You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કામ કરવાની જગ્યાએ 'વર્ક કલ્ચર' અંગે કેમ ઊઠી રહ્યા છે સવાલો
- લેેખક, શેરિલાન મોલન
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
ભારતના કૉર્પોરેટ વર્ક કલ્ચરમાં કર્મચારીઓ પર કામનું અતિશય દબાણ હોવાના આરોપો મૂકાયા છે અને તેનાથી સવાલો પેદા થયા છે. તાજેતરમાં એક જાણીતી એકાઉન્ટિંગ ફર્મના 26 વર્ષીય મહિલા કર્મચારીનાં મૃત્યુથી કંપનીઓમાં કામ કરવાનાં વાતાવરણ અને કર્મચારીઓની સુખાકારી વિશે ભારે ચર્ચા જાગી છે.
અન્ના સેબેસ્ટિયન પેરીલ અર્ન્સ્ટ ઍન્ડ યંગ (ઈવાય) ફર્મમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં હતાં. નોકરીમાં જોડાયાંને હજુ ચાર જ મહિના થયાં હતાં અને ગયા જુલાઈમાં તેમનું મૃત્યુ થયું.
તેમનાં માતાપિતાનો આરોપ છે કે અન્નાને નવી નોકરીમાં કામનું "વધુ પડતું દબાણ" હતું જેનાથી તેમનાં આરોગ્ય પર નકારાત્મક અસર થઈ જે જીવલેણ સાબિત થઈ.
ઈવાયએ આ આરોપોને નકારી કાઢ્યાં છે. એકાઉન્ટિંગ કંપનીએ કહ્યું કે અન્નાને અન્ય કર્મચારીઓ જેટલું જ કામ આપવામાં આવ્યું હતું. કામને લગતા દબાણને કારણે તેમનું મૃત્યુ થયું તે વાત સ્વીકારવા ઈ ઍન્ડ વાય તૈયાર નથી.
અન્નાનાં અકાળે અવસાનથી ઘણા લોકોને આઘાત લાગ્યો છે અને મોટાભાગની કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સમાં પ્રમોટ કરવામાં આવતી 'હસલ કલ્ચર' પર ભારે ચર્ચા જાગી છે. આ પ્રકારના વર્ક કલ્ચરમાં કર્મચારીઓને તેમની ઉત્પાદકતા વધારવા માટે સખત મહેનત કરવાની ફરજ પાડવામાં આવે છે, ઘણીવાર તેમના આરોગ્યના ભોગે તેમણે સખત કામ કરવું પડે છે.
કેટલાક લોકોની દલીલ છે કે આવી કાર્ય સંસ્કૃતિ જ નવીનતા અને વિકાસ માટેના રસ્તા ખોલે છે અને ઘણા લોકો તેમના જુસ્સા અને મહત્ત્વાકાંક્ષાને કારણે લાંબા સમય સુધી કામ કરવાનું પસંદ કરે છે.
અન્ય લોકો કહે છે કે મૅનેજમેન્ટ ઘણી વખત કર્મચારીઓ પર સખત કામનું દબાણ લાવે છે. તેમની કમર તૂટી જાય તેટલું કામ કરાવે છે જેનાથી તેમની જીવનની ગુણવત્તાને અસર થાય છે.
માતાનો પત્ર અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
અન્નાનાં માતા અનિતા ઓગસ્ટિને ઈવાયને એક પત્ર લખ્યો અને ગત અઠવાડિયે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યાર પછી આખો મુદ્દો દેશમાં ચર્ચામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પત્રમાં તેમણે પોતાની પુત્રી પર કામના દબાણની સંપૂર્ણ વિગતો આપી છે, જેમાં મોડી રાત સુધી કામ કરવાનો અને સાપ્તાહિક રજાઓમાં પણ કામ કરવાનો ઉલ્લેખ છે.
તેમણે ઈવાયને "તેનું વર્ક કલ્ચર સુધારવા" અને તેના કર્મચારીઓના "આરોગ્યને પ્રાથમિકતા આપવા"ના પગલાં લેવાં વિનંતી કરી હતી.
તેણે લખ્યું છે, "અન્નાનો અનુભવ એવા વર્ક કલ્ચર પર પ્રકાશ પાડે છે જેમાં આરોગ્યની અવગણના કરીને વધુમાં વધુ કામ કરવાને બિરદાવવામાં આવે છે."
તેઓ લખે છે, "અશક્ય ટાર્ગેટને પહોંચી વળવા માટે સતત માંગણીઓ કરવી અને દબાણ વધારવું એ બહુ ટકાઉ નથી હોતું. એક આશાસ્પદ છોકરીએ પોતાના જીવનના ભોગે તેની કિંમત ચૂકવવી પડી છે."
ઘણા લોકોએ ઈવાયના "ટૉક્સિક વર્ક કલ્ચર" ટીકા કરી છે. લોકોએ ટ્વિટર અને લિંક્ડિન પર પોતાના અનુભવો જણાવ્યા છે.
એક યુઝરે આરોપ લગાવ્યો છે કે તેને એક ટોચની કન્સલ્ટન્સી ફર્મમાં ઓવરટાઇમ વગર દિવસમાં 20-20 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
અન્ય એક યુઝરે લખ્યું છે કે, “ભારતમાં વર્ક કલ્ચર બહુ ભયંકર છે. પગાર સૌથી ઓછો અને શોષણ સૌથી વધુ હોય છે. કર્મચારીઓની સતત સતામણી કરતા એમ્પ્લોયર્સને કોઈ વાતનો પસ્તાવો નથી હોતો અને તેમની સામે કાર્યવાહી થવાનો ભય પણ નથી હોતો."
આ યુઝરે એમ પણ લખ્યું હતું કે મૅનેજરો ઘણીવાર વધુ પડતા કામને પ્રોત્સાહિત કરે છે અને તેમના કર્મચારીઓને ઓછો પગાર આપે છે.
ઈવાયના એક ભૂતપૂર્વ કર્મચારીએ પણ આ ફર્મના વર્ક કલ્ચરની ટીકા કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે કર્મચારીઓ સમયસર ઘરે જાય તો ઘણી વખત તેમની 'મજાક' ઉડાવવામાં આવે છે અને સાપ્તાહિક રજા લેવા બદલ 'શરમજનક' સ્થિતિમાં મૂકવામાં આવે છે.
તેણે લખ્યું છે કે, “ઇન્ટર્ન પર પુષ્કળ કામનો બોજ નાખવામાં આવે છે. તેમને પાલન ન થઈ શકે તેવી ટાઇમલાઇન અપાય છે અને કામગીરીની સમીક્ષા દરમિયાન અપમાનિત કરવામાં આવે છે. આ વલણ જ તેમના ભાવિ ચરિત્ર્યને આકાર આપે છે."
કંપનીનો દાવા અને વિવાદ
ભારતમાં EYના વડા રાજીવ મેમાણીએ દાવો કર્યો કે તેઓ તેમના કર્મચારીઓની સુખાકારીને ખૂબ મહત્ત્વ આપે છે.
તેમણે લિંક્ડિન પર એક પોસ્ટમાં લખ્યું કે, "હું પુષ્ટિ કરવા માંગુ છું કે અમારા લોકોની સુખાકારી મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને હું વ્યક્તિગત રીતે આ લક્ષ્યને સમર્થન આપીશ."
અન્ના પેરિલનું મૃત્યુ એ ભારતમાં વર્ક કલ્ચરને લઈને વિવાદ થયો હોય તેવી પહેલી ઘટના નથી.
ગયા વર્ષે ઑક્ટોબરમાં ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે ભારતીય યુવાનોએ દેશની આર્થિક પ્રગતિ માટે અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. તેમની આ ટિપ્પણી બાદ વિવાદ થયો અને તેમણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
ભારતમાં ઓલાના વડા ભાવેશ અગ્રવાલ પણ નારાયણ મૂર્તિની વાત સાથે સહમત થયા હતા. તેમણે કહ્યું કે તેઓ વર્ક-લાઇફ બૅલેન્સના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતા નથી. "જો તમે તમારા કામમાં આનંદ માણી રહ્યા છો, તો તમને જીવન અને કામ બંનેમાં મજા આવશે. બંને સંતુલિત રહેશે."
વર્ષ 2022માં બૉમ્બે શેવિંગ કંપનીના સ્થાપક શાંતનુ દેશપાંડેએ યુવાનોને કામના કલાકો વિશે ફરિયાદ ન કરવા કહ્યું હતું અને સૂચવ્યું હતું કે કોઈપણ નોકરીમાં નવા જોડાનારાઓએ તેમની કારકિર્દીના પ્રથમ ચાર કે પાંચ વર્ષ સુધી દિવસમાં 18-18 કલાક કામ કરવાની તૈયારી રાખવી જોઈએ.
પરંતુ માનસિક આરોગ્ય અને કામદાર અધિકારનોના કાર્યકરો કહે છે કે આવી માંગણીઓ ખોટી છે અને તેનાથી કામદારો ભારે તણાવમાં મૂકાઈ જાય છે.
અન્ના પેરીલેનાં માતાએ તેના પત્રમાં એવો પણ આરોપ મૂક્યો હતો કે ઈવાયમાં જોડાયાના થોડા દિવસો બાદ જ તેમનાં પુત્રીએ "બેચેની અને અનિદ્રા"ની ફરિયાદ કરી હતી.
નિષ્ણાતો શું કહે છે?
વૈશ્વિક સ્તરે ભારતમાં કર્મચારીઓ પર સૌથી વધુ કામનું ભારણ હોય છે એવું માનવામાં આવે છે.
ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાંમાં કામ કરતા અડધા લોકો દર અઠવાડિયે 49 કલાકથી વધુ કામ કરે છે, જે કામના કલાકોની દૃષ્ટિએ દુનિયામાં ભૂટાન પછી બીજા નંબરનો દેશ છે.
લેબર બાબતોના અર્થશાસ્ત્રી શ્યામ સુંદર કહે છે કે ભારતમાં 1990ના દાયકાથી વર્ક કલ્ચરમાં આ ફેરફાર આવ્યો છે. 90ના દાયકામાં સર્વિસ સેક્ટરની શરૂઆત થઈ અને કંપનીઓએ ચોવીસે કલાકની માંગને પહોંચી વળવા માટે શ્રમ કાયદાની અવગણના કરવાનું શરૂ કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે કંપનીઓ આને વર્ક કલ્ચરનો અભિન્ન ભાગ બનાવી રહી છે, પરંતુ હવે કર્મચારીઓએ પણ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે.
તેમણે જણાવ્યું, "હવે તો બિઝનેસ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને પરોક્ષ રીતે કહેવામાં આવે છે કે ઊંચા પગાર મેળવવા માટે લાંબા સમય સુધી કામ કરવું એ સામાન્ય વાત છે અને લોકો પણ એવું જ ઈચ્છે છે."
તેમના કહેવા પ્રમાણે આ કૉર્પોરેટ કલ્ચરમાં કોઈપણ વાસ્તવિક પરિવર્તન માટે માનસિકતામાં પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે કે કંપની અને કર્મચારીઓ બંનેએ કામ માટે સંતુલિત વલણ અપનાવવું જોઈએ. કામ એ મહત્ત્વપૂર્ણ છે પરંતુ તે જીવનનો એકમાત્ર ભાગ અથવા હેતુ હોવો ન જોઈએ.
તેમણે કહ્યું કે, "ત્યાં સુધી માસિકની રજા આપવી અથવા માનસિક આરોગ્ય માટે મેડિકલ કંપનીઓ સાથે ભાગીદારી કરવાં જેવાં કૉર્પોરેટ પગલાં વધુમાં વધુ કામચલાઉ ગણી શકાશે અને ખરાબ સ્થિતિમાં માત્ર પ્રતીકાત્મક હશે."
ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના પ્રોફેસર ચંદ્રશેખર શ્રીપદ આ વાત સાથે સહમત છે.
તેમણે કહ્યું કે ટૉક્સિક વર્ક કલ્ચર એ એક "જટિલ અને બહુપક્ષીય સમસ્યા" છે અને વાસ્તવિક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગના આગેવાનોથી માંડીને મૅનેજરો અને કર્મચારીઓ સુધી સૌએ પોતાનું વલણ બદલવું પડશે. સમાજે પણ ઉત્પાદકતાને જોવા માટે પોતાનો દૃષ્ટિકોણ બદલવો પડશે.
શ્રીપદે કહ્યું, “આપણે હજુ પણ ઉત્પાદક કાર્યને સખત શ્રમ સાથે જોડવાને લઈને ભ્રમિત છીએ. ટૅક્નૉલૉજીનું કામ માનવશ્રમ ઘટાડવાનું છે, તો પછી કામના કલાકો આટલા લાંબા કેમ થઈ રહ્યા છે?"
તેમણે કહ્યું કે, "આપણે ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું જોઈએ. માત્ર વાતાવરણની દૃષ્ટિએ જ નહીં, પણ કામદાર અધિકારોના પરિપ્રેક્ષ્યથી પણ જોવું જોઈએ."
“સ્કેન્ડિનેવિયન દેશોએ વધુ સંતુલિત વર્ક કલ્ચર અપનાવ્યું છે. તેથી ભારત માટે પણ તે અનુકરણને પાત્ર મોડેલ છે. માત્ર ઇચ્છાશક્તિની જરૂર છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)