લુપ્ત થવાના આરે આવેલાં એ નાનકડાં પ્રાણીઓ, જેનો 'મેલી વિદ્યા માટે ઉપયોગ થાય છે'

લુપ્તપ્રાય પ્રાણી, મેલીવિદ્યા, પશુ અધિકાર, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, વનજીવન, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, HANDOUT

ઇમેજ કૅપ્શન, આ નાનાં પ્રાણીઓનો મેલીવિદ્યામાં વ્યાપક દુરુપયોગ કરવામાં આવે છે (ફાઇલ ફોટો)
    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 7 મિનિટ

(ચેતવણીઃ આ લેખમાંની કેટલીક વિગત વાચકોને વિલચિત કરી શકે છે)

તામિલનાડુના વન અધિકારીઓએ 23 જાન્યુઆરીના રોજ રાજ્યના મેટ્ટપલયમ ગામમાંના એક વૃદ્ધના ઘરેથી સ્લેન્ડર લોરિસ નામના પ્રાણીનાં બે બચ્ચાંને ઉગાર્યાં હતાં અને વૃદ્ધની ધરપકડ કરી હતી.

તામિલનાડુ વનવિભાગના વન્ય જીવન ગુના નિવારણ એકમના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે આ બચ્ચાંને 'દેવાંગુ શાસ્ત્રમ' નામની ધાર્મિક વિધિ માટે પકડવામાં આવ્યાં હતાં. દેવાંગુ શાસ્ત્રમ વિધિ કરવાથી ઈશ્વર કૃપા અને સમૃદ્ધિ આવતી હોવાનું માનવામાં આવે છે.

પ્રાણીઓના બચાવની કામગીરીમાં સામેલ એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતં કે વનવિભાગે ઉગારેલા બચ્ચાંને 28 જાન્યુઆરીના રોજ અપર અલિયારના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યાં હતાં.

બીબીસી સાથે વાત કરતાં તામિલનાડુનાં પર્યાવરણ તથા વનસચિવ સુપ્રિયા સાહુએ જણાવ્યું હતું કે સ્લેન્ડર લોરિસ પ્રાણીની ગેરકાયદે શિકારને રોકવા માટે રાજ્યના વન્ય જીવ ગુના નિવારણ એકમે વિવિધ પહેલ હાથ ધરી છે. આ એકમ લોકોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરવા માટે જાગૃતિ અભિયાન પણ સક્રિય રીતે ચલાવી રહ્યું છે.

મેલી વિદ્યા અને ધાર્મિક વિધિ માટે પ્રાણીઓનો ઉપયોગ

લુપ્તપ્રાય પ્રાણી, મેલીવિદ્યા, પશુ અધિકાર, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, વનજીવન, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, TNWCCB

ઇમેજ કૅપ્શન, વનવિભાગે ઉગારેલા બચ્ચાંને 28 જાન્યુઆરીના રોજ અપર અલિયારના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યાં હતાં

પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવતાં ઔષધો અને તાંત્રિક વિધિ માટે વિવિધ જંગલી પ્રાણીઓનો ગેરકાયદે શિકાર, યોગ્ય દેખરેખના અભાવે કરવામાં આવે છે.

વન્ય જીવન કર્મશીલ સી. વિમલ રાજેએ બીબીસીને જણાવ્યું હતું કે વન્ય જીવ પ્રજાતિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જે જૈવવિવિધતા માટે મોટો ખતરો છે.

તેમના કહેવા મુજબ, નાનાં સસ્તન, નિશાચર પ્રાણીઓ પર તેની સૌથી વધારે માઠી અસર થઈ રહી છે.

તેમણે ઉમેર્યું હતું, "ઉત્તર તરફ મોં રાખીને બેસતા સ્લેન્ડર લોરિસમાં દુષ્ટ આત્માઓ અથવા શક્તિઓને ખતમ કરવાની શક્તિ હોવાની અંધશ્રદ્ધા પ્રવર્તે છે. એ કારણે તેમના જીવ પર જોખમ સર્જાયું છે."

2022માં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે વનમાનવ જેવાં નાનાં પ્રાણીઓનો ઉપયોગ ઔષધીય હેતુ અને મેલી વિદ્યાની વિધિ માટે કરવામાં આવે છે.

કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાંના 12 અલગ-અલગ અધિવાસોમાં સાત વર્ષથી વધુ સમય સુધી આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તે ભારતમાં આ વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આવાં જીવંત પ્રાણીઓના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ મેલી વિદ્યા તથા અન્ય ધાર્મિક વિધિઓ માટે કરવામાં આવે છે.

તે અભ્યાસ હાથ ધરનાર સંશોધકોની ટીમે આવી પ્રથાથી પ્રભાવિત અને પછી સ્વસ્થ થયેલાં આવાં 139 જીવંત પ્રાણીઓની તપાસ કરી હતી. એ પૈકીનાં 116 પ્રાણીઓમાં તેમનો ઉપયોગ મેલી વિદ્યા માટે કરવામાં આવ્યાનાં અને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાનાં ચિહ્નો સંશોધકોને જોવા મળ્યાં હતાં.

પ્રાણીઓ પર મેલી વિદ્યા કેવી રીતે કરાય છે?

લુપ્તપ્રાય પ્રાણી, મેલીવિદ્યા, પશુ અધિકાર, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, વનજીવન, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, HANDOUT

ઇમેજ કૅપ્શન, પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવતાં ઔષધો અને તાંત્રિક વિધિ માટે વિવિધ જંગલી પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્લેન્ડર લોરિસનાં બચ્ચાંનો ઉગારનાર અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે મેટ્ટુપલયમમાં દેવાંગુ શાસ્ત્રમ નામની વિધિ કરવામાં આવી રહી હતી.

અંધશ્રદ્ધાને કારણે આ નાનાં સસ્તન પ્રાણીઓને અનેક રીતે નુકસાન થઈ શકે છે. આ વિશે વધુ જાણવા માટે, વાઇલ્ડલાઇફ ક્રાઇમ પ્રિવેન્શન યુનિટના બાતમીદારો સાથે બીબીસીએ વાત કરી હતી.

તેમના જણાવ્યા અનુસાર, આ નાનાં પ્રાણીઓનો મેલી વિદ્યામાં વ્યાપક દુરુપયોગ કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું, "મેલી વિદ્યામાં જેમ ઢીંગલીઓનો ઉપયોગ કરવામાં આવે છે, એવી જ રીતે તાંત્રિકો જીવંત સ્લેન્ડર મોરિસનો ઉપયોગ કરે છે. તેઓ આ નાનકડા પ્રાણીના શરીરમાં અનેક સોય ભોંકીને અથવા છરાના ઘા મારીને તેમને ત્રાસ આપે છે."

આ પ્રાણીઓનો ઉપયોગ મેલી વિદ્યા માટે કરવામાં આવતો હોવાની પુષ્ટિ 2022માં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં મળી હતી.

સંશોધકોએ જે પ્રાણીઓની તપાસ કરી હતી તેમના શરીરના અન્ય ભાગો ઉપરાંત આંખો, પગ અને હૃદયમાં નાની-નાની સોય ભોંકવામાં આવી હતી.

બૅંગલુરુના બેનરઘટ્ટા વન્ય જીવ બચાવ અને પુનર્વસન કેન્દ્રમાં વરિષ્ઠ પશુચિકિત્સક અને સંશોધન ટીમનાં સભ્ય રૂપા સતીશે જણાવ્યું હતું કે આવી તાંત્રિક વિધિ મોટા ભાગે અમાસની રાતે કરવામાં આવે છે.

લુપ્તપ્રાય પ્રાણી, મેલીવિદ્યા, પશુ અધિકાર, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, વનજીવન, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, TNWCCB

ઇમેજ કૅપ્શન, 2022માં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે વનમાનવ જેવાં નાનાં પ્રાણીઓનો ઉપયોગ ઔષધીય હેતુ અને મેલી વિદ્યાની વિધિ માટે કરવામાં આવે છે

તાંત્રિક વિધિમાં સ્લેન્ડર લોરિસના ઉપયોગ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, "આ પ્રાણીનું શરીર માનવ આકૃતિ જેવું છે. તેથી તેનો ઉપયોગ ચુડેલની ઢીંગલી તરીકે કરવામાં આવે છે. તેમાં સ્લેન્ડર લોરિસના શરીરમાં અનેક સોય ભોંકવામાં આવે છે. આવાં કૃત્યોનો ભોગ બનેલાં અનેક સ્લેન્ડર લોરિસની સારવાર મેં કરી છે."

"શરૂઆતમાં અમને એવું લાગ્યું હતું કે પ્રાણીના શરીરમાંની ઈજા અકસ્માત અથવા અન્ય પ્રાણીઓના હુમલાને કારણે થઈ હશે, પરંતુ અમે બચાવેલાં મોટાં ભાગનાં સ્લેન્ડર લોરિસના શરીર પરની ઈજાઓમાં સમાનતા હતી. એક નિશ્ચિત પૅટર્ન અનુસાર તે કૃત્ય કરવામાં આવ્યું હતું," એમ પણ તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે કેટલાક લોકો તાંત્રિક વિધિ માટે સ્લેન્ડર લોરિસનો ઉપયોગ ગેરકાયદેસર કરી રહ્યા છે.

વાઇલ્ડલાઇફ ક્રાઇમ પ્રિવેન્શન યુનિટના બાતમીદારાઓ બીબીસીને કહ્યું હતું, "આ પ્રાણીના શરીરના કેટલાક હિસ્સાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે કરવામાં આવે છે. સ્લેન્ડર લોરિસના શરીરના હિસ્સાઓમાં આંખોના રોગો અને સાંધાના દુખાવાની સારવારના ઔષધીય ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે."

"કેટલાક જ્યોતિષીઓ ભવિષ્યવાણી કરવા, દુષ્ટ શક્તિના નિરાકરણ અને રોગ મટાડવા માટે પણ જીવંત સ્લેન્ડર નોરિસનો ઉપયોગ કરે છે," એવું તેમણે ઉમેર્યું હતું.

'તેમનું જીવવું અશક્ય બની જશે'

લુપ્તપ્રાય પ્રાણી, મેલીવિદ્યા, પશુ અધિકાર, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, વનજીવન, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, HANDOUT

ઇમેજ કૅપ્શન, ફાઇલ ફોટો

"જે લોકો આ કામ કરે છે તેઓ તાંત્રિક વિધિ પૂર્ણ થયા બાદ ઘાયલ સ્લેન્ડર લોરિસને છોડી મૂકે છે. તાંત્રિક વિધિમાં ઘાયલ થયેલાં આ નાનાં સસ્તન પ્રાણીઓ ઈજાને કારણે આપમેળે જીવી શકતાં નથી અને થોડા દિવસમાં મૃત્યુ પામે છે." આમ કહેતાં ડૉ. રૂપા ભાવુક થઈ ગયાં હતાં અને તેમનો અવાજ ગળગળો થઈ ગયો હતો.

તેમણે જણાવ્યું હતું કે તાંત્રિક વિધિને કારણે પ્રાણીનાં મહત્ત્વપૂર્ણ અંગોને નુકસાન થાય છે. તેથી તેમનું જીવતા રહેવું અશક્ય બની જાય છે.

ઘાયલ પ્રાણીઓ ઉપરાંત પ્રાણીના શરીરમાંથી કાપી નાખવામાં આવેલા ભાગો અથવા તેના અવશેષો પણ મળી આવ્યા હતા. એ પૈકીના કેટલાક ભાગોને સંપૂર્ણપણે અલગ કરીને તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.

આ સંદર્ભે તેમણે કહ્યું હતું, "પરંપરાગત ઔષધના નામે અથવા મેલીવિદ્યા માટે જરૂરી સામગ્રી બનાવવા તેમણે પ્રાણીઓના અવયવોનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે."

પ્રાણીઓના મૃતદેહોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તે સ્પષ્ટ નથી. આવાં કૃત્યો ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. તે કોના દ્વારા, ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું અત્યંત મુશ્કેલ છે, એમ તેમણે જણાવ્યું હતું.

લુપ્ત થવાના આરે આવેલાં પ્રાણીઓ પર અત્યાચાર

લુપ્તપ્રાય પ્રાણી, મેલીવિદ્યા, પશુ અધિકાર, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, વનજીવન, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, HANDOUT

ઇમેજ કૅપ્શન, ફાઇલ ફોટો

ડૉ. રૂપાના જણાવ્યા મુજબ, વર્તમાન સમયમાં આવી ઘટનાઓને અકસ્માત ગણીને તેની અવગણના કરી શકાય નહીં. તેમણે તેમની પાસે ગયા ડિસેમ્બરમાં લાવવામાં આવેલા એક પ્રાણીની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "ડિસેમ્બરના અંતમાં એક ઘાયલ પ્રાણીને બચાવી લેવામાં આવ્યું હતું. તેને સારવાર માટે મારી પાસે લાવવામાં આવ્યુ હતું. તેની હાલત જોતાં જ સમજાઈ ગયુ હતું કે એ પ્રાણી પર મેલી વિદ્યા માટે અત્યાચાર કરવામાં આવ્યો હતો."

એ પ્રાણીને બચાવવામાં આવ્યું તેના એક અઠવાડિયા પહેલાં અમાસ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

"તેનાથી મને ખ્યાલ આવ્યો હતો કે આ પ્રાણીએ કેટલી ભયંકર યાતના સહન કરી હશે. એ અત્યંત અમાનવીય કૃત્ય હતું. અમે તે નાનાં સસ્તન પ્રાણીની સારવાર કરીને તેના બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ ઈજાઓની પીડાને કારણે તે થોડા દિવસ પછી જાન્યુઆરીના અંતમાં મૃત્યુ પામ્યું હતું."

ડૉ. રૂપાએ ઉમેર્યું હતું, "આવાં કૃત્યોથી સસ્તન પ્રાણીઓના અસ્તિત્વ પર મોટું જોખમ સર્જાયું છે. આ પ્રાણીઓનું રક્ષણ કરવું જરૂરી છે. હવે તેઓ લુપ્ત થવાને આરે પહોંચી ગયાં છે. આવા ગુનાઓ રોકવા ગંભીર પગલાં લેવાં જોઈએ."

સ્લેન્ડર લોરિસને બચાવવા વનવિભાગ શું કરી રહ્યો છે?

લુપ્તપ્રાય પ્રાણી, મેલીવિદ્યા, પશુ અધિકાર, તામિલનાડુ, બીબીસી ગુજરાતી, વનજીવન, પ્રાણીઓ

ઇમેજ સ્રોત, HANDOUT

ઇમેજ કૅપ્શન, સંશોધકોએ જે પ્રાણીઓની તપાસ કરી હતી તેમના શરીરના અન્ય ભાગો ઉપરાંત આંખો, પગ અને હૃદયમાં નાની-નાની સોય ભોંકવામાં આવી હતી (ફાઇલ ફોટો)

સ્લેન્ડર લોરિસના અધિવાસને સલામત રાખવા માટે 2022માં કડાવુર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રયાસોનું નેતૃત્વ સુપ્રિયા સાહુ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું, "વન્ય જીવન ગુનાઓમાં તાજેતરમાં થયેલા વધારાનો અર્થ એ નથી કે ગુનાખોરીમાં વધારો થયો છે. તે મજબૂત કરવામાં આવેલા ગુપ્તચર નેટવર્ક અને સુધારિત સામુદાયિક જોડાણનું સકારાત્મક પરિણામ છે."

તેમના મતાનુસાર, અત્યારે જે સક્ષમતાપૂર્વક ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવે છે તેનાથી તામિલનાડુ વન્ય જીવન ગુના નિવારણ એકમને, અગાઉ શોધી ન શકાયેલા ગુનાઓ શોધવામાં પણ મદદ મળી છે.

"તામિલનાડુ વનવિભાગ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવેલું બાતમીદારોનું નેટવર્ક વન્ય જીવન સંબંધિત ગુનાઓ શોધવામાં તેમજ અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે," એમ તેમણે ઉમેર્યું હતું.

"આ નેટવર્ક દ્વારા એકત્ર કરવામાં આવેલી ગુપ્ત માહિતીને લીધે રાજ્યભરમાં વન્ય જીવન સંબંધિત ગુનાઓના ડિટેક્શન રેટમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં દેવાંગુ અને અલંગુ જેવી પ્રાણીઓની લુપ્તપ્રાય પ્રજાતિઓ વિરુદ્ધના ગુનાઓનો પણ સમાવેશ થાય છે."

તેમણે એમ પણ કહ્યું હતું, "એ માહિતીને લીધે આયોજનબદ્ધ રીતે, નિશ્ચિત સ્થળે દરોડા પાડી શકાય છે અને ગુનેગારોની ધરપકડ કરવાનું શક્ય બન્યું છે. ઉગારવામાં આવેલાં દરેક પ્રાણીની તબીબી તપાસ કરવામાં આવે છે અને બાદમાં તેમને વનમાં મુક્ત કરવામાં આવે છે."

તેમના કહેવા મુજબ, "કદાવુર અભયારણ્યમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે. તેમાં સંરક્ષણ પ્રવત્તિઓ, ઇકો-ટૂરિઝમ, પર્યાવરણ વિકાસ પ્રવૃત્તિઓ, સંશોધન અને વન્ય જીવનના સંરક્ષણનો સમાવેશ થાય છે."

એ ઉપરાંત "વધતા પડકારોનો સામનો કરવા અને સ્થાનિક સમુદાયોમાં જાગૃતિ લાવવા માટે વન્ય જીવન સંરક્ષણ કાર્યક્રમો તેમજ દેખરેખની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી રહી છે."

"લોકોમાં અંધશ્રદ્ધા ઘટાડવા, પર્યાવરણમાં સ્લેન્ડર લોરિસના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમના સંરક્ષણ લક્ષ્યને સામાજિક-આર્થિક સુખાકારી સાથે સાંકળીને વન્ય જીવન સંરક્ષણ કેન્દ્રી સ્થાનિક અર્થતંત્ર વિકસાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે," એમ તેમણે કહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન