અંબાજીના પ્રસાદ મોહનથાળમાં 'અમૂલ'ના નામે બનાવટી ઘી વપરાયું, આવું કેવી રીતે થયું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને ફરી એક વાર વિવાદ થયો છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મંદિરમાં પ્રસાદ માટે વપરાતું ઘી બનાવટી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રસાદ માટેનું ઘી મોકલાવી રહેલી એક ખાનગી પેઢી વિરુદ્ધ 'અમૂલ'ના નામે બનાવટી ઘી સપ્લાય કરવાની ફરિયાદ દાખલ કરાઈ છે.

રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશને મંદિરને સપ્લાય કરાયેલા ઘીના નમૂના લીધા હતા અને એ ઘી પરીક્ષણ દરમિયાન ગણવત્તાના માપદંડો પર ખરું નહોતું ઊતર્યું.

અહીં એ પણ નોંધનીય છે કે અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને થોડા સમય પહેલાં પણ વિવાદ થયો હતો.

સંચાલકો દ્વારા મંદિરની આગવી ઓળખ સમાન મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ હતી, જેના કારણે ભક્તોમાં મોટા પ્રમાણમાં નારાજગી ફેલાઈ હતી.

આ મામલે ભારે વિવાદ થયા બાદ મંદિરમાં ચીકી સાથે મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે સદીઓથી મોહનથાળનો ભોગ અંબાજીને ધરવાની પરંપરા રહી છે.

અત્યારે શું વિવાદ થયો?

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ મિલ્ક પ્રૉડ્યુસર્સ યુનિયન લિમિટેડ- સાબર ડેરીએ અંબાજી પોલીસ સ્ટેશનમાં મોહિની કેટરર્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અનુસાર મોહિની કેટરર્સ અને તેની સાથે જોડાયેલા અજાણ્યા લોકો ઉત્પાદક તરીકે સાબર ડેરીના નકલી લેબલ મારીને ઘીના ડબ્બાનો સપ્લાય કરતા હતા.

મોહિની કેટરર્સને આરાસુરી અંબાજીમાતા દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી પ્રસાદ બનાવવાનો કૉન્ટ્રાક્ટ અપાયો હતો. એટલે કે પરીક્ષણમાં ફેલ ગયેલા આ ઘીમાંથી જ પ્રસાદ બનતો હતો.

પોલીસે આઇપીસીની કલમો 420 (છેતરપિંડી), 482 અને 120-બી હેઠળ ફરિયાદ નોંધી છે.

ઘીના નમૂનાઓ નિષ્ફળ જતાં 2820 કિલો એટલે કે કુલ 8 લાખ રૂપિયાનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે.

કોણે શું કહ્યું?

સાબર ડેરી એ ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ)નું સભ્ય છે જે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.

જીસીએમએમએફના મૅનેજિંગ ડાયરેક્ટર જયેન મહેતાએ કહ્યું છે કે અમારા કોઈ પણ સભ્યો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી અને બજારમાં મળતું અમૂલનું ઘી એ ઉત્તમ ગુણવત્તા અને માપદંડો પર ખરું ઊતરે છે.

ગુજરાત ફૂડ ઍન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ.જી. કોશિયાએ એ વાતની પુષ્ટિ કરી છે કે આ કેટરિંગ ફર્મને આરાસુરી અંબાજીમાતા દેવસ્થાનમ્ ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પ્રસાદ બનાવવા માટે કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આ મુદ્દે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચૅરમૅન વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, "ભાદરવી પૂનમના મેળા દરમિયાન વધુ લોકો અહીં આવતા હોય છે એટલે પ્રસાદ બનાવવા માટે મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો આવતો હોય છે. અમે સમયાંતરે તેમાંથી સેમ્પલ લેતા હોઈએ છીએ. તેમાં 28 ઑગસ્ટે જે સેમ્પલ લેવામાં આવ્યા તે પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા જેના કારણે આખો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો."

"ત્યારબાદ બનાસ ડેરી પાસેથી તાત્કાલિક સારી ગુણવત્તાના ઘીની વ્યવસ્થા કરીને મેળા દરમિયાન ભક્તોને તેમાંથી પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી. ફૂડ અને ડ્રગ્સ વિભાગ હવે તેમના નિયમો મુજબ કાર્યવાહી કરશે, મોહિની કેટરર્સનો કૉન્ટ્રાક્ટ 30 તારીખે પૂરો થતો હતો જેને ફરીથી રિન્યૂ કરવામાં આવ્યો નથી."

આ પ્રસાદ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કૉંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આ મુદ્દે ટ્વીટ કરી સવાલ ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું છે કે, “મોહિની કેટરર્સે ટેન્ડરની શરતોનો ભંગ કરી મંડળી/ડેરીના સ્થાને માધુપુરાના વેપારી પાસેથી ધી ખરીદ્યું તો પણ મંદિરની કમિટીના સરકારી અધિકારીઓ કેમ ચૂપ છે? મંદિરે પોલીસ ફરિયાદ કેમ ન કરી? શું મંદિરની કમિટીના સભ્યો પર પણ પોલીસ તપાસ થવી ન જોઈએ?

આ મામલે આગળ તપાસ વધતા મોહિની કેટરર્સને પણ અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સથી ઘી સપ્લાય કરવામાં આવતું હતું તેમ સામે આવ્યું છે.

મોહિની કેટર્સના મૅનેજર તખતસિંહ રાઠોડ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે અહીં છેલ્લા પાંચ વરસથી કામગીરી કરીએ છીએ. 100થી 200 વાર નમૂના લીધા છે, પણ ક્યારેય કોઈ ઘીનો નમૂનો ફેલ ગયો નથી. આ પહેલી વાર નમૂનો ફેલ થયો છે."

"અમે જેની પાસેથી લીધું એ ક્યાંથી લાવ્યા એની અમે તપાસ કરી રહ્યા છીએ. અમે મંદિરની સાથે છીએ અને સહકાર આપીએ છીએ. અમે પોલીસ ફરિયાદની કૉપી લઈશું અને એમાં શું લખ્યું એ છે એ જોઈશું અને પછી કાયદાકીય કાર્યવાહી કરીશું."