ચીનની સૈન્યશક્તિ : 15 તસવીરમાં જુઓ ચીન પાસે કેવાં કેવાં હથિયાર છે

બીજા વિશ્વયુદ્ધમાં પોતાની જીત અને જાપાનની શરણાગતિની 80મી વર્ષગાંઠ નિમિત્તે ચીનમાં એક ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીજિંગના તિયાનમેન સ્ક્વેર ખાતે આયોજિત સૈન્ય પરેડમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન સહિત અન્ય વિશ્વ નેતાઓએ હાજરી આપી હતી.

પરેડમાં અત્યાધુનિક ફાઇટર જેટ, ઇન્ટરકોન્ટિનેન્ટલ ન્યુક્લિયર મિસાઇલો અને નવા અંડરવોટર ડ્રોન સહિતનાં શસ્ત્રો રજૂ કરાયાં હતાં. ચીને દુનિયા સમક્ષ પોતાનું મિલિટરી હાર્ડવેર દેખાડ્યું છે.

ચીનની વિકટરી પરેડમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, "ચીન ક્યારેય કોઈ ધમકી આપનારાઓથી ડરતું નથી."

જિનપિંગે પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે, "સાથીઓ અને મિત્રો, આપણે ચીનના વિજયની 80મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ."

તેમણે ચીનના લોકોને ઇતિહાસ યાદ રાખવા અને જાપાન સામે લડનારા દિગ્ગજોનું સન્માન કરવા અપીલ કરી હતી.

શી જિનપિંગે કહ્યું, "ઇતિહાસ આપણને ચેતવણી આપે છે કે માનવતાનો ઉદય અને અસ્ત એકસાથે થાય છે. ચીન ક્યારેય ધમકી આપનારાઓથી ડર્યું નથી અને હંમેશાં આગળ વધ્યું છે."

તેમણે કહ્યું કે આ એક "નવી યાત્રા, નવો યુગ" છે.

પરેડ શરૂ થઈ તે અગાઉ શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન એકસાથે જોવા મળ્યા હતા.

પહેલી વાર ત્રણેય નેતાઓ જાહેરમાં સાથે દેખાયા છે. આ ત્રણેય નેતાઓ પરેડ જોવા માટે વિશ્વભરના નેતાઓની હરોળમાં સૌથી આગળ છે.

ચીને આ પરેડ માટે આમંત્રિત 26 નેતાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વિયેતનામ, મલેશિયા, બેલારુસ, ઈરાન, ઝિમ્બાબ્વે, સર્બિયા, સ્લોવાકિયા, ક્યુબા અને મ્યાનમાર જેવા દેશોના નેતાઓનાં નામ સામેલ છે, જેમાં પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફનો પણ સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન