You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં 'લવ જેહાદ' કે 'ભગવા લવ ટ્રૅપ'ના નામે જિંદગીઓને બદતર બનાવી દેતા વાઇરલ વીડિયોની સચ્ચાઈ શું છે?
- લેેખક, શ્રુતિ મેનન
- પદ, બીબીસી વેરિફાય, દિલ્હી
કેટલાંક હિંદુ જૂથો દ્વારા જેને ‘લવ જેહાદ’નું નામ અપાય છે એવી એક વિવાદિત થિયરી પાછલાં ઘણાં વર્ષોથી ભારતમાં ચર્ચાનો વિષય બની છે. આ થિયરી અનુસાર એવું મનાય છે કે મુસ્લિમ પુરુષો હિંદુ મહિલાઓને ફોસલાવી-આકર્ષીને તેમને ધર્માંતરણ કરાવે છે. જોકે, આ દાવાના સમર્થન માટેના કોઈ પુરાવા નથી. પરંતુ હવે આના કરતાં સાવ ઊલટી થિયરી ઓનલાઇન જોવા મળી રહી છે.
જેમાં હિંદુ પુરુષો જાણીજોઈને મુસ્લિમ મહિલાઓને ફોસલાવતા હોવાનું બતાવાઈ રહ્યું છે.
આ થિયરીને “ભગવા લવ ટ્રૅપ” નામ અપાયું છે. અને આ થિયરીના સમર્થન માટેના પુરાવા પણ નગણ્ય છે. પરંતુ માત્ર આ હકીકતથી તેના લીધે વાસ્તવિક જીવનમાં થઈ રહેલી હિંસા રોકાઈ નથી.
ઉત્તર ભારતનાં મુસ્લિમ મહિલા મરિયમ (બદલેલું નામ) તેમને મળતા અભદ્ર ઓનલાઇન મૅસેજો અંગે વાત કરતાં કહે છે કે, “તે અતિશય ઘૃણાસ્પદ હતા. મને મારી આંખ પર વિશ્વાસ નહોતો થતો.”
મરિયમ વ્યક્તિગત જાણકારી ઓનલાઇન મૂકી દેવાના આપત્તિજનક ઍટેકનો ભોગ બન્યાં હતાં. જાહેર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમના હિંદુ પુરુષો સાથેના ફોટો બંને વચ્ચે આંતરધર્મીય સંબંધો હોવાનો દાવો કરવા ઉપયોગમાં લેવાયા હતા. તેમના પર આ ઓનલાઇન ઍટેક કરનાર લોકો માટે આ ખૂબ જ વિચિત્ર બાબત છે.
આ બધા દાવા નિરાધાર હતા.
એ તસવીરોમાંના પુરુષો મિત્રો હતા. એ મરિયમના રોમૅન્ટિક પાર્ટનર નહોતા, પરંતુ તેમના પર આરોપ મૂકનારા માટે આટલી હકીકત જાણે પૂરતી નહોતી.
તેઓ કહે છે કે, “તેઓ કહે છે કે હું હિંદુ પુરુષો સાથે અવારનવાર સહશયન કરતી રહું છું. તેઓ મારાં માતાપિતા માટે અભદ્ર ટિપ્પણી કરતા અને મારા ઉછેર પર પ્રશ્ન ઉઠાવતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના રૂઢિવાદી પરિવારો માટે આંતરધર્મીય સંબંધો હજુ પણ એક વર્જ્ય બાબત છે.
જે એકાઉન્ટોએ તેમના અંગે ખોટી માહિતી ઇન્ટરનેટ પર મૂકી છે, તેમને જોતાં પ્રાથમિકપણે મરિયમને લાગે છે કે આ કૃત્ય પાછળ મુસ્લિમ પુરુષોનો હાથ છે. જેઓ મરિયમ ‘ભગવા લવ ટ્રૅપ’માં ફસાયાં હોવાનું ફેલાવી રહ્યા છે.
‘ભગવા લવ ટ્રૅપ’ થિયરી કે હકીકત?
“ભગવા” રંગને હિંદુત્વ સાથે સાંકળવામાં આવે છે. ટીકાકારો પ્રમાણે હિંદુત્વ એ આત્યંતિક જમણેરી હિંદુ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપતી વિચારધારા છે. આ સંદર્ભમાં ‘ભગવા’ને હિંદુત્વના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લેવાય છે.
‘ભગવા લવ ટ્રૅપ’ થિયરી પ્રમાણે દાવો કરાય છે કે હિંદુત્વમાં માનતા પુરુષો દ્વારા મુસ્લિમ મહિલાઓને આકર્ષિત કરાય છે અને તેમને પોતાના સમાજથી દૂર કરવા માટે લલચાવાય છે. આ વિચાર પ્રાથમિકપણે મુસ્લિમ પુરુષો દ્વારા આગળ વધારાઈ રહ્યો છે, આ પૈકી ઘણાને આવી પ્રવૃત્તિઓ ખરેખર થતી હોવાનો ભય છે.
બીબીસીએ આ થિયરીના સમર્થક કેટલાક એકાઉન્ટ હોલ્ડરો સાથે વાત કરી અને તેમણે આપેલાં ઉદાહરણોની પણ તપાસ કરી. જેમાં અમને સપાટી પર કોઈ પણ પ્રકારનું કાવતરું ચાલી રહ્યું હોવાના પુરાવા નથી મળ્યા. પરંતુ સોશિયલ મીડિયા પર આ મામલો ઝડપથી જોર પકડી રહ્યું છે. ગત માર્ચથી અત્યાર સુધી બે લાખ વખત આ વાક્યનો સોશિયલ મીડિયા પર ઉપયોગ થઈ ચૂક્યો છે.
આની અસરો વાસ્તવિક જીવનમાં પણ જોવા મળી રહી છે.
મે માસમાં મધ્યપ્રદેશમાં લેવાયેલો એક વીડિયો પોસ્ટ કરાયો હતો. જેમાં બે મેડિકલ વિદ્યાર્થીઓ – મુસ્લિમ સ્ત્રી અને હિંદુ પુરુષને સ્કૂટર પર યુનિવર્સિટીથી પરત ફરતાં બતાવાયાં હતાં.
ત્યારે મુસ્લિમ પુરુષો જેવા લાગતા જૂથે તેમને ઘેરી લીધાં. ત્યાર બાદ મહિલાને પોતાના ધર્મને શરમમાં મૂકવા બાબતે ઠપકો અપાયો હતો.
આ જૂથ પૈકી એક બૂમ પાડે છે, “ઇસ્લામ બદનામ કરવાની તને કોઈ પરવાનગી નહીં આપે.” આ દરમિયાન તેમની સાથેના અન્યો હિંદુ છોકરાને મારવા લાગે છે.
‘લવ જેહાદનું ઊલટું સ્વરૂપ’
બીબીસીએ સમગ્ર ભારતમાંથી આવા જ 15 વીડિયો જોયા છે. યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર #BhagwaLoveTrap સાથે આવા વીડિયોના આધારે આ થિયરી સાચી હોવાના દાવા કરાય છે. આ વીડિયો આ તમામ પ્લૅટફૉર્મો પર એક કરોડ કરતાં પણ વધુ વખત જોવાઈ ચૂક્યા છે.
આ થિયરી પ્રમાણસર જાણીતી બનેલી અને જૂની ‘લવ જેહાદ’નું ઊલટું સ્વરૂપ છે. જે ‘લવ જેહાદ’થી ઊલટી કહાણી જણાવે છે. નોંધનીય છે કે ‘લવ જેહાદ’માં મુસ્લિમ પુરુષો પર હિંદુ મહિલાઓને ફોસલવાનો આરોપ મૂકી ઘણાં વર્ષોથી હિંદુ રાષ્ટ્રવાદીઓ ઓનલાઇન આ થિયરી ચલાવતા રહ્યા છે. ‘ભગવા ટ્રૅપ થિયરી’ની માફક જ ‘લવ જેહાદ’ના દાવા પણ પુરાવા વગર ફેલાવાતા, જે વાસ્તવિક જીવનમાં હિંસા તરફ દોરી જતા.
ભારતમાં હજુ પણ આંતરધર્મીય લગ્નો ખૂબ જ દુર્લભ છે, અહીં મોટા ભાગના લોકો પારિવારિકપણે ગોઠવાયેલાં લગ્નો કરે છે.
બે સમાચાર સંસ્થાઓ દ્વારા કરાયેલી સ્વતંત્ર તપાસમાં આ થિયરીના સમર્થનમાં પુરાવા મળ્યા નહોતા.
આ છતાં ભારતના રાજકીય ચર્ચામાં કહેવાતા ‘લવ જેહાદ’નો મુદ્દો જાણે કાયમી બની ગયો છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષ ભાજપના નેતા અને હિંદુત્વવાદી વિચારધારમાં વિશ્વાસ ધરાવતા લોકો જાહેરમાં આ વિશે ઘણી વખત વાત કરી ચૂક્યા છે.
‘ભગવા લવ ટ્રૅપ’ની થિયરી અંગે મોટા ભાગે સોશિયલ મીડિયા પર અનામી એકાઉન્ટ મારફતે ચર્ચા થતી હોય છે. પરંતુ ઘણા હાઇપ્રોફાઇલ મુસ્લિમ નતાઓએ પણ આ થિયરીને પ્રોત્સાહિત કરી છે.
ભારતીય ન્યૂઝ ચેનલો પર અવારનવલાર જોવા મળતા ઇસ્લામિક સ્કૉલર શોએબ જમઈ પોતાની જાતને આ વિચારને નૅશનલ મીડિયામાં પ્રસિદ્ધિ અપાવવા માટેનું શ્રેય આપે છે. પરંતુ તેઓ કહે છે કે તેઓ આ વિચારને કારણે વાસ્તવિક જિંદગીમાં થતી હિંસાનું સમર્થન કરતા નથી.
તેઓ કહે છે કે, “હું મુસ્લિમ સમાજના જે લોકો પોતાના હાથમાં કાયદો લેવાનો પ્રયાસ કરે છે, તેમનું સમર્થન કરતો નથી. આ દેશમાં કાયદાનું શાસન છે.”
પરંતુ તેમના મનમાં આ થિયરી અંગે કોઈ શંકા નથી. તેઓ દાવો કરે છે કે હિંદુ યુવાનોનું ‘હિંદુત્વ બ્રિગેડ’ દ્વારા ‘બ્રેઇનવૉશ’ કરાઈ રહ્યું છે. જેથી તેઓ “મુસ્લિમ મહિલાઓને લલચાવીને પોતાની જાળમાં ફસાવે.”
જમઈ અને ‘ભગવા લવ ટ્રૅપ’ની થિયરીને હકીકત માનનારા લોકો હિંદુત્વવાદી નેતાઓ દ્વારા આ થિયરીને અનુરૂપ મુસ્લિમ મહિલાઓ માટે હિંદુ પુરુષોને પ્રેરિત કરતા બતાવાતા વીડિયો પર આધાર રાખીને પોતાની વાત કહે છે.
જે પૈકી એકમાં ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ દેખાય છે. વર્ષ 2007ના આ વીડિયોમાં તેઓ એક રાજકીય રેલીમાં કહેતા સંભળાય છે કે, “જો મુસ્લિમ એક હિંદુ છોકરી લઈ જાય તો આપણે 100 મુસ્લિમ છોકરી લઈ આવવી જોઈએ.”
મુસ્લિમ મહિલાઓને હિંદુ પુરુષો ફસાવતા હોવાનો દાવો
બીબીસીએ યોગી આદિત્યનાથને આ નિવેદનમાં કરાયેલા દાવા અંગે પોતે હજુ માને છે કે કેમ, એ અંગે સવાલ કરાયો હતો. પરંતુ તેમણે આનો જવાબ આપ્યો ન હતો.
અમે જમઈ અને ‘ભગવા લવ ટ્રૅપ’ની થિયરીમાં માનનારા લોકો દ્વારા આ સંદર્ભે અપાયેલાં દસ ઉદાહરણોની તપાસ કરી, જેના આધારે તેઓ આ થિયરીને હકીકત માને છે. આ ઉદાહરણોમાં હિંદુ પુરુષો, થિયરીના સમર્થકોના મતે મુસ્લિમ મહિલાઓના ધર્માંતરણ માટે તેમની સાથે લગ્ન કે સંબંધ બાંધે છે અને તેમની ધાર્મિક ઓળખને કારણે તેમને નુકસાન પહોંચાડે છે.
અમારી સાથે શૅર કરાયેલાં તમામ ઉદાહરણો હિંદુ પુરુષો અને મુસ્લિમ મહિલા વચ્ચેનાં હતાં, છતાં બે કિસ્સામાં મુસ્લિમ મહિલાએ ધર્માંતરણ નહોતું કર્યું.
આ સિવાય જે છ ઉદાહરણોમાં એવો દાવો કરાયો હતો કે હિંદુ પુરુષોએ તેમનાં પાર્ટનરની ધાર્મિક ઓળખને કારણે તેમની હત્યા કરી દીધી છે, તેમાં જાણવા મળ્યું હતું કે આ પૈકી ચાર કિસ્સા નાણાકીય કે ઘરેલુ વિવાદને કારણે થયેલી હત્યાના હતા. આ માહિતી પોલીસના નિવેદનમાં જાણવા મળી હતી.
આ સિવાય હિંસાના ચાર કિસ્સામાં ન્યૂઝ કે પોલીસ રિપોર્ટ મારફતે કારણ ખબર પડી શકી નહોતી. જોકે, આ મામલા ભગવા લવ ટ્રૅપની થિયરી સાથે સંબંધિત હોવાનું પ્રસ્થાપિત થઈ શક્યું નહોતું.
‘ભગવા લવ ટ્રૅપ’ની થિયરના દાવા રજૂ કરતા ઘણા વીડિયો ભારતીય ફેક્ટ ચેકિંગ વેબસાઇટ બૂમ લાઇવ દ્વારા નિરાધાર હોવાનું જણાવાયું હતું.
હિંદુત્વ જૂથો લવ ટ્રૅપના અસ્તિત્વને નકારે છે.
વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ આલોકકુમાર કહે છે કે, “હિંદુઓ દ્વારા આ પ્રકારની ટ્રૅપ ચલાવાઈ રહ્યા હોવાના કોઈ પુરાવા નથી.” તેઓ કહે છે કે, “જમઈ જેવા મુસ્લિમ સ્કૉલરો દ્વારા કરાતા આવા દાવા નિરાધાર છે.”
જોકે ધાર્યા પ્રમાણે તેઓ ‘લવ જેહાદ’ને હકીકત ગણાવવાનું ચૂકતા નથી. તેઓ કહે છે કે, “મુસ્લિમોનું એક મોટું જૂથ... હિંદુ મહિલાઓને લલચાવીને આકર્ષે છે.”
કેટલાક લોકો આ બંને થિયરીઓને નૅરેટિવને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે સમાન ક્ષમતાવાળા પ્રતિસ્પર્ધી માનવાનો ઇનકાર કરે છે.
ભગવા લવ ટ્રૅપ અંગે લખનારા પત્રકારો પૈકી એક ફાતિમા ખાન કહે છે કે, “લવ જેહાદ પાસે મોટું રાજકીય પીઠબળ છે.” તેઓ ભારતના શાસક પક્ષ દ્વારા ‘લવ જેહાદ’ની થિયરીના સમર્થનની વાત તરફ અંગુલિનિર્દેશ કરતાં આ વાત કરે છે. “બીજી તરફ ભગવા લવ ટ્રૅપ એ હજુ નવીસવી કાવતરાની થિયરી છે. તેની પાસે કોઈ રાજકીય પીઠબળ નથી.”
દેશના ઘણા બધા મુદ્દાઓની માફક આ મુદ્દે પણ રાજકીય મતોનું વિભાજન જોવા મળે છે, જોકે એક વાત બિલકુલ સ્પષ્ટ જણાય છે. એ એ છે કે ભારતનાં ધાર્મિક વિભાજનો ઓનલાઇન આ પ્રકારની થિયરીઓના સર્જન માટે યોગ્ય પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે અને વાસ્તવિક જીવનમાં હિંસાને જન્મ આપે છે.
ઓનલાઇન ઓળખ છતી કરવાના આપત્તિજનક હુમલાનો ભોગ બનેલાં મરિયામ આ વિચારનાં ઉદાહરણ છે. તેઓ પોતાને મળી રહેલા મૅસેજોથી એટલા બધાં ચિંતામાં હતાં કે તેમણે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ટાળવા માટે ઑફિસમાંથી રજા લઈ લેવી પડી.
તેઓ કહે છે કે, “મને પહેલી વાર મારા વિસ્તારમાં જ અસલામતિનો અનુભવ થયો. હું ખૂબ વિચલિત અને ગભરાયેલી હતી.” તેઓ પોતાના ટ્રોલના નિરાધાર તર્કને પડકારતાં કહે છે કે, “તમે જીવન બરબાદ કરીને મહિલાઓનું રક્ષણ કરવાના દાવા કરો છો.”