You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં સર્જાયું ‘મિધિલી’ વાવાઝોડું, શું ગુજરાતને કોઈ અસર થશે?
ભારતના દરિયામાં ચોમાસા બાદ એકસાથે બે વાવાઝોડાં બન્યાં હતાં. અરબી સમુદ્રમાં બનેલું તેજ વાવાઝોડું યમન પર ત્રાટક્યું હતું. તે જ સમયે બંગાળની ખાડીમાં હામૂન વાવાઝોડું પણ સર્જાયું હતું.
થોડા દિવસ બાદ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયું છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાનું નામ ‘મિધિલી’ રાખવામાં આવ્યું છે.
જોકે, તે દેશના કેટલાંક રાજ્યોને અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઓડિશા તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં તેના કારણે ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
ગઇકાલે જ તમિલાનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન વિભાગના બુલેટિન અનુસાર ગઇકાલે સવારે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ હતી.
આજે સવારે આ ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બનીને બંગાળની ખાડીના ઉત્તરમાં વાવાઝોડામાં રૂપાંતરિત થઈ છે.
હવામાન વિભાગ અનુસાર સવારે સાડા પાંચે બંગાળની ખાડીમાં 20.1 અક્ષાંશ અને 88.5 રેખાંશ પર ઓડિશાના પારાદીપથી પૂર્વ દિશામાં 190 કિલોમીટર દૂર, પશ્ચિમ બંગાળના દિઘાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 200 કિલોમીટર તથા બાંગ્લાદેશના ખેપુપારાથી 220 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થિત હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાવાઝોડું 19 નવેમ્બરે સવારે બાંગ્લાદેશના મોંગલા અને ખેપુપારા કિનારે ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
તે દરમિયાન તેની ઝડપ 60થી 80 કિલોમિટર સુધીની રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતને થશે કોઈ અસર?
‘મિધિલી’ વાવાઝોડાને કારણે ભારતના દક્ષિણ-પશ્ચિમ તટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 અને 18 નવેમ્બરે વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળમાં મધ્યમ તો ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય મેઘાલય અને આસામમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 તારીખ સુધી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
તો આ તરફ પૂર્વીય પવનોની લહેરને કારણે 19 તારીખે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે હવામાન પર સીધી અસર થવાની કોઈ શક્યતા રહેલી નથી.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવનારા પાંચ દિવસ સુધી હવામાન સૂકું જ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી.
ચોમાસા બાદ વાવાઝોડાં કેમ સર્જાય છે?
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાય છે. આ એક સામાન્ય પેટર્ન છે અને દર વર્ષે બંને દરિયામાં લગભગ સરેરાશ ચારથી પાંચ વાવાઝોડાં સર્જાતાં હોય છે.
ચોમાસા પહેલાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડાં સર્જાય છે અને ચોમાસા બાદ ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાં સર્જાય છે.
બંને દરિયામાં વાવાઝોડાં સર્જાવા પાછળ દરિયાની જળસપાટીનું ઊંચું તાપમાન અને પવનોની પેટર્ન જવાબદાર છે.
ચોમાસા દરમિયાન દક્ષિણ-પશ્ચિમના મજબૂત પવનો ભારતના દરિયા પર આવે છે અને તે વાવાઝોડાં સર્જાવા દેતા નથી. જોકે, ચોમાસું પૂરું થયા બાદ પવનની પેટર્ન પણ બદલાય છે અને તે વાવાઝોડું સર્જાય તેના માટે અનુકૂળ સ્થિતિ પેદા કરે છે.
ઉપરાંત દરિયાની જળસપાટીનું સરેરાશ તાપમાન પણ વધવા લાગે છે અને તે વાવાઝોડાને ઈંધણ પૂરું પાડવાનું કામ કરે છે. જેના કારણે દર વર્ષે ચોમાસા બાદ પણ વાવાઝોડાં સર્જાય છે.