'નકામી વસ્તુઓ'થી બનેલાં વિચિત્ર ઘરો જેમાં અતિશય ગરમી અને ઠંડીની કોઈ અસર થતી નથી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લિન્ડા લાબન
- પદ, બીબીસી ટ્રાવેલ
તાઓસની આસપાસના રણના આત્યંતિક તાપમાનનો સામનો કરી શકાય એ રીતે અર્થશિપ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાઓસમાં આત્યંતિક હવામાન હોય છે અને શિયાળામાં ઠંડીનો પારો શૂન્યથી નીચે ચાલ્યો જાય છે અને ઉનાળામાં અત્યંત આકરો તાપ પડે છે.
ન્યૂ મેક્સિકોના સુંદર ઊંચા રણમાં પ્રવેશો તો તમને કેટલાંક વિચિત્ર તથા બિનપરંપરાગત ઘર જોવાં મળે. કેટલાંક ભવ્ય અને ગોળાકાર હોય છે, જ્યારે અન્ય કેટલાંક પ્રાચીન મંદિરો જેવાં સ્વરૂપનાં હોય છે. એ બધું સ્ટાર વૉર્સ ફિલ્મનું હોય એવું લાગે.
લગભગ 40 વર્ષ પહેલાં તાઓસ નગર અને તેની આસપાસના વિસ્તારમાં આ અર્થશિપ્સ એટલે કે ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જરાય ઉત્સર્જન નહીં કરતા ટકાઉ ડિઝાઇનવાળાં ઘરો મોટા ભાગે કુદરતી અને જૂનાં ટાયર, વાઇનની ખાલી બૉટલો જેવી નકામી સામગ્રી અને માટીમાંથી બાંધવામાં આવે છે.
અર્થશિપના નિર્માણમાં કૉન્ક્રિટ અને પ્લાસ્ટિક જેવી ઝેરી અથવા કાર્બન ઉત્સર્જક બાંધકામ સામગ્રીની ઓછી જરૂર હોય છે. તેમાં કિંમતી વૂડલૅન્ડ અને અન્ય કુદરતી સંસાધનોની જરૂર પણ પડતી નથી.
આવાં ઉત્કૃષ્ટ ઘરોની માગ વિશ્વમાં સતત વધી રહી છે. આશરે પાંચ લાખથી નવ લાખ ડૉલરમાં અર્થશિપ ખરીદી શકાય છે. તેમાં રોજના લગભગ 240 ડૉલર ચૂકવીને રાત્રિ રોકાણ પણ કરી શકાય છે.
ઇકો-કન્સ્ટ્રક્શન કંપની અર્થશિપ બાયોટેક્ચરના સ્થાપક, કેન્ટુકીના વતની માઇકલ રેનૉલ્ડ્સ આર્કિટેક્ચરની ડિગ્રી સાથે 1969માં અહીં આવ્યા હતા.
1970ના દાયકામાં અર્થશિપ ચળવળ શરૂ થઈ હતી. તેમના કહેવા મુજબ, તેનું ધ્યેય "મજા માટે ડર્ટ બાઇક્સ પર સવારી"નું હતું.
હવે 71 વર્ષના થયેલા રેનૉલ્ડ્સના જીવનમાં આનંદની ક્ષણ આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ બીબીસીને કહે છે, "મેં સીબીએસ ન્યૂઝના સમાચાર વાચક વૉલ્ટર ક્રોનકાઇટને જોયા હતા. તેઓ લાકડા માટે કરવામાં આવતા જંગલના સફાયા અને તેને કારણે સર્જાતી જમીનના ધોવાણની તેમજ ઑક્સિજન સમસ્યા વિશે વાત કરતા સાંભળ્યા હતા."
"આપણે હવે જેને ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગ કહીએ છીએ તેની વાત તેઓ કરી રહ્યા હતા. હું બધાને બીયરના કેન ફેંકતા જોતો હતો અને કહેતો હતો કે આપણે વૃક્ષોને બદલે બીયરના કેનમાંથી ઘર શા માટે ન બનાવવાં જોઈએ?"

ઇમેજ સ્રોત, Earthship Biotecture
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રેનૉલ્ડ્સે 1971માં તેમનું બીયર-કેન હાઉસ બનાવ્યું હતું અને તેની વિચિત્રતા માટે સમાચારમાં થોડા ચમક્યા હતા.
એ પછી તો પેરિસના લુવ્ર મ્યુઝિયમ અને ન્યૂ યૉર્ક સિટીના મ્યુઝિયમ ઑફ મૉર્ડન આર્ટ્સ (મોમા) સહિતના વિશ્વના વિવિધ ભાગોમાં તેને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
રેનૉલ્ડ્સ કહે છે, "મોમા 4,500 ડૉલર ચૂકવીને હમણાં જ એક બીયર કેન બ્રિક ખરીદી છે. વાસ્તવમાં એક પ્રદર્શનમાં બીયરના કેન્સમાંથી બનાવવામાં આવેલા બિલ્ડિંગ બ્લૉક્સ પૈકીના એકનો ઉપયોગ કરીને મ્યુઝિયમે તેને પોતાના સ્થાયી સંગ્રહમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો."
તેમ છતાં રેનૉલ્ડ્સને વર્ષો સુધી એક ગંભીર વાસ્તુકાર તરીકે નહીં, પરંતુ એક પાગલ વ્યક્તિ ગણવામાં આવતા રહ્યા હતા.
રેનૉલ્ડ્સ કહે છે, "તે એક રીતે વિચિત્ર વિચાર હતો, પરંતુ હું એ દિશામાં આગળ વધતો રહ્યો. મેં બૉટલોનો ઉપયોગ શરૂ કર્યો. પછી ટાયરોનો ઉપયોગ શરૂ કર્યો અને હું આગળ વધતો રહ્યો."
"હું લગભગ 55 વર્ષથી આ દિશામાં આગળ વધી રહ્યો છું અને લગભગ 36 વર્ષ પહેલાં મેં મારા એક ઘરને અર્થશિપ એવું નામ આપ્યું હતું."
વ્યાપક સ્વીકૃતિ મેળવવામાં તેમને બહુ લાંબો સમય લાગ્યો. ઓફ્ફ-ગ્રીડ રહેવાના નાણાકીય રીતે સશક્ત પાસાં વિશે વાત કરતાં રેનૉલ્ડ્સ કહે છે, "અર્થશિપ્સ બહુ અજબ લાગતાં હતાં અને હજુ પણ લાગે છે, પરંતુ લોકો હવે તેને સમજી રહ્યા છે અને તેને આવકારી રહ્યા છે, કારણ કે ઘણા લોકોએ બેઘર થવાની કે વીજળીના બિલ ચૂકવવાની ચિંતા કરવી પડતી નથી. લોકો હવે ક્લાયમેટ ચેન્જને પલટાવવા ઇચ્છે છે."
અંદરથી કેવું હોય છે તાઓસ?

ઇમેજ સ્રોત, Earthship Biotecture
તાઓસ એક એવી જગ્યા છે, જે કલાકારોને તથા એકલા રહેવા ઇચ્છતા લોકોને લાંબા સમયથી આકર્ષિત કરતી રહી છે. તેના પ્રાચીન પુએબ્લો (ગામ) અને નવા શહેરમાં આકર્ષક વાસ્તુકલા છે. મોટા ભાગનાં પરંપરાગત વિગા-બીમવાળા એડોબ હોમ્સ છે.
તેની છત લાકડી અને માટીથી બનાવવામાં આવી છે. તાઓસ અર્થશિપ માટે એકદમ યોગ્ય સ્થળ હતું. અર્થશિપ ટાયરોની મોટી દીવાલોવાળા હોય છે અને પ્રત્યેક ટાયરમાં માટી ભરવામાં આવે છે.
અર્થબીમની ત્રણ બાજુ પર અર્થ બર્મ (સહેતુક બાંધવામાં આવેલો માટીનો કાંઠો) બનાવવામાં આવ્યા છે, જે તાપમાનને નિયંત્રિત કરતો ઇન્સ્યુલેટિંગ માસ પ્રદાન કરે છે. સહાયક બીમ પર સ્થાપિત પરંપરાગત બારીઓ અને ઇમારતના પાઇપ વેન્ટ મારફત કૂલિંગ કરવામાં આવે છે.
પ્રત્યેક અર્થશિપના લોકેશનના આધારે તેની ઉત્તર કે દક્ષિણ દિશામાં એક ગ્રીનહાઉસ છે. (કારણ કે લોકો પાસે પોતાનું ભોજન ઉગાડવાની ક્ષમતા હોવી જોઈએ, એવું રેનૉલ્ડ્સ માને છે) મોટા ભાગની અર્થશિપ સૌર ઊર્જાથી સંચાલિત હોય છે. કેટલીકમાં પૂરક તરીકે વિન્ડ ટર્બાઇન અથવા લાકડાં સળગાવવાનો ચુલો હોય છે.
તાઓસમાં શિયાળો બર્ફિલો, ઠંડોગાર હોય છે, જ્યારે ઉનાળો મોટા ભાગે શુષ્ક અને જોરદાર ગરમીવાળો હોય છે. બહાર ભલે ગમે તેવી મોસમ હોય, પરંતુ અર્થશિપમાં આંતરિક તાપમાન સમગ્ર વર્ષ દરમિયાન 21 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ રહે છે.
રેનૉલ્ડ્સ તેમના પરિવાર સાથે 35 વર્ષ પહેલાં પોતાની પહેલી અર્થશિપમાં રહેવા ચાલ્યા ગયા હતા. તેમનો પરિવાર અહીં જ વિકસ્યો છે અને અત્યારે પણ તેઓ અર્થશિપમાં જ રહે છે. રેનૉલ્ડ્સ ખભા ઊંચકીને કહે છે, "આ એટલી આરામદાયક છે કે અમે તેને છોડવા ઇચ્છતા નથી."
અદ્ભુત અનુભવ

ઇમેજ સ્રોત, Getty Images
અર્થશિપમાં રહેવાનો અનુભવ કેવો હોય છે તેની વાત કરતાં અર્થશિપ કન્સ્ટ્રક્શનનાં મેનેજર ડેબોરાહ બાઇંડર કહે છે, "તમે માતાના ગર્ભમાં હો એવું લાગે છે. કોઈ તમને સતત આલિંગન કરતું હોય અને સ્નેહ કરતું હોય એવું લાગે.
તાપમાન કાયમ આરામદાયક હોય છે. ક્યારેક બહાર બહુ ઠંડી હોય તો હું કોટ પહેર્યા વિના બહાર નીકળી પડું છું, કારણ કે અંદર બહુ ગરમી હોય છે."
બાઇંડરના જણાવ્યા મુજબ, તેઓ મલાવી, આફ્રિકામાં એક નૉન-પ્રૉફિટ પ્રોજેક્ટનું સંચાલન કરવા માટે 11 વર્ષ પહેલાં આવ્યાં હતાં, પરંતુ તેમને કન્સ્ટ્રક્શનનો કોઈ અનુભવ ન હતો.
તેઓ કંપની સાથે જોડાયેલાં રહ્યાં એટલું જ નહીં, પરંતુ તાઓસ પહોંચ્યાં અને હાલ તેઓ અર્થશિપ ભાડેથી આપે છે અને પોતાની અર્થશિપનું નિર્માણ પણ કરે છે. તેઓ એક અર્થશિપ એકૅડેમીમાં વિદ્યાર્થીઓને ભણાવે છે.
આ એકૅડેમીમાં અર્થશિપ ડિઝાઇનના સિદ્ધાંતો, નિર્માણ પદ્ધતિઓ તથા ફિલોસૉફી શીખવવામાં આવે છે અને તમામ પ્રકારના લોકોને આ એકૅડેમી આકર્ષિત કરે છે.
બાઇંડર કહે છે, "મોટા ભાગના લોકો જાતે શીખવા ઇચ્છતા હોય છે. કેટલાક લોકો સામુદાયિક પ્રૉજેક્ટ્સ માટે નિર્માણ કરવાનું શીખતા હોય છે."
અર્થશિપ્સ પર્યાવરણ પૂરક હોવા છતાં તેનો આવાસ અને હવામાન પરિવર્તનના સંકટને ઘટાડવાના વિકલ્પ તરીકે હજુ સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી.
બાઇંડર કહે છે, "તે એક રીતે હજુ પણ હાંસિયા પર જ છે. લોકો અર્થશિપમાં રહે તે જરૂરી છે. તેમાં રહેવાનો અનુભવ અનોખો હોય છે, પરંતુ વ્યાવહારિક રીતે તમારે વીજળીનું બિલ ચૂકવવું પડતું નથી. એ બહુ આશ્ચર્યજનક છે."

ઇમેજ સ્રોત, Earthship Biotecture
રેનૉલ્ડ્સ કહે છે, "જે લોકો આમાં રહેવાનો અનુભવ એક વખત કરે છે, તેઓ પોતાના માટે અર્થશિપ બનાવવા ઇચ્છતા હોય છે." વાત અર્થશિપમાં ભાડેથી રહેલા લોકોએ ગેસ્ટબુક્સમાં લખેલાં શાનદાર વખાણથી સાબિત થાય છે.
રેનૉલ્ડ્સ માને છે કે અર્થશિપને તત્કાળ આદર્શ બનાવવાનો સમય આવી પહોંચ્યો છે. તેમનું લક્ષ્ય પૃથ્વીને નષ્ટ કરતી ઊર્જા માંગ અને બેઘર થવાના જોખમના જવાબમાં ભાડેથી આપી શકાય તેવાં યોગ્ય સામુદાયિક આવાસોના નિર્માણનું છે.
તેઓ કહે છે, "મને કમિશન મેળવવામાં કોઈ રસ નથી. કોઈ ગ્રાહક હોવાથી મારી ગતિ ધીમી થઈ જાય છે. મારે આ કામ જલદી પૂર્ણ કરવું છે અને યોગ્ય ભાડા પર લોકોને લીઝ પર આપવું છે."
રેનૉલ્ડ્સ તેમના નવીનતમ રેફ્યુજ અર્થશિપ મૉડેલની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યા છે. તેઓ માને છે કે દર મહિના યુટિલીટીના તોતિંગ બિલ્સ ચૂકવી ન શકવાની અસમર્થતાને કારણે બેધર થવામાં અને ગરીબીના સામનામાં આ મૉડેલ બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે.
તેઓ ભારપૂર્વક કહે છે, "રેફ્યૂજ નિર્માણની દૃષ્ટિએ સૌથી કિફાયતી મૉડેલ છે. તેનો અમે સમગ્ર દુનિયામાં ઉપયોગ કરવાના છીએ."
અહીં એક મનમોજી ઍટલાન્ટિસ પણ છે. તે એક આકર્ષક વળાંકવાળી પીરોજ અર્થશિપ છે, જે ઇમારતના સ્કલ્પચરલ, કલાત્મક પાસાં તરીકે બનાવવામાં આવી છે.
એક કલાકાર તરીકે કામ કરીને કૉલેજમાં પ્રવેશેલા રેનૉલ્ડ્સ કહે છે, "તેમાં કળાનું એક પાસું છે. તેમાં સ્ટેઇન્ડ ગ્લાસ માટે મેં બૉટલોનો ઉપયોગ કરે છે અને તેમાં સ્કલ્પચરલ પાસું પણ છે. એ બહુ સુંદર છે."
તેઓ ઉમેરે છે, "ખરેખર સુંદર વાત એ છે કે અર્થશિપ પૃથ્વીની સંભાળ રાખવાની સાથે લોકોની સંભાળ પણ રાખે છે. જેટલી અર્થપૂર્ણતા ઘરમાં છે, તેટલી કળામાં નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












