અતીક અહમદ ગૅંગનાં 'ગોડમધર' તરીકે જાણીતાં પોલીસપુત્રી શાઈસ્તા પરવીન કોણ છે?

અતીકનાં પત્ની શાઈસ્તા પરવીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અતીકનાં પત્ની શાઈસ્તા પરવીન

પાછલા અમુક દિવસોથી અતીક અહમદ અને તેમના પરિવારના લોકો સતત સમાચારમાં છે.

ગત અઠવાડિયે ગુરુવારે બપોરે અતીકના 19 વર્ષીય પુત્રના ઍન્કાઉન્ટરથી માંડીને શનિવારે રાત્રે અતીક અને તેમના ભાઈ અશરફની પોલીસ બંદોબસ્તમાં ‘ખુલ્લેઆમ હત્યા’ની ઘટના સુધીના બનાવો બાદ યુપીના ભૂતપૂર્વ સાંસદ અને માફિયા ડૉન તરીકેની છાપ ધરાવતા અતીકનો પરિવાર લાઇમલાઇટમાં આવ્યો હતો.

24 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રયાગરાજ ખાતે તેમના જ ઘર સામે સરાજાહેર ઉત્તર પ્રદેશના ઍડ્વોકેટ ઉમેશ પાલની હત્યાના કેસમાં અતીક અહમદનાં પત્ની શાઈસ્તા પરવીનનું નામ પણ સામે આવ્યું હતું.

આ હત્યાકાંડના પુરાવા તરીકે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં કથિતપણે અતીક અને શાઈસ્તાના પુત્ર અસદ અહમદ, તેમના સાથીદાર ગુડ્ડુ મુસ્લિમ, ગુલામ મોહમ્મદ સહિતના અન્ય લોકો ખુલ્લેઆમ ફાયરિંગ અને બૉમ્બમારો કરતાં દેખાઈ રહ્યા હતા.

ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં નામ ખૂલ્યા બાદ શાઈસ્તા પરવીન હજુ સુધી પોલીસની પકડથી બહાર છે. અતીકના પરિવારના લોકો સામે શરૂ થયેલી કાર્યવાહી બાદ તેમનું નામ ઉત્તર પ્રદેશ પોલીસના ‘મૉસ્ટ વૉન્ટેડ લિસ્ટ’માં સામેલ થઈ ગયું છે.

શાઈસ્તા પરવીનના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું છે.

આ સમગ્ર કાર્યવાહીને કારણે શાઈસ્તા પરવીનને લઈને પણ કુતૂહલ સર્જાયું છે.

આખરે એક ‘ગૃહિણી’માંથી શાઈસ્તાનું જીવન એક ‘મૉસ્ટ વૉન્ટેડ આરોપી’ બનવા તરફ કેવી રીતે વળાંક લઈ ગયું?

નોંધનીય છે કે ઉમેશ પાલના મર્ડર કેસમાં નામ ખૂલ્યું એ પહેલાં પણ તેમના પર કેસો નોંધાઈ ચૂક્યા છે.

અતીકની ગૅંગમાં તેઓ ‘ગોડમધર’ તરીકે ઓળખાય છે.

ગ્રે લાઇન

પોલીસ કૉન્સ્ટેબલનાં પુત્રી

અતીક અહમદનાં પત્ની શાઈસ્તા પરવીન

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આ ફેરફાર કોઈ રાતોરાત નથી થયો.

અખબારના એક અહેવાલ અનુસાર 50 વર્ષીય શાઈસ્તા અતીક જ્યારે પણ જેલમાં જતાં ત્યારે તેમનાં કામોની બાગડોર સંભાળતાં.

પ્રયાગરાજથી 12મા ધોરણ સુધી ભણેલાં શાઈસ્તાનું જીવન શરૂઆતમાં ઘરનાં કામકાજ સુધી સીમિત હતું.

1996માં બંનેના નિકાહ થયા ત્યાં સુધી અહમદે પોતાની જાતને એક ‘ગૅંગલીડર’ તરીકે સ્થાપિત કરી દીધા હતા.

અખબારના અહેવાલ પ્રમાણે શાઈસ્તાનું પિયર પ્રયાગરાજના દામુપુર ગામમાં છે.

તેમના પિતા મોહમ્મદ હારૂન એક નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલ છે.

પિતાની સરકારી નોકરીને કારણે તેમનું બાળપણ છ ભાઈબહેનો સાથે ગવર્નમેન્ટ પોલીસ ક્વાર્ટર્સમાં પસાર થયું હતું. તેઓ ભાઈબહેનોમાં સૌથી મોટાં છે. તેમના ચાર ભાઈઓ પૈકી એક હાલ મદરેસામાં પ્રિન્સિપાલ છે.

હિંદુસ્તાના ટાઇમ્સના એક અહેવાલ અનુસાર અતીક સાથે નિકાહ થયા એ પહેલાં શાઈસ્તાના ‘ગુનાની દુનિયા’ સાથે કોઈ લેવાદેવા નહોતા.

શાઈસ્તા પર ઉમેશ પાલના મર્ડરના આરોપ પહેલાં વર્ષ 2009માં પ્રયાગરાજના કર્નલગંજમાં છેતરપિંડીના ત્રણ કેસ નોંધાયા હતા.

જે હાલ અદાલતમાં વિચારાધીન છે.

ઝીશાન નામના એક પ્રૉપર્ટી ડીલરે શાઈસ્તા પર અતીકને ખંડણી આપવા માટે ધમકી આપ્યાનો આરોપ પણ મૂક્યો છે.

સપ્ટેમ્બર 2021માં શાઈસ્તા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમમાં જોડાયાં હતાં. જાન્યુઆરી 2023માં તેઓ બહુજન સમાજ પાર્ટીમાં (બીએસપી) જોડાયાં. તેમની નજર મેયરની ચૂંટણી માટેની ટિકિટ પર હતી. પરંતુ ઉમેશ પાલના મર્ડર બાદ પાર્ટીએ પોતાની જાતને તેમનાથી દૂર કરી લીધી.

બીએસપીમાં સામેલ થતી વખતે તેમણે કહ્યું હતું કે, “સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સુપ્રીમો સાથેની નિકટતાને કારણે મારા પતિ ક્યારેય શિસ્ત શીખી ન શક્યા. બીએસપી હંમેશાં મારા પતિની ગમતી પાર્ટી રહી, તેમણે અગાઉ બીએસપીના કેટલાક ટોચના નેતાઓની પણ મદદ કરી હતી.”

પ્રયાગરાજના એક નિવૃત્ત સ્કૂલટીચરે શાઈસ્તા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ‘વિનમ્ર સ્વભાવ’નાં છે અને ‘હંમેશાં પૅરેન્ટ-ટીચર મિટિંગમાં હાજર રહેતાં.’

ઉમેશ પાલના મર્ડર કેસમાં વૉન્ટેડ જાહેર કરાયેલાં શાઈસ્તા રવિવારે અતીકના અંતિમસંસ્કાર વખતે સરેન્ડર કરે એવી આશંકા હતી પરંતુ તેઓ હાજર રહ્યાં નહોતાં.

બીબીસી ગુજરાતી
  • પાછલા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સાંસદ અને ‘ગૅંગસ્ટર’ અતીક અને તેમના પરિવારને લઈને સમાચાર માધ્યમોમાં સતત ચર્ચા થઈ રહી છે
  • ઉત્તર પ્રદેશના વકીલ ઉમેશ પાલની હત્યાના કેસમાં અતીક અહમદ સાથે તેમનાં પત્ની શાઈસ્તા પરવીનને ‘સહકાવતરાખોર’ ગણાવાયાં હતાં
  • મામલા અંગે કાર્યવાહી શરૂ થયા બાદથી શાઈસ્તા પરવીન પોલીસની પકડથી દૂર છે, તેમના પર 50 હજાર રૂપિયાનું ઇનામ પણ છે
  • આખરે કોણ છે ‘ગૅંગસ્ટર’ અતીકનાં પત્ની, જેઓ એક જમાનામાં ‘ઘરનાં કામકાજ’માં પરોવાયેલાં રહેતાં અને પાછળથી કથિતપણે ‘અતીકની ગૅંગનાં ગોડમધર’ બની ગયાં? જાણો તેમની સંપૂર્ણ કહાણી
બીબીસી ગુજરાતી

શાઈસ્તાએ લખ્યો CM યોગીને પત્ર?

અતીકના મૃત્યુ બાદ એક પત્ર ફરતો થયો હતો.

આ પત્ર શાઈસ્તાએ 27 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને લખ્યો હોવાનું કહેવાઈ રહ્યું હતું.

પત્રમાં શાઈસ્તાના નામે ‘તેમના પરિવારજનોની હત્યાની આશંકા’ વ્યક્ત કરાઈ હતી.

આ પત્રમાં લખાયું હતું કે ઉમેશ પાલના મર્ડર કેસમાં અતીક અને અશરફને ફસાવાઈ રહ્યા છે.

પત્રમાં ઉત્તર પ્રદેશના મંત્રી નંદગોપાલ ગુપ્તાને ઉમેશ પાલની હત્યાના કથિત ‘મુખ્ય કાવતરાખોર’ ગણાવાયા હતા.

આ પત્રમાં શાઈસ્તાના નામે લખાયું હતું કે, “જો તમે (યોગી આદિત્યનાથ) આ મામલામાં દખલ નહીં દો તો મારા પતિ, મારા દિયર અને મારા પુત્રોની હત્યા થશે.”

પોલીસ શાઈસ્તાને શોધી રહી છે પરંતુ કહેવાઈ રહ્યું છે કે અતીકના મૃત્યુ બાદ તેઓ ઇધાહની વિધિ અનુસરી રહ્યાં હોવાથી તેમને પકડવું વધુ મુશ્કેલ બની શકે છે, કારણ કે આ વિધિ દરમિયાન કોઈને તેમનાથી મળવાની પરવાનગી આપી શકાય નહીં.

બીબીસી ગુજરાતી

ઉમેશ પાલની હત્યા મામલે નામ કેવી રીતે ખૂલ્યું?

પોલીસનાં સૂત્રો અનુસાર શાઈસ્તા ઉમેશ પાલની હત્યા પહેલાં ગુજરાતના અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં અતીકને મળવા ગયાં હતાં.

જ્યાં બંનેએ કથિતપણે ઉમેશ પાલની હત્યા કરાવવા મામલે વાતચીત કરી હતી.

વાતચીત આગળ વધારવા માટે અતીકે કથિતપણે શાઈસ્તાને જેલમાં એક પોલીસવાળાના હાથે મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મોકલાવવા કહ્યું. ફોન મળ્યા બાદ અતીકે તેનો ઉપયોગ શૂટરો સાથે વાત કરવા અને હત્યાકાંડની યોજના ઘડવા માટે કર્યો હતો.

નોંધનીય છે કે અતીકનાં પત્ની શાઈસ્તાની માફક આ હત્યાકાંડના અન્ય આરોપી અને શૂટર ગુડ્ડુ મુસ્લિમ, સબીર અને અરમાન પણ હજુ પોલીસની પકડથી દૂર છે.

શાઈસ્તા અમુક દિવસ બાદ સરેન્ડર કરે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ અનુસાર અતીકના ભાઈ અશરફનાં પત્નીને પોલીસે છોડી દીધાં છે.

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા અશરફનાં પત્ની ઝૈનબ ફાતિમા, તેમનાં ભાભી આયેશા નૂરી અને ભત્રીજી ઉંજિલ નૂરીને પોલીસે તેમના પિયર હતવા ખાતેથી પકડ્યાં હતાં. તેમને ત્રણ દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ છોડી દેવાયાં. કારણ કે આ સમગ્ર મામલે તેમની ભૂમિકા સ્પષ્ટ થઈ શકી નહોતી.

રેડ લાઇન
રેડ લાઇન