ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા જાહેર થયા બાદ હવે કોઈ કાર્યવાહી થઈ શકે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત ડેટા સાર્વજનિક થયા બાદ અનેક વિપક્ષી પાર્ટીઓ અને કાયદાના નિષ્ણાતો તપાસની માગ કરી રહ્યા છે.
માગ થઈ રહી છે કે તેની તપાસ થવી જોઈએ કે ક્યાંક બૉન્ડને બદલે કોઈ લેણદેણ તો નથી થઈ ને. જેમ કે કેન્દ્ર અને રાજ્ય સ્તરે કૉન્ટ્રક્ટ મળવો કે ઇડી જેવી તપાસ એજન્સીઓની પૂછપરછ બંધ થવી.
ઉદાહરણ તરીકે કૉંગ્રેસે ગત મહિને પત્રકારપરિષદ ભરીને માગ કરી હતી કે એ વાતની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના થવી જોઈએ કે ઇલેક્ટોરલ બૉન્ડને બદલે ક્યાંક કેન્દ્ર સરકાર તરફથી કોઈ ભેદભાવવાળી કાર્યવાહી તો નથી કરાઈ ને.
આ સિવાય કપિલ સિબ્બલ જેવા કાયદા નિષ્ણાતો અને ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ જેવાં પારદર્શિતાનું અભિયાન ચલાવનારાં સંગઠનોએ આ પણ રીતની તપાસની માગ કરી છે.
આ તપાસ શક્ય છે, તેમાં આગળ શું થઈ શકે છે, જાણો તમામ સવાલના જવાબ.

સાર્વજનિક થયેલા ડેટાથી શું માહિતી મળી છે?

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા તરફથી જાહેર કરેલા ડેટાથી અનેક ટ્રેન્ડરની માહિતી મળી છે.
ઘણા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે દાનનો સમય શંકાસ્પદ છે.
ઉદાહરણ તરીકે ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, એજન્સીઓની તપાસનો સામનો કરી રહેલી 26 કંપનીઓમાંથી 16 કંપનીઓએએ તપાસ શરૂ થયા બાદ રાજકીય પાર્ટીઓને ફંડ આપ્યું અને છ કંપનીઓએ તપાસ બાદ વધુ બૉન્ડ ખરીદ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇલેક્ટોરલ બૉન્ડના કેસ સંબંધિત વકીલોમાંના એક પ્રશાંત ભૂષણ અનુસાર, 33 ગ્રૂપોએ ભારતીય જનતા પાર્ટીને અંદાજે પોણા બે હજાર (1750) કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે અને આ કંપનીઓને 3.7 લાખ કરોડ રૂપિયાના કૉન્ટ્રાક્ટ મળ્યા છે.
પ્રશાંત ભૂષણે દાવો કર્યો છે કે 30 શેલ કંપનીઓએ અંદાજે 143 કરોડ રૂપિયા કિંમતના ઇલેક્ટોરલ બૉન્ડ આપ્યા છે.
એક સમાચાર સંગઠન રિપોર્ટર્સ કલેક્ટિવ અનુસાર, ઇલેક્ટોરલ બૉન્ડના માધ્યમથી ફંડ આપનારા ટોચના 200 દાતાઓમાંથી 16એ પોતાની કંપનીઓ સતત ત્રણ વરસ ખોટમાં રહેવા છતાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા છે.
વિભિન્ન સૅક્ટરોમાં વ્યક્તિગત ચુકવણીને લઈને પણ શંકા થઈ રહી છે, જેમ કે બૅન્કિંગ, રિયલ એસ્ટેટ અને ટેલિકૉમ.
કુલ અંદાજે સાડા સોળ હજાર કરોડ (16,492) રૂપિયાના ખરીદેલા બૉન્ડમાં ભાજપને સવા આઠ હજાર (8,252) કરોડ રૂપિયા, કૉંગ્રેસને અંદાજે બે હજાર (1952) કરોડ રૂપિયા અને ટીએમસીને 1705 કરોડ રૂપિયાના મૂલ્યના ઇલેક્ટોરલ બૉન્ડ મળ્યા છે.

ઇલેક્ટોરલ બૉન્ડમાં ગેરકાયદેસર શું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવા એ એક રીતે કોઈ ગેરકાયદે વાત નથી, કેમ કે જ્યારે તે ખરીદાયા ત્યારે આ એક માન્ય યોજના હતી.
વરિષ્ઠ વકીલ અને ક્રિમિનલ લૉના નિષ્ણાત સિદ્ધાર્થ લૂથરાએ કહ્યું કે "એક કાયદાકીય સ્કીમ હેઠળ થયેલી ચુકવણી સામાન્ય રીતે ભ્રષ્ટાચાર ન માની શકાય."
આ ગેરકાયદે ત્યારે ગણાય જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની કોઈ એક પાર્ટીને ફંડ આપે અને તેના બદલામાં એ પાર્ટી તેના હિતમાં કંઈક કરે.
લૂથરા કહે છે, "આથી તમારે એ પહેલા સાબિત કરવું પડશે કે જે ચુકવણી થઈ એનો સંબંધ કોઈ લાભ સાથે જોડાયેલો હોય. તેના માટે કાં તો એક રાજકીય પાર્ટી સત્તામાં હોય અથવા તો લાભકારી નિર્ણય કરાવવાની તેનામાં ક્ષમતા હોય."
પારદર્શિતાનું અભિયાન ચલાવનાર સામાજિક કાર્યકર અંજલિ ભારદ્વાજે કહ્યું કે "એક વિસ્તૃત તપાસ" કરાવવી પડશે, કેમ "કોઈ પણ એમ નથી કહેતું કે તેમણે કોઈ ખોટા કામ માટે બૉન્ડ આપ્યા કે સ્વીકાર્યા છે."
તેઓ કહે છે, "એ બાબતની તપાસ થવી જોઈએ કે ક્યાંક કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કંપનીઓને બૉન્ડ ખરીદવા માટે તો કરાયો નથી ને અથવા તો એ કંપનીઓ કે વ્યક્તિઓએ તો બૉન્ડ નથી ખરીદ્યા, જેમની પૂછપરછ થઈ રહી હતી અને બાદમાં તેમની સામેના કેસ આટોપી તો લેવા નથી કે પાછા ખેંચી લેવાયા હોય."
અંજલિ ભારદ્વાજે કહ્યું કે લેણદેણના આરોપોનો પણ જોવાની જરૂર છે, જેમ કે શું બૉન્ડ્સ ખરીદવાના બદલે કૉન્ટ્રાક્ટ આપ્યા હતા.

આ તપાસ કેવી રીતે થઈ શકે છે?

ઇમેજ સ્રોત, ANI
તપાસની બે રીત હોઈ શકે છે: પ્રવર્તન નિદેશાલય (ઇડી) જેવી કેન્દ્રીય એજન્સીઓ એ જોઈને તપાસ કરી શકે છે કે આમાં કોઈ મની લૉન્ડરિંગ કે લાંચનો મામલો તો નથી ને. વૈકલ્પિક રીતે આ કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ જેવી કોઈ ન્યાયીય સંસ્થા તરફથી એસઆઈટીની રચના થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુર કહે છે, "એક એસઆઈટી રચવી પડશે. સરકાર આ કામ જાતે કરે તેનો કોઈ રસ્તો નથી. આથી આ માત્ર કોર્ટ મારફતે કરવું પડશે."
તેમણે કહ્યું કે સૌથી વધુ સંભાવના એ છે કે આ આશંકાઓને ઉઠાવીને "કોઈ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે."
તેમણે કહ્યું કે "તપાસ માટે આ મજબૂત કેસ છે. અનેક સંયોગ એક સાથે ઘટિત થઈ રહ્યા છે."
કોલસા ફાળવણી ગોટાળા કેસની સુનાવણી કરનારા જજોમાં એક રહી ચૂકેલા જસ્ટિસ મદન લોકુરે કહ્યું, "જૈન હવાલા કેસથી લઈને અત્યાર સુધીમાં આ રીતની તપાસ અનેક વાર કરાઈ ચૂકી છે. પરંતુ આ મામલામાં પરિસ્થિતિજન્ય પુરાવા ઘણા વધારે છે."
જૈન હવાલા કેસમાં કૅબિનેટ મંત્રીઓ સમેત અનેક નેતાઓ વિરુદ્ધ લાંચ લેવાના આરોપ લાગ્યા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસની દેખરેખ રાખી હતી.
તેમજ ટુજી લાઇસન્સ આપવા જેવા અનેક કેસોમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઇડીની તપાસની દેખરેખી રાખી હતી.
એટલે સુધી કે દિલ્હીની એક કોર્ટની સામે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દલીલ કરી હતી કે આ તથ્યની પણ તપાસ થવી જોઈએ કે દિલ્હી શરાબ નીતિ ગોટાળામાં આરોપી બિઝનેસમૅને ભાજપને 55 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ કરીને આપ્યા હતા.
બિઝનેસમૅન શરદ રેડ્ડી અંતમાં સરકારી ગવાહ બની ગયા અને દિલ્હી કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

કોઈને સજા મળી શકે અને આ સજા કઈ હોઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
લાંચની પ્રકૃતિના આધારે અનેક લોકોને સજા થઈ શકે છે. કાયદા નિષ્ણાતોના આધારે જે લોકો પર કેસ ચલાવાઈ શકે તે આ છે: કંપનીઓની એ વ્યક્તિ, જેમણે ફંડ આપ્યું હતું, રાજકીય પક્ષની વ્યક્તિ, સરકારી અધિકારી જેમની પાસે લાભ આપવાની શક્તિ હતી અને દેણદેણમાં સામેલ અન્ય લોકો.
પ્રશાંત ભૂષણે કહ્યું, "કંપનીના કેટલાક અધિકારી, રાજકીય પાર્ટીના કેટલાક લોકો, સરકારના કેટલાક લોકો અને આ એજન્સીઓના કેટલાક લોકો, જેમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું."
સિદ્ધાર્થ લૂથરા અનુસાર, જો ફંડના તાર અયોગ્ય લાભ સાથે જોડાયેલા હોય તો આ લોકો પર કેસ ચલાવાઈ શકે છે: કોષાધ્યક્ષ, પાર્ટી પ્રમુખ કે જેણે પણ ચુકવણીમાં મદદ કરી હોય અને સંબંધિત સરકારી અધિકારી, જેણે અસલમાં લાભ આપ્યો હોય."
પ્રિન્વેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટની કલમ 70 હેઠળ કંપનીઓને આરોપી બનાવી શકાય છે.
આ કેસમાં, "એ દરેક વ્યક્તિ જે કાયદાના ઉલ્લંઘન સમયે ઇન્ચાર્જમાં હતી અને કંપનીના વ્યાવસાયિક સંચાલનમાં જવાબદારી હતી." એ મની લૉન્ડરિંગના ગુના માટે જવાબદાર ગણાશે.
સિદ્ધાર્થ લૂથરા અનુસાર, આ હેઠળ એક રાજકીય પાર્ટીને પણ આરોપી બનાવાઈ શકાય છે.
તેઓ કહે છે, "જો પાર્ટીને આરોપી બનાવાય તો જે વ્યક્તિ અધ્યક્ષ કે જવાબદાર છે અથવા જેણે સક્રિય ભૂમિકા નિભાવી છે તેના પર કેસ ચલાવાઈ શકે છે."
દિલ્હી આબકારી નીતિના પોલીસ કેસમાં ઇડીએ દલીલ આપી છે કે આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ મારફત મની લૉન્ડરિંગનો ગુનો કર્યો છે, જે પાર્ટીના ઇન્ચાર્જ છે."
પીએમએલએ હેઠળ એક વ્યક્તિને દંડની સાથે સાત વરસની સજા થઈ શકે છે.
જોકે એક રાજકીય પાર્ટીને આરોપી બનાવી શકાય કે નહીં એ સતત ચર્ચાનો વિષય રહ્યો છે અને તેના પર હજુ પણ નિર્ણય બાકી છે.
તેમ છતાં પાર્ટીના જે લોકો ડીલમાં સામેલ હોય તેમને જવાબદાર ઠરાવાઈ શકાય છે.
સિદ્ધાર્થ લૂથરાએ કહ્યું, "વૈકલ્પિક રૂપે જો સૅક્શન 70 નહીં લાગે તો કોઈ પણ વ્યક્તિ જે પૈસા લેવા કે નિર્ણયને પ્રભાવિત કરવામાં સામેલ હોય તે જવાબદાર હોઈ શકે છે."
આ સિવાય ભ્રષ્ટાચારવિરોધી કાયદાની કલમો પણ લાગુ થશે.
આ કાયદા હેઠળ સરકારી કર્મચારી, લાંચ દેનાર અને લાંચની મધ્યસ્થી કરનારને દંડની જોગવાઈ છે.
તેના હેઠળ દંડ અને સાત વર્ષની સજા થઈ શકે છે.
જસ્ટિસ મદન લોકુરે કહ્યું કે "તેઓ કૉન્ટ્રાક્ટ રદ કરી શકે છે."
વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે 1993થી 2010 વચ્ચે ખાનગી કંપનીઓને કરેલી કોલ બ્લૉક ફાળવણી રદ કરી નાખી હતી.














