હૅલેન વાવાઝોડું : બે દાયકા બાદ આવેલા વાવાઝોડાએ અમેરિકામાં કેવી તબાહી સર્જી?

ઇમેજ સ્રોત, Getty Images
હૅલેન હરિકેન (વાવાઝોડું)ના કારણે અમેરિકામાં ભારે તારાજી સર્જાઈ છે. વર્ષ 2005માં કેટરિના વાવાઝોડાએ મચાવેલી તબાહી પછી હૅલેન પણ વિનાશક પુરવાર થયું છે.
225 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂંકાતા અને અતિભારે વરસાદ થતાં દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં 200 લોકોનાં મોત થયાં છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા છે.
વાવાઝોડાના કારણે અમેરિકાના નૉર્થ કેરોલાઈનાની ચારેય તરફ ભારે નુકસાન થયું છે. વાવાઝોડાથી મૃત્યુ પામનારા લોકોમાં અડધાથી વધુ લોકો માત્ર નૉર્થ કેરોલાઈનાના છે.
એક અઠવાડિયું થયું હોવા છતાં અનેક લોકો હજુ પણ લાપતા છે. બચાવકાર્યમાં જોતરાયેલા અધિકારીઓ પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ફ્લોરિડાના ટલાહસી શહેરમાં વાવાઝોડાથી નુકસાન પામેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
જ્યૉર્જિયાના રે શહેરમાં બાઇડને અસરગ્રસ્ત લોકોને કહ્યું હતું કે, “હું તમને જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, તમારા દુખમાં દુખી છું અને વચન આપું છું કે અમે તમારી સાથે છીએ.”
લાખો લોકો વીજળી અને પાણી વગર

ઇમેજ સ્રોત, Getty Images
હૅલેન વાવાઝોડું એ અમેરિકામાં ત્રાટકનાર ચોથું વાવાઝોડું છે. 600 કિલોમીટર ફેલાયેલા આ વાવાઝોડાને અમેરિકાના ધ નૅશનલ હરિકેન સેન્ટરે કૅટગરી-4નું ગણાવ્યું છે. અત્યંત જોખમી વાવાઝોડાને કૅટગરી-4ની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
ગલ્ફ ઑફ મૅક્સિકોમાં લૉ પ્રેશર સર્જાયા બાદમાં વાવાઝોડું બન્યું હતું. શરૂઆતમાં હૅલેન હરિકેન કૅટગરી-1નું વાવાઝોડું હતું, પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં તે કૅટગરી-4માં પરિવર્તિત થઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્રે નોંધનીય છે કે અમેરિકામાં બે દાયકા બાદ આ પ્રકારનું વાવાઝોડું ત્રાટક્યું છે. 2005માં કેટરિના વાવાઝોડાના કારણે 1800 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ફ્લોરિડા, જ્યૉર્જિયા, મિયામી, ટેમ્પા, ટલાહસી, ચાર્લ્સટન, પનામા સિટી અને ઍટલાન્ટામાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે.
પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ લાખો લોકો વીજળી અને પાણી વગર દિવસો કાઢવા માટે મજૂબર છે.
સ્થાનિક લોકો અનુસાર વાવાઝોડાના કારણે હજારો રસ્તાઓ તૂટી ગયા છે અને બ્રિજ ધોવાઈ ગયા છે. કેટલીક જગ્યાએ ભેખડ ધસી પડવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
રાહતકાર્યમાં જોતરાયલા અધિકારીઓ પ્રમાણે હૅલેન વાવાઝોડાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. વીમા કંપનીઓ અનુસાર વાવાઝોડાને કારણે 95થી લઈને 110 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે.
ખચ્ચરો દ્વારા દવાની સપ્લાય થઈ રહી છે

ઇમેજ સ્રોત, Mountain Mule Packer Ranch
સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ તૂટી જવાના કારણે રાહતકાર્યમાં તકલીફ પડી રહી છે. અસગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ, કપડાં અને ભોજન વિતરણ કરવામાં તંત્રને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવા માટે ખચ્ચરોની મદદ લેવાઈ રહી છે. માઉન્ટેન મુલ પૅકર રેન્ચ દ્વારા મોટી સંખ્યામાં ખચ્ચરો રાખવામાં આવ્યા છે, જેના થકી મદદ પહોંચાડવામાં આવી રહી છે.
સ્થાનિકો પ્રમાણે ખચ્ચરોને રસ્તાઓ વિશે પૂરતી માહિતી છે અને તે તૂટેલા રસ્તાઓ અને ડુંગરો વચ્ચેથી પણ પસાર થઈ શકે છે. ખચ્ચરો મારફતો લાખોની સંખ્યામાં ઇન્સ્યુલિન, નવજાત માટેનું દૂધ, ભોજન અને અન્ય રાહતસામગ્રી મોકલાઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












