ચા ચાલી રહી છે. અલબત્ત, આ પગલાં અપૂરતાં હોવાનું અને બહુ મોડેથી લેવામાં આવ્યાં હોવાનું ઘણા માને છે.
'કામદારો બેરોજગાર થશે તો અમે વિરોધ કરીશું'
અમેરિકન ટેરિફની સોલાપુરના કામદારો પર સીધી અસર થવાની ધારણા છે.
ભૂતપૂર્વ વિધાનસભ્ય નરસૈયા આદમે બીબીસીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ સંદર્ભે શું નિર્ણય લે છે તેની અમે થોડા દિવસ રાહ જોઈશું, પરંતુ અમારા કામદારો બેરોજગાર થશે તો અમે ઉગ્ર વિરોધ કરીશું.
નરસૈયા આદમે કહ્યું હતું, "આજે સોલાપુરની મુખ્ય નિકાસ ટેરી ટુવાલ છે. જે ફૅક્ટરીઓ મુખ્યત્વે અમેરિકામાં ટેરી ટુવાલની નિકાસ કરે છે તેઓ હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકી શકશે નહીં. સોલાપુરના ટુવાલની ગુણવત્તા સારી હોવા છતાં તેના ઊંચા ભાવ અન્ય દેશોની પ્રોડક્ટ સામે બિનસ્પર્ધાત્મક બનાવે છે. અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણયથી સોલાપુરના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે."
ટેરિફની અસર માત્ર સોલાપુર પૂરતી મર્યાદિત નહીં હોય, તે દેશભરના કામદારોને અસર કરશે, એમ જણાવતાં તેમણે ચેતવણી આપી હતી કે "કેન્દ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. સરકાર જરૂરી કાર્યવાહી નહીં કરે તો અમે ટૂંક સમયમાં કામદારોની ચિંતા સંબંધે ઉગ્ર વિરોધ શરૂ કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન