સ્લીપ સ્ટ્રીમર્સ : પોતે ઊંઘતા હોય તેનું Live સ્ટ્રીમિંગ કરીને દર્શકોને જાગતા રાખી કરોડો કમાતા લોકો

ઇમેજ સ્રોત, STANLEYMOV
- લેેખક, ટોમ ગેર્કેન
- પદ, ટેક્નોલોજી રિપોર્ટર

મોટાભાગના લોકો ઊંઘતી વખતે તેમના શરીરને ખેંચતા હોય છે, પરંતુ હવે કેટલાકને તેને કમાણીમાં ફેરવવાનો મોકો મળ્યો છે.
યુ ટ્યૂબ અને ટિકટૉક જેવાં વીડિયો પ્લૅટફૉર્મ્સ આવા ‘સ્લીપ સ્ટ્રીમર્સ’થી છલકાઈ રહ્યાં છે. તેઓ ઊંઘતા હોય ત્યારની તેમની સ્થિતિનું જીવંત (લાઇવ) પ્રસારણ કરે છે.
અમેરિકામાં તાજેતરમાં જેમના પર રમખાણ ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો તે કાઈ સેનાટ તેના કેન્દ્રમાં છે. માર્ચમાં આખો મહિનો સતત ઊંઘીને તેમણે હજારો ડૉલર્સની કમાણી કરી હોવાનો અંદાજ છે.
વિશ્વના સૌથી પ્રસિદ્ધ સ્ટ્રીમર્સ પૈકીના એક એમોરેન્થે જૂનમાં 'ધ આઈસ્ડ કોફી ઓવર પોડકાસ્ટ'માં દાવો કર્યો હતો કે સ્લીપ સ્ટ્રીમથી તે 15,000 ડૉલર સુધીની કમાણી કરી શકે છે.
દર્શકો માટે સ્લીપ સ્ટ્રીમ સમુદાયની ભાવના પ્રદાન કરે છે. તેની સાથે તે મનોરંજનનો એક સ્રોત પણ છે.
આ વિચાર વિચિત્ર લાગે તે શક્ય છે, પરંતુ એ તદ્દન નવો નથી. વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં રિયલિટી શો બિગ બ્રધર વિશ્વનો સૌથી વધુ જોવાતા કાર્યક્રમો પૈકીનો એક બની ગયો હતો. શોના 24 કલાકના પ્રસારણ દરમિયાન ઘરના સભ્યોને આખી રાત ઊંઘતા જોવાની તક દર્શકોને મળી હતી. 24 કલાકનું લાઇવ સ્ટ્રીમિંગ આશ્ચર્યજનક રીતે ઓનલાઈન હિટ સાબિત થયું હતું.
એ પછી 2004માં નેશનલ પૉર્ટ્રેટ ગૅલરીએ ઊંઘી રહેલા ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહૅમના એક કલાકનો વીડિયો રજૂ કર્યો હતો.

ઊંઘો અને જીતો

ઇમેજ સ્રોત, Getty Images
સ્લીપ સ્ટ્રીમના અન્ય સ્વરૂપ પણ બહાર આવી રહ્યાં છે. સ્ટ્રીમર્સને ઊંઘવા માટે પૈસા ચૂકવવાને બદલે દર્શકો સ્ટ્રીમર્સને જાગતા રાખવા માટે પૈસા ચૂકવે છે. પૈસા આપીને લોકો સ્ટ્રીમર્સની ઊંઘમાં, જોરદાર અવાજ, ચેતવણી, ફ્લિકર લાઇટ્સ અને રૂમમાં અન્ય પ્રવૃત્તિ વડે ખલેલ પહોંચાડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વીડિયો લાઈવ ઍક્શન ગેમ જેવા હોય છે. તેમાં સ્ટ્રીમર માત્ર ઊંઘવાના પ્રયાસ કરે છે, જ્યારે ખેલાડીઓ અથવા દર્શકો તેમને જાગતા રાખવા કંઈ પણ કરે છે.
આ ટ્રૅન્ડ ટિકટૉક પર શરૂ થયો હતો અને તેમાં જેકી બોહેમ તથા સ્ટેનલી જેવા ‘સ્લીપફ્લુઍન્સર્સ’ ચમક્યા હતા. સ્ટેનલી એટકે સ્ટેનલીમોવના કહેવા મુજબ, પ્રસંગોપાત સ્લીપ સ્ટ્રીમ કરીને તે ઘરનું ભાડું ચૂકવી શકાય તેટલા નાણાંની કમાણી કરે છે.
દર્શકો તેમના વિશેષાધિકાર માટે ઘણા પૈસા ચૂકવે છે. દાખલા તરીકે, 95 ડૉલર ચૂકવીને દર્શકો, સ્ટેનલીમોવે પહેરેલા બ્રેસલેટ મારફતે તેને ઇલેક્ટ્રિક શોક આપી શકે છે.
સ્ટેનલીમોવે કહ્યું હતું, “સામાન્ય રીતે હું યૂટ્યૂબ વીડિયો બનાવવા કે બીજું કોઈ કન્ટેન્ટ બનાવવા માટે સ્લીપ સ્ટ્રીમ કરું છું. મારા માટે ઊંઘવું તે મૂળભૂત રીતે યૂટ્યૂબ ચેનલ માટેનું એક કન્ટેન્ટ માત્ર છે.”
“એ આપણી મૂળભૂત વૃત્તિ છે કે નહીં તેની મને ખબર નથી, પરંતુ કેટલાક લોકોને, જો તે અર્થપૂર્ણ હોય તો, અન્યની પીડા જોવી ગમે છે અથવા અન્ય લોકોને દુઃખી થતા જોવાનું ગમે છે.”
ઝગમગતા પ્રકાશમાં ઊંઘવા માટે 12 ડૉલરની અથવા આંખો આંજી નાખે તેવા જોરદાર પ્રકાશમાં ઊંઘવાની 24 ડૉલરની ફીમાંથી સારી એવી કમાણી થતી હોવા છતાં સ્ટેનલી કહે છે કે તેણે હમણાં સ્લીપ સ્ટ્રીમ કરવાનું બંધ કરી દીધું છે. “માનસિક સ્વાસ્થ્યને કારણે અને બહુ કંટાળી ગયો હોવાથી મેં સ્લીપ સ્ટ્રીમમાંથી વિરામ લીધો છે.”
“હું છેલ્લા ત્રણ વર્ષથી બધું જાતે કરું છું. હું અઠવાડિયામાં લગભગ ત્રણ વીડિયો રેકોર્ડ અને એડિટ કરું છું. મારા કન્ટેન્ટના સંદર્ભમાં મારા ખભા પર ઘણો ભાર હોય છે. પરંતુ તે એટલા માટે હોય છે, કારણ કે મારે તે મારી રીતે બનાવવું હોય છે. મારી બ્રાન્ડ મૂળભૂત રીતે મારી વિનોદવૃત્તિ, મારા જોક છે અને તે સારા એડિટિંગને લીધે બહાર આવે છે. હું સ્ટ્રીમિંગ કરતો હોઉં ત્યારે માનસિક રીતે વીડિયો એડિટ કરતો હોઉં છું.”

મોટાં સપનાં

ઇમેજ સ્રોત, Getty Images
તેનાથી સારા એવા પ્રમાણમાં પૈસા મળતા હશે, પરંતુ શું આ કમાણીનો બહુ સારો આઇડિયા છે?
સ્લીપ ઍક્સ્પર્ટ અને નેવિગેટિંગ સ્લીપલેસનેસ નામના પુસ્તકના લેખક ડૉ. લિન્ડસે બ્રાઉનિંગ જણાવે છે કે તેમાં બે પ્રકારની વિચારધારા છે.
તેઓ કહે છે, “વિજ્ઞાન દર્શાવે છે કે દરરોજ રાતે નિયમિત રીતે ઊંઘવાના ઘણા ફાયદા છે. જોકે, વાસ્તવિક જીવનમાં તેવું થતું નથી. જેમના સંતાનો બીમાર પડે એવાં માતાપિતાનું શું? આપણને સારી ઊંઘ ન આવે તેના 100 કારણો છે.”
તેઓ ઉમેરે છે, “મારું કામ અનિદ્રાના દર્દીઓની સારવારનું છે. એ લોકો ઊંઘવા ઇચ્છતા હોય છે, પરંતુ તેમનું મગજ તેમને એમ કરવા દેતું નથી. રાતે યોગ્ય રીતે ઊંઘ ન થાય તો બધું બરબાદ થઈ જશે, એવા ભયને દૂર કરવાનું કામ અનિદ્રાની સારવારનો એક ભાગ છે.”
ડૉ. બ્રાઉનિંગના જણાવ્યા મુજબ, સ્લીપ સ્ટ્રીમ્સ પહેલી નજરે સારો વિચાર નથી, પરંતુ તે શુક્રવારની રાતે નશામાં ચકચૂર થવા જેવી બાબત છે. તે સારો આઇડિયા નથી. એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ તમે તમારા દોસ્તો સાથે મોજમજા કરો છો અને તેનાથી વિશ્વનો અંત આવી જતો નથી.
ડૉ. બ્રાઉનિંગે ઉમેર્યું હતું, “હું એમ કહીશ કે દર બે કે ત્રણ અઠવાડિયે એકવાર ઘણા પૈસા કમાવવા માટેની શ્રેણીમાં મૂકતા હો તો એવું શા માટે ન કરવું?”
ઇલેક્ટ્રિક શોક્સની વાત બાજુ પર રાખીએ તો તે સામુદાયિક ભાવના છે, જેમાં લોકો એમોરેન્થ અને કાઈ સેનાટ જેવા સ્ટ્રીમર્સને ઘસઘસાટ ઊંઘતા જોવા એમનું સ્ટ્રીમિંગ જુએ છે.
સ્ટેનલી કહે છે, “લોકો રાહત મેળવવા આવું સ્ટ્રીમિંગ નિહાળે છે. તેમને એવી અનુભૂતિ થાય છે કે તેઓ એકલા નથી.”














