કાશી અને મથુરાઃ શું પૂજા સ્થળ સંબંધી કાયદો અર્થહીન બની ગયો છે?

જ્ઞાનવાપી મસ્જિદ
ઇમેજ કૅપ્શન, જ્ઞાનવાપી મસ્જિદ
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાબતે ગયા સપ્તાહે આપેલા ચુકાદાને પગલે અનેક સવાલ થઈ રહ્યા છે.

અદાલતે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દેતાં એવો આદેશ આપ્યો હતો કે પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ (પૂજા સ્થળ સંબંધી કાયદો)ના આધારે હિન્દુ પક્ષની અરજી ફગાવી શકાય નહીં.

અદાલતનું કહેવું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ એક મંદિર ઉપર બનાવવામાં આવી હતી અને હિન્દુઓને તેના પુનરોદ્ધાર, મંદિર નિર્માણ અને અહીં પૂજા કરવાનો અધિકાર આપવો એ પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ, 1991 હેઠળ પ્રતિબંધિત નથી.

અદાલતે કહ્યું હતું, "જ્ઞાનવાપી પરિસરનું કાં તો હિન્દુ ધાર્મિક ચરિત્ર છે અથવા મુસ્લિમ ધાર્મિક ચારિત્ર્ય. બન્ને એકસાથે હોઈ શકે નહીં. બન્ને પક્ષોની અપીલને ધ્યાનમાં રાખીને અદાલતે આ ધાર્મિક ચરિત્ર નક્કી કરવું પડશે."

બાબરી મસ્જિદ – રામ મંદિર આંદોલન વખતે બનાવવામાં આવેલા આ કાયદાનો હેતુ ભવિષ્યમાં બીજા કોઈ મંદિર – મસ્જિદ વિવાદને રોકવા માટેનો હતો.

જોકે, આ કાયદો વારાણસીમાં કાશી વિશ્વનાથ અને મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરો માટે કેસ દાખલ થતો રોકવામાં નિષ્ફળ રહ્યો હતો.

અલાહાબાદ હાઈકોર્ટના આદેશની કેટલાક કાયદા નિષ્ણાતોએ ટીકા કરી છે. તેઓ માને છે કે 1991ના કાયદા હેઠળ આ મામલાને ફગાવી દેવાની જરૂર હતી.

જ્ઞાનવાપી કેસ

જ્ઞાનવાપી મસ્જિદ
ઇમેજ કૅપ્શન, જ્ઞાનવાપી મસ્જિદ પરિસર

અલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ મસ્જિદ કમિટી તરફથી પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમાં દલીલ કરવામાં આવી હતી કે પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટને લીધે જ્ઞાનવાપી મસ્જિદ સંબંધી તમામ મામલાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અનેક હિન્દુઓએ 1991માં એક અરજી દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે મસ્જિદનો એક મોટો હિસ્સો સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વરના મંદિર ઉપર બનાવવામાં આવ્યો હતો અને ત્યાં દેવી-દેવતાઓની અનેક ‘દૃશ્યમાન તથા અદૃશ્ય’ મૂર્તિઓ પણ હતી.

તેમાં જણાવ્યા મુજબ, ઔરંગઝેબના શાસન કાળમાં તેને નષ્ટ કરી નાખવામાં આવી હતી.

એ હિસ્સાઓને હિન્દુ દેવતાઓની સંપત્તિ જાહેર કરવાનો આદેશ આપવાની માગ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી અને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હિન્દુઓને અહીં મંદિરના પુનર્નિમાણનો અને પૂજાપાઠ કરવાનો અધિકાર છે.

આ મસ્જિદ પર મુસ્લિમોને કોઈ અધિકાર નથી, તેવું જાહેર કરવાની માગણી પણ અરજીમાં કરવામાં આવી હતી.

આ કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારેથી મસ્જિદ કમિટીનું વલણ સ્પષ્ટ રહ્યું છે કે 1991ના કાયદા હેઠળ આ અરજીઓ વર્જિત છે.

કાયદો શું કહે છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ – 1991 જણાવે છે કે આઝાદીના સમયનાં તમામ પૂજા સ્થળનું ધાર્મિક ચરિત્ર યથાવત રહેશે અને તેને બદલી શકાશે નહીં.

તેના હેતુ અને કારણમાં જણાવવામાં આવ્યું છે કે "પૂજા સ્થળોમાં પરિવર્તનથી સર્જાનારા વિવાદને રોકવા અને સાંપ્રદાયિક સદ્ભાવ તથા શાંતિ જાળવી રાખવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો."

તેમાં આગળ જણાવવામાં આવ્યું છે કે આઝાદી સમયે મોજુદ કોઈ પણ પૂજા સ્થળનું ધાર્મિક ચરિત્ર બદલવા માટે કોઈ કેસ દાખલ કરી શકાશે નહીં.

જોકે, આ કાયદો બાબરી મસ્જિદ – રામ જન્મભૂમિ વિવાદમાં લાગુ થતો નથી.

તેથી મસ્જિદ કમિટીએ દલીલ કરી હતી કે આઝાદીના સમયે જ્ઞાનવાપી મસ્જિદ એક મસ્જિદ હતી. તેના ધાર્મિક ચરિત્રને બદલી શકાય નહીં.

તેનો વિરોધ કરતાં હિન્દુ પક્ષે જણાવ્યું હતું કે પહેલાં એ નક્કી કરવું જોઈએ કે વર્તમાન સમયમાં તેનું ધાર્મિક ચરિત્ર શું છે.

તેમણે દલીલ કરી હતી કે "એક સમયે જે મંદિર હોય તે કાયમ માટે મંદિર જ રહે છે. તેને ધ્વસ્ત કરવામાં આવે તો પણ ગુમ કરી શકાતું નથી."

રામ જન્મભૂમિ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ કાયદાની ચર્ચા કરી હતી.

અદાલતે જણાવ્યું હતું કે લોકો કાયદો પોતાના હાથમાં લઈને ઐતિહાસિક ભૂલોને સુધારી શકે નહીં.

સંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, "ઇતિહાસ અને તેની ભૂલોનો ઉપયોગ વર્તમાન તથા ભવિષ્યને દબાવવા માટેના હથિયાર તરીકે કરવામાં આવશે નહીં."

અદાલતે શું કહ્યું હતું?

જ્ઞાનવાપી મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

અદાલતે હિન્દુ પક્ષની દલીલો સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે આ કાયદો માત્ર પરિવર્તન અને પૂજા સ્થળને જ પરિભાષિત કરે છે, "સ્થળના ધાર્મિક ચરિત્રને નહીં."

અદાલતે એમ પણ જણાવ્યું હતું કે હિન્દુ જ્ઞાનવાપી મસ્જિદના ધાર્મિક ચરિત્રને બદલવાની માગ કરતા નથી, પરંતુ આ સ્થળ એક હિન્દુ મંદિર હતું એવું જાહેર કરવાની માગ જ કરી રહ્યા છે. અદાલત માત્ર સ્થળના ધાર્મિક ચરિત્રને નિર્ધારિત કરી શકે.

કોર્ટના જણાવ્યા મુજબ, આ માટે પુરાવા એકઠા કરવાની જરૂર છે અને તેથી અમે ભારતીય પુરાતત્ત્વ વિભાગને સરવે કરાવવાનો આદેશ આપ્યો હતો.

કાયદાનો ઉપયોગ

જ્ઞાનવાપી મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

1991ના કાયદાને પસાર કરાવવા અને રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી છતાં મસ્જિદ મંદિર હોવાનો દાવો કરતા કેસ અટક્યા ન હતા.

અત્યારે આવા બે મોટા કેસ છે, જેમાં એક વારાણસી અને બીજો મથુરાનો છે.

મથુરામાં શાહી ઈદગાહ સંબંધી મામલામાં પણ મસ્જિદ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ મામલાઓ ટકી શકે નહીં. તેણે પોતાના સમર્થનમાં 1991ના કાયદાનો હવાલો પણ આપ્યો હતો.

મથુરામાં આ જગ્યા ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જોકે, અદાલતે આ મામલાઓને ફગાવ્યા નથી. મથુરાના જિલ્લા કોર્ટે 2020માં જણાવ્યું હતું કે આ કાયદો કૃષ્ણ જન્મભૂમિ વિવાદને લાગુ પડતો નથી.

શાહી ઈદગાહ મસ્જિદમાં અદાલતના આદેશ મુજબ સર્વેક્ષણનું કામ પણ ચાલી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે 2020માં એવી મૌખિક ટિપ્પણી કરી હતી કે 1991નો કાયદો કોઈ પૂજા સ્થળના અસલી ધાર્મિક ચરિત્રની શોધ કરતાં અટકાવતો નથી.

અલબત, આ ટિપ્પણી કોઈ આદેશ નથી અને તેથી બાધ્ય પણ નથી, પરંતુ આ પ્રકારના વિચાર અનેક અદાલતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

દરમિયાન અનેક હિન્દુ સમૂહોએ પ્રસ્તુત કાયદાને રદ કરાવવાના પ્રયાસ પણ કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય કૃષ્ણપાલ યાદવે 1991ના કાયદાને રદ્દ કરવાનો ખરડો 2022માં પ્રસ્તુત કરતાં જણાવ્યું હતું કે "પ્રસ્તુત કાયદો આક્રમણકર્તાઓનાં કારનામાઓ સામે હિન્દુઓનો અવાજ દબાવે છે."

એ સિવાય પ્રસ્તુત કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી અનેક અરજીઓ પણ કરવામાં આવી છે. તેમાં એવી દલીલ કરવામાં આવી છે કે પ્રસ્તુત કાયદો બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોની વિરુદ્ધનો છે, કારણ કે તે અન્ય લોકો ઉપરાંત હિન્દુઓને પણ વિપરીત અસર કરે છે.

કાયદાના જાણકારો શું કહે છે?

જ્ઞાનવાપી મસ્જિદ

ઇમેજ સ્રોત, ARRANGED

અનેક નિષ્ણાતો તેને એક પેટર્ન ગણાવે છે. જેમ કે પહેલાં એવો દાવો કરવાનો કે મસ્જિદ પહેલાં મંદિર હતી અને પછી કોર્ટ પાસેથી સર્વેક્ષણની માગણી કરવી.

સર્વેક્ષણમાં એવો સંકેત મળે કે અહીં મંદિર હતું પછી એ સંપત્તિ પર પૂજાપાઠનો દાવો કરવા માટે એવી દલીલ કરવાની કે મંદિરનું ધાર્મિક ચરિત્ર ક્યારેય બદલાતું નથી.

અલાહાબાદ હાઈકોર્ટના નિવૃત્ત વડા ન્યાયમૂર્તિ ગોવિંદ માથુરે કહ્યુ હતું, "એક સ્થળનું ધાર્મિક ચરિત્ર નક્કી કરવા માટે અદાલતે સર્વેનો આદેશ આપવાની જરૂર ન હતી, એવું હું માનું છું. વર્તમાન સમયમાં તે એક મસ્જિદ છે, જ્યાં રોજ નમાજ પઢવામાં આવે છે. તેથી તેમાં નિરીક્ષણની કોઈ જરૂર નથી. કોર્ટે માત્ર એટલું નક્કી કરવાનું હતું કે પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ – 1991 હેઠળ આ મુકદમો વર્જિત છે કે નહીં."

નિવૃત્ત ન્યાયમૂર્તિ માથુરે કહ્યુ હતું, "મારા મતે આ મામલો 1991ના કાયદા હેઠળ વર્જિત હશે. અદાલતો 1991ના કાયદા અનુસાર ન ચાલતી હોય તો એ દુખદ બાબત છે કે તે ધારાસભા દ્વારા બનાવવામાં આવેલા કાયદાને પણ મહત્ત્વ આપતી નથી."

વરિષ્ઠ વકીલ સી યુ સિંહ માને છે કે આ મામલો 1991ના કાયદા હેઠળ વર્જિત હોવો જોઈતો હતો. આવો જ દૃષ્ટિકોણ અપનાવવામાં આવશે તો આ પ્રકારના 3,000 મામલાઓની કતાર લાગશે.

તેમણે કહ્યું હતું, "અદાલતના આદેશે 1991ના કાયદાને મૃતપ્રાય બનાવી દીધો છે. વાદીનું કહેવું હતું કે સેંકડો વર્ષો પહેલાં અહીં એક મંદિર હતું, તેને ઔરંગઝેબના આદેશને પગલે ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી. તેમની દલીલ મુજબ, મૂળ મુદ્દો એ છે કે મંદિરને ધ્વસ્ત કરીને મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ."

સી યુ સિંહના કહેવા મુજબ, "તેમાં એકમાત્ર સંભવિત અંતિમ નિર્ણય એ હતો કે પ્રસ્તુત અરજી 1991ના કાયદા હેઠળ વર્જિત છે."

અદાલતે માત્ર એટલું નક્કી કરવાનું હતું કે 1947ની 15 ઑગસ્ટે તેનું ધાર્મિક ચરિત્ર શું હતું. એ સમયે આ સ્થળ એક મસ્જિદ હતી.

તેમણે ઉમેર્યું હતું, "તેમાં સિવિલ કોર્ટની 25 ઑગસ્ટ, 1937ની એક ડિક્રી પણ છે. તેના પર અલાહાબાદ હાઈકોર્ટે 1942માં મહોર મારી હતી કે મસ્જિદ અને તેનો ચબુતરો વક્ફ બોર્ડની સંપત્તિ હતા તથા મુસ્લિમોને ત્યાં નમાજ કરવાનો અધિકાર છે. ફાઉન્ડેશન અને થોડાં મકાનોથી આગળના મોટા વિસ્તાર પરનો દાવો ફગાવી દેવામાં આવ્યો હતો."

તેમણે કહ્યું હતું, "આ પશ્ચાદભૂમાં એ વાત સ્પષ્ટ છે કે 1947ની 15 ઑગસ્ટે ઉપાસના સ્થળ અને તેનું ધાર્મિક ચરિત્ર એક મસ્જિદનું હતું."