માણસના મોત પછી તેના સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું થાય છે?

મૃત્યુ પામેલી વ્યક્તિના સગાસંબંધી તેના અવસાનની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ન આપે ત્યાં સુધી અકાઉન્ટ જીવંત અને સક્રિય રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૃત્યુ પામેલી વ્યક્તિના સગાસંબંધી તેના અવસાનની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ન આપે ત્યાં સુધી અકાઉન્ટ જીવંત અને સક્રિય રહે છે
    • લેેખક, સેલિન ગિરિટ, ગ્રુજિકા એન્ડ્રિક
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

"કેટલાક લોકોને ખબર ન હતી કે મૅથ્યુ મૃત્યુ પામ્યા છે. તેમણે તેના બર્થ ડેનું નોટિફિકેશન જોયું અને તેમની વૉલ પર હૅપી બર્થ ડે લખવા લાગ્યા. આવું થાય તે વાસ્તવમાં સારું લાગતું નથી."

હેલી સ્મિથના પતિ મૅથ્યુ 33 વર્ષની વયે કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું કરવું તે બાબતે હેલી મૂંઝવણમાં હતાં.

બ્રિટનમાં રહેતાં સખાવતી કાર્યકર હેલી કહે છે, "મેં મૅથ્યુના ફેસબુક અકાઉન્ટને મેમોરિયલ પેજમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફેસબુકના સંચાલકોએ મને મૅથ્યુના મૃત્યુનું પ્રમાણપત્ર લોડ કરવા જણાવ્યું હતું."

"મેં 20થી વધુ વખત એવું કર્યું હતું, પરંતુ કંઈ થતું નથી. મારી પાસે ફેસબુકનો સંપર્ક કરવાની અને આ સમસ્યાના નિરાકરણની શક્તિ નથી."

મેમોરિયલાઇઝ્ડ અકાઉન્ટ શું છે?

હેલી સ્મિથના પતિ મેથ્યુને જુલાઈ 2016માં 28 વર્ષની ઉંમરે સ્ટેજ 4 ગ્લિઓબ્લાસ્ટોમા હોવાનું નિદાન થયું હતું
ઇમેજ કૅપ્શન, હેલી સ્મિથના પતિ મેથ્યુને જુલાઈ 2016માં 28 વર્ષની ઉંમરે સ્ટેજ 4 ગ્લિઓબ્લાસ્ટોમા હોવાનું નિદાન થયું હતું

ટેકનૉલૉજી ક્ષેત્રે થયેલી પ્રગતિ અને સમગ્ર વિશ્વમાં અબજો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વ્યક્તિના મૃત્યુ પછી તેની ઑનલાઇન પ્રેઝન્સનું શું થાય છે તે ચર્ચાનો વિષય બન્યું છે.

મૃત્યુ પામેલી વ્યક્તિના સગાસંબંધી તેના અવસાનની માહિતી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સને ન આપે ત્યાં સુધી અકાઉન્ટ જીવંત અને સક્રિય રહે છે.

સગાસંબંધીઓ દ્વારા આવી જાણ કરવામાં આવે એ પછી કેટલાક સોશિયલ પ્લૅટફૉર્મ્સ પ્રોફાઇલ બંધ કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે, જ્યારે કેટલાક અન્ય વિકલ્પ આપે છે.

દાખલા તરીકે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટા મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે ત્યારે મૃતકનું અકાઉન્ટ ડિલીટ કરી નાખે છે અથવા તે મેમોરિયલાઈઝ્ડ (સ્મરણાત્મક) બની શકે છે. તે અકાઉન્ટ સ્થગિત થઈ જાય છે અને યુઝરને યાદ રાખે છે તથા લોકોને તેના પર ફોટોગ્રાફ્સ અને સ્મૃતિઓ પોસ્ટ કરવાની છૂટ આપે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુઝરના નામની બાજુમાં "ઇન મેમોરિયમ" મેસેજ દેખાય છે અને ઓરિજિનલ યુઝરે લેગસી કૉન્ટેક્ટ એટલે કે તેના પરિવારના સભ્ય અથવા દોસ્તને તે અકાઉન્ટ મેનેજ કરવા અધિકૃત ન કર્યા હોય તો તે અકાઉન્ટમાં કોઈ લૉગ ઇન કરી શકતું નથી તેમજ પ્રોફાઇલને નિષ્ક્રિય કરવા જણાવી શકતું નથી.

ફેસબુકમાં "People You May Know" ટૅબ પર સંભવિત વર્ચ્યુઅલ મિત્રોને મેમોરિયલાઇઝ્ડ અકાઉન્ટ્સની ભલામણ કરવામાં આવતી નથી અને મૃત વ્યક્તિના ફ્રેન્ડ્ઝ લિસ્ટ પરના લોકોને તેમના જન્મદિવસ વિશે સૂચિત કરવામાં આવતા નથી.

યુટ્યૂબ, જીમેલ અને ગૂગલ ફોટોઝની માલિક કંપની ગૂગલ તેના યુઝર્સને, જો તેમનું અકાઉન્ટ નિર્ધારિત સમયગાળા માટે નિષ્ક્રિય હોય તો તેમના ડેટાનું શું થશે તે નક્કી કરવા, ઇનઍક્ટિવ અકાઉન્ટ સેટિંગ્ઝ બદલવાનો વિકલ્પ આપે છે.

ઍક્સ (અગાઉનું ટ્વિટર) મૃતકની સ્મૃતિમાં પ્રોફાઇલ સાચવવાનો વિકલ્પ આપતું નથી. મૃત્યુના કિસ્સામાં અથવા તો માલિકની તેનો ઉપયોગ કરવાની અસમર્થતાના કિસ્સામાં જ અકાઉન્ટને નિષ્ક્રિય કરવાનું શક્ય હોય છે.

બીબીસી વર્લ્ડ સર્વિસના ટેકનૉલૉજી સંવાદદાતા જો ટિડી કહે છે, "અનેક અભિગમ છે, પરંતુ તમામ કંપનીઓ મૃતકની ગોપનિયતાને અગ્રતા આપે છે."

"લૉગ ઇનની ડિટેલ્સ શેર કરવામાં આવતી નથી અને કેટલીક વિશિષ્ટ વિનંતી વડે જ પિક્ચર્સ તથા વીડિયોઝ ઍક્સેસ કરી શકાય છે. તેમાં કેટલીકવાર અદાલતના આદેશની જરૂર હોય છે."

તેઓ ઉમેરે છે કે ટિકટૉક અને સ્નૅપચેટ જેવા કેટલાક નવા સોશિયલ પ્લૅટફૉર્મ્સમાં આવી કોઈ જોગવાઈ નથી.

આપણે ડિજિટલ લેગસી વિલ તૈયાર કરવું જોઈએ?

 વ્યક્તિએ તેના મૃત્યુ પછી તેના સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું થશે એ જરૂર વિચારવું જોઈએ
ઇમેજ કૅપ્શન, વ્યક્તિએ તેના મૃત્યુ પછી તેના સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું થશે એ જરૂર વિચારવું જોઈએ

સાયબર ક્રાઇમના નિષ્ણાત અને સર્બિયાના ગૃહ મંત્રાલયના હાઈ-ટેક ક્રાઇમ વિભાગનાં ભૂતપૂર્વ વડા સાસા ઝિવાનોવિક ચેતવણી આપે છે કે ડેટા, ફોટોગ્રાફ્સ અથવા અન્ય સામગ્રી ખોટા હાથમાં પહોંચી જાય તો મૃત્યુ પામેલા યુઝરની ઍક્ટિવ પ્રોફાઇલ્સ સમસ્યા સર્જી શકે છે.

પ્રોફાઇલનો કેટલોક ડેટા ડાઉનલોડ કરીને જ નહીં, પરંતુ આખા અકાઉન્ટ પર નિયંત્રણ મેળવીને પણ એવું કરી શકાય છે.

સાસા કહે છે, "ફોટોગ્રાફ્સ, ડેટા અને વીડિયોનો ઉપયોગ બનાવટી નામે ખોટા અકાઉન્ટ બનાવવા અને વ્યક્તિના મૃત્યુથી અજાણ તેના પરિચિતો તથા દોસ્તો પાસેથી પૈસા પડાવવા માટે થઈ શકે છે."

બ્રિટનમાં ડિજિટલ લેગસી એસોસિએશનના પ્રમુખ જેમ્સ નૉરિસ ભારપૂર્વક જણાવે છે કે સોશિયલ નેટવર્ક્સ પર અપલોડ કરવામાં આવતી સામગ્રી બાબતે વિચારવું અને શક્ય હોય ત્યારે બૅક અપ લેવું દરેક વ્યક્તિ માટે મહત્ત્વનું છે.

તેઓ ઉદાહરણ આપતાં જણાવે છે કે ફેસબુક પર તમે તમારા ફોટોગ્રાફ્સ અને વીડિયોની સંપૂર્ણ આર્કાઇવ ડાઉનલોડ કરી શકો છો તેમજ તેને તમારા નજીકના સંબંધીઓને મોકલી શકો છો.

જેમ્સ નોરિસ કહે છે, "મને જીવલેણ બીમારી હોવાનું નિદાન થયું હોય અને મારું નાનું સંતાન ફેસબુક પર ન હોય તો હું કદાચ મારા તમામ ફોટોગ્રાફ્સ અને વીડિયો ડાઉનલોડ કરી શકું, મેસેજીસ હટાવી શકું, કારણ કે મારા પ્રાઇવેટ મેસેજીસ મારું સંતાન જુએ, મારા મનપસંદ ફોટોગ્રાફ્સ ક્યુરેટ કરે અને દરેક બાબતે એક સ્ટોરી લખે તેવું હું ઇચ્છતો નથી."

તેઓ માને છે કે વ્યક્તિએ તેના મૃત્યુ પછી તેના સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું થશે એ જરૂર વિચારવું જોઈએ. તેઓ લોકોને ડિજિટલ લેગસી તૈયાર કરવાની સલાહ આપે છે.

"સોશિયલ નેટવર્કિંગ આખરે તો એક બિઝનેસ છે," એમ કહેતાં તેઓ ઉમેરે છે, "આ પ્લૅટફૉર્મ્સ તમારા ડિજિટલ વારસાના સંરક્ષક નથી. તમારા ડિજિટલ વારસાના સંરક્ષક તમે પોતે છો."

તેઓ એવું પણ માને છે કે મૃતકના શોકગ્રસ્ત સ્વજનો માટે આ પ્રક્રિયાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ સરળ બનાવી શકે.

તેઓ કહે છે, "પ્લૅટફૉર્મ્સ શું પ્રદાન કરે છે, ક્યા ટૂલ્સ ઉપલબ્ધ છે એ વિશેની જાગૃતિ લાવવા જેવી બાબતો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેના અસ્તિત્વ વિશે દરેક વ્યક્તિ માહિતગાર હોતી નથી."

‘ડિજિટલ લેગસી માત્ર સોશિયલ મીડિયા પૂરતી નથી’

આપણે કોની ડિજિટલ માલિકી ધરાવીએ છીએ અને તેનું શું થવું જોઈએ એ બાબતે વિચારવાનું શરૂ કરવું મહત્ત્વપૂર્ણ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપણે કોની ડિજિટલ માલિકી ધરાવીએ છીએ અને તેનું શું થવું જોઈએ એ બાબતે વિચારવાનું શરૂ કરવું મહત્ત્વપૂર્ણ છે

ગંભીર બીમારી ધરાવતા લોકો અને તેમના પ્રિયજનોની સંભાળ રાખતી તથા સહાય પૂરી પાડતી બ્રિટનની સખાવતી સંસ્થા મેરી ક્યુરીમાં રિસર્ચ નર્સ તરીકે કાર્યરત સારાહ એટનલી કહે છે, "ડિજિટલ લેગસી બહુ મોટો વિષય છે."

તેઓ ભારપૂર્વક જણાવે છે કે લોકોએ માત્ર તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ વિશે જ નહીં, પરંતુ તેમની પાસેની ડિજિટલ માલિકીની દરેક વસ્તુ અને મૃત્યુ બાદ તેનું શું થશે એ બાબતે વિચારવાની જરૂર છે.

તેઓ કહે છે, "ડિજિટલ ફોટોગ્રાફ્સ અને વીડિયોઝમાં ઘણી બધી યાદો હોઈ શકે છે. આપણે બેન્કિંગના સંદર્ભમાં હવે ઘણું બધું ઑનલાઇન ફાઇનાન્શિઅલ મેનેજમેન્ટ કરીએ છીએ."

"પ્લેલિસ્ટ બનાવવા માટે મ્યુઝિક અકાઉન્ટ્સ જનરેટ કરવામાં આવે છે. ઑનલાઇન ગેમિંગના ઉપયોગમાં પણ વધારો થયો છે. તેમાં લોકો પોતાના અવતાર બનાવવા અને ઑનલાઇન સ્પેસમાં રહેવામાં ઘણો સમય તથા શક્તિ વાપરે છે."

તેઓ ઉમેરે છે, "તેથી મને લાગે છે કે ડિજિટલ લેગસી માત્ર સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત નથી એમ કહેવું યોગ્ય છે."

આપણે કોની ડિજિટલ માલિકી ધરાવીએ છીએ અને તેનું શું થવું જોઈએ એ બાબતે વિચારવાનું શરૂ કરવું મહત્ત્વપૂર્ણ છે, એ વાત સાથે તેઓ સહમત થાય છે.

તેઓ કહે છે, "કોઈ આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નિયંત્રણ મેળવી લે એવું આપણે ઇચ્છીએ છીએ? આપણે એવું ઇચ્છીએ છીએ કે કોઈ તેને મેમોરિયલાઇઝ કરે? આપણે આપણાં સંતાનોને આપણા ડિજિટલ ફોટોગ્રાફ્સનું આલ્બમ આપવા ઇચ્છીએ છીએ?"

"કે પછી અગાઉ લોકો પ્રિન્ટેડ ફોટો આલ્બમ બનાવતા હતા તેવું આલ્બમ આપણા મૃત્યુ પછી કોઈને આપવા ઇચ્છીએ છીએ? ડિજિટલ લેગસી એક એવી બાબત છે, જેના વિશે નિશ્ચિત રીતે વિચારવાની તથા વાત કરવાની જરૂર છે."

જોકે, હેલી અને મૅથ્યુ માટે આ બાબતે ચર્ચા કરવાનું આસાન ન હતું.

હેલી અને મૅથ્યુ
ઇમેજ કૅપ્શન, હેલી અને મૅથ્યુ

હેલી કહે છે, "મૅથ્યુ મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે મેં આ બાબતે તેમની સાથે વાત કરી ન હતી, કારણ કે તેઓ મૃત્યુ વિશે વાત કરવા ઇચ્છતા ન હતા."

"એ શક્ય હોય તેટલું જીવવા ઇચ્છતા હતા, પરંતુ તે ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. તેમનું અસલ વ્યક્તિત્વ ખોવાઈ ગયું હતું. તેથી તેઓ મારા સવાલોનો જવાબ આપી શકતા ન હતા."

જુલાઈ, 2016માં 28 વર્ષની વયે મૅથ્યુને સ્ટેજ ફોર ગ્લિઓબ્લાસ્ટોમા હોવાનું નિદાન થયું ત્યારે તેમના લગ્નને માત્ર એક વર્ષથી થોડો વધુ સમય થયો હતો.

"તમારું જીવન કાયમ માટે બદલાઈ જવાનું છે, પરંતુ બહેતર થવાનું નથી, એમ કહેતાં ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે મૅથ્યુને મગજમાં ગાંઠ છે અને તેને તાત્કાલિક જીવનરક્ષક સર્જરીની જરૂર છે."

સર્જરી અને એ પછીની કીમોથેરપી સારી રીતે ચાલી હોવા છતાં ગાંઠ ફરી વધી ગઈ હતી અને પછી તેમને જણાવી દેવાયું હતું કે મૅથ્યુના જીવનમાં માત્ર એક વર્ષ બાકી રહ્યું છે.

હેલી કહે છે, "અમારા બિલ પર, અમારી પાસે જે હતું તે બધા પર, દરેક વસ્તુ પર તેનું નામ હતું."

"તેથી મારે બધું ટ્રાન્સફર કરવું પડ્યું હતું અને એ ખૂબ મુશ્કેલ હતું. તમામ ડિજિટલ એડમિન કરવા માટે મને લગભગ 18 મહિના થયા હતા. એ બધું કરવું જરૂરી હતું."

હેલીના કહેવા મુજબ, તેઓ હજુ પણ મૅથ્યુના ફેસબૂક પેજને મેમોરિયલાઈઝ કરવા ઈચ્છે છે, પરંતુ હાલ તેઓ એ દિશામાં કશું કરતા નથી.

તેઓ કહે છે, "મને લાગે છે કે મૃત્યુના પ્રમાણપત્ર જેવા દસ્તાવેજને સતત જોતા રહેવું ખરેખર પીડાદાયક છે. તેથી જ એવું કરવાનું હું ટાળી રહી છું, કારણ કે તે કાગળનો એક ભયાનક નાનો ટુકડો છે."

"મને લાગે છે કે તે ખરેખર ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને કંપનીઓએ શોકગ્રસ્ત લોકો માટે તેને સરળ બનાવવી જોઈએ," હેલી કહે છે.