મમતા બેનરજીએ કહ્યું, "CAA, NRC અને UCC બંગાળમાં લાગુ નહીં થવા દઈએ"

    • લેેખક, પ્રભાકર મણિ તિવારી
    • પદ, બીબીસી હિન્દી માટે, કલક્તાથી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે તેમના રાજ્યમાં કોઈ પણ સંજોગોમાં નાગરિકતા સંશોધન કાયદો, નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) અને સમાન નાગરિક સંહિતા (યૂસીસી) લાગુ નહીં કરે.

મમતા બેનરજી કલકત્તાના રેડ રોડ વિસ્તારમાં ઈદની નમાઝ માટે એકઠા થયેલા લોકોની સંબોધિત કરી રહ્યાં હતાં.

તેમની સાથે તૃણમૂલ કૉંગ્રેસના મહાસચિવ અભિષેક બેનરજી પણ હાજર હતા.

તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખે કહ્યું કે તેઓ મૃત્યુથી નથી ડરતા પરંતુ મૃત્યુ તેનાથી ડરે છે.

મમતાએ કહ્યું, “અમે તેમને મત આપીને વડા પ્રધાન બનાવ્યા અને તેઓ હવે અમારી નાગરિકતા પર સવાલો કરી રહ્યાં છો. અમે લોકો બંગાળમાં ભાજપ વિરુદ્ધ લડી રહ્યાં છીએ. કૉંગ્રેસ અને સીપીએમ સહિત અન્ય પાર્ટીઓને એક પણ મત ન આપતા.”

તેમણે કેન્દ્રીય એજન્સીઓ પર નિશાન સાધતા કહ્યું, “કેન્દ્ર ઈડી અને સીબીઆઈ થકી બધાની ધરપકડ કરાવી રહ્યું છે. આ કરતા એક અલગ જેલ જ બનાવી દો. જોકે, શું તમે દેશના 130 કરોડ લોકોને જેલમાં બંધ કરી શકશો? અમે રૉયલ બંગાળ ટાઇગરની જેમ લડીએ છીએ.”

મુખ્ય મંત્રીએ દાવો કર્યો કે ભાજપે કેટલાક પસંદગીના મુસ્લિમ નેતાઓને ફોન કરીને પૂછી રહી છે કે તમારે શું જોઈએ છે.

તેમણે ફરીથી કહ્યું કે તેઓ સમાન નાગરિક સંહિતા નહીં માને અને સીએએ અને એનઆરસી રાજ્યમાં લાગુ નહીં કરવા દે.

વડા પ્રધાન મોદી સાથે એલન મસ્ક મુલાકાત કરશે

ઇલેક્ટ્રીક કાર બનાવનારી કંપની ટેસ્લા અને રૉકેટ લૉન્ચ વ્હીકલ બનાવનારી કંપની સ્પેસ એક્સના માલિક એલન મસ્કે કહ્યું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

સોશિયલ મીડિયા એક્સ પર તેમણે એક પોસ્ટ વિશે જાણકારી આપી હતી.

તેમણે લખ્યું, “ હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સાહિત છું.”

જોકે, આ મુલાકાત ક્યારે થશે, ભારતમાં જ થશે કે બીજે ક્યાંય? આ વિશે મસ્કે કોઈ જાણકારી આપી નથી.

સમાચાર એજન્સી રૉયટર્સે સૂત્રોના હવાલાથી કહ્યું છે કે મસ્ક ભારતમાં ફેકટરી અને રોકાણને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે.

એજન્સીનું કહેવું છે કે 22 એપ્રિલે મસ્ક વડા પ્રધાન મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. આ ઉપરાંત મસ્કે તેમની ભારત યાત્રા દરમિયાન ભારતમાં રોકાણને વિશે મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરી શકે છે.

રૉયટર્સે પોતાના અહેવાલમાં લખ્યું કે એલન મસ્ક અને મોદીની છેલ્લી મુલાકાત જૂન 2023માં ન્યૂયૉર્કમાં થઈ હતી.

મસ્કે પહેલાં કહ્યું હતું કે તેઓ ભારતમાં એક ફેકટરી બનાવવા માંગે છે. આ ઉપરાંત તેમણે ભારત સરકારને કહ્યું હતું કે ઇલેક્ટ્રીક કારો પર લાગતો આયાત કરને ઓછો કરવો જોઈએ.

ભારતે આ મહિને પોતાની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ બનાવી હતી. આ નવી નીતિ પ્રમાણે કેટલાક મૉડલ પર આયાત કર 100 ટકાથી ઘટાડીને 15 ટકા સુધી કરવાની જોગવાઈ છે. જોકે, વિદેશી કંપનીઓએ તે માટે ભારતમાં 50 કરોડનું રોકાણ કરે અને ફેકટરી પણ લગાવે.

ત્યાર પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી અને મસ્કની મુલાકાતમાં આ વાતને આગળ લઈ જવાની વાત થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતોને મુદ્દે બાબા રામદેવ અને બાલકૃષ્ણને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે બુધવારે યોગ ગુરૂ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણના બિનશરતી માફીવાળા સોગંદનામાનો અસ્વીકાર કર્યો.

સુપ્રીમ કોર્ટે સોગંદનામાનો અસ્વીકાર કરતા કહ્યું કે બન્નેએ પોતાની ભૂલ પકડાઈ જતા માફી માંગી છે.

રામદેવ અને બાલકૃષ્ણએ ભ્રામક જાહેરાતો કરવા બદલ આ માફી માંગી હતી.

અદાલતે આ મામલે ઉત્તરાખંડ સ્ટેટ લાઇસન્સિંગ ઓથૉરિટીને પણ આ મામલે યોગ્ય પગલાં ન લેવા બદલ ફટકાર લગાવી છે.

જસ્ટિસ બિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું, “અમે તમારી પાસેથી આ વિશે હિસાબ લઈશું.”

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કારણદર્શક નોટિસ આપ્યા પછી અને કોર્ટ સમક્ષ હાજર રહેવાના નિર્દેશ પણ આપ્યા હતા.

જોકે, કોર્ટ સમક્ષ હાજર રહેવાને બદલે રામદેવ અને બાલકૃષ્ણે તેનાથી બચવા માટેની કોશિશ કરી હતી. અદાલતે કહ્યું હતું કે આ વાત કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં સામેલ દરેક લોકોને સજા આપવા પર વિચાર કરી રહ્યાં છીએ. જોકે, કોર્ટે આ સંબંધે કોઈ આદેશ જાહેર નથી કર્યો, પરંતુ પતંજલિ અને ઉત્તરાખંડની રાજ્ય સરકાર સામે કડક ટિપ્પણીઓ કરી છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)