અમેરિકાના ન્યૂ ઑર્લિન્સમાં ભીડને ટ્રકથી કચડી નાખનાર સંદિગ્ધ હુમલાખોર શમ્સુદ્દીન જબ્બાર કોણ છે?

ઇમેજ સ્રોત, Reuters/FBI
અમેરિકામાં લુઇસિયાના રાજ્યના ન્યૂ ઑર્લિન્સમાં નવા વર્ષની પ્રથમ સવારે ભેગા થયેલા લોકોના મોટા ટોળા પર એક વ્યક્તિએ જાણીબૂઝીને ટ્રક ચડાવી દીધી હતી.
તેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઓછામાં ઓછા 35 લોકો ઘાયલ થયા હતા. કહેવાય છે કે એ વ્યક્તિ ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ (આઇએસ)થી પ્રભાવિત હતો.
પહેલી જાન્યુઆરીએ સ્થાનિક સમય પ્રમાણે પરોઢિયે સવા ત્રણ વાગ્યે એક પિકઅપ ટ્રક લોકોને કચડતી ભીડમાં ઘૂસી હતી. તેમણે ટ્રકમાંથી ગોળીઓ પણ છોડી હતી. પોલીસના જવાબી ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે હુમલાખોર ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત હતો.
બાઇડને જણાવ્યું કે, અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી એફબીઆઈએ તેમને કહ્યું છે કે આરોપીએ હુમલો કર્યાના થોડાક જ કલાક પહેલાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અપલોડ કર્યા હતા. આ વીડિયોમાંથી એવા સંકેત મળે છે કે તેઓ આઇએસથી પ્રભાવિત હતા અને તેમની ઇચ્છા 'લોકોની હત્યા' કરવાની હતી.
અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી એફબીઆઈ અનુસાર, હુમલાખોરની ઓળખ 42 વર્ષીય શમ્સુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. શમ્સુદ્દીન અમેરિકન સેનામાં નોકરી કરી ચૂક્યા હતા અને ટેક્સાસમાં રહેતા હતા.
પોલીસનું કહેવું છે કે, શમ્સુદ્દીન જબ્બાર જે ટ્રક ચલાવતા હતા તેમાંથી ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંકળાયેલો ઝંડો મળ્યો છે. એફબીઆઇએ જણાવ્યું કે જબ્બાર આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવા અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
હુમલો થયો તે વિસ્તારમાંથી સંદિગ્ધ વિસ્ફોટક પણ મળી આવ્યા છે. આ ઉપરાંત, ઘટનાસ્થળેથી સાઇલેન્સરવાળી બંદૂક પણ મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સંદિગ્ધ હુમલાખોર શમ્સુદ્દીન જબ્બારની ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જબ્બારે 2015થી 2017 સુધી જૉર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાંથી કમ્પ્યૂટર ઇન્ફર્મેશન ટેકનૉલૉજીમાં ડિગ્રી મેળવી હતી.
જૉર્જિયા સ્ટેટ યુનિવર્સિટીએ અમેરિકાના ન્યૂઝ નેટવર્ક સીએનએન સમક્ષ એ વાતની પુષ્ટિ કરી છે કે જબ્બારે 2015થી 2017 દરમિયાન કમ્પ્યૂટર ઇન્ફર્મેશન ટેકનૉલૉજીમાં બૅચલર્સ ઑફ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી હતી.
ટેક્સાસ ઍસ્ટેટ કમિશન અનુસાર, જબ્બારે 2019માં રીઅલ ઍસ્ટેટનું લાઇસન્સ પણ લીધું હતું, જે 2023માં પૂરું થઈ ગઈ હતું.
તેમના નામે ટ્રાફિકના નિયમો તોડવાના અને ચોરી સાથે સંકળાયેલા ગુનાખોરીના રેકૉર્ડ પણ હતા.
જબ્બારની લિંક્ડઇન પ્રોફાઇલ (જેને હવે હટાવી દેવામાં આવી છે) અનુસાર તેમણે અમેરિકન સેના છોડ્યા પહેલાં તેમાં અલગ અલગ જવાબદારીવાળું કામ કર્યું હતું, જેમાં એચઆર અને આઇટીનો સમાવેશ થાય છે.
તેઓ ફેબ્રુઆરી 2008થી જાન્યુઆરી 2010 સુધી અફઘાનિસ્તાનમાં ફરજ પર હતા.
2020માં યૂટ્યૂબમાં પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જબ્બારે કહેલું કે, સેનામાં ગાળેલા સમયે "તેમને સારી સેવાના અર્થ, જવાબદાર બનવાનું અને વસ્તુઓને ગંભીરતાથી લેવાનું શીખવ્યું હતું, જેની મદદથી કશા પણ અવરોધ વગર કાર્ય પૂર્ણ કરી શકાય".
જબ્બારે બે લગ્ન કર્યાં હતાં. તેમનું પ્રથમ લગ્ન 2012માં ભંગ થયું હતું અને બીજું લગ્નજીવન 2017થી 2022 સુધી ચાલ્યું.
સીએનએન ન્યૂઝ અનુસાર, એક વીડિયોમાં જબ્બારે પોતાના છૂટાછેડાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવેલું કે, પોતાના પરિવારની હત્યા કરવાના ઇરાદે તેમને ઉત્સવ ઊજવવાના બહાને ભેગા કરવાની યોજના તેઓ કઈ રીતે બનાવી રહ્યા હતા. આ વીડિયો વિશે જે બે અધિકારીઓને કહેવામાં આવ્યું છે, તેમણે જ આ માહિતી આપી છે.
'આઇએસ સાથે સંબંધ'

સીએનએન અનુસર, જબ્બારે આ વીડિયોમાં જણાવેલું કે, તેમણે પોતાની યોજના બદલી નાખી અને આઇએસઆઇએસમાં જોડાઈ ગયા.
અધિકારીએ અનુસાર, જબ્બારે વીડિયોમાં પોતાનાં ઘણાં સપનાંનો ઉલ્લેખ કર્યો હતો.
સીએનએન અનુસાર, તેણે જબ્બારના એ વીડિયોની ઊંડી તપાસ નથી કરી, પરંતુ, એવું લાગે છે કે આ વીડિયો એ સમયે રેકૉર્ડ કરાયો હતો જ્યારે જબ્બાર રાતના સમયે ગાડી ચલાવી રહ્યા હતા. જોકે, તેનો સાચો સમય હજુ સ્પષ્ટ નથી થયો.
અત્યારે તો અમેરિકામાં કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારી જબ્બારે બનાવેલા વીડિયોની તપાસ કરી રહ્યા છે. તેઓ એ બાબતની વિસ્તૃત માહિતી એકઠી કરી રહ્યા છે કે કઈ રીતે તેઓ સેનામાંથી નીકળીને ઘાતક હુમલાના સંદિગ્ધ બની ગયા.
સેનાના એક પ્રવક્તાએ બુધવારે સીએનએનને જણાવેલું કે, જબ્બારે સેનામાં 10 વર્ષ કરતાં વધુ સમય સુધી નોકરી કરી હતી. જબ્બાર માર્ચ 2007થી જાન્યુઆરી 2015 સુધી સેનાની સેવામાં ઘણા સક્રિયા હતા.
જબ્બારને ફેબ્રુઆરી 2009થી જાન્યુઆરી 2010 સુધી અફઘાનિસ્તાનમાં પણ તહેનાત કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરી 2015માં તેમણે સેનાની સક્રિય નોકરી છોડી દીધી હતી, પરંતુ, તેઓ જુલાઈ 2020 સુધી રિઝર્વ આર્મીમાં હતા. જે સમયે તેમણે નોકરી સંપૂર્ણ છોડી, તે સમયે તેઓ સ્ટાફ સાર્જન્ટના પદ પર હતા.
શું અન્ય લોકો પણ હુમલામાં સામેલ હતા?

ઇમેજ સ્રોત, FBI
જબ્બાર માલવાહક ઇલેક્ટ્રિક ટ્રક ચલાવી રહ્યા હતા અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ ટ્રક 'ટુરો' નામની ઍપ દ્વારા ટેક્સાસમાંથી ભાડે લીધી હતી.
એફબીઆઇનું માનવું છે કે, આરોપી શમ્સુદ્દીન જબ્બારને હુમલો કરવામાં અન્ય લોકો પાસેથી મદદ મળી હતી; ખાસ કરીને વિસ્ફોટક ડિવાઇસ લગાડવામાં.
સીબીએસના રિપોર્ટ અનુસાર, એજન્સીઓએ હજુ સુધી જબ્બારના સાથીઓ વિશે કશા પુરાવા જાહેર નથી કર્યા.
અગાઉના રિપોર્ટ્સમાં કહેવામાં આવેલું કે, અધિકારી વીડિયો ફુટેજની સમીક્ષા કરી રહ્યા હતા; પરંતુ, સીબીએસએ જણાવ્યું કે વીડિયો ફુટેજમાં માત્ર આસપાસના લોકો જ દેખાઈ રહ્યા હતા.
એફબીઆઇનાં આસિસ્ટન્ટ સ્પેશિયલ એજન્ટે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે નથી માનતાં કે જબ્બારે એકલાએ જ આ ઘટના પાર પાડી હોય. અમે અમારી સંપૂર્ણ શક્તિ સાથે દરેક પુરાવાની તપાસ કરી રહ્યાં છીએ, જેમાં તેમને નજીકથી ઓળખનારાઓનો પણ સમાવેશ થાય છે."
સીસીટીવી ફુટેજમાં એક સફેદ રંગની ટ્રક દેખાય છે. વીડિયો ફુટેજમાં આ ટ્રક ચાલતા માણસોને ટક્કર મારતાં પહેલાં પોલીસની ગાડીને થાપ આપીને ફુટપાથ પર આગળ વધતી જોઈ શકાય છે.
પોલીસે એમ કહ્યું કે, હુમલાખોર શમ્સુદ્દીન જબ્બાર વધારેમાં વધારે લોકોને મારી નાખવા અને નુકસાન કરવાની ઇચ્છાથી આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Reuters
ન્યૂ ઑર્લિન્સના પોલીસ વડા એની કિર્કપૅટ્રિકે કહ્યું, "આ માણસ શક્ય એટલા વધુ માણસોને કચડી નાખવાની કોશિશ કરી રહ્યો હતો."
જબ્બાર પાસે હથિયાર પણ હતાં અને સુરક્ષા અધિકારીઓ પર ગોળીબાર પણ કર્યા હતા; જેમાં બે અધિકારી ઘાયલ થયા. ત્યાર બાદ પોલીસે જવાબી ગોળીબાર કર્યા, જેમાં તેઓ ઠાર મરાયા.
વૉશિંગ્ટન પોસ્ટના એક સમાચાર અનુસાર, નૉર્થ હ્યૂસ્ટનમાં જબ્બારનાં પૂર્વ પત્નીના એક પડોશીનું કહેવું છે કે, એફબીઆઇના એજન્ટ તેમનાં અગાઉનાં પત્નીનાં ઘરે આવ્યા હતા.
જબ્બારનાં પૂર્વ પત્નીના હાલના પતિ ડ્વૅન માર્શ અનુસાર, જબ્બાર દ્વારા તેમનાં પત્નીને બે દીકરી છે, જેમની ઉંમર 14 અને 20 વર્ષ છે.
માર્શે જણાવ્યું કે, જબ્બારે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો અને ઇસ્લામ સ્વીકારી લીધો હતો; પરંતુ, માર્શે એ ન જણાવ્યું કે જબ્બારે આ કામ ક્યારે કર્યું હતું.
ટેક્સાસમાં જબ્બારની સાથે હાઈસ્કૂલમાં ભણનારાએ આ હુમલા અંગે આશ્ચર્ય પ્રકટ કર્યું અને જણાવ્યું કે જબ્બાર તે સમયગાળામાં 'એક સામાન્ય અને શાંત વ્યક્તિ' હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












