જૂનાગઢમાં ‘વિકાસકામો નહીં થતા હોવાની’ ફરિયાદ સાથે 35 સરપંચોનાં રાજીનામાં, સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
- લેેખક, હનીફ ખોખર
- પદ, બીબીસી ગુજરાતી માટે
જૂનાગઢ તાલુકામાં એકસાથે 35 જેટલા સરપંચોએ રાજીનામાં આપ્યાં હોવાની ઘટના બની છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વહીવટીતંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી છે. સરપંચોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં વિવિધ વિકાસ કામો થઈ રહ્યા નથી. આથી, તેમણે રાજીનામાં આપ્યાં છે.
વધુમાં તેમણે બોલાવેલી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી હાજર પણ ન રહેતા સરપંચોમાં રોષ જોવા મળ્યો છે.
તેમની લાંબા સમયથી ફરિયાદ હતી કે અંદાજે 57 ગામડાંઓમાં અધિકારીઓને કારણે વિકાસનાં કામો થઈ શકતાં નથી અને ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે.
આ મુદ્દાઓની ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં જ અધિકારી હાજર ન રહેતા સરપંચો રોષે ભરાયા હતા અને તેમણે કારોબારી અધ્યક્ષને રાજીનામાં મોકલી આપ્યાં હતાં.
સરપંચોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
પ્રભાતપુર ગામના સરપંચ પ્રકાશ સાવલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું હતું કે, “અમારો પ્રશ્ન માત્ર આ તાલુકા પંચાયત પૂરતો નથી. દરેક ગામડામાં પ્રશ્નો છે. વીજળીની ફરિયાદો કરીએ તો આઠ-આઠ કલાક સુધી કોઈ આવતું નથી કે જવાબ આપતું નથી. ગામમાં સ્વભંડોળ પૂરતું ન મળતું હોવાથી ગામનાં નાનાં-મોટાં કામો સરપંચે પોતાના ખિસ્સામાંથી પૈસા આપીને કરાવવા પડે છે. લાઇનમાં ભંગાણ પડ્યું હોય, રસ્તાઓ પર ખાડા હોય કે પછી વીજળીના પ્રશ્નો, સરપંચે જ પોતાના પૈસા આપીને સમસ્યાનું સમાધાન કરાવવું પડે છે.”
ખલીલપુરના સરપંચ ડાયાભાઈ કટારાએ કહ્યું હતું, “આજે અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા આવ્યા છીએ. અમારા સરપંચ યુનિયનના 35 જેટલા સરપંચોએ રાજીનામાં આપ્યાં છે. જો હજુ પગલાં નહીં લેવામાં આવે તો બીજા અનેક લોકો રાજીનામું આપશે.”
મેવાસાના સરપંચ રાજેશ લુણાગરિયાની પણ ફરિયાદો પણ કંઇક આવી જ છે. તેઓ જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું, “જૂનાગઢ તાલુકામાં ગ્રામપંચાયતોને વિકાસ માટે પારાવાર મુશ્કેલીઓ પડે છે. તંત્રની અણઆવડત અને ભ્રષ્ટાચારથી ગ્રામપંચાયતોને હેરાન કરવામાં આવે છે. અત્યારે ગામડાંઓમાં પંચાયતોનું શાસન નથી, પરંતુ અધિકારી શાસન છે. તો પછી ગ્રામપંચાયતોની ચૂંટણી કેમ કરાવો છો? ”
તેઓ કહે છે, “ચારેકોર ભ્રષ્ટાચારનું રાજ છે. અરજદારો આવકના દાખલા માટે રડે છે, તેમની પાસેથી પૈસા ઉઘરાવાય છે.આથી, અમે ટીડીઓને આવેદનપત્ર આપવા આવ્યા હતા. પણ તેઓ હાજર રહ્યા ન હતા. આથી, અમે તમામ 35 સરપંચોએ રાજીનામાં આપ્યાં છે. અમે તંત્રના પાપે રાજીનામાં આપ્યા છે. આવનારા બે દિવસમાં હજુ 19 સરપંચો રાજીનામું આપશે.”
ગ્રામજનોનો મત શું છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
આ અંગે બીબીસી ગુજરાતીએ કેટલાક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી.
ઘુડવદર ગામના દિલીપ ભાટી કહે છે, “સરપંચે કોઈ વિકાસનાં કામો કર્યા નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે કામો કર્યા નથી. ગામમાં રસ્તા અને પાણીના અનેક પ્રશ્નો છે. સરપંચો ક્યારેય જોવા મળતા નથી.”
વીજાપુરના ગોપાલ ગુજરાતી કહે છે, “સરપંચોએ રાજીનામાં કેમ આપ્યા તેની મને ખબર નથી. પરંતુ ગામમાં અડધોઅડધ કામ થતા નથી એ હકીકત છે. ગામમાં પાણીના પણ પ્રશ્નો પણ ઘણા છે.”
સરપંચોએ કહ્યું હતું કે, “ગામમાં વહીવટી કાર્ય એટલું મુશ્કેલીભર્યું બનાવી દેવામાં આવ્યું છે કે વિકાસનાં કામો થઈ શકતા નથી. વહીવટીતંત્ર યોગ્ય રીતે ધ્યાન આપતું નથી. વિકાસના કામોની ફાઇલો એક ટેબલેથી બીજા ટેબલે ફરતી રહે છે.”
સરકારી તંત્રનું આ મુદ્દે શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરપંચોની ભ્રષ્ટાચાર મામલાની ફરિયાદો પર જિલ્લાના કોઈ સરકારી અધિકારી વાતચીત કરવા તૈયાર નથી. પરંતુ તેઓ સરપંચો સાથે સમાધાન કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાની વાત જરૂરથી કરે છે.
જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે , “સરપંચોની જે માંગ છે તે પૈકી કેટલીક પૉલિસી અંતર્ગત આવે છે. અમે આ મામલે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીશું અને સમાધાનના પ્રયાસો કરીશું.”
“હાલના તબક્કે અમે સરપંચોને રાજીનામું પરત ખેંચવા માટે સમજાવી રહ્યા છીએ.”
જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે પણ સમાધાનનો રસ્તો શોધવાની વાત કરી છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, “અમારે જિલ્લા વિકાસ અધિકારી અને સરપંચો સાથે વાતચીત થઈ છે.”
જોકે, આ મામલે રાજેશ લુણાવાડિયાએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ સરકારી અધિકારીએ કે પદાધિકારીએ તેમનો સંપર્ક કર્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમને એવું કહેવામાં આવ્યું હતું કે કૃષિમંત્રી રાઘવજી પટેલ મઘ્યસ્થી કરશે પરંતુ આ બેઠક ક્યારે કરશે તેની અમને કોઈ જાણ નથી. ”
સરપંચોએ આ મામલે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આગળ ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












