દીકરાનું પાઇલટ બનવાનું સપનું પૂરું કરવા માતા આપી રહી છે બોર્ડની પરીક્ષા

“મેં પૈસા કમાવવા માટે ઘણી જગ્યાએ નોકરી માટે તપાસ કરી, પરંતુ જ્યાં જાઓ ત્યાં બધા એવું જ કહેતા કે જો તું દસમું ધોરણ પાસ હોત તો તને નોકરીએ રાખી લેત. એ સમયે મેં મનમાં નિર્ધાર કરી લીધો કે હવે તો ગમે એ થઈ જાય, પરંતુ હું દસમા ધોરણની પરીક્ષા જરૂર આપીશ.”

આમ કહેતી વખતે દસમા ધોરણની ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહેલાં 27 વર્ષીય ફરહીનના અવાજમાં માટે દીકરાના ઉજ્જ્વળ ભવિષ્ય માટેના મક્કમ નિર્ધાર પડઘાતો હતો.

વડોદરા જિલ્લાના આજવા‌ રોડ વિસ્તારમાં રહેતાં 27 વર્ષીય ફરહીનના ત્રણ વર્ષ પહેલાં તલાક થઈ ગયા હતા અને હાલમાં તેઓ એકલાં જ તેમના સાત વર્ષના દીકરા સાદનો ઉછેર કરી રહ્યાં છે.

ફરહીનને સમજાઈ ગયું હતું કે જો પોતાનું અને બીજા ધોરણમાં ભણતા સાદનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો શિક્ષણ મેળવી પગભર થવા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

પરંતુ પોતાનું સપનું પૂરું કરવાની સાથોસાથ ફરહીને ગુજરાન ચલાવવાની મસમોટી જવાબદારી પણ ભજવવાની હતી.

તેથી બે વર્ષ પહેલાં તેમણે નક્કી કરી લીધું કે કામ કરવાની સાથોસાથ જ ભણવાનું પણ છે. આ વિચાર સાથે તેમણે તેમના ઘરની આસપાસનાં ઘરોમાં જઈને ઘરકામ કરવાનું શરૂ કરી દીધું.

આ સાથે શિક્ષણ મેળવવાના તેમનો હેતુ પાર પાડવાની સફરની શરૂઆત થઈ.

પરંતુ તેમના માટે આ સફર એટલી સહેલી નહોતી.

જુઓ તેમના સંઘર્ષની કહાણી...