ગુજરાતમાં અચાનક ઓરીનો વાવર કેમ જોવા મળી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગત શુક્રવારે સંસદના શિયાળુસત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરાયેલ માહિતી અનુસાર ગુજરાતમાં ઓરી સાથે સંબંધિત નવ મૃત્યુ નોંધાયાં હતાં. જે સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર (13) પછી સૌથી વધુ હતાં.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રલાય અનુસાર ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ઓરીના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે.
ઓરીના કેસોમાં વધારો થતાં ગુજરાત સહિત આ રાજ્યોમાં કેન્દ્રની નિષ્ણાતોની ટીમો પણ દોડાવાઈ હતી.
જો આંકડાની વાત કરીએ તો 'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર સમગ્ર રાજ્યાં 13 જિલ્લા અને પાંચ શહેરોમાં ઓરીનો પ્રકોપ જોવા મળ્યો છે.
- આઠ જિલ્લા અને ત્રણ શહેરોમાં 10,708 બાળકોને તાવ અને ત્વચા પર ફોલ્લીઓની સમસ્યા જોવા મળી છે.
- 33 જિલ્લા અને આઠ શહેરોમાં બાળકોમાં 4,183 શંકાસ્પદ કિસ્સા મળી આવ્યા છે.
- કુલ કેસો પૈકી 27 જિલ્લા અને આઠ શહેરોમાંથી 810 કન્ફર્મ કેસો સામે આવ્યા છે.
અહીં નોંધનીય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં અનુક્રમે 1,235, 436 અને 165 શંકાસ્પદ કેસો જોવા મળ્યા હતા. જ્યારે કન્ફર્મ કેસોની સંખ્યા આ ત્રણેય શહેરોમાં અનુક્રમે 457, 86 અને 11 હતી.

ઓરીના વાવરનાં કારણો

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનનાં ભૂતપૂર્વ પ્રમુખ અને પીડિયાટ્રિશિયન ડૉ. મોના દેસાઈ માને છે કે ગુજરાતમાં ઓરીના કેસોમાં અચાનક વધારો એ બાળકોમાં ઓછી રોગપ્રતિકારક શક્તિ, કુપોષણ અને કોરોના દરમિયાન રસી મુકાવામાં થયેલ વિલંબને કારણે જોવા મળ્યો હોઈ શકે.
તેઓ કહે છે કે, “હાલ જોવા મળેલ વધારો એ કદાચ બદલાતી સિઝનને કારણે પણ હોઈ શકે. કારણ કે કોઈ પણ વાઇરલ ચેપ આ સમયગાળા દરમિયાન લાગવાની સંભાવના વધુ હોય છે.”
ડૉ. દેસાઈ આગળ જણાવે છે કે, “બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેથી બદલાતી સિઝનમાં આવા રોગચાળાનું પ્રમાણ વધવાની સંભાવના હોય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઓરીના કેસોમાં થયેલ અચાનક વધારા અંગે વધુ વાત કરતાં તેઓ જણાવે છે કે, “બાળકોમાં કુપોષણની સમસ્યા અને હાઇજિનને લગતા મુદ્દાઓને લીધે પણ આ પ્રકારના રોગચાળાનું પ્રમાણ વધારે નોંધાયું હોઈ શકે.”
આ સિવાય તેઓ કોરોનાના સમય દરમિયાન માતાપિતાએ બાળકોને ઓરીની રસી મુકાવામાં કરેલ વિલંબને પણ હાલ વધી રહેલા ઓરીના કેસો માટે કારણભૂત માને છે.
તેઓ કહે છે કે, “કોરોનાના સમયને કારણે ઘણાં બાળકોની ઓરી અને અન્ય રોગ સામે પ્રતિકારક શક્તિ વિકસાવા માટેની રસી મોડી થઈ ગઈ છે. જેના કારણે બાળકો વધુ પ્રમાણમાં આ રોગનો શિકાર બની રહ્યાં છે.”
આ તમામ કારણો જણાવાની સાથે તેઓ એ વાતે પણ ભાર મૂકે છે કે ઓરીના કેસોમાં થયેલ વધારાને હવે 'નિયંત્રિત કરી શકાયો' છે.
આવી જ રીતે રાજકોટમાં પાછલાં 30 વર્ષથી કન્સલ્ટિંગ પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત્ અને બોકાડ હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. મેહુલ મિત્રા પણ કોરોનાના સમયના કારણે બાળકોના વૅક્સિનેશનના દરમાં આવેલ ઘટાડાને હાલના ઓરીના વાવર માટે કારણભૂત માને છે.
તેઓ કહે છે કે, “કોરોનાના સમયમાં બાળકોના રસીકરણમાં મોડું થવાના કારણે આ વાવર અત્યારે વધુ જોવા મળી રહ્યો છે. ઘણા કેસોમાં બાળકોના રસીકરણનું શિડ્યુલ બે વર્ષ પાછળ ચાલી રહ્યું છે.”
ડૉ. મિત્રા ઓરીના હાલ જોવા મળી રહેલા વાવર અંગે કારણ આપતાં આગળ જણાવે છે કે, “દરેક રોગ અમુક સમય બાદ ફરીથી સમાજમાં ફેલાય છે. આ ચક્ર ચાલતું રહે છે. જેમ હર્ડ ઇમ્યુનિટી ઓછી થાય તેમ આ રોગના કેસો સમાજના રોગોમાં દેખાવા લાગે છે.”
હાલ ઓરીના કિસ્સા કેમ શહેરી વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યા છે?
આ પ્રશ્નના જવાબમાં ડૉ. મિત્રા કહે છે કે, “શહેરોમાં વસતીગીચતા વધુ હોય છે તેથી માત્ર ઓરી જ નહીં દરેક રોગ અહીં વધુ પ્રમાણમાં ફેલાઈ શકે તેવું બની શકે.”

સરકારે ફેલાવો રોકવા શું પ્રયત્નો કર્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા સંસદમાં આ અંગે અપાયેલ જવાબમાં કેન્દ્ર સરકારે ઓરીના ફેલાવાને રોકવા માટે લીધેલા પ્રયત્નો અંગે જણાવ્યું હતું.
આ જવાબમાં કહેવાયું હતું કે, “મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત અને કેરળના વિવિધ જિલ્લાઓમાં ઓરીના કેસોમાં અચાનક થયેલ વધારા બાદ મંત્રાલય દ્વારા મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમો મુકાઈ હતી, જેમાં જાહેર આરોગ્યના નિષ્ણાતો, બાળરોગોના નિષ્ણાત અને માઇક્રોબાયૉલૉજિસ્ટ સામેલ હતા. આ નિષ્ણાતોની ટીમોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને અસરગ્રસ્ત રાજ્યોને ટેકનિકલ સહાય પૂરી પાડવાની હતી.”
આ ટીમોએ રાજ્યોમાં રોગ સર્વેલન્સ પ્રવૃત્તિઓ પર વધુ ભાર મૂકવાની જરૂરિયાત નોંધી, આ સિવાય વધુ કાર્યક્ષમ રસીકરણ, રસીકરણ ન કરાવાની વૃત્તિ અંગે ઉપાય, જેમણે રસીકરણ ન કરાવ્યું હોય તેવાં બાળકોનું રસીકરણ થાય તે માટે જાગૃતિ અભિયાન, સમયસર સંભવિત કેસોનું ડિટેક્શન, રેફરલ અને કેસોનું ક્લિનિકલ મૅનેજમૅન્ટ કરવાની વાત ટીમો દ્વારા નોંધાઈ હતી.
કેન્દ્રીય મંત્રાલયે આગળ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, “આ અંગે ટીમોનાં અવલોકનો જે-તે અસરગ્રસ્ત રાજ્યોને જણાવાયાં છે તેમજ તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટે સંકલન કરાયું છે.”

ઓરીનાં લક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
- બાળકોમાં આની શરૂઆતમાં લક્ષણ હોય છે શરદી, તાવ, ઉધરસ, ગળામાં તકલીફ, શરીરમાં દુખાવો, આંખમાં બળતરા, આંખો લાલ થવી.
- પાંચથી સાત દિવસ પછી શરીર પર લાલ ઓરી નીકળે છે. કેટલીક વખત મોઢામાં સફેદ ડાઘ પણ દેખાય છે.
- ઓરીનાં લક્ષણ દેખાતાં ડૉક્ટર સાથે સંપર્ક કરો. બ્લડ ટેસ્ટથી રોગનું નિદાન થઈ શકે છે અને તુરંત દવા શરૂ કરવી જોઈએ.
- ઘરગથ્થુ નુસખામાં ન ફસાવું જોઈએ કારણ કે આ બીમારી વધી શકે છે અને ન્યૂમોનિયા થઈ શકે છે.
- રસી ન લીધી હોય તેવાં બાળકોને ઓરીનો સૌથી વધારે ખતરો રહે છે.
- ત્યાર બાદ, ગર્ભવતીઓને પણ ઓરીથી સંક્રમિત થવાની વધારે સંભાવના હોય છે.
- એ સિવાય કોઈ પણ વ્યક્તિને ઓરી થઈ શકે છે જેમણે આની વૅક્સિન ન લીધી હોય.














