ગુજરાતના દરિયાકાંઠે વધી રહેલું પ્લાસ્ટિકનું જોખમ માણસો માટે કેટલું ખતરનાક છે?

ગુજરાતના જુદા જુદા 20 બીચ ઉપરની રેતીમાં પ્રતિ કિલો ગ્રામ 1.4થી 26 માઇક્રોગ્રામ માઇક્રો પ્લાસ્ટિક જોવા મળ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના જુદાજુદા 20 બીચ ઉપરની રેતીમાં પ્રતિ કિલો ગ્રામ 1.4થી 26 માઇક્રોગ્રામ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું છે
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
ગ્રે લાઇન

"ગુજરાતમાં બૉમ્બે ડક નામની માછલીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અને તેની મોટા પ્રમાણમાં નિકાસ પણ કરાય છે. આ માછલીમાં 100 ટકા માઇક્રોપ્લાસ્ટિક કંટેમિનેશન જોવા મળ્યું હતું. કરચલાઓમાં 50 ટકા માઇક્રોપ્લાસ્ટિક કંટેનિમેશન જોવા મળ્યું હતું. જ્યારે છીપમાં પણ 100 ટકા માઇક્રોપ્લાસ્ટિક કંટેમિનેશન જોવા મળ્યું હતું."

આ શબ્દો માઇક્રોપ્લાસ્ટિક અંગે રિસર્ચ કરનારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ લાઇફ સાયકોલૉજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જિજ્ઞેશ ત્રિવેદીના છે.

લગભગ 1600 કિલોમિટર લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્યમાં અલગઅલગ કાંઠાળા વિસ્તારમાં કરવામાં આવેલા રિસર્ચનાં તારણો ચિંતા જન્માવે તેવાં છે. દરિયાઈ જીવો પર માઇક્રોપ્લાસ્ટિકની અસરને સમજવા માટે કરવામાં આવેલા આ રિસર્ચમાં ગુજરાતના દરિયાકાંઠાના 20 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

ગુજરાતની દરિયાઈ જીવસૃષ્ટિ પર માઇક્રોપ્લાસ્ટિકનું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે સુખદ વાત એ પણ છે કે દુનિયાના અન્ય દેશોના દરિયાકાંઠાના વિસ્તારો કરતાં ગુજરાતના દરિયાકાંઠા પર માઇક્રોપ્લાસ્ટિકની અસર ઓછી છે. પણ તેને સંતોષજનક સ્થિતિ ન કહી શકાય. કેમ? આવો સમજીએ.

ગુજરાતના દરિયાકાંઠાના જુદાજુદા 20 વિસ્તારો ઉપર માઇક્રોપ્લાસ્ટિકની અસર અંગે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સંશોધકોએ વર્ષ 2022માં સંશોધન હાથ ધર્યું હતું. આ સંસોધનના હાલમાં રજૂ થયેલા રિપોર્ટમાં જે તથ્યો રજૂ કરાયાં એ મુજબ ગુજરાતનાં જુદાજુદા 20 બીચ ઉપરની રેતીમાં પ્રતિ કિલોગ્રામ 1.4થી 26 માઇક્રોગ્રામ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું છે.

પ્રવાસીઓની દ્વષ્ટિએ સૌથી વધુ લોકપ્રિય એવા દ્વારકા, સોમનાથ અને વેરાવળના સુત્રાપાડામાં મહત્તમ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું છે. આ માઇક્રોપ્લાસ્ટિકની અસર દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર પણ પડી રહી છે.

ગ્રે લાઇન

સંશોધનનાં તારણો શું છે?

માઇક્રો પ્લાસ્ટિકમાં થ્રેડ, ફિલ્મ, પાર્ટીકલ વગેરે પ્રકારના હોય છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, માઇક્રોપ્લાસ્ટિકમાં થ્રેડ, ફિલ્મ, પાર્ટીકલ વગેરે પ્રકારનાં હોય છે

માઇક્રોપ્લાસ્ટિક અંગે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ લાઇફ સાયકોલૉજીના આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. જિજ્ઞેશ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા ગુજરાતમાં દરિયામાં પાણી અને જળચળો પર 'ક્વૉન્ટેટિવ ઍસેસમૅન્ટ ઑફ માઇક્રોપ્લાસ્ટિક ઇન સેન્ડી બીચીઝ ઑફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા' નામે સંશોધન હાથ ધરાયું હતું.

સંશોધન માટે ગુજરાતનાં આશરમાતા, માંડવી, સેરેના, મોઢવા, ઓખા, મીઠાપુર, શિવરાજપુર, દ્વારકા, કુછડી, પોરબંદર, માધવપુર, વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા સાઈટ 1, સુત્રાપાડા સાઈટ 2, ધામલેજ, કોડીનાર, વનાકબારા, દીવ અને ઘોઘલા બીચ સાઇટને આવરી લેવાઈ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ.જીજ્ઞેશ ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જમીન ઉપર જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે તે મોટા ભાગે નદી અને નદી મારફતે દરિયામાં જતું હોય છે. આ પ્લાસ્ટિક દરિયામાં જાય ત્યારે દરિયાના પાણી ઉપર તરતું રહે છે અને તેની ઉપર સૂર્યપ્રકાશ પડતાં એ નાના-નાના ટુકડામાં રૂપાંતરિત થઈ જાય છે. છેલ્લે તે પાંચ એમએમ સાઈઝ સુધી પહોંચે છે. આપણે તેને માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ."

"દરિયાના પાણીમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિક દરિયામાં માછલીઓ ઉપરાંત કરચલા, ઝીંગા, છીપલા જેવાં જળચરોનાં પેટમાં જાય છે. દરિયાઈ જીવાનો પેટમાં આવું પ્લાસ્ટિક જમા થવા લાગે છે અને તેને કારણે તેને ભૂખ લાગી હોવા છતાં તેઓ કંઈ ખાઈ શકતા નથી અને અંતે તે મૃત્યુ પામે છે. બીજી તરફ આ નાના જીવોને મોટી માછલીઓ ખાય ત્યારે એ જીવોમાં રહેલું માઇક્રોપ્લાસ્ટિક માછલીના પેટમાં જાય છે. આ માછલીઓ પર પણ પેલા નાના જીવો જેવી અસર થાય છે અને તે પેટમાં પ્લાસ્ટિક હોવાના કારણે તે કંઈ ખાઈ શકતી નથી અને અંતે મૃત્યુ પામે છે. આ પ્રકિયાને બાયો મેગ્નિફિકેશન એટલે કે પ્લાસ્ટિકનું એક શરીરમાંથી બીજા શરીરમાં રૂપાંતર થવું કહેવાય છે."

ગ્રે લાઇન

મનુષ્યો માટે આ કેટલી જોખમી?

જમીન ઉપર જે પ્લાસ્ટિકનું ઉપયોગ કરવામાં આવે છે તે મોટાભાગે નદી અને નદી મારફતે દરિયામાં જતું હોય છે
ઇમેજ કૅપ્શન, જમીન ઉપર જે પ્લાસ્ટિકનું ઉપયોગ કરવામાં આવે છે તે મોટા ભાગે નદી અને નદી મારફતે દરિયામાં જતું હોય છે

તેમણે વધુમાં ઉમેર્યું, "માછલીના શરીરમાંનું પ્લાસ્ટિક કેમિકલ રિલીઝ કરે છે. જે માછલીના સ્નાયુમાં જમા થાય છે. આ માછલી માનવી ખાય છે. એવામં હવે અમારું આગામી સંસોધન એ તરફ છે કે આવી માછલી ખાવાથી એ પ્લાસ્ટિકના કેમિકલની માનવશરીર પર કેવી અસર થાય?"

તેઓ વધુમાં જણાવે છે કે, "અમે સ્કેન કરવા માગીએ છીએ કે ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં પ્લાસ્ટિકનું કેટલું પ્રમાણ છે તેમજ કિનારા પરના જીવો પર પ્લાસ્ટિકની શી અસર થાય છે? દરિયાનું કેટલું માઇક્રોપ્લાસ્ટિક કિનારા પર આવે છે? અમે અમારા રિસર્ચ પેપરમાં ગુજરાતના દરિયા કિનારાના 20 સેન્ડીઓરની સાઈટ લીધી હતી. ગુજરાતના દરિયાકિનારાના સેન્ડીઓર પરથી અમે સૅમ્પલ લઈને પર આ પ્લાસ્ટિકની ગણતરી કરી હતી. અલબત્ત, દુનિયાના દરિયાકિનારાઓ તેમજ ભારતના દરિયાકિનારાઓ કરતાં ગુજરાતના દરિયાકિનારાઓમાં માઇક્રોપ્લાસ્ટિકનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે."

"આ માઇક્રોપ્લાસ્ટિક થ્રેડ, ફિલ્મ, પાર્ટીકલ વગેરે પ્રકારનાં હોય છે અને ગુજરાતમાં દરિયામાં મોટા પ્રમાણમાં થ્રેડ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું છે. આ થ્રેડ (દોરા) માછીમારોની માછલી પકડવાની જાળીના હોય છે. જેમાં માછીમારોએ જાળી ફાટી જવાથી દરિયામાં ફેંકી દીધી હોય તેનું માઇક્રોપ્લાસ્ટિકમાં રૂપાંતર થયું હોય.

ગુજરાતમાં બૉમ્બે ડક માછલીનું ભારે ઉત્પાદન થાય છે. બૉમ્બે ડક માછલીમાં અમે લીધેલાં સેમ્પલમાં એક પણ માછલી એવી મળી નહોતી જેમાં માઇક્રોપ્લાસ્ટિક કેંટિમિનેશન જોવા મળ્યું ના હોય."

તેઓ વધુમાં જણાવે છે કે, "સંબંધિત દોરાઓમાં અમે કલર પેટન્ટ અંગે પણ અધ્યયન કર્યું. જેમાં સૌથી વધુ વાદળી અને કાળા રંગના દોરા માઇક્રોપ્લાસ્ટિકના ભાગરૂપે જોવા મળ્યા. વાદળી રંગ દરિયાના પાણી સાથે ભળી જતો હોવાથી દરિયાઈ જીવો ભેદ પારખી શકતા નથી. વળી, ઊંડાણવાળા વિસ્તારોમાં અંધારું હોવાથી કાળા રંગનો ભેદ પણ પારખી શકાતો નથી. હાલ દરિયાનું પાણી આ જીવો માટે પ્લાસ્ટિક સૂપ જ બની ગયું છે."

બીબીસી ગુજરાતી

માનવ શરીર પર ગંભીર અસરો...

પ્લાસ્ટિકમાં બિસ્ફિનોલ એ (બીપીએ) અને થેલેટ જેવા રસાયણ હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્લાસ્ટિકમાં બિસ્ફિનોલ એ (બીપીએ) અને થેલેટ જેવાં રસાયણ હોય છે

કચ્છ યુનિવર્સિટીના અર્થ ઍન્ડ ઍન્વાયરમૅન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. મૃગેશ ત્રિવેદી 'વિવિધ પ્રદૂષણોની સ્વાસ્થ્ય પર અસર' પર કામ કરી રહ્યા છે.

ડૉ. ત્રિવેદીએ આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બિસ્ફીનોલ એ (બીપીએ) અને થેલેટ જેવાં રસાયણોથી પ્લાસ્ટિક બને છે. બિસ્ફીનોલ એ નાના-નાના કણ ભેગા થાય અને તેનાથી પ્લાસ્ટિક બને. પ્લાસ્ટિકની બૉટલમાં કોઈ પણ વાહનમાં દુકાન સુધી પહોંચે ત્યારે તે 40 ડિગ્રીમાં હોય છે. તેને ફ્રીઝમાં ચાર ડિગ્રીમાં મૂકવામાં આવે છે. પ્લાસ્ટિકમાં તાપમાનની વિવિધતા આવે એટલે બિસ્ફીનોલ એ અથવા થેલેટ પાણીમાં ભળે અને એ આપણા શરીરની અંદર જાય.''

''બિસ્ફીનોલ મહિલાઓના એક હોર્મોન્સ (17 બીટા ઍસ્ટ્રાડિઅલ) જેવું સ્ટ્રક્ચર છે. આ મહિલાઓનો રિપ્રોડક્ટિવ હોર્મોન્સ છે. જેન્ડર ડિસફોરીયા, ઇન્ફર્ટિલિટી, અનિયમિત માસિકચક્ર, નાની ઉંમરની બાળકીઓમાં માસિક શરૂ થવું તે બધી અસરો માટે પ્લાસ્ટિકમાં રહેલાં રસાયણો પણ એક કારણ હોઈ શકે છે. ''

તેઓ વધુમાં જણાવે છે કે, "સમાજમાં લોકોની એવી માન્યતા છે કે પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે પરંતુ પ્લાસ્ટિકમાંથી નીકળતાં બિસ્ફીનોલ એ તેમજ થેલેટ એવાં રસાયણો માનવશરીર પર ગંભીર અસરો કરે છે. તેનાથી બચવા માટે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો પડશે. ફૂડ પૅકિંગ મટીરીયલમાં પ્લાસ્ટિકનું પાતળું કૉટિંગ લૅયર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી ગણાય છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "ગર્ભવતી મહિલાઓએ અને બાળક ચાર વર્ષનું થાય ત્યાં સુધી તો જો શક્ય હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ 100 ટકા બંધ કરવો જોઈએ. જો બંધ થઈ શકે તેમ ન હોય ત્યારે ઍન્ટિઓક્સિડન્ટની માત્રા વધારી તેની અસરો ઓછી કરી શકાય છે."

પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિ આ અંગે વાત કરતા જણાવે છે, "સરકાર 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' બંધ કરવાની બૂમો પાડે છે. હાલની સ્થિતિ એવી છે કે એક દિવસ પણ તમે પ્લાસ્ટિકના ઉપયોગ વગર રહી શકો નહીં. પીવાનું પાણી, ખાવાનું દરેક વસ્તુ પ્લાસ્ટિકમાં મળતી થઈ ગઈ છે.''

''પ્લાસ્ટિક મનુષ્યના અન્નચક્રમાં પ્રવેશી ગયું છે. જેના કારણે મનુષ્યના પેટમાં પણ માઈક્રોપ્લાસ્ટિક કેમિકલ જઈ રહ્યું છે. પ્લાસ્ટિક બંધ કરવું હોય તો પૉલિસી લેવલે નિર્ણય લેવો પડે. માત્ર પ્લાસ્ટિક બંધ કરવાની વાતો કરવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહીં થાય."

ગ્રે લાઇન

સરકારનું શું કહેવું છે?

આ અંગે પર્યાવરણ મંત્રી મુકેશ પટેલએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે પ્લાસ્ટિકના પ્રદૂષણને લઈને સરકાર ગંભીર છે અને જરૂરી પગલાં પણ લઈ રહી છે.

તેઓ જણાવે છે, ''120 માઇક્રોનથી ઓછા માઇક્રોનના પ્લાસ્ટિકને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકની 120થી કોથળીઓ બનાવનાર ફેકટરીઓ પર પણ અમે કાર્યવાહી કરીને સિલ કરી રહ્યા છીએ. આ ઉપરાંત અમે રેડિયો, ટીવી જેવાં માધ્યમોથી લોકોમાં જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમો પણ કરી રહ્યા છીએ. આ ઉપરાંત રાજ્યમાં પ્લાસ્ટિક રિસાયકલ કરવામાં આવી રહ્યું છે. આમ સરકાર પ્લાસ્ટિક પ્રદૂષણ ને લઈને અલગઅલગ પગલાં લઈ રહી છે.''

રેડ લાઇન
રેડ લાઇન