ગુજરાત કોરોનાની લહેરને પહોંચી વળવા કેટલું તૈયાર?

ગુજરાત કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • ચીન અને અન્ય રાષ્ટ્રોમાં વધતા જતા કોરોનાના કેસોની અસર ગુજરાતમાં જોવા મળશે કે કેમ? શું કહે છે નિષ્ણાત?
  • ગુજરાત સરકાર આગામી સમયમાં ‘તમામ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ’ હોવાના દાવા કરી રહી છે, પરંતુ સત્ય શું છે?
  • જો કોરોનાની વધુ એક લહેર ગુજરાત સહિત સમગ્ર દેશ પર ત્રાટકે તો શું તે કેટલી તીવ્ર હશે? તે અંગે કોઈ ચોખવટ છે ખરી?
બીબીસી ગુજરાતી

ચીન સહિત વિશ્વના અમુક દેશોમાં કોરોનાના વધતાં કેસોને કારણે ભારતમાં પણ ‘ચિંતાનું મોજું’ ફરી વળ્યું છે.

તાજેતરમાં જ એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ)ના ડૉક્ટરો દ્વારા ‘કોવિડને લઈને આગામી 40 દિવસ મહત્ત્વના હોવાનું’ નિવેદન આપવામાં આવ્યું હતું.

આ નિવેદન બાદથી ભારતમાં કોરોના મહામારીની ‘આગામી લહેર’ને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આગામી સમયમાં ભારતમાં કોરોનાની લહેર ફરીથી ત્રાટકશે કે કેમ તે અંગેના સવાલો ઊભા થવા લાગ્યા છે.

તેમજ જો આવું થયું તો આ લહેર કેટલી ‘ખતરનાક’ સાબિત થશે તે અંગે પણ તર્કવિતર્ક થઈ રહ્યા છે.

એવું મનાય છે કે ચીન, જાપાન જેવા દેશમાં કોવિડની રેકૉર્ડ સ્તરે પહોંચી જાય છે ત્યારે ‘તેના લગભગ 30થી 35 દિવસની અંદર ભારતમાં પણ કોવિડનો ખૂબ ઝડપથી પ્રસરવા લાગે છે.’

જો આ વાતમાં તથ્ય હોય તો જાન્યુઆરી મહીનો ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્ય માટે ખૂબ મહત્ત્વનો થઈ જાય છે.

કોરોના મહામારીની શરૂઆતમાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન સરકારે દાવો કર્યો હતો કે તેઓ ‘કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે’, પરંતુ અહેવાલોમાં જોવા મળ્યું એમ દેશનાં ઘણાં રાજ્યોમાં એ સમયે ‘હૉસ્પિલમાં પથારી અને ઓક્સિજનની કમીની સમસ્યાઓ વ્યાપકપણે જોવા મળી.’

ગુજરાતની વાત કરીએ તો ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત તેમની સમગ્ર સરકાર બદલી દેવાઈ તે માટે વિપક્ષે ‘કોરોના સમયે તૈયારીના દાવાથી વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવામાં સરકારની અક્ષમતાને જવાબદાર ઠેરવી હતી.’

જોકે હવે આગામી સમયમાં ગુજરાતમાં કોવિડની સમસ્યા વકરશે કે કેમ? અને જો હા તો તેની તીવ્રતા કેટલી હશે? તેમજ રસી મુકાઈ લીધી હોય તેવા લોકોને પણ તેની અસર થશે કે કેમ?

આવા ઘણા પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યા હોઈ શકે.

આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો અને પરિસ્થિતિથી વાકેફ કેટલાક લોકો સાથે વાત કરી હતી.

ગ્રે લાઇન

આગામી સમયમાં કેટલો ખતરો?

ગુજરાત કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક તરફ સ્થાનિક મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે ભારતમાં બનેલી કોરોનાની રસીની અસરકારકતા બીજા દેશોની રસીઓ કરતાં વધુ છે.

તેમજ સામેની બાજુએ એવું પણ કહેવાઈ રહ્યું છે કે આગામી દિવસો ‘ભારત માટે કપરા હોઈ શકે છે તેમજ કોમોર્બિડ અને સિનિયર સિટીઝન માટે આવનારા દિવસોમાં વધુ ખતરો હોઈ શકે છે.’

આ વાતો પર પોતાનો અભિપ્રાય આપતાં ગુજરાત સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય અને નિષ્ણાત ડૉ. દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હજી સુધી કોઈનેય ખબર નથી કે આ વખત કોવિડનો નવો વૅરિયન્ટ આવ્યો છે કે પછી ચીન અને જાપાન જેવા દેશોમાં જે સ્થિતિ સર્જાઈ રહી છે તે બીએફ 7 વૅરિયન્ટના કારણે જ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેમ જેમ વાઇરસની જનરેશન બદલાય તેમ તેની અસરકારકતા ઓછી થતી હોય છે, પરંતુ તેનાથી વિપરીત ન થઈ શકે તેવું પણ ન માની લેવું જોઈએ.”

તેઓ આગળ જણાવે છે કે, “એક તરફ સરકાર ભવિષ્યની તૈયારીઓ કરી રહી છે, જે જરૂરી છે પરંતુ ખરેખર હાલમાં ડેટા કલેક્શન અને તેના વિશ્લેષણની જરૂર છે.”

“જ્યાં સુધી અમને ખબર નહીં પડે કે કેટલા લોકોમાં કોવિડ સામેની ઍન્ટીબૉડી છે અને કેટલા લોકોમાં નથી, ત્યાં સુધી કોવિડનો ખતરો બધા પર રહેવાનો છે. જાહેર જનતાના રેન્ડમ સૅમ્પલની મદદથી ઍન્ટીબૉડીના સર્વેની જરૂર છે. તેની સાથે સાથે નવાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ નવી રિસર્ચ લૅબોરેટરીઓની પણ એટલી જ જરૂર છે.”

હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી મનસુખ માંડવિયાએ સમગ્ર દેશના ડૉક્ટરો સાથે એક મિટિંગ કરી હતી.

એ મિટિંગમાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પૂર્વ ઉપપ્રમુખ ડૉ.અતુલ પંડ્યા પણ હાજર હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. અતુલ પંડ્યાએ કહ્યું કે, “એ વાતમાં કોઈ જ બેમત નથી કે ભારતની વૅક્સિનની અસરકારકતા વધારે છે, જોકે તેનો અર્થ એ નથી કે આપણે સાવચેત ન રહીએ. જ્યારે ચીન જેવા દેશમાં કરોડોની સંખ્યામાં આ રોગ ફેલાઇ રહ્યો છે, ત્યારે આપણે તેનાથી સાવચેત રહીને કોવિડને રોકવા માટેનાં યોગ્ય પગલાં અનુસરવાં જ પડે.”

તેમણે વધુમાં કહ્યું કે, “અત્યારે જ્યારે આપણે એક ગ્લોબલ વિલૅજમાં રહી રહ્યા છીએ, ત્યારે કોવિડને ચીનથી ગુજરાત આવતા બહુ સમય નહીં લાગે.”

માંડવિયા સાથેની મિટિંગમાં થયેલી વાતચીત અંગે જણાવતાં તેઓ કહે છે કે, “હાલની પરિસ્થિતિને જોતાં કોવિડને લઈને લોકોમાં અને ડૉક્ટરોમાં વધુમાં વધુ સભાનતા આવે તે અંગે આ મિટિંગમાં ચર્ચા થઈ હતી.”

ગ્રે લાઇન

ગુજરાતની તૈયારીઓ શું છે?

ગુજરાત કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોનાની આગામી સંભવિત લહેરની તૈયારી સ્વરૂપે અમદાવાદ ખાતેની 1,200 બેડની હૉસ્પિટલ સહિત 200થી વધુ હૉસ્પિટલમાં ગત બુધવારના રોજ કોવિડની પીક આવે તો શું કરવું તે માટેની મોક ડ્રીલ યોજવામાં આવી હતી.

આ અંગે રાજ્ય સરકારે આપેલ માહિતી પ્રમાણે હાલમાં 1,200 બેડની હૉસ્પિટલમાં 80 બેડ તૈયાર છે અને બીજા ૩૦૦ બેડ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.

સિવિલ હૉસ્પિટલમાં હાલમાં 20 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ પણ કાર્યરત્ છે.

રાજ્ય સરકારે એક અખબારી યાદીમાં આપેલ માહિતી અનુસાર કોવિડના કોઈ શંકાસ્પદ દર્દી જ્યારે હૉસ્પિટલમાં આવે તો તેમના સ્ક્રીનિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

આગામી સમયમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરાઈ રહેલ તૈયારી અંગે વાત કરતાં અસારવા વિધાનસભાનાં ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, “હાલમાં તમામ દવાઓ, સ્ટાફ, વૅન્ટિલેટર વગેરેની તમામ સગવડ વગેરેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.”

જોકે અહીં નોંધનીય છે કે સરકાર દ્વારા આ પ્રકારના દાવાઓ દરેક લહેર પહેલાં કરવામાં આવ્યા હતા.

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી કહે છે કે, “સરકારના દાવાઓ પર અમને તો શું લોકોને પણ ભરોસો નથી. એક તરફ સરકારી તંત્ર હૉસ્પિટલો તૈયાર કરી રહી છે, ત્યાં બીજી બાજુ હજી સુધી અનેક સરકારી દવાખાનાંમાં નર્સ અને ડૉક્ટરોની જગ્યાઓ ખાલી છે. સરકારે સૌથી પહેલાં આ ખાલી જગ્યાઓ ભરવી જોઇએ, જેથી કે કોવિડના સમયમાં ગમે તેવી પરિસ્થિતી સામે ઝઝૂમી શકાય.”

આવી જ રીતે કૉંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કોવિડ અને ગુજરાત સરકાર દ્વારા તેને પહોંચી વળવા કરાયેલી તૈયાર મુદ્દે કહ્યું હતું કે, “સરકાર તૈયારીઓ કરી રહી છે તે સારી વાત છે, પરંતુ સંક્રમણને રોકવા માટે સરકાર શું કરી રહી છે, તે વિશે કોઈ ચોખવટ નથી. કાંકરિયા કાર્નિવલ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગની સુઘડ વ્યવસ્થા નથી, તો પહેલા તો સરકારે સંક્રમણ રોકવાની વાત કરવી જોઈએ, જે હજી સુધી નથી જોવા મળી રહી.”

રેડ લાઇન
રેડ લાઇન