યતિ નરસિંહાનંદના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે યુપી-મહારાષ્ટ્રમાં હોબાળો

યતિ

ઇમેજ સ્રોત, @BulandsheherPOL

ઇમેજ કૅપ્શન, યતિ નરસિંહાનંદની મહંમદ પયગંબર વિરુદ્ધની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે વિરોધ પ્રદર્શન થયાં છે

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસના શિવશક્તિ ધામના મહંત તથા જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદની મહંમદ પયગંબર વિરુદ્ધની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે યુપી અને મહારાષ્ટ્રમાં ઉગ્રપ્રદર્શન થયાં છે.

યતિ નરસિંહાનંદના નિવેદનની સામે યુપીના ગાઝિયાબાદ અને બુલંદશહરમાં પણ લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને વિરોધપ્રદર્શન કર્યાં હતાં. બુલંદશહરના સિકંદરાબાદમાં હિંસક ભીડે પોલીસવાળા ઉપર પણ પથ્થરમારો કર્યો હતો.

યતિ નરસિંહાનંદના નિવેદનની સામે શુક્રવારે મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ વિરોધપ્રદર્શન થયાં હતાં અને પોલીસ ઉપર પથ્થમારો કર્યો હતો.

યતિ નરસિંહાનંદ સામે યુપીની ગાઝિયાબાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે, જેમાં તેમની ઉપર કોમી એખલાસનું વાતાવરણ ડહોળે તેવું નિવેદન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

એમાં જણાવ્યા મુજબ, યતિ નરસિંહાનંદે નફરત ફેલાવતા ભાષણનો વીડિયો વાઇરલ કર્યો હતો, જેનાથી શાંતિ, કાયદો-વ્યવસ્થા અને કોમી સૌહાર્દનું વાતાવરણ બગડી શકે છે.

નરસિંહાનંદ ઉપર આ પહેલાં પણ ઉશ્કેરણીજનક નિવેદન આપવાના આરોપ લાગ્યા છે અને આ પ્રકારનાં નિવેદનોને કારણે તેમની સામે અનેક કેસ પણ દાખલ થયા છે.

યતિ નરસિંહાનંદ ઉપર વર્ષ 2022માં હરિદ્વારના એક કાર્યક્રમ દરમિયાન તેમણે કથિત રીતે મુસ્લિમો વિરુદ્ધની ખુલ્લેઆમ ધમકી આપી હતી, એ અંગેનો કેસ પણ છે.

યતિ નરસિંહાનંદનના વિવાદાસ્પદ નિવેદનની સામે જમિયત-ઉલેમા-હિંદે ગાઝિયાબાદના પોલીસ કમિશનર સમક્ષ કાર્યવાહીની માગ કરી છે. યતિ નરસિંહાનંદ વિરૂદ્ધ દિલ્હીના આઈપીએસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

જમિયતના વડા મૌલાના મહમૂદ મદનીએ તા. ત્રીજી ઑક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને યતિ નરસિંહાનંદ વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવાની માગ કરી હતી.

યુપીમાં ઉગ્ર દેખાવો

બુલંદશહરની પોલીસ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સના સ્ક્રીનશોટ

ઇમેજ સ્રોત, @bulandshahrpol

બીબીસીના સહયોગી પત્રકાર મોહમ્મદ જાવેદ ચૌધરીના કહેવા પ્રમાણે, યતિ નરસિંહાનંદે તા. 29 સપ્ટેમ્બરના રોજ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું.

એ પછી બુલંદશહરના સિકંદરાબાદમાં તેમની વિરુદ્ધ દેખાવો થયા હતા. પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો હતો. પોલીસે પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે આઠ પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા છે.

બીજી બાજુ, ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશનમાં નરસિંહાનંદનું પૂતળું સળગાવવાના આરોપ સબબ 200 જેટલા અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મોહમ્મદ જાવેદ ચોધરીના કહેવા પ્રમાણે, વૅવસિટી પોલીસ સ્ટેશનની હદવિસ્તારમાં પ્રદર્શનકારીઓનો એક સમૂહ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો.

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ભીડ મંદિર ઉપર હુમલો કરવા જઈ રહી છે. એ પછી મોટી સંખ્યામાં પોલીસદળોને ખડકી દેવાયાં હતાં. આ કેસમાં પણ 100-150 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના કહેવા પ્રમાણે, કેટલાક શખ્સોએ ડાસનાના મંદિરની બહાર હોબાળો કર્યો હતો, જેમને હઠાવી દેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં શું થયું ?

વીડિયો કૅપ્શન, Pakistan માં હૉસ્પિટલ, મહિલા ડૉક્ટર્સ અને નર્સ ઉપર જાતીયહુમલા અને ધર્માંતરણનું જોખમ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યતિ નરસિંહાનંદ વિરુદ્ધ મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ લોકોએ વિરોધપ્રદર્શન કર્યા હતા. બીબીસી મરાઠી સેવાના અહેવાલો મુજબ, યતિ નરસિંહાનંદની સામે કેસ દાખલ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં લોકો અમરાવતીના નાગપુરી ગૅટ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા.

ભીડે પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં તેને નુકસાન પહોંચ્યું હતું. પોલીસ વૅન તથા કેટલાક ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.

પથ્થરમારામાં કેટલાક પોલીસવાળા અને અધિકારીઓ પણ ઘાયલ થઈ ગયા હતા. એ પછી નાગપુરી ગૅટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.

સેંકડો લોકોએ પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરતા અમરાવતીમાં તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવાયો હતો. રાત્રે બાર વાગ્યા પછી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.

લગભગ એક હજાર 200 લોકોની સામે પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારા, પોલીસ ઉપર હુમલો, પોલીસ સ્ટેશનમાં તોડફોડ, પોલીસ વૅનની તોડફોડ વગેરે મામલે કેસ દાખલ કર્યા છે.

આમાંથી પોલીસ 26 જેટલા શખ્સોની ઓળખ કરી લીધી છે. પોલીસે લોકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ કરી છે.

ઓવૈસીએ ધરપકડની માગ કરી

મહારાષ્ટ્રના અમરાવતીના નાગપુરી ગૅટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોબાળો થયો હતો તેની તથા પોલીસ સ્ટેશનની તસવીર
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના અમરાવતીના નાગપુરી ગૅટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોબાળો થયો હતો

દરમિયાન ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લમીન એટલે કે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ હૈદરબાદના પોલીસ કમિશનર સીવી આનંદને એક આવેદનપત્રક સોંપ્યું હતું, જેમાં પયગંબર મોહમ્મદ સામે વાંધાજનક ટિપ્પણીના આરોપી નરસિંહાનંદની સામે ફોજદારી કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી હતી.

ઓવૈસીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું, "યતિ નરસિંહાનંદને ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપ સબબ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ફરીથી નફરત ફેલાવતું ભાષણ નહીં આપે."

"તેમણે ફરીથી નફરત ફેલાવતું ભાષણ આપ્યું છે. એટલે તેમના જામીન રદ થવા જોઈએ. તેમની સામે કેસ દાખલ કરીને તેમને જેલમાં મોકલી દેવા જોઈએ."

યતિ નરસિંહાનંદ કોણ છે?

યતિ નરસિંહાનંદની તસવીર
ઇમેજ કૅપ્શન, યતિ નરસિંહાનંદ ઉપર વર્ષ 2022માં હરિદ્વાર ખાતે યોજાયેલી ધર્મસંસદ દરમિયાન મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપ લાગ્યા હતા.

યતિ નરસિંહાનંદ સરસ્વતી ગાઝિયાબાદ જિલ્લાના ડાસના વિસ્તારના દેવી મંદિરના 'પીઠાધીશ' અને જૂના અખાડાના 'મહામંડલેશ્વર' પણ છે.

આ મંદિરના ગૅટ ઉપર 'અહીં મુસ્લિમોનો પ્રવેશ વર્જિત છે' એવી સૂચના મૂકવામાં આવી છે.

યતિ નરસિંહાનંદ ઉપર વર્ષ 2022માં હરિદ્વાર ખાતે યોજાયેલી ધર્મસંસદ દરમિયાન મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપ લાગ્યા હતા.

આ પહેલાં યતિ નરસિંહાનંદ ઉપર મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો તથા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપ પણ લાગ્યા છે.

ઍપ્રિલ-2021માં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. આના એક દિવસ પછી દિલ્હી પોલીસે અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં ધારાસભ્ય ઉપર યતિ નરસિંહાનંદને ધમકાવવાના આરોપ લાગ્યા હતા.

માર્ચ-2022માં ડાસનાના દેવી મંદિરના નળમાંથી પાણી પીનારા મુસ્લિમ બાળકને મારમારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી હતી. આ અંગેનો વીડિયો વાઇરલ થતાં યતિ નરસિંહાનંદે આ ઘટનાક્રમને વ્યાજબી ઠેરવ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે બાળક મંદિરનું અપમાન કરી રહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.