વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં બીજે દિવસે ગેરહાજરી બાદ મંત્રીએ શું વિનંતી કરી, હિતેનકુમાર અને કલાકારો શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Vikram Thakor/FB/MuluBhaiBera/X
થોડા દિવસો પહેલાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન અપાતાં વિવાદ સર્જાયો હતો.
અભિનેતા વિક્રમ ઠાકોરના આક્ષેપ બાદ કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જે અંતર્ગત તારીખ 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરુવારે) હિતુ કનોડિયા, મોના થીબા, મલ્હાર ઠક્કર, પૂજા જોશી, હિતેનકુમાર, સિદ્ધાર્થ રાંદેરિયા સહિતના કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેનકુમાર, હિતુ કનોડિયા અને અભિનેત્રી મોના થીબા, મલ્હાર ઠક્કર અને પૂજા જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા સહિતના કલાકારો પહોંચી ચૂક્યા હતા. કલાકારો તરફથી હિતુ કનોડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો આભાર માન્યો હતો.
જોકે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું પણ તેઓ વિધાનસભામાં હાજર રહ્યા નહોતા.
વિધાનસભાની કામગીરી જોવાનો કેવો અનુભવ રહ્યો?
જોકે વિધાનસભામાં હાજર રહેલા ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમારા સૌ માટે આ નવો અનુભવ હતો. શા માટે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છીએ એનો અનુભવ અમને સૌને થયો. અમારા માટે આ એક અવિસ્મરણીય અનુભવ હતો."
ગુજરાતી અભિનેતા હિતેનકુમારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "સામાન્ય નાગરિક તરીકે આપણે રાજકારણને માત્ર ચૂંટણીલક્ષી દૃષ્ટિકોણથી જોતા હોઈએ છીએ પરંતુ સરકાર કેવી રીતે ચાલે, એક રાજ્ય કેવી રીતે ચાલે એનો અનુભવ થયો. સરકાર કેવી રીતે ચાલે એની મને 60માં વર્ષે ખબર પડી છે. એક દેશ કે એક રાજ્યને ચલાવવા માટે કેટલું કામ કરવું પડતું હોય છે એનો મને ખ્યાલ આવ્યો."
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર બેલડી મલ્હાર ઠાકર-પૂજા જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને ગુજરાત વિધાનસભાનો આભાર માન્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિક્રમ ઠાકોરની ગેરહાજરી અંગે અન્ય કલાકારોએ શું કહ્યું ?

ઇમેજ સ્રોત, Vikramthakorofficial01/IG
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
વિક્રમ ઠાકોરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "મને ન બોલાવ્યો, એ વાતનો મને કોઈ રંજ નથી. પણ ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે અમારા ઠાકોર સમાજને આ લોકો અવગણી રહ્યા છે."
તેમનો ઇશારો અહીં સરકાર અને સત્તાધારી ભાજપ પક્ષ તરફ હતો.
તેમણે કહ્યું હતું કે, "આ વખતે જ્યારે વિધાનસભામાં મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા ત્યારે મને મારા ઘણા ચાહકો, વડીલોના ફોન આવ્યા કે તમે ત્યાં નથી ગયા? મેં તેમને જણાવ્યું કે મને કોઈ આમંત્રણ મળ્યું નથી. પછી લોકોએ મને એમ પણ કહ્યું કે આપણા સમાજના કોઈ લોકોને બોલાવવામાં આવતા નથી, તો તમે કેમ કંઈ બોલતા નથી? "
વિક્રમ ઠાકોરનું કહેવું હતું કે જો આ વાત માત્ર તેમના પૂરતી હોત તો તેમણે અવગણી હોત, પરંતુ આ વાત તેમના આખા સમાજને સ્પર્શતી હોવાથી તેમણે બોલવું પડ્યું છે.
વિક્રમ ઠાકોરે એમ પણ સવાલ ઉઠાવ્યો હતો કે, "ઠાકોર સમાજમાં પણ ઘણા પેટા સમાજ છે, અને દરેકમાં શ્રેષ્ઠ કલાકારો છે. તો તેમને કેમ બોલાવવામાં ન આવ્યા? સરકારને મારી વિનંતી છે કે તમે દરેક સમાજમાંથી કલાકારોને બોલાવો."
વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવા અંગે પુછાયું ત્યારે એમણે હાલ પૂરતું રાજકારણમાં આવવાની કોઈ ઇચ્છા ન હોવાનું કહ્યું હતું.
જોકે વિક્રમ ઠાકોરના આક્ષેપ બાદ તમામ કલાકારોને બોલવવામાં આવ્યા પરંતુ વિક્રમ ઠાકોર હાજર રહ્યા ન હતા. વિક્રમ ઠાકોરની ગેરહાજરીને લઈને અનેક સવાલો ઊઠ્યા હતા.

ઇમેજ સ્રોત, Mulubhai Bera/FB
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈએ ક્રમશ: ગુજરાતના જેટલા કલાકારો હોય તેમને પણ વારાફરતી બોલાવ્યા હતા. ગૃહની કામગીરી અને લોકશાહીની પદ્ધતિની સમજ આપવા માટે અમે તેમને બોલાવ્યા હતા. મારી વિક્રમભાઈને વિનંતી છે, બજેટ સત્ર અતિમહત્ત્વનું હોય છે, જો એમાં તેમણે બીજા કલાકારોની જેમ હાજરી આપી હોત તો મને આનંદ થાત. હજુ પણ કાલનો દિવસ છે અને તેમને હું વિનંતી કરું છું કે કાર્યવાહી નિહાળો, અધ્યક્ષશ્રીને મળો. તમને આનંદ થશે."
વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં ગેરહાજરીને લઈને હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, "વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું છે, કદાચ કોઈ વ્યસતતાને કારણે આવી ન શક્યા હોય એવું બની શકે."
હિતેનકુમારે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, "વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી. કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી. શરૂઆતમાં ક્યાં ક્ષેત્રના કલાકારો એ અંગે ક્યાંક ગેરસમજણ થઈ હતી. હિતુભાઈએ વિક્રમને આમંત્રણ આપ્યું જ છે પરંતુ તેઓ કોઈ કારણથી જોડાઈ શક્યા નથી."
"દરેક તબક્કાના લોકોને અહીં સામેલ કરવાનો પ્રયાસ થયો છે. નરેશભાઈ, ઉપેન્દ્રભાઈથી માંડીને આજના સમયના કલાકારોને દરેક જ્ઞાતિએ એકસરખો પ્રેમ આપ્યો છે."
"મારી મીડિયાના મિત્રોને વિનંતી છે આ મુદ્દાને મોટો ન બનાવવામાં આવે. આપણે જ્ઞાતિવાદને વેગ ન આપીએ અને સમાજના ભાગલા ન પાડીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












