ઑસ્કર ઍવૉર્ડ : કઈ ફિલ્મ રહી સર્વશ્રેષ્ઠ અને કઈ કૅટેગરીમાં કોને મળ્યો પુરસ્કાર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના લૉસ એન્જલસ ખાતે ઑસ્કર ઍવૉર્ડ સમારોહ સમાપ્ત થયો છે.
આ વર્ષના એવૉર્ડમાં સેક્સ વર્કરની કહાણી પર આધારિત 'અનોરા' ફિલ્મે ધૂમ મચાવી છે. આ ફિલ્મને પાંચ કૅટેગરીમાં ઍવૉર્ડ મળ્યા છે.
તેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ પણ સામેલ છે.
આ વર્ષના ઑસ્કર ઍવૉર્ડ સમારોહમાં ઍડ્રિયન બ્રૉડીને 'ધ બ્રૂટલિસ્ટ'માં તેમની ઍક્ટિંગ બદલ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો છે.
બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે પણ 'ધ બ્રૂટલિસ્ટ'ને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો છે. બ્રિટનના લૉલ ક્રાઉલીને આ ઍવોર્ડ મળ્યો છે.

ઇમેજ સ્રોત, Reuters
જોઈ સલ્દાનાને ઑસ્કર ઍવૉર્ડમાં બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો છે.
જોઈ સલ્દાનાનો આ પ્રથમ ઑસ્કર ઍવૉર્ડ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને 'એમિલિયા પેરેજ'માં શ્રેષ્ઠ અભિનય બદલ આ પુરસ્કાર મળ્યો છે.
ઑસ્કર ઍવૉર્ડ મેળવ્યા પછી જોઈ સલ્દાનાની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. તેઓ ભાવુક થઈ ગયાં હતાં. તેમણે કહ્યું કે "હું ડોમિનિકન મૂળની પ્રથમ અમેરિકન છું જેને આ પુરસ્કાર મળ્યો છે. મને ખબર છે કે આ ઍવૉર્ડ મેળવનાર હું અંતિમ વ્યક્તિ નથી."
બીજી તરફ બ્રાઝિલની ફિલ્મ 'આઈ એમ સ્ટિલ હિયર'ને બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચરનો ઍવૉર્ડ મળ્યો છે.
આ ફિલ્મ બ્રાઝિલના એક રાજનીતિજ્ઞ રુબેન્સ પઈવા વાસ્તવમાં ગુમ થઈ જવા પર આધારિત છે.
આ સમારોહમાં 'ડ્યૂનઃ પાર્ટ ટુ'ને બે ઑસ્કર ઍવૉર્ડ મળ્યા છે. અગાઉ બેસ્ટ સાઉન્ડ કૅટેગરીમાં અને પછી બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટની કૅટેગરીમાં ઑસ્કર ઍવૉર્ડ મળ્યા છે.
ડ્યૂનઃ પાર્ટ ટુ ફિલ્મ ફ્રેન્ક હર્બર્ટની નવલકથા ડ્યૂન પર આધારિત છે. આ ફિલ્મને અગાઉ પણ ઘણી બિરદાવવામાં આવી છે.
ઑસ્કર ઍવૉર્ડની સાંજ 'અનોરા' ફિલ્મના નામે રહી

ઇમેજ સ્રોત, Getty Images
લૉસ એન્જલસ ખાતે ઑસ્કર એવૉર્ડ સમારોહમાં 'અનોરા' ફિલ્મ છવાઈ ગઈ હતી.
આ ફિલ્મમાં એક સેક્સ વર્કરની વાત છે. ફિલ્મને પાંચ કૅટેગરીમાં પુરસ્કાર મળ્યા છે જેમાં બેસ્ટ પિક્ચરનો ઍવૉર્ડ પણ સામેલ છે.
આ ફિલ્મની અભિનેત્રી માઇકી મેડિસનને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો છે. આ ફિલ્મ માટે સીન બેકરને શ્રેષ્ઠ ડાયરેક્ટરનો ઍવૉર્ડ અપાયો છે.
તેવી જ રીતે બેસ્ટ ઍડિટિંગને ઍવૉર્ડ પણ આ ફિલ્મને જ મળ્યો છે.
ધ બ્રૂટલિસ્ટ ફિલ્મના ઍક્ટર ઍડ્રીયન બ્રૉડીને બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ પોતાના નામે કર્યો છે.
આ ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે પણ ઑસ્કર ઍવૉર્ડ મળ્યો છે.
લૉસ એન્જલસમાં ભયંકર આગ પછી ઍવૉર્ડ સમારોહ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના લૉસ એન્જલસમાં જાન્યુઆરી મહિનામાં ભયાનક આગ લાગી હતી જેમાં હજારો મકાનો સળગી ગયાં હતાં. ત્યાર પછી અહીં પ્રથમ ઑસ્કર ઍવૉર્ડ સમારોહ યોજાયો છે.
લૉસ એન્જલસની આગના કારણે આ વિસ્તારમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. તેને કાબૂમાં લેવામાં ઘણા દિવસો લાગી ગયા હતા.
ઑસ્કર ઍવૉર્ડ સમારોહ દરમિયાન લૉસ એન્જલસના ફાયર ફાઇટર્સને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા અને લોકોએ તાળીઓ પાડીને તેમનો આભાર માન્યો હતો.
ભૂતપૂર્વ ઑસ્કર ઍવૉર્ડ વિજેતા અને વિખ્યાત ઍક્ટર જીન હેકમેનને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા.
જીન હેકમેન અને તેમનાં પત્નીનું થોડા દિવસો અગાઉ જ મૃત્યુ થયું છે.
પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'અનુજા' એવૉર્ડ ચૂકી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મૂળના અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'અનુજા'નું તેમના દ્વારા જ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને બેસ્ટ લાઇવ ઍક્શન શોર્ટ ફિલ્મ કૅટેગરીમાં નામાંકિત કરવામાં આવી હતી પરંતુ તે ઑસ્કર જીતી શકી નહીં.
આ શ્રેણીમાં ફિલ્મ 'આઈ એમ નોટ અ રોબૉટ'ને ઍવોર્ડ મળ્યો હતો.
'અનુજા' ફિલ્મ દિલ્હીની એક કાપડ ફૅક્ટરીમાં કામ કરતી બે બહેનોની વાર્તા છે. વાર્તા તેમના જીવનના પડકારો અને બહેનો વચ્ચેની વાતચીત દ્વારા આગળ વધે છે.
ફિલ્મ 'અનુજા' એડમ જે. ગ્રેવ્સ દ્વારા દિગ્દર્શિત હતી.
ઑસ્કર સમારોહની કેટલીક તસવીરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












