જૂનાગઢ : એક માતાએ તેની પાંચ મહીનાની પુત્રીને નાળામાં ફેંકી શા માટે કરી હત્યા?

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
જૂનાગઢ જિલ્લામાં એક માતાએ તેની પાંચ મહીનાની પુત્રીને ગટરમાં ફેંકીને મારી નાખી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે પોતાની જ પુત્રીની હત્યાનાં આરોપી માતાની ધરપકડ કરી છે. આરોપી માતાએ સાસરિયાવાળા પુત્રીના જન્મ બાદ તેમને ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.
હાલ પોલીસે આરોપી માતાની ધરપકડ કરીને તેમની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ સાસરિયાવાળાને પણ શકની નજરે જોઈ રહી છે. પોલીસે હજુ આરોપી માતાના સાસરિયાવાળા પૈકી કોઈને પકડ્યા નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે માતા ખુદ પણ આત્મહત્યા કરવા માગતાં હતાં પરંતુ હિંમત ન કરી શક્યાં અને બાળકીને ગટરમાં ફેંકીને ઘરે પરત ફર્યાં.
મહિલા ઉત્થાન માટે કામ કરનારાઓ આ ઘટનાને દુ:ખદ ગણાવે છે. તેમનું માનવું છે કે સમાજમાં મહિલાઓ અને બાળકીઓ સામે હિંસા અને ભેદભાવનું આ ચક્ર ભયાનક છે.
મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ આ ઘટનાને સમાજિક વાસ્તવિકતાનું પ્રતિબિંબ માને છે.

‘પુત્રી પેદા થઈ ત્યારબાદ સાસરિયાવાળા આપતા હતા ત્રાસ’

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
10 બહેનો અને પિતા વગરના પરિવારમાં જન્મેલાં કીર્તિનાં લગ્ન માળીયા-હાટીના તાલુકાના વીરડી ગામે હીરેન નાથાભાઈ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ તેમને પુત્રી થઈ હતી. તેનું નામ તેમણે પ્રિષા રાખ્યું હતું.
27 વર્ષનાં કીર્તિ ભણેલાં હતાં. તેમણે પ્રાઇમરી ટિચર કોર્સમાં ડિપ્લોમા કર્યો હતો. તેમના પતિ હીરેન પરમાર ખેડૂત છે અને ખેતીવાડીનું કામ સંભાળતા હતા.
પોલીસ ફરિયાદ પ્રમાણે પ્રિષાના જન્મ પછી સાસરિયાવાળા તરફથી તેમને ત્રાસ આપવામાં આવતો હતો. કીર્તિએ જે પ્રમાણે પોલીસમાં નિવેદન આપ્યું છે તે પ્રમાણે તો તેને લગ્ન બાદ તરત જ સાસરિયાવાળા ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું પરંતુ પુત્રીના જન્મ બાદ તે વધી ગયું.
ફરિયાદમાં કીર્તિ લખાવે છે, "પ્રિષાના જન્મ બાદ પોતે કોઈ કામકાજમાં હોય અને બાળકી રડતી હોય ત્યારે સાસરિયાવાળા તેને જો સાચવતા ન આવડતું હોય તો બાળકો પેદા શું કામ કરો છો તેવા મહેણાં-ટોણાં મારતા હતા."
પોલીસને આપેલા નિવેદનમાં કીર્તિ આરોપ લગાવતાં કહે છે કે પ્રિષાના દવાદારૂમાં જે ખર્ચો થતો તે મામલે પણ તેના સાસરિયા ટોણા મારતા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે કીર્તિ કહે છે કે તેમના મનમાં સવાલ ઉઠ્યો કે પ્રિષા હજુ નાની છે ત્યારે જ તેને આ પ્રકારે હેરાન કરવામાં આવે છે તો તે મોટી થશે ત્યારે શું નહીં થાય?
તેથી તેમણે 29 જુલાઈની રાત્રે જ્યારે પ્રિષા સૂતી હતી ત્યારે તેને મારી નાખવાનું મન બનાવ્યું. કીર્તિ પ્રિષાને ઘરની નજીક આવેલા પાણીના વોકળા પાસે લઈ ગઈ અને તેને ફેંકી દીધી.
બાદમાં કીર્તિએ ઘરે આવીને બધાને ઉઠાડીને કહ્યું કે પ્રિષા ગાયબ છે. પ્રિષાના ગાયબ થવાની પોલીસ ફરિયાદ થઈ.
પોલીસનું કહેવું છે કે તેમણે તપાસ કરી તો બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે જ્યારે પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે કીર્તિ ભાંગી પડ્યાં અને તેમણે જ તેમની દિકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી.
જૂનાગઢ જિલ્લા પોલીસના નાયબ પોલીસ અધિક્ષક ડી. વી. કોડિયાતર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "પૂછપરછમાં કીર્તિએ જણાવ્યું કે તેમને સાસરિયાઓ ત્રાસ આપતા હતા. પુત્રીના જન્મ બાદ ઘરકંકાસને કારણે તેમણે આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત તેમણે કરી છે."
પોલીસે હાલ તેના બે દિવસના રિમાન્ડ મેળવીને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે હાલ કીર્તિ સામે આઈપીસી કલમ 302 દાખલ કરીને ગુનો નોંધ્યો છે.
જ્યારે અમે જૂનાગઢ પોલીસને પૂછ્યું કે જેમણે કીર્તિને ત્રાસ આપ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તે સાસરિયાવાળા સામે પોલીસે શું કાર્યવાહી કરી છે?
આ સવાલના જવાબમાં ડી. વી. કોડીયાતર બીબીસી ગુજરાતીને જણાવે છે, "આરોપી મહિલાનાં નિવેદનો બદલાતાં રહે છે. અમને જો સાસરિયા વિરુદ્ધ પુરાવા મળશે તો તેમની સામે જરૂરથી કાર્યવાહી કરીશું. આ મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે."

શું કહેવું છે સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોનું?
મહિલાઓના કલ્યાણ અને ઉત્થાન સાથે જોડાયેલા સ્વયંસેવીઓ અને સમાજશાસ્ત્રીઓ આ ઘટનાને દુ:ખદ ગણાવે છે.
તેમનું કહેવું છે કે "માનવસમાજમાં ક્રૂરતાને કારણે મહિલાઓ શારીરિક અને માનસિક હિંસાનો ભોગ બને છે. આ પ્રકારની જઘન્ય ઘટનાને રોકવાની જવાબદારી કાયદાના રખેવાળોની સાથે સમાજની પણ છે."
મહિલાઓ માટેના ડેમોક્રેટિક રાઇટ્સ મામલે હંમેશાં પોતાનો અવાજ રજૂ કરતાં ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનનાં ગુજરાત ચૅપ્ટરનાં કન્વીનર મિનાક્ષી જોશી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "આ ઘટના આઘાતજનક છે પણ તે સામાજિક વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે. આ પ્રકારની ઘટના બતાવે છે કે ભારતમાં સામાજિક બદલાવ માટેની ચળવળ ઝાંખી પડી ગઈ છે."
મહિલાઓના કલ્યાણ માટે કામ કરતી સ્વેચ્છિક સંસ્થા આનંદીનાં નીતિ હાર્દિકર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "આ ઘટના પિતૃસત્તાત્મક સમાજના મૂળિયા કેટલા ઊંડા છે તે બતાવે છે. કાયદાઓ હોવા છતાં સમાજના બંધનો મહિલા માટે કેટલા દુષ્પરિણામ આપે છે તેનો આ પુરાવો છે."
તો સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "આ ઘટના બતાવે છે કે એક માતાને (કથિત રીતે)શ્રદ્ધા જ નથી કે આશા જ નથી કે તેની બાળકીનું ભવિષ્ય કેવું હશે? જેવો અત્યાચાર મારી સાથે થયો તેવો જ અત્યાચાર કદાચ મારી પુત્રી સાથે પણ થશે તેવો ભય આવી ભયાનક ઘટનાઓને આકાર આપે છે."
તેઓ વધુમાં ઉમેરે છે, "પુત્રીના જન્મને જ્યાં સુધી સમાજ વધાવતો નહીં થાય ત્યાં સુધી માત્ર બેટી બચાવો, બેટી પઢાવો એવા નારા કારગત નહીં નીવડે."
આ ઘટનાના મનોવૈજ્ઞાનિક કારણો જણાવતા ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે, "(કથિત રીતે) મહિલાને સાસરિયા પહેલાંથી જ મહેણાં-ટોણાં મારતા હતા તેથી તે હતાશ હતાં. મેં ભોગવ્યું તે મારી દિકરી નહીં ભોગવે તે કારણથી તેમણે આ પલગું ભર્યું હોવું જોઈએ."
ડૉ. ભીમાણી વધુમાં ઉમેરે છે, "જ્યારે વ્યક્તિ પોતે હતાશ હોય ત્યારે તે પોતાની જાત પર ગુસ્સો ઉતારે કાં બીજાને હાનિ પહોંચાડે અથવા તો કોઈ વસ્તુની તોડફોડ કરે. તે હતાશામાં પોતાને જે સૌથી વહાલું હોય તેને પણ હાનિ પહોંચાડી શકે છે."










